આત્મવિશ્વાસ ટકાવી રાખ - (લાઇફ કા ફન્ડા)

09 December, 2019 02:17 PM IST  |  Mumbai | Heta Bhushan

આત્મવિશ્વાસ ટકાવી રાખ - (લાઇફ કા ફન્ડા)

એક ૪૦ વર્ષના સફળ બિઝનેસમૅનનું નામ આકાર. તેને ઓચિંતાની બિઝનેસમાં બહુ મોટી ખોટ ગઈ. ઘર-ગાડી-બંગલાઓ બધું વેચાઈ ગયું. પરિવારજનોએ પણ સાથ છોડી દીધો. બધાએ નુકસાન માટે તેને એકલાને જવાબદાર ઠેરવ્યો.

આકારને બધા ઠરીઠામ થાય એવી ૪૦ વર્ષની ઉંમરે ફરીથી એકડેએકથી જીવનની શરૂઆત કરવાની ફરજ પડી. આકાર પહેલા ડરી ગયો. શું કરશે? કેમ કરશે? કઈ જ સૂઝતું ન હતું. એક દિવસ તે સાવ નાસીપાસ થઈ બેઠો હતો. પત્ની રીટા તેની પાસે આવી. હમણાં પત્ની આગળ કેમ કરીશુંની હજારો ચિંતા ઠાલવશે એમ આકારે વિચાર્યું, પરંતુ રીટા એવું કઈ જ ન બોલી.

પાનખર ઋતુ હતી. વહેલી સવારે આકાર ગૅલરીમાં વિચારોમાં ખોવાયેલો બેઠો હતો. રીટાએ ચા બનાવી અને આકાર પાસે ગઈ. તેણે આકારના હાથને પોતાના હાથમાં લીધો અને દૂર એક ઝાડ બતાવ્યું જેનાં બધાં પાંદડાં ખરી રહ્યાં હતાં અને ઝાડનું ઠૂંઠું અકબંધ એકલું ઊભું હતું. રીટાએ આકારને કહ્યું, ‘આકાર, આ જો પેલું ઝાડ જે દરેક પાનખર ઋતુમાં બધાં પાંદડાં ખોઈ દે છે, પણ પોતાના મૂળ પર વિશ્વાસ અકબંધ રાખીને ઊભું રહે છે અને એનો વિશ્વાસ સફળ થાય છે. અનુકૂળ વાતાવરણ અને ઋતુમાં એ ઝાડના ઠૂંઠા પર નવી કૂંપળ ફૂટે છે, નવાં પાન ઊગે છે અને ઝાડ પાછું લીલુછમ થઈ જાય છે. આકાર તું હિંમત ન હાર. ભલે આપણે બધું ગુમાવી દીધું છે, પણ તારી આવડત અને હોશિયારી તો છે તારી પાસે. આ ઝાડની જેમ માત્ર પાંદડાં ખરી ગયાં છે, મૂળથી એ ઊખડી ગયું નથી એમ તે પણ માત્ર બિઝનેસમાં પૈસાનું નુકસાન કર્યું છે, આવડત અને હોશિયારી છે જ. તારા આત્મવિશ્વાસને મજબૂત કર. આત્મવિશ્વાસ હશે તો મહેનત કરી બધું પાછું મેળવી લેશું, પણ જો તું હિંમત હારી જઈશ તો પછી આપણું જીવન વેરણછેરણ થઈ જશે.’

આટલું બોલતાં રીટાની આંખમાં આંસુ આવ્યાં. આકાર તેને ભેટીને રડી પડ્યો. તેમણે નાનકડા દીકરાને હકીકત સમજાવી. ભાડાના ઘરમાં રહેવા લાગ્યા અને આકાર પોતાનો ઇગો છોડી જે મળ્યાં એ કામ કરવા લાગ્યો. એક મિત્રે નોકરી આપી અને બીજાં કામ મળવાં લાગ્યાં. રીટા પણ ઘર સંભાળતી અને કામ પણ કરતી. પાંચ–છ વર્ષમાં મહેનત રંગ લાવી. આકારે નોકરીની સાથે પોતાનો નાનકડો બિઝનેસ ફરી શરૂ કર્યો. સફળતા મળવા લાગી. આજે એ વાતને ૨૦ વર્ષ વીતી ગયાં. રિટાયરમેન્ટ થવાની વયે આકારે બીજો નવો બિઝનેસ શરૂ કર્યો અને નવા બિઝનેસનો લોગો ‘પાનખરમાં બધાં પાન ખરી ગયેલું ઝાડ’ રાખ્યો. નવા બિઝનેસ લૉન્ચિંગ પાર્ટીમાં તેણે રીટાને પોતાની સેકન્ડ ઇનિંગની સફળતાનો શ્રેય આપતાં કહ્યું, ‘આ બધાં પાન ખરેલા ઝાડને બતાવી રીટાએ મને મારો આત્મવિશ્વાસ ટકાવી રાખવાની પ્રેરણા આપી અને મારા આત્મવિશ્વાસ અને રીટાના મારામાં વિશ્વાસના આધારે હું ફરી સફળ થઈ શક્યો છું.’

columnists