પશિયો રંગારો, અશ્વત્થામા, મોમણ અને મહેન્દ્ર જોષી

15 November, 2019 01:44 PM IST  |  Mumbai | Jamnadas Majethia

પશિયો રંગારો, અશ્વત્થામા, મોમણ અને મહેન્દ્ર જોષી

પ્રતીકાત્મક તસવીર

મહેન્દ્ર જોષી.

‘તાથૈયા’, ‘તોખાર’, ‘ખેલૈયા’, ‘કેસરભીના’ વગેરે ગુજરાતી નાટકો તમને યાદ આવે અને ‘પશિયો રંગારો’, ‘અશ્વત્થામા’, ‘મોમણ’, ‘સંતાકૂકડી રમતાં રમતાં’ જેવાં નાટકો અમને યાદ આવે. રંગભૂમિ પર મહેન્દ્ર જોષીનું અનોખું યોગદાન છે, તેમનું ન કહેવાય, તેમને ખોટું લાગે, અપમાન જેવું લાગે. મહેન્દ્ર જોષીને ‘તું’ જ કહેવાય, જોષી કહેવાય. તેમને એમાં જ પોતીકાપણું લાગે. ખૂબ જ આડંબરવાળો, કોઈ પણ આડંબર વિનાનો માણસ, મિત્ર, દિગ્દર્શક. તેની સાથે સંપર્કમાં આવેલી કોઈ પણ વ્યક્તિ તેમને ક્યારેય ન ભૂલી શકે એવી તેમની વર્તણૂક અને છટા. કોઈની સાડાબારી કે શરમ નહીં, કોઈની એટલે કોઈની જ નહીં. તેમની ભાષાને કોઈ લગામ નહીં, તેમના વિઝનની જેમ, તેમની કલ્પનાની જેમ.

જોષીનાં બધાં નાટકોની વાત કરવા બેસું તો પુસ્તક લખાઈ જાય, પણ અહીં તો મારા અને જોષીના અંગત અનુભવોની વાત કરવાની છે. બાય ધ વે, જેમને ખબર ન હોય તેમને જણાવી દઉં કે પ્રત્યક્ષ રીતે તો મહેન્દ્ર જોષી ઘણાં વર્ષો પહેલાં ગુજરી ગયા છે, પણ હજી આજે પણ અમારા બધા વચ્ચે તેઓ સતત જીવંત છે, બધા સતત તેમને યાદ કરે છે. તેમની સાથેનાં નાટકોનાં જે ગ્રુપ જ્યાં બન્યાં હોય એ લોકો જ્યાં અને જ્યારે મળે ત્યારે જોષીની વાત કર્યા વગર રહે જ નહીં.

મહેન્દ્ર જોષીના ખાસ એટલે એમાંના એક આમિર ખાન. આમિર ખાને જોષીના ગુજરાતી નાટક ‘પશિયો રંગારો’ અને પૃથ્વી થિયેટરમાં રજૂ થયેલા ‘કેસરભીનાં’માં કામ કર્યું છે. આજે પણ તે ‘કેસરભીનાં’ના ડાયલૉગ ગુજરાતીમાં સંભળાવી શકે છે. ‘પશિયો રંગારો’ નરસિંહ મોનજી કૉલેજના INTની આંતરકૉલેજ નાટ્યસ્પર્ધાનું માટેનું નાટક હતું, એ સમયની સ્ટારકાસ્ટ લખીએ તો આજની મલ્ટિસ્ટારર ફિલ્મ જેવું લાગે. એક નાના રોલમાં આમિર ખાન, મોટા રોલમાં અમોલ ગુપ્તે, દીપક તિજોરી, જેડી મજેઠિયા, પરેશ ગણાત્રા અને બીજા અનેક કલાકારો.

આ નાટકનાં રિહર્સલ્સના અનુભવો અદ્ભુત હતા અને શો, શો તો સાહેબ અવિસ્મરણીય. છેલ્લી ઘડીએ શોમાં દીપક તિજોરી મોડો આવ્યો તો જોષીએ તેને નાટકમાંથી કાઢી મૂક્યો અને અમારા નાટકનું ભવિષ્ય અધ્ધરતાલ. દોઢ મહિનાથી બધા કૉલેજમાં ભણવાનું પડતું મૂકીને ૩૦-૩૫ કલાકારો માત્ર રિહર્સલ્સ કરતા અને બીજા દિવસે જ્યારે INTમાં પર્ફોર્મન્સ હતો ત્યારે એક દિવસ અગાઉ જોષીએ તેને કાઢી મૂક્યો અને ન રાખ્યો એ ન જ રાખ્યો.

પછી આગલી રાતે બહુ ડરતાં-ડરતાં બધા સ્ટુડન્ટ સાથે જોષી તરફ ગયા અને જઈને તેમને પૂછયું, હું એટલે કે હું, આ જેડી આ ડબલ રોલ કરી લે? હું કે દીપક એકેય વખત સ્ટેજ પર સાથે નથી અને મને દીપકના બધા ડાયલૉગ યાદ છે. એ હિંમત જોઈ અને બધાનો સપોર્ટ જોઈ તે માંડ માંડ માન્યો. આખી રાત હું જાગ્યો, ખૂબ મહેનત કરી, બધું રેડી કર્યું અને બીજા દિવસે સવારે શો કર્યો. શો બહુ ખરાબ થયો, પણ થયો ખરો.

જોષી સાથે કામ કરતાં-કરતાં ઘણું શીખ્યો, કૉલેજ-ડેમાં મારાં નાટકો લેખક-દિગ્દર્શક તરીકે થવા લાગ્યાં. બે નાટક હોય નરસી મોનજીના કૉલેજ-ડેમાં. એક જેડી મજેઠિયાનું અને બીજું મહેન્દ્ર જોષીનું. એનું સુંદર, અદ્ભુત રીતે બનેલું અને પ્રબોધ જોષીએ લખેલું અને ખરા અર્થમાં નાટક કહેવાય એવું નાટક હોય અને બીજી બાજુ પ્યૉર એન્ટરટેઇનર સ્કિટ હોય. વધારે રિસ્પૉન્સ, તાળીઓ અને લાફ્ટર આપણી સ્કિટને જ મળે, કારણ કે કૉલેજ ડેઝમાં લોકોને ટાઇમપાસ જ જોઈતો હોય એટલે મજા આવે, પણ એ મારા પર બહુ ભડકે, કહે કે તું ઑડિયન્સને કરપ્ટ કરી રહ્યો છે. હું હસું અને એમ કહું કે લોકોને મજા આવે છેને?

ત્યારે મને નહોતું સમજાતું પણ બહુ દૂરદેંશી હતો જોષી એ આજે મને સમજાય છે, મનોરંજન એટલે લોકોને હસાવવાના જ કે ખાલી કૉમેડી નહીં, પણ એક આહ‍્‌‍લાદક અનુભવ. મારી સ્કિટ સારી જ હતી, પણ એને નાટક ન ગણી શકાય કે નાટક ન કહી શકાય. એને એક સ્કિટ જ કહેવાય. નાટક એવાં હોવાં જોઈએ જે તમે ઘરે લઈ જાઓ, દિવસોના દિવસો અને વર્ષોનાં વર્ષો તમે માણો. વારંવાર જોવાનું મન થાય એવાં હોવાં જોઈએ.

એ સમયે પૃથ્વી થિયેટરમાં ‘ખેલૈયા’ નામના નાટકની બોલબાલા. ચંદ્રકાન્ત શાહના લખેલાં, રજત ધોળકિયાએ સંગીત મઢેલાં, રચેલાં ગીતો લોકો કલાકારો સાથે ગાય અને ઉત્સવની જેમ આખું નાટક માણે. લોકો પચીસ-પચીસ વાર નાટક જુએ. આટલો ક્રેઝ મેં કોઈ નાટક માટે પૃથ્વી થિયેટરમાં નથી જોયો. એ પછી મહેન્દ્ર જોષીએ બનાવ્યું ‘તાથૈયા’.

‘તાથૈયા’ની વાત આગળ કરું એ પહેલાં એક બીજી વાત તમને કહું. મહેન્દ્ર જોષીના નાટકમાં લોકોના રિપ્લેસમેન્ટ રાતોરાત થઈ જાય. એવી જ રીતે દર્શન જરીવાલા સાથે તેમને શું આડું પડ્યું અને રાતોરાત પરેશ ગણાત્રા આવી ગયા મુખ્ય ભૂમિકામાં અને એ રીતે આપણે પણ કોઈક રીતે જોડાઈ ગયા. મારા બધા મિત્રો પરેશ ગણાત્રા, વિપુલ શાહ, દેવેન ભોજાણી, આતિશ કાપડિયા એમાં કામ કરે તો સાથોસાથ બીજા દિગ્ગજ કલાકારો ઉમેશ શુક્લ, દિલીપ જોષી, મકરંદ દેશપાંડે, આનલ દેસાઈ, ચંદ્રશેખર શુક્લ, અનુરાગ પ્રપન્ન અને કોઈ એકાદ ભૂલી જતો હોય તો ક્ષમા કરજો, પણ મલ્ટિસ્ટારર આજની પણ એમાં તેમણે મને કાસ્ટ નહોતો કર્યો. હું જોષીનો એકલવ્ય હતો, પણ તેમણે મારો અંગૂઠો નહોતો લઈ લીધો.

હું નરસી મોનજીમાં જનરલ સેક્રેટરી પણ હતો એટલે બીજી ઘણી પ્રવૃત્તિમાં ઍક્ટિવ રહેતો એટલે તેઓ મને કાસ્ટિંગથી દૂર રાખે. એવું તેમના મનમાં કે તું રિહર્સલ્સમાં બરાબર સમય નહીં આપે, પણ હું કોઈ ને કોઈ રીતે રિપ્લેસમેન્ટ આવે એટલે પછીથી ઘૂસી જતો. મિત્રો ત્યાં હોય એટલે રિહર્સલ્સમાં બેઠો હોઉં. ઘણી વાર અને લગભગ બધાની લાઇનો યાદ હોય એટલે જેવું કોઈ રિપ્લેસમેન્ટ આવે કે આપણે ખડેપગે ઊભા જ હોઈએ. આ જ વાત અને આ જ સ્વભાવને કારણે મેં મકરંદ દેશપાંડેનુ ‘તાથૈયા’માં થોડા શોમાં રિપ્લેસમેન્ટ કર્યું હતું.

બૅકસ્ટેજનો એક અનુભવ અહીં ટાંકવા માગું છું. એક વાર ‘તાથૈયા’ અને ‘ખેલૈયા’ના શો સાથે હતા, એક ડેટ પર. એક શો હતો નરીમાન પૉઇન્ટ પર અને બીજો શો હતો પૃથ્વી થિયેટરમાં. બન્ને જગ્યાએ ફેસ્ટિવલ ચાલે. હું પ્રોડક્શન સંભાળતો હતો, બૅકસ્ટેજ સંભાળતો હતો એટલે હું એનસીપીએમાં હતો અને તેઓ બધા પૃથ્વી પર. એ રાતે પૃથ્વી થિયેટર પર પાર્ટી જેવું હતું એટલે જોષીએ મને કહ્યું કે તું આ બધો સામાન ટૅક્સીમાં લઈ જઈને ગોડાઉનમાં મૂકીને પછી ટૅક્સીમાં જ સીધો આવી જજે, એટલે તું પણ પાર્ટીમાં સમયસર પહોંચી જાય. હવે, મને શું સૂઝ્‍યું કે હું બધો સામાન ગ્રાન્ટ રોડ પર ગોડાઉનમાં મૂકીને ત્યાંથી ટૅક્સીને બદલે ટ્રેનમાં આવ્યો અને ટ્રેનમાંથી પાર્લા ઊતરીને મેં રિક્ષા પકડી અને હું સમયસર પહોંચી ગયો અને આમ મેં ૭૫ રૂપિયા બચાવ્યા. એ ૭૫ રૂપિયા મેં જોષીને આપ્યા. ત્યારે મનહર ગઢિયા ત્યાં બેઠા હતા. મનહર ગઢિયાને આમ તો સૌકોઈ ઓળખે જ છે અને છતાં તમને કહી દઉં કે તેઓ જાણીતા નિર્માતા અને નાટકોની જાહેરખબરના સર્જક અને પ્રચારક છે.

મનહર ગઢિયાએ જોષી સામે જોયું અને જોષીએ કહ્યું કે જો આ, આ ૭૫ રૂપિયા બચાવીને લાવ્યો. ૭૫ રૂપિયા એ જમાનામાં બહુ મોટી રકમ ગણાતી, કારણ કે ઘણા વખત સુધી અમે તો મફતમાં જ કામ કરતા અને એ પછી નાઇટ શરૂ થાય ત્યારે ૩૫ રૂપિયા મળતા. ૩૫ની આવક અને ૭૫ પાછા આપ્યા એટલે મનહર ગઢિયાએ કહ્યું, ‘ભાઈ, લોહાણો છે લોહાણો, પાક્કો હોશિયાર છે. એ સમયે જોષીએ કહ્યું હતું કે લોહાણો જવા દે, આ એક દિવસ પ્રોડ્યુસર બનશે, આ પ્રોડ્યુસર છે. મને તો ત્યારે આ વાત રજિસ્ટર નહોતી થઈ, પણ આજે મને જોષીના એ શબ્દો ઘણી વાર યાદ આવે છે. 

પૈસો ખોટી રીતે ન વેડફાય અને એકેક પાઈ-પાઈ બચાવીને એને નિર્માણમાં નાખો તો એક સારી ક્વૉલિટીનું નાટક બને, એક સારી ક્વૉલિટીની પ્રોડક્ટ બને એ વાત મારા મગજમાં એ સમયે બેસી જે આજ સુધી અકબંધ રહી છે.

(મહેન્દ્ર જોષીની વધારે વાતો કરીશું આવતા શુક્રવારે.)

columnists JD Majethia