મારા સત્યના પ્રયોગો

02 October, 2019 01:40 PM IST  |  મુંબઈ | ગાંધી ખરા અર્થમાં મહાત્મા - સેજલ પોન્દા

મારા સત્યના પ્રયોગો

ગાંધીજી

ગાંધીજીએ પોતાની આત્મકથામાં પોતાની જાતને જ અરીસો બતાવ્યો છે. માતા-પિતાથી લઈને તેમના જીવનમાં આવેલી દરેક વ્યક્તિ સાથેના તેમના વ્યવહાર ઉજાગર કર્યા છે. સત્ય સાંભળવું કડવું હોય તો લખવું તો કેટલું કડવું હોઈ શકે! લોકો જ્યારે પોતાના વિશે લખે ત્યારે ક્યારેક એ પસ્તી બની જાય છે, પણ ગાંધીજીની આત્મકથા પુસ્તકરૂપે સચવાઈ છે અને એનું જતન ભવિષ્યમાં પણ થતું રહેશે.

પોતાના વિશે સત્ય બોલવાનું આવે ત્યારે જેવા છે તેવા ઉજાગર થવામાં ગાંધીને કોઈ ક્ષોભ કે સંકોચ નહોતો. દુનિયાની સામે તેમને પોતાની કોઈ સારી ઇમેજ ક્રીએટ કરવામાં રસ નહોતો. જે જીવ્યા એ જ લખ્યું. ઈશ્વરે ગાંધીજીના જન્મ પહેલાં તેમના જીવન વિશે જે લખ્યું હશે એ જ સત્ય ગાંધીજીએ પોતાની આત્મકથા દ્વારા ઈશ્વરને સમર્પિત કર્યું. એટલે ઈશ્વરે જ્યારે પોતાનો ચોપડો અને ગાંધીજીની ડાયરી ચેક કરી હશે ત્યારે સોમાંથી સો માર્ક્સ આપ્યા હશે.

ગાંધીજીએ તેમની માતા પૂતળીબાઈ વિશે એક બહુ સરસ પ્રસંગ લખ્યો છે. ગાંધીજીએ લખ્યું છે કે ઃ મારી માતા સાધ્વી હતી એવી મારા પર છાપ રહેલી છે. તે બહુ ભાવિક હતી. પૂજાપાઠ વિના કદી ન જમે. હવેલીએ હંમેશાં જાય. હું સમજણો થયો ત્યારથી તેણે કદી ચાતુર્માસ છોડ્યા હોય એવું મને સ્મરણ નથી. કઠણમાં કઠણ વ્રતો તે આદરતી અને નિર્વિઘ્ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તો પણ ન જ છોડે. એક ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અમે છોકરા વાદળ સામું જોઈ રહીએ કે ક્યારે સૂર્ય દેખાય ને ક્યારે મા જમે. ચોમાસામાં ઘણી વેળા દોહ્યલાં થાય એ તો સૌ જાણે છે. એવા દિવસો યાદ છે કે જ્યારે સૂર્યને અમે જોઈએ, બા-બા સૂરજ દેખાયો કહીએ ને બા ઉતાવળી-ઉતાવળી આવે ત્યાં તો સૂરજ ભાગી જાય. કંઈ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોય કહી બા પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઈ જાય.

કેટલો હિંમત આપનારો પ્રસંગ છે આ. સૂર્યને જોવાનું અનિવાર્ય હોય અને પહોંચતાંની સાથે જ સૂર્ય ગાયબ થઈ જાય. અને તોય એ માતાની ધીરજ એવી કે કોઈ અકળામણ નહીં. કેટલી સાહજિકતાથી પૂતળીબાઈએ એ ઘટનાનો સ્વીકાર કર્યો. જરા પણ વિચલિત થયા વિના. શું આવી ધીરજ, આવો સ્વીકારભાવ આપણામાં છે ખરો? જ્યારે આપણા જીવનમાં અંધકાર આવે છે ત્યારે આપણે એનો આટલી સાહજિકતાથી સ્વીકાર કરી શકીએ છીએ ખરા? આ પ્રશ્ન આપણે જાતને પૂછવાનો છે અને આપણી અંદર સુધારો કરવાનો છે.

ગાંધીજીએ તેમના પિતા વિશે લખેલો એક બીજો પ્રસંગ યાદ આવે છે. ગાંધીજીએ લખ્યું છે કેઃ બીડીઓનાં ઠૂંઠાં ચોરવાં ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. આ ચોરી એટલે મારા ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનુંસરખું એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું. કડું કપાયું, કરજ ફીટ્યું. પણ મારા સારુ આ વાત અસહ્ય થઈ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજી પાસે કબૂલ કરી દેવું જોઈએ એમ લાગ્યું, પણ જીભ ન ઊપડી. છેવટે મેં ચિઠ્ઠી લખી પિતાજીને ધ્રૂજતા હાથે હાથોહાથ આપી. તેમણે ચિઠ્ઠી વાંચી અને તેમની આંખમાંથી મોતીનાં બિંદુ ટપક્યાં. ચિઠ્ઠી ભીંજાઈ. તેમણે ક્ષણવાર આંખ મીંચી ચિઠ્ઠી ફાડી નાખી. હું પણ રડ્યો. મારા સારુ આ અહિંસાનો પદાર્થપાઠ હતો. એ વેળા તો મેં એમાં પિતાપ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું કૂટશે એવું મેં ધાર્યું હતું; પણ તેમણે અપાર શાંતિ જાળવી.

દોષની નિખાલસ કબૂલાત આપણને સંપૂર્ણપણે બદલી શકે છે એ આ પ્રસંગથી શીખવા જેવું છે.

ગાંધીજીના ગૃહસ્થકાળનો એક પ્રસંગ જાણવા જેવો છે. ગાંધીજી લખે છે ઃ જ્યારે હું ડર્બનમાં વકીલાત કરતો ત્યારે ઘણી વાર મારા મહેતાઓ મારી સાથે રહેતા. એમાં હિન્દુ અને ખ્રિસ્તી હતા. તેમના વિશે મારા મનમાં કદી ભેદભાવ ઊપજ્યાનું સ્મરણ નથી. એક મહેતો ખ્રિસ્તી હતો. ઘરની બાંધણી પશ્ચિમ ઘાટની હતી. દરેક કોટડીમાં મોરીને બદલે પેશાબને સારુ ખાસ વાસણ હોય છે. એ ઉપાડવાનું કામ નોકરનું નહોતું, પણ અમારું ધણીધણિયાણીનું હતું. મહેતાઓ જે પોતાને ઘરના જેવા માનતા થઈ જાય તે તો પોતાનું વાસણ પોતે ઉપાડે પણ ખરા. આ પંચમ કુળમાં જન્મેલા મહેતા નવા હતા. તેમનું વાસણ અમારે જ ઉપાડવું જોઈએ. બીજાં તો કસ્તુરબાઈ ઉપાડતી. પણ આ કસ્તુરબાઈને મન હદ આવી. અમારી વચ્ચે ક્લેશ થયો. હું ઉપાડું એ તેને ન પાલવે, તેને પોતાને ઉપાડવું ભારે થઈ પડ્યું. આંખમાંથી મોતીનાં બિંદુ ટપકાવતી, હાથમાં વાસણ ઝાલતી અને મને પોતાની લાલ આંખોમાંથી ઠપકો આપતી સીડીએથી ઊતરતી. આમ તેના માત્ર વાસણ ઊંચકી જવાથી મને સંતોષ ન થયો. તે હસતે મુખે લઈ જાય તો જ મને સંતોષ થાય. એટલે મેં બે બોલ ઊંચે સાદે કહ્યા ઃ આ કંકાસ મારા ઘરમાં નહીં ચાલે. પત્ની ધગી ઊઠી અને બોલીઃ  ત્યારે તમારું ઘર રાખો તમારી પાસે, હું ચાલી. હું તો ઈશ્વરને ભૂલ્યો. મેં હાથ ઝાલ્યો ને દરવાજા લગી ખેંચી ગયો. દરવાજો અડધો ઉઘાડ્યો. કસ્તુરબાઈ બોલી ઃ તમને તો લાજ નથી, મને છે. હું બહાર નીકળીને ક્યાં જવાની હતી? અહીં મા-બાપ નથી કે ત્યાં જાઉં. હવે લજવાઓ અને દરવાજો બંધ કરો. મેં દરવાજો બંધ કર્યો. જો પત્ની મને છોડી શકે એમ નહોતી તો હું પણ તેને છોડીને ક્યાં જનારો હતો? અમારી વચ્ચે કજિયા તો પુષ્કળ થયા છે, પણ પરિણામ હંમેશાં કુશળ જ આવ્યું છે. પત્નીએ પોતાની અદ્ભુત સહનશક્તિથી જીત મેળવી.

આ પણ વાંચો : ગાંધીજીની ગુજરાતીને અનન્ય ભેટ

ગાંધીજીએ પોતાના જીવતરની કરેલી નિખાલસ કબૂલાતો તેમને ખરા અર્થમાં મહાત્મા બનાવે છે. આપણે ગાંધીજીને રોજ મળીએ છીએ સરકારી કચેરીઓમાં છબી સ્વરૂપે, લેતીદેતીના વ્યવહારમાં, કોઈક લેખકના લેખમાં, કોઈ ચિત્રકારના ચિત્રમાં, કોઈક બાળકના નિખાલસ હાસ્યમાં. આવી અનેક પરોક્ષ જગ્યાએ ગાંધીજી હયાત છે, પણ શું તેમના સત્યના પ્રયોગો હજી પણ આપણામાં જીવે છે ખરા? આ પ્રશ્નનો જવાબ સંતોષકારક ક્યારેય નહીં મળે. પણ એક ખાતરી છે કે ગાંધીજી હજી પણ પ્રત્યક્ષ રીતે આપણી વચ્ચે જીવે છે અને આપણી જિવાતી જિંદગીની ડાયરી લખી રહ્યા છે.

mahatma gandhi gandhi jayanti columnists Sejal Ponda