Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગાંધીજીની ગુજરાતીને અનન્ય ભેટ

ગાંધીજીની ગુજરાતીને અનન્ય ભેટ

02 October, 2019 01:25 PM IST | ગાંધી ખરા અર્થમાં મહાત્મા - દીપક મહેતા

ગાંધીજીની ગુજરાતીને અનન્ય ભેટ

અમદાવાદના સાબરમતી આશ્રમમાંની પ્રતિમા

અમદાવાદના સાબરમતી આશ્રમમાંની પ્રતિમા


સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગૂજરાતી;

ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી, નમો ધન્ય ગાંધીગિરા ગૂજરાતી



આપણા મોટા ગજાના કવિ ઉમાશંકર જોશીએ ઉપરની પંક્તિઓમાં આપણી માતૃભાષા ગુજરાતીને ‘ગાંધીગિરા’ તરીકે ઓળખાવી છે. સ્થળ અને સંસ્થાના નામ જેટલી સહેલાઈથી બદલી શકાય છે એટલી સહેલાઈથી કોઈ ભાષાનું નામ બદલી શકાતું નથી. પણ જો બદલી શકાતું હોત તો આપણી માતૃભાષાને ‘ગાંધીગિરા’ નામ આપવું યોગ્ય ગણાત. ગાંધીજી જેવા મહામનાની માતૃભાષા હોવાનું માન ગુજરાતી ભાષાને મળ્યું છે એ આપણા સૌનું સદ્ભાગ્ય છે. જેના સૌથી વધુ ભાષામાં અનુવાદ થયા હોય એવું ગુજરાતી પુસ્તક કયું? આખી દુનિયામાં જેનું સૌથી વધુ વેચાણ અને વાંચન થયું હોય એવું ગુજરાતી પુસ્તક કયું? જવાબ છે ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો.’ ગાંધીજી જેના તંત્રી હતા એ સાપ્તાહિક ‘નવજીવન’માં ૨૯ નવેમ્બર, ૧૯૨૫ના અંકથી એનું ધારાવાહિક પ્રકાશન શરૂ થયું. અને છેલ્લો હપતો ૩ ફેબ્રુઆરી, ૧૯૨૯ના અંકમાં છપાયો. બે ભાગમાં પુસ્તકરૂપે આ આત્મકથા ૧૯૨૭ અને ૧૯૨૯માં પ્રગટ થઈ. ત્યારે પ્રત્યેક ભાગની કિંમત એક રૂપિયો હતી. સૌથી પહેલાં એનો અંગ્રેજી અનુવાદ ૧૯૪૦માં પ્રગટ થયો જે ગાંધીજીના અંતેવાસી મહાદેવ દેસાઈએ કર્યો હતો. એ અનુવાદ પ્રગટ થયો ત્યાં સુધીમાં મૂળ ગુજરાતી પુસ્તકની ૫૦ હજાર નકલ વેચાઈ ગઈ હતી. ત્યાર બાદ હિન્દી, ઉર્દૂ, બંગાળી, મરાઠી, મલયાલમ, કન્નડ, તેલુગુ, અસમિયા, તમિળ, ઓડિયા, કશ્મીરી અને પંજાબી જેવી ભાષાઓમાં ગાંધીજીની આત્મકથાના અનુવાદ પ્રગટ થયા છે. અંગ્રેજી ઉપરાંત ફ્રેંચ, જર્મન, સ્પૅનિશ, ઇટાલિયન, કોરિયન અને જપાની જેવી વિદેશી ભાષામાં પણ અનુવાદ પ્રગટ થયા છે. એક અંદાજ પ્રમાણે માત્ર નવજીવન ટ્રસ્ટે આજ સુધીમાં જુદી-જુદી ભાષાઓમાં ગાંધીજીની આત્મકથાની એક કરોડ કરતાં વધુ નકલ વેચી છે. વિદેશી ભાષાઓના અનુવાદને શરૂઆતમાં બહુ સારો આવકાર મળ્યો નહોતો, પણ ૧૯૮૪માં એટિનબરોની ‘ગાંધી’ ફિલ્મ આવી એ પછી આજ સુધી એની માગ સતત વધતી રહી છે. માત્ર આ આત્મકથા મૂળમાં વાંચવા ખાતર જ ગુજરાતી ભાષા શીખ્યા હોય એવા ઘણા દાખલા વિદેશોમાં જોવા મળે છે. આમ પોતાની આત્મકથા દ્વારા ગાંધીજી ગુજરાતી ભાષાના ફરતા રાજદૂત (રોમિંગ ઍમ્બૅસૅડર) બની રહ્યા છે.


gandhi-01

ગાંધીજીની આત્મકથા અને એના કેટલાક અનુવાદ


ગાંધીજીએ બીજી એક રીતે પણ ગુજરાતી ભાષાને દેશ અને વિદેશમાં અનેક સ્થળે ગુંજતી કરી છે. આપણા આદ્ય કવિ નરસિંહ મહેતાનું પદ ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ગાંધીજીનું અત્યંત પ્રિય ભજન હતું. સાબરમતી આશ્રમની સવારની પ્રાર્થનામાં એ નિયમિત રીતે ગવાતું. એનું પહેલવહેલું રેકૉર્ડિંગ ૧૯૦૭માં બહાર પડ્યું હતું. એ પછી આજ સુધીમાં એમ.એસ. શુભલક્ષ્મી અને લતા મંગેશકર, પંડિત જસરાજ, કૌશિકી ચક્રવર્તી, અનુપ જલોટા, બૉમ્બે જયશ્રી, શ્રેયા ઘોષાલથી માંડીને અનેક અજાણ્યાં, ઓછાં જાણીતાં, જાણીતાં અને વિખ્યાત ગાયક-ગાયિકાએ આ ભજન ગાયું છે. વિદેશના પણ અનેક કલાકારો આ ગીત ગાઈ ચૂક્યા છે. અનેક સભા, સમારંભ, કાર્યક્રમમાં એ ગવાતું રહે છે. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જુદા-જુદા ૧૨૪ દેશના કલાકારોએ ભેગા મળીને આ ગીત ગાઈને રેકૉર્ડ કર્યું છે. ગાંધીજીને કારણે આ ગીત લોકપ્રિય થયું એ પહેલાં ગુજરાતમાં – ખાસ કરીને કાઠિયાવાડમાં – નરસિંહનાં બીજાં પદોની સાથે એ પણ ગવાતું. પણ ગાંધીજીએ આ ગુજરાતી ગીતને અને નરસિંહ મહેતાને  એક અનન્ય ઓળખ આપી. તેમણે ગુજરાતી ભાષાના શબ્દોને આ ગીત દ્વારા અનેક દેશોમાં ગુંજતા કર્યા.

ગાંધીજીની પ્રેરણાથી, તેમના આગ્રહથી, તેમની દેખરેખ નીચે ગુજરાતી ભાષા અંગે જે એક મોટું કામ થયું એ તો જોડણીની એકવાક્યતા માટે તૈયાર થયેલો ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ.’ ૭ એપ્રિલ, ૧૯૨૯ના ‘નવજીવન’માં ગાંધીજીએ લખ્યું હતું: ‘નાક વિનાનું મનુષ્ય જેમ શોભે નહિ, તેમ જોડણી વિનાની ભાષાનું સમજવું.’ આ અર્થમાં ગાંધીજીએ આપણી ભાષાનું નાક રાખ્યું. અલબત્ત, ગુજરાતી જોડણીમાં એકવાક્યતા લાવવા માટેનો તેમનો પ્રયત્ન પહેલો નહોતો. ૧૯મી સદીમાં મુદ્રણ અને છાપેલાં પુસ્તકો, સામયિકો, અખબાર આવ્યાં ત્યારથી એ દિશામાં વખતોવખત પ્રયત્નો થયા હતા; પણ એમાંના કોઈ પ્રયત્નને ઝાઝી સફળતા મળી નહોતી. પરિણામે કૅપ્ટન જર્વિસ, સર થિયોડોર હોપ, રેવરન્ડ જે. એસ. વી. ટેલર, કવિ નર્મદાશંકર વગેરેના પ્રયત્નો અમુક નાનકડા વર્ગ પૂરતા જ મર્યાદિત રહ્યા હતા; જ્યારે ગાંધીજી પ્રેરિત ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશને ધીમે-ધીમે વ્યાપક માન્યતા મળી. ૧૯૨૯માં એની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે એ માત્ર ‘જોડણીકોશ’ હતો, ‘શબ્દકોશ’ નહીં. એટલે કે એમાં શબ્દોના અર્થ આપ્યા નહોતા, માત્ર સાચી જોડણી જાણવા માટે જ એનો ઉપયોગ થઈ શકે એમ હતું. પછી જ્યારે ૧૯૩૧માં એની બીજી આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે એમાં શબ્દોના અર્થ ઉમેરવામાં આવ્યા અને એટલે એ ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ બન્યો. પણ વિદ્યાપીઠના આ કોશને વ્યાપક માન્યતા મળી એ તો ૧૯૪૦માં એ વખતની મુંબઈ સરકારે લીધેલા એક નિર્ણયને પ્રતાપે. એ નિર્ણય અનુસાર સરકારે એવો હુકમ બહાર પાડ્યો કે ભવિષ્યમાં ‘જોડણીકોશ’માં નક્કી કરાયેલી જોડણીને અનુસરે એવાં જ પુસ્તકોને પાઠ્યપુસ્તકોની મંજૂર થયેલી યાદીમાં મૂકવામાં આવશે. એ વખતે સરકારે પાઠ્યપુસ્તકો તૈયાર અને પ્રગટ કરવાનું અવિચારી સાહસ કર્યું નહોતું. ખાનગી પ્રકાશકોનાં મંજૂર થયેલાં  પુસ્તકો શાળાઓમાં વપરાતાં. કોઈ પણ પુસ્તક પાઠ્યપુસ્તક બને તો એનું વેચાણ ઘણું વધી જાય. એટલે કોઈ પ્રકાશકને આ હુકમની અવગણના કરવી પાલવે એમ નહોતું. એટલે ‘જોડણીકોશ’ની જોડણી અપનાવ્યા સિવાય તેમનો છૂટકો નહોતો. અંગ્રેજીમાં જેને રિપલ ઇફેક્ટ કહે છે એના કારણે પછી અખબારો, સામયિકો વગેરેએ પણ જોડણીકોશની જોડણી અપનાવી.

gandhi-02

બે વૈષ્ણવજન -- નરસિંહ અને ગાંધીજી

જોકે જોડણી કરતાં પણ ગાંધીજીનો વધુ ઊંડો પ્રભાવ પડ્યો એ તો આપણી ભાષાની શૈલી (સ્ટાઇલ) પર પડ્યો. ૧૯મી સદીનાં પહેલાં પચાસ-સાઠ વર્ષ ઘણાખરા લેખકો લોકોમાં બોલાતી ભાષાની નજીકની ભાષાશૈલીમાં લખતા. નર્મદ, દલપતરામ, નંદશંકર મહેતા, નવલરામ વગેરેની ભાષામાં બોલચાલના શબ્દપ્રયોગો, ઉચ્ચારો, લઢણો મોટા પ્રમાણમાં જોવા મળે છે.  પણ પછી જેને પંડિતયુગ કે સાક્ષર યુગ કહેવામાં આવે છે એ સમયમાં ઘણાબધા લેખકોની ભાષાશૈલી સંસ્કૃતપ્રધાન, અટપટી, આડંબરી અને આમ આદમીને ભાગ્યે જ સમજાય એવી બની ગઈ. ગાંધીજીએ પોતાનાં લખાણો અને વિચારો દ્વારા ગુજરાતી ભાષાને ફરી પોતીકાપણું અપાવ્યું. કોશિયો પણ સમજી શકે એવું લખવાનો તેમનો આગ્રહ ભલે ન અપનાવાયો હોય, પણ સરેરાશ ભણેલા વાચકને નજર સામે રાખીને લખ્યા વગર ચાલે એમ નથી એ વાત ઘણાખરા લેખકોને સમજાઈ ગઈ. પછી અગાઉની આડંબરી સંસ્કૃતપ્રચુર ભાષામાં લખવાનું ન યોગ્ય રહ્યું, ન શક્ય. ગુજરાતી ભાષાના ચહેરા પરથી આ રીતે તેમણે સંસ્કૃતનું મહોરું દૂર કર્યું અને એનો પોતીકો ચહેરો બતાવ્યો.

ગાંધીજીના તંત્રીપણા નીચે બે ગુજરાતી સામયિકો પ્રગટ થયાં – નવજીવન અને હરિજનબંધુ. એ બેમાંથી એકે આજે આપણે જેને ‘સાહિત્યનું સામયિક’ કહીએ એવું નહોતું. ગાંધીજીની વિચારણામાં સાહિત્યનો નિષેધ નહોતો જ, પણ એ સાહિત્ય પૂરતી મર્યાદિત નહોતી; એ જીવનલક્ષી હતી. અને છતાં આજે આપણે જે લેખકોનાં નામ આપણા સાહિત્યની પહેલી હરોળમાં મૂકીએ છીએ તેવા કેટલા બધા લેખકો આ બે સામયિકોમાં નિયમિત રીતે લખતા હતા! થોડાંક જ નામ : મહાદેવ દેસાઈ, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, સ્વામી આનંદ, નરહરિ પરીખ. ગાંધીજીનાં જે પુસ્તકો (સંચયો, ભાષણો વગેરે નહીં) પ્રગટ થયાં છે એ પણ પહેલાં ‘નવજીવન’ કે ‘હરિજનબંધુ’માં હપ્તાવાર પ્રગટ થયાં હતાં. ‘આત્મકથા’ ઉપરાંત તેમનાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, ગીતાવિચાર, મંગલપ્રભાત જેવાં પુસ્તકો પહેલાં આ રીતે પ્રગટ થયાં હતાં.

પણ ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથેના ગાંધીજીના એક અનોખા સંબંધ તરફ બહુ ઓછાનું ધ્યાન ગયું છે. ગાંધીજી તેમના જીવન દરમ્યાન માત્ર એક જ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને એ ચૂંટણી હારી ગયા હતા! એ ચૂંટણી હતી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણી. ૧૯૨૦માં ગુજરાતી સાહિત્યનું છઠ્ઠું અધિવેશન અમદાવાદમાં ભરાવાનું હતું એ પહેલાં થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ગાંધીજીને હરગોવિંદદાસ કાંટાવાળા નામના એક ‘સાક્ષરે’ હરાવ્યા હતા. આજે તો સાહિત્યના ઘણાખરા અભ્યાસીઓ માટે પણ આ કાંટાવાળાનું નામ અજાણ્યું બની ગયું છે. એ વખતે બીજા એક સાક્ષરે ગાંધીજી ચૂંટણીમાં ઊભા રહે એનો પણ વિરોધ કરતાં લખ્યું હતું કે ‘આ માણસને ગુજરાતી લખતાં જ આવડતું નથી. એમનું એક અનુવાદિત પુસ્તક મેં જોયું છે, અને તે જોતાં મને લાગ્યું છે કે એમના કરતાં તો આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પણ વધુ સારું ગુજરાતી લખી શકતો હોય છે.’

જોકે એ પછી ૧૯૩૬માં અમદાવાદ ખાતે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખસ્થાને ગાંધીજી બિરાજ્યા હતા અને પોતાના ભાષણમાં ‘કોશિયો પણ સમજી શકે’ એવું સાહિત્ય રચવાની લેખકોને હિમાયત કરી હતી. કહ્યું હતું: ‘હું તો ગામડામાં પડેલો એટલે ગામડિયાની દૃષ્ટિએ મારી ભૂખ રજૂ કરું. મને તો ગામડામાં રહેનાર માટે અનેક જાતનાં પુસ્તકો જોઈએ છે. મારી એ ભૂખ તમે સાહિત્યકારો પૂરી પાડો. એવાં કોઈ પુસ્તકો લખાયાં હોય તો મને મોકલજો.’

જોકે આ બારમા અધિવેશન વખતે ગાંધીજી પ્રમુખ થાય એનો પણ વિરોધ નહોતો થયો એવું નથી. આજે આપણે જેમને ગાંધીયુગના અગ્રણી સાહિત્યકાર ગણીએ છીએ એ ઉમાશંકર જોશીએ બે પત્રો લખીને પ્રમુખપદ ન સ્વીકારવા માટે ગાંધીજીને આગ્રહભરી વિનંતી કરી હતી. ૨૮ ઑક્ટોબર, ૧૯૩૫ના દિવસે ગાંધીજીને લખેલા પત્રમાં ઉમાશંકરે લખ્યું હતું: ‘આટલાં વરસ સુધી અમે સાક્ષરો નહીં એમ અસહકારી લેખકો કહેતા, પણ હવે તો ‘ના, ના આપ સૌ પણ સાક્ષરો છો’ એવાં મનામણાંને સ્વીકારતા હો એવું જ આ પ્રમુખપદના બનાવ પરથી સમજાય છે. કદાચ એ અનિવાર્ય હશે. ભદ્રવર્ગીય સાક્ષરો સાથે જ આપને વિશેષ સામ્ય હશે. નહિ તો કુદરતી રીતે મોત પામતી પરિષદને પ્રાણવાયુ આપવા આપ સમય કાઢો નહિ...આપને સાહિત્યકાર તરીકે નવાજવા એ ખોટું નથી પણ એ એક જાતની વિડમ્બના તો છે જ.’ ઉમાશંકરના લાંબા પત્રના જવાબમાં ૧૦ નવેમ્બર, ૧૯૩૫ના રોજ લખેલા પત્રમાં ગાંધીજીએ લખ્યું કે તમારા પત્રમાં તમે ખરેખર શું કહેવા માગો છો એ જ હું સમજી શક્યો નથી. તે માટે મેં મહાદેવ (દેસાઈ)ની મદદ લીધી, પણ તેઓ પણ મને મદદ કરી શક્યા નહિ. લાંબી-લાંબી વાતો લખવા કરતાં તમારે જે કહેવાનું હોય એ એક પોસ્ટકાર્ડમાં લખીને કેમ મોકલી ન શકો?  ગાંધીજીના આ પત્રના જવાબમાં આખી વાતનો ઉલાળિયો કરતાં ઉમાશંકરે લખ્યું: ‘આપને મદદ હું શું કરવાનો હતો? મને સૂઝ્યું તે નિખાલસપણે માત્ર આપની જાણ ખાતર લખ્યું હતું. વિશેષ કંઈ સૂઝતું નથી. આપને હાથે સંમેલન વ.માં સારું જ કામ થશે એવી આશા સાથે, ઉ. નાં પ્રણામ.’ જોકે પોતે જેને ‘કુદરતી રીતે મોત પામતી’ પરિષદ તરીકે ઓળખાવી હતી એ જ પરિષદના ૧૯૬૮માં દિલ્હી ખાતે મળેલા ૨૪મા અધિવેશનના પ્રમુખસ્થાને ઉમાશંકર જોશી પોતે બિરાજ્યા હતા.

આ પણ વાંચો : Mahatma Gandhi 150th Birth anniversary: બાપુની જીવન ઝરમર જુઓ તસવીરોમાં...

ગાંધીજીને સાહિત્યકાર કહેવાય કે નહીં એવી ચર્ચા એક જમાનામાં આપણે ત્યાં જોરશોરથી ચાલી હતી અને બંને પક્ષે જાતજાતની વાતો થઈ હતી. ગાંધીજીએ જેવું અને જેટલું લખ્યું છે એવું અને એટલું બહુ ઓછા ગુજરાતી લેખકોએ લખ્યું છે. પણ ગુજરાતી ભાષા અને સાહિત્ય ઉપરનો ગાંધીજીનો પ્રભાવ પ્રત્યક્ષ કરતાં પણ વધુ તો પરોક્ષ છે. છેક ૧૯૪૪માં ‘ફૂલછાબ’ પત્રમાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું: ‘ગાંધીજી તો સૂર્ય સમા છે, તેઓ પોતે બધા પ્રયત્નો કરવા નથી બેસતા. પરંતુ તેમની ઉષ્ણતાથી ગુજરાતની-હિન્દભરની થીજી ગયેલ સંસ્કૃતિનાં વહેણો પાછાં વહેતાં  થયાં છે. આજે આપણે ગૌરવ લેવા જેવું ઘણુંય આપણી વચ્ચેથી જ મળી આવે છે. આપણો અભ્યાસ વધ્યો છે, જીવનનાં વિશાળ ક્ષેત્રોને આપણે સ્પર્શતા થયા છીએ. ગાંધીયુગે સ્વતંત્ર પ્રવૃત્તિને કચડી નથી – પંપાળી છે, બહેલાવી છે, તેને અનુકૂળતાઓ કરી આપી છે.’ કોઈ પણ વ્યક્તિ પોતાનાં ભાષા-સાહિત્ય માટે આનાથી વધુ શું કરી શકે? માટે જ ‘નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.’

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2019 01:25 PM IST | ગાંધી ખરા અર્થમાં મહાત્મા - દીપક મહેતા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK