વાત વાંસળીની - (લાઈફ કા ફન્ડા)

13 December, 2019 02:44 PM IST  |  Mumbai | Heta Bhushan

વાત વાંસળીની - (લાઈફ કા ફન્ડા)

ભગવાન કૃષ્ણ વૃંદાવનના બગીચાનાં એક-એક ફૂલ, પાન, છોડને પ્રેમ કરે. રોજ આવીને દરેક છોડને કહે, ‘મને તમે બહુ ગમો છો, હું તમને ખૂબ ચાહું છું.’

સામે બધાં ફૂલ-છોડ પણ કહે, ‘તમે અમારો પ્રાણ છો.’

એક દિવસ કૃષ્ણ દોડતાં-દોડતાં બગીચામાં આવ્યા અને વાંસના છોડ પાસે જઈને ઊભા રહી ગયા. વાંસના છોડે પૂછ્યું, ‘ભગવાન, શું થયું?’

કૃષ્ણ બોલ્યા, ‘મને કઈક જોઈએ છે, પણ કઈ રીતે કહું એ સમજાતું નથી.’

વાંસના છોડે કહ્યું, ‘માધવ, બોલો શું જોઈએ છે? હું આપી શકીશ તો જરૂર આપીશ.’

કૃષ્ણ બોલ્યા, ‘બહુ અઘરું છે. હું તને કઈ રીતે કહું કે મારે તારા પ્રાણ જોઈએ છે. મારે તને કાપવું પડશે.’

વાંસનું ઝાડ આ સાંભળી ચૂપ થઈ ગયું. બેઘડી પછી બોલ્યું, ‘કાન્હા, મને કાપવા સિવાય તારી પાસે બીજો કોઈ રસ્તો નથી?’

કૃષ્ણ બોલ્યા, ‘ના, બીજો કોઈ રસ્તો નથી.’

વાંસના ઝાડે તરત કહ્યું, ‘કાન્હા, તો આગળ વધ અને મને કાપી નાખ.’ ‍

કૃષ્ણએ વાંસના ઝાડને કાપ્યું. એમાં કાણાં પાડી વાંસળી બનાવી. વાંસને ખૂબ પીડા થઈ, પણ એણે મૂંગા મોઢે બધી પીડા સહન કરી લીધી. કૃષ્ણએ સરસમજાની વાંસળીને પોતાના હોઠોની નજીક લીધી. એમાં ફૂંક મારી અને મીઠા સૂર રેલાયા. વાંસળીને કૃષ્ણ હંમેશાં પોતાની સાથે ને સાથે રાખતા. પોતાના પ્રાણ આપી, પીડા સહન કરી લેતા વાંસમાંથી વાંસળી બની એ એકદમ કૃષ્ણની નજીક પહોંચી ગઈ. કૃષ્ણ સૂતા-જાગતા ૨૪ કલાક વાંસળીને સાથે જ રાખતા.

આ જોઈને હવે તો ગોપીઓને પણ વાંસળીની ઈર્ષ્યા થવા લાગી. એક દિવસ એક ગોપીએ વાંસળીને પૂછ્યું, ‘અમે કૃષ્ણને કેટલો પ્રેમ કરીએ છીએ તો પણ કૃષ્ણ જોડે માત્ર થોડો સમય રહી શકીએ છીએ, જ્યારે તને તો કૃષ્ણ હંમેશાં સાથે ને સાથે રાખે છે, એનું રહસ્ય શું?’ 

વાંસળીએ જવાબ આપ્યો, ‘રહસ્ય છે સંપૂર્ણ શરણાગતિ. મેં મારી જાતને પ્રભુને સોંપી દીધી. મારે કપાવું પડ્યું, વીંધાવું પડ્યું. ઘણી પીડા થઈ પણ મેં બધું સહન કર્યું, કારણ કે મારો પ્રભુ જે કરશે એ સારું જ કરશે. તે મારા હિતમાં જ હશે અને કાન્હાએ વાંસમાંથી વાંસળી બનાવી અને હું તો બસ તેની બની ગઈ. પ્રભુમાં વિશ્વાસ રાખો અને પ્રભુમય બની જાવ તો ઈશ્વર જે કરશે એ સારું જ કરશે.’

વાંસળીનો જવાબ સાંભળી ગોપીને પોતાનો પ્રેમ અને સમર્પણ ઝાંખા લાગ્યાં.

columnists