સુખની ચાવી - (લાઇફ કા ફન્ડા)

05 February, 2019 12:56 PM IST  |  | હેતા ભૂષણ

સુખની ચાવી - (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

યુવાનોને શરમાવે એવી તંદુરસ્તી ધરાવતા કાકા હતા. નામ રમણીકલાલ. જીવન ખરા અર્થમાં જીવ્યા હતા અને જીવી રહ્યા હતા. નાનકડો ધંધો હતો જે તેમણે જીવનભર નીતિ અને ઈમાનદારીથી કર્યો હતો તથા પોતાના કુટુંબનું પાલનપોષણ કર્યું હતું. ૭૨ વર્ષની ઉંમરે પણ હજી ચાલીને દુકાને જતા અને વેપારમાં પૂરું ધ્યાન આપતા. પોતાના પુત્રોને ધંધાની આંટીઘૂંટી સમજાવતા. સાથે-સાથે નીતિ હંમેશાં જાળવવાની સલાહ અચૂક આપતા.

રમણીકલાલ કાકા રાત્રે વહેલા સૂઈને સવારે વહેલા ઊઠતા. ચાલવા જતા. પછી લાફિંગ ક્લબમાં હસતા. પછી ઘરેથી જે કંઈ મગાવ્યું હોય એ ફળ-શાકભાજી ખરીદીને ઘરે જતા. ચા-નાસ્તો કર્યા પછી નાહી-ધોઈને દુકાને જવા નીકળતા. સફેદ ઝભ્ભામાં તેમનો વટ પડતો. રસ્તામાં મંદિરે જતા અને દુકાને પહોંચીને કામ સંભાળતા. બધાં કામ-હિસાબ તેમણે મોઢે યાદ રહેતાં. બપોરે થોડું જમીને ચાર વાગ્યે ઘરે આવી જતા. પૌત્ર અને પૌત્રીઓ સાથે રમત રમતા, તેમની સાથે કૉમેડી ફિલ્મો કે કાર્ટૂન ફિલ્મો જોતા, મન મૂકીને

હસતા-હસાવતા. પછી બધાના અભ્યાસ વિશે પૂછી, બાળકોને ભણવા બેસાડીને પોતે મોડી સાંજે મિત્રો સાથે લટાર મારતા મસ્તી-મજાક કરતા. જમવામાં રોટલો-દૂધ જ લેતા અને રાત્રે વહેલા સૂઈ જતા.

આ રમણીકલાલ કાકાની દિનચર્યા હતી. કોઈ પણ કાકાને તેમની તંદુરસ્તીનું રહસ્ય પૂછે કે ખુશ રહેવાની રીત પૂછે કે પછી સુખી થવાની ચાવી પૂછે તો કાકા પોતાની આ દિનચર્યા બધાને કહેતા અને પછી કહેતા કે આની અંદર જ તમારા સવાલનો જવાબ છે, શોધી લો.

રમણીકલાલ કાકાનો જન્મદિન આવ્યો. ૭૩મો જન્મદિવસ હતો. આજે ફરી એ જ પ્રશ્ન કાકાને બધાએ મળીને પૂછ્યો અને કહ્યું, ‘તમારી દિનચર્યા નથી સાંભળવી. અમને એ ખબર છે. તમે બરાબર સુખની ચાવી વિશે સમજાવો. મોઘમ જવાબ કે ઉખાણું નહીં ચાલે.’

આ પણ વાંચો : સન્માન - (લાઇફ કા ફન્ડા)

કાકા હસ્યા અને બોલ્યા, ‘કોઈ રહસ્ય કે કોઈ ઉખાણું નથી. મારી દિનચર્યા તમને ખબર છે. એમાં જ જવાબ છે. સુખની બે ચાવી છે : ખડખડાટ અને ઘસઘસાટ. હું લાફિંગ ક્લબમાં ખડખડાટ હસું છું, મારાં બાળકો સાથે મજા કરું ત્યારે હસું છું, મિત્રો સાથે રોજ સાંજે મજાક-મસ્તી કરું છું ત્યારે હસું છું. હું વહેલો ઊઠું છું, કસરત કરું છું, નીતિથી ધંધો કરું છું અને ઈમાનદારી જ બાળકોને પણ શીખવાડી છે. ઘરમાં પણ બનતી મદદ કરું છું. રાત્રે હલકો ખોરાક લઉં છું અને તેથી પથારીમાં પડ્યા ભેગા જ ઘસઘસાટ સૂઈ જાઉં છું. ખડખડાટ હસી શકો અને ઘસઘસાટ સૂઈ શકો તો તમે સુખી છો.’

columnists life and style