સજાગ રહો - (લાઇફ કા ફન્ડા)

20 February, 2019 11:56 AM IST  |  | હેતા ભૂષણ

સજાગ રહો - (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

એક માણસ ઘણાંબધાં સારાં કામ કરીને સ્વર્ગના દ્વારે પહોંચ્યો. માણસ મૂળ અભિમાની હતો, પણ ઘણાં સારાં કામ અને દાન-ધર્મ કર્યા હતાં એ પ્રતાપે સ્વર્ગ મળ્યું હતું. તેના અભિમાનના અવગુણને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. તેને એક તક સ્વરૂપે સ્વર્ગમાં દેવદૂતની પદવી આપવામાં આવી અને થોડા વખત પછી તેની નિમણૂક સ્વર્ગના દ્વાર પર કરવામાં આવી. મૃત્યુ બાદ સ્વર્ગના દ્વારે આવનારા દરેક જીવનાં કર્મોનો હિસાબ જોઈને તેને સ્વર્ગમાં પ્રવેશ આપવો કે નહીં એ તેણે નક્કી કરવાનું હતું. આ અભિમાનને કારણે તે માણસ સંપૂર્ણપણે દેવદૂત બન્યો નહોતો. અભિમાન હજી બાકી હતું. તે નમ્ર ન બન્યો. એમ પણ ન વિચાર્યું કે મારામાં અવગુણો હોવા છતાં પ્રભુએ મને દેવદૂત બનાવ્યો. તેને અભિમાન હતું કે મેં કેટલાં સારાં કામ કર્યા કે હું દેવદૂત બન્યો અને હજી અભિમાન વધ્યું કે હું સૌથી વધારે લાયક છું કે મને સ્વર્ગના દ્વાર પર બધા જીવનું ભવિષ્ય નક્કી કરવાનું કામ મળ્યું.

આ અભિમાનમાં જ તે રહેતો અને તે નિયમ મુજબ કામ ન કરતો. પોતાની મનમરજી મુજબ જીવને સ્વર્ગ મળશે કે નરક એ નક્કી કરતો. તેની આવી રીતને કારણે ઘણા લાયક જીવોને નરકમાં જવું પડ્યું અને ઘણા લાયક ન હોવા છતાં સ્વર્ગમાં ઘૂસી ગયા.

એક દિવસ સ્વર્ગના દ્વારે એક ગરીબ મજૂરનો જીવ આવ્યો જેણે જિંદગી આખી મજૂરી અને મહેનત સિવાય કંઈ કર્યું નહોતું. મજૂરે તેને સ્વર્ગમાં જવા દેવાની અપીલ કરી, ‘મેં જીવનભર કોઈ ખોટું કામ કર્યું નથી. મેં હંમેશાં મહેનતની રોટી ખાધી છે માટે મને સ્વર્ગમાં જવા દો.’

પેલા અભિમાની દેવદૂતે તેને ન કહેવાનાં વેણ કહીને ધક્કો માર્યો. બસ, આ જ ક્ષણે દેવદૂત બનેલા માણસનાં બધાં સારાં કર્મો પૂરાં થયાં અને એની સામે ખરાબ કર્મ વધી ગયું. તેની દેવદૂતની પાંખો ગાયબ થઈ ગઈ, સફેદ વસ્ત્રો છીનવાઈ ગયાં, હાથ-પગમાં જંજીરો આવી ગઈ. તે ડરી ગયો, હેબતાઈ ગયો. બરાબર એ જ ક્ષણે સ્વર્ગનું દ્વાર ખૂલ્યું. પેલા મજૂરના જીવને પાંખો ફૂટી. તે દેવદૂત બની સ્વર્ગમાં ગયો અને આ દેવદૂત બનેલો જીવ ન સુધરતાં સારાં કર્મોની સામે ખરાબ કર્મો વધી જતાં જંજીરોમાં બાંધીને સ્વર્ગમાંથી નરકમાં ગયો.

આ પણ વાંચો : તાકાત વિશ્વાસની - (લાઇફ કા ફન્ડા)

આ જીવનનાં કર્મોનો નિયમ છે. સારાં કમોર્નું સારું ફળ મળે, પણ જો તમે ખરાબ કામ કરો તો એનું પણ પરિણામ તમારે ભોગવવું પડે છે. સારાં કર્મોનું સારું ફળ ભોગવવા મળે ત્યારે વધુ સજાગ થઈ જવું અને સચેત રહેવું કે કોઈ એક પણ નાનું ખરાબ કર્મ ન થઈ જાય, કારણ કે નાનામાં નાના ખરાબ કર્મનું ફળ પણ ભોગવવું જ પડે છે.

columnists