ઝઘડો કેમ નથી થતો - (લાઇફ કા ફન્ડા)

05 July, 2019 02:09 PM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

ઝઘડો કેમ નથી થતો - (લાઇફ કા ફન્ડા)

એક નવપરિણીત કપલ નિહાર અને નીના સોસાયટીમાં રહેવા આવ્યું. આજુબાજુ બધા પાડોશીઓમાં વાત (પંચાત)નું કેન્દ્ર બન્યું. નિહાર અને નીના પોતાના જીવન અને પ્રેમમાં મશગૂલ હતાં. મૉડર્ન લાઇફ જીવતાં હતાં. પાડોશીએ પંચાત શરૂ કરી. નીના કેવા મૉડર્ન કપડાં પહેરે છે, સૌભાગ્યની કોઈ નિશાની નથી. બાજુમાં જ રહેતાં આન્ટી બોલ્યાં, ‘કાલે જ મેં તેમને ઘરનાં કામમાં કોણ કયું કામ કરશે એ નક્કી કરતાં સાંભળ્યાં, આવું તે કંઈ હોય. ઘરનાં કામ તો છોકરીએ જ કરવાં જોઈએને, પણ મેં તો સવારમાં છોકરાને કપડાં સૂકવતાં જોયો, છોકરી હજી સૂતી હતી એમ લાગ્યું.’ આવી કેટલીય પંચાતો સોસાયટીમાં વહેતી થઈ અને નિહાર અને નીનાના કાને પણ પહોંચી, પણ તેઓ પોતાનું જીવન પોતાની રીતે જીવવામાં માનતાં હતાં અને એટલે જ જીવન માણતાં પણ હતાં.

ઘણા દિવસ થયા પંચાત ચાલુ હતી. વાક્યો બદલાતાં હતાં. આજે નવી વાત આવી, સૌથી વધારે સમાચાર આપતાં બાજુમાં રહેતાં આન્ટી જ બોલ્યાં, ‘આજ સુધી મેં નિહાર અને નીના વચ્ચે ક્યારેય મોટેથી બોલાચાલી કે ઝઘડો થતો સાંભળ્યો જ નથી.’ બીજાં એક હંમેશાં ગૅલરીમાં બેસતાં કાકી બોલ્યાં, ‘મેં હંમેશાં તેમને બહારથી સાથે ખરીદી કરીને ખુશખુશાલ આવતાં જોયા છે.’ બધાને સમજાતું નહોતું કે તેમની વચ્ચે ઝઘડો કેમ નથી થતો. આ પંચાત થતી હતી ત્યાં જ નિહાર અને નીના બહારથી આવ્યાં અને બધાની સામે હસીને પોતાના ફ્લૅટમાં જતાં રહ્યાં અને પંચાત કરતાં આન્ટીની નાની વહુ કાવેરી જે નીનાની નવી-નવી સહેલી બની હતી તે બોલી, ‘મારી પાસે તમારાં બધાનાં મનનાં કુતૂહલનો જવાબ છે કે તેમની વચ્ચે ઝઘડો કેમ નથી થતો.’

બધાએ પૂછ્યું, ‘શું કારણ છે?’ નાની વહુ બોલી, ‘કારણ છે, એકબીજા માટેનો પ્રેમ, પ્રેમથી વધીને વિશ્વાસ અને વિશ્વાસથી વધીને સમાનતાની ભાવના. નિહાર પત્નીને પ્રેમ કરે છે અને એટલું જ માન આપે છે, ક્યારેય અપમાન નથી કરતો. હજી ગઈ કાલે જ હું તેમના ઘરે ગઈ હતી. તેઓ જમતાં હતાં. શાકમાં મીઠું ઓછું હતું તો નિહારે પત્નીનું અપમાન ન કર્યું. જાતે ઊઠીને મીઠું લીધું અને પોતાની અને પત્નીની બન્નેની ડિશમાં નાખ્યું.

આ પણ વાંચો : વાત એક પથ્થરની (લાઇફ કા ફન્ડા)

નીના પણ ખૂબ જ હોશિયાર-ભણેલી છે, પતિ જેટલું જ કમાય છે. ક્યારેય કોઈ કામ પતિ પર નાખતી નથી અને પતિ કોઈ કામ ભૂલી જાય તો ફોન કરીને સંભળાવવાને સ્થાને પોતે કામ પૂરું કરી લે છે. એકબીજા પર નાની-નાની વાતે દોષારોપણ કે એકબીજાનું અપમાન આપણા બધાના ઘરમાં થાય છે એ તેમના ઘરે નથી થતું એટલે તેઓ અલગ છે, વધુ ખુશ અને સુખી છે.’

columnists