દીકરી - (લાઇફ કા ફન્ડા)

06 February, 2019 02:27 PM IST  |  | હેતા ભૂષણ

દીકરી - (લાઇફ કા ફન્ડા)

પ્રતીકાત્મક તસવીર

લાઇફ કા ફન્ડા

એક બહારવટિયાએ એક નવું ગામ લૂંટવાનું નક્કી કર્યું અને ધાડ પડવાના બે દિવસ પહેલાં તે ગામના રસ્તા અને ક્યાંથી જવું, શું લૂંટવું, કઈ બાજુથી ગામમાં પ્રવેશવું, કઈ દિશામાં ભાગી જવું વગેરે નક્કી કરવા ગામમાં ફરતો હતો. કાળઝાળ ગરમીના દિવસો હતા. ફરતાં-ફરતાં બહારવટિયાને તરસ લાગી. ગળું સુકાવા લાગ્યું હતું. તેને સામેથી એક યુવાન દીકરીને બે બેડાં પાણી ભરેલાં ઊંચકીને આવતી જોઈ. તેણે કહ્યું, ‘દીકરી, વટેમાર્ગુ છું, અજાણ્યો છું, માર્ગ ભૂલ્યો છું અને ખૂબ તરસ લાગી છે. થોડું પાણી પીવડાવીશ?’

કાઠિયાવાડની સંસ્કારી દીકરી બોલી, ‘બાપુ, પાણી શું, ખૂબ થાકેલા લાગો છો. મારી ભેગા ઘરે હાલો. બે રોટલા ખાઈ થોડો આરામ કરીને આગળ જજો.’

બહારવટિયાને ભૂખ પણ લાગી હતી અને ગામમાં અંદર સુધી જવા મળે, ઘર જાણવા મળે એવા આશયથી તેણે તરત સ્વીકારી લીધું અને બે ઘૂંટડા પાણી પીને તે યુવાન દીકરી સાથે તેના ઘરે ગયો.

દીકરીએ પરસાળમાં ખાટલો ઢાળ્યો અને બોલી, ‘બાપુ, તમે આરામ કરો. અબઘડી રોટલા ઘડી, શાક બનાવી તમને જમાડી દઉં છું.’

બહારવટિયો ખાટલા પર લાંબો થયો. થોડી જ વારમાં દીકરીએ રોટલા, શાક, માખણ, છાશ, અથાણું વગેરે પીરસી પ્રેમથી અતિથિને જમાડ્યા. યુવાન દીકરીએ માન અને પ્રેમ આપ્યાં અને ભાવથી જમાડ્યો એટલે બહારવટિયાને મનમાં થયું કે આ ઘરનું અન્ન ખાધું અને આ દીકરીએ બાપ કહ્યો એટલે દીકરીના ઘરને અને દીકરીનાં ઘરેણાં ન લૂંટાય. એટલે તેણે દીકરીને સાચું કહી દીધું, ‘દીકરી, મારી વાત ધ્યાનથી સાંભળજે. હું એક બહારવટિયો છું અને બે દિવસ પછી આ ગામ લૂંટવા અમારી ટોળી આવવાની છે. તું એમ કરજે. રાતના અંધારામાં તારા ઘરની બહાર આંગણામાં ગોખલામાં બે દીવા મૂકજે જેથી મારી ટોળીમાંથી કોઈ તારું ઘર નહીં લૂંટે.’

આટલું કહીને યુવાન દીકરી કઈ બોલે એ પહેલાં બહારવટિયો દીકરીના હાથમાં ચાંદીનું કડું મૂકી ચાલ્યો ગયો.

બે દિવસ પછી બહારવટિયાની ટોળી ગામ લૂંટવા આવે છે અને તેમના આર્ય વચ્ચે ગામના દરેક ઘરના આંગણામાં ગોખલામાં બે દીવા મૂકેલા હતા. ઘરે-ઘરે દીવા જોઈને બહારવટિયો અને તેની ટોળી મૂંઝાય છે કે હવે કયું ઘર લૂંટવું?! તેઓ ધાડ પાડ્યા વિના, ગામ લૂંટયા વિના પાછા ફરી જાય છે.

બીજે દિવસે સવારે બહારવટિયો પાછો ગામમાં પેલી દીકરીને મળવા જઈને પૂછે છે, ‘દીકરી, મેં તને માત્ર તારા ઘરની બહાર દીવા કરવાનું કીધું હતું અને તે બધા ઘરની બહાર શા માટે દીવા કર્યા?’

આ પણ વાંચો : સુખની ચાવી - (લાઇફ કા ફન્ડા)

દીકરી કહે છે, ‘મેં તમને બાપુ કહ્યા અને આ ગામ મારું સાસરું છે એટલે મારા ઘરની મેં રક્ષા કરી અને મારા બાપને દીકરીનું ઘર લૂંટવાનું પાપ કરતાં બચાવવા માટે.’

બહારવટિયો દીકરીની સામે બંદૂક મૂકી ઝૂકીને બોલ્યો, ‘વાહ દીકરી, ધન્ય છે. તે સાબિત કર્યું કે દીકરી બે કુળ ઉજાળે.’

life and style columnists