સમાજના ભવિષ્ય માટે - (લાઇફ કા ફન્ડા)

02 May, 2019 02:13 PM IST  |  મુંબઈ | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

સમાજના ભવિષ્ય માટે - (લાઇફ કા ફન્ડા)

નિવૃત્તિની આરે પહોંચેલો રાજન. ઉંમર ૫૮ વર્ષ. ઘરના બગીચામાં બેસી દુનિયાભરની કહેવતોનું પુસ્તક વાંચી રહ્યો હતો, એમાં તેણે એક ગ્રીક કહેવત વાંચી...

દરેક સમાજનું ભવિષ્ય ત્યારે ઉજ્જ્વળ બને જ્યારે સમાજમાં રહેતા વૃદ્ધો સતત એવાં ઝાડનાં બીજ વાવતાં રહે જે ઝાડની નીચે બેસી ક્યારેય તેઓ એના છાંયડાનો આનંદ માણી શકવાના નથી અને નથી ખાઈ શકવાનાં એનાં ફળ.

આ ગ્રીક કહેવત વાંચતાં જ રાજનને તેના મૃત્યુ પામેલા દાદા યાદ આવી ગયા. દાદાને યાદ કરતાં કરતાં રાજન ભૂતકાળમાં ખોવાઈ ગયો. બગીચામાં દાદાએ વાવેલાં વૃક્ષો હતાં આંબો, પીપળો, આમલી, ગુલમહોર વગેરે. રાજનને યાદ આવ્યું કે તેના આઠમા જન્મદિને દાદાએ ખાસ આ વૃક્ષ વાવ્યાં હતાં અને દરેક વૃક્ષના રોપાને જાતે વાંકા વળીને વાવતી વખતે દાદા બોલ્યા હતા, ‘દીકરા આ તારા માટે છે, જ્યારે તું મોટો થઈશ ત્યારે દરેક વસ્તુનું સાચું મૂલ્ય સમજી શકીશ.’ રાજનને ત્યારે તો આ વાત બહુ નહોતી સમજાઈ, આજે બરાબર સમજાઈ છે.

દાદા ત્યારે ૭૦ વર્ષના હતા અને તેમણે આ વૃક્ષો વાવ્યાં હતાં. તેઓ ૮૦ વર્ષે મૃત્યુ પામ્યા ત્યાં સુધી દર વર્ષે નવાં-નવાં વૃક્ષો વાવતા અને બીજાને વૃક્ષ વાવવા પ્રોત્સાહન પણ આપતા. તેઓ આંબો વાવતા ત્યારે તેમના મિત્રો હસતા કે આ આંબાને કેરી આવશે ત્યારે તારો બીજો જન્મ થઈ ચૂક્યો હશે. તેઓ હસતા અને બોલતા, આપણે માત્ર આપણા માટે નહીં, સમાજ માટે, આવનારી પેઢીના ભવિષ્ય માટે જીવવું જોઈએ.

આજે રાજન ઝાડના છાંયડામાં બેસીને પુસ્તક વાંચે છે. પત્ની સાથે બગીચામાં બેસી ચા પીએ છે, ઝાડ પર થતાં મીઠાં રસાળ ફળોનો સ્વાદ માણે છે અને જે બગીચામાં પુત્ર સાથે રમ્યો હવે એ જ બગીચામાં પુત્રીને ઝાડ પર હીંચકો બાંધીને હીંચકા ખવડાવે છે. આ બગીચાને જીવંત બનાવતાં વૃક્ષોને વર્ષો પહેલાં તેના દાદાએ જન્મ આપ્યો હતો. રાજન હવે સાચી કિંમત સમજીને રોજ દાદાને યાદ કરે છે અને પોતે પણ આવનારી પેઢી માટે કંઈક કરી જવાનું નક્કી કરી આ બગીચાની વધુ ને વધુ સંભાળ લેવા લાગે છે અને ખાસ થોડી જમીન લઈ દાદાની યાદમાં વૃક્ષો વાવવાની શરૂઆત કરે છે.

આ પણ વાંચો : સમય ચૂકી જતાં... - (લાઇફ કા ફન્ડા)

પૌત્રી પૂછે છે દાદા, આ કોના માટે ઉગાડો છો. દાદા કહે છે, તારા માટે. વળી તેના મિત્રો તેને કહે છે, ભાઈ આ રોપા વૃક્ષ થશે અને ફળ આપશે ત્યાં સુધી તું જીવીશ કે નહીં એની કોને ખબર છે, શું કામ વ્યર્થ મહેનત કરે છે. રાજન સમજાવે છે, ‘આપણે આપણા માટે નહીં, સમાજની આવતી કાલ માટે કામ કરવાનું છે.’

columnists