એક અમૂલ્ય ભાષા - (લાઇફ કા ફન્ડા)

19 July, 2019 01:10 PM IST  |  મુંબઈ | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

એક અમૂલ્ય ભાષા - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ ગુરુજીએ પોતાના હોશિયાર શિષ્યને બોલાવીને કહ્યું, ‘સોહમ, વર્ષોથી તેં મારી પાસે રહીને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, હવે તારે વિશેષ પરિશ્રમ કરવાનો છે.’

શિષ્ય સોહમે કહ્યું, ‘કહો ગુરુજી, શું આજ્ઞા છે.’

ગુરુજી બોલ્યા, ‘વત્સ, હવે તારે જાતે મહેનત કરી દેશભરનાં જુદાં-જુદાં તીર્થો, નગરો, ગામોમાં ફરી જુદી-જુદી ભાષાઓ જાતે શીખવાની છે. આમ કરતાં તને ઘણી મહેનત લાગશે, ઘણાં વર્ષો પણ લાગશે. બધી ભાષા શીખીને મારી પાસે આવજે.’

શિષ્ય સોહમ ગુરુજીની આજ્ઞા લઈને દૂર-દૂર જુદાં જુદાં નગરો અને તીર્થોમાં જવા નીકળી ગયો. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો ગયો. નવી ભાષા, બોલી અને લહેકા શીખતો ગયો. ઘણાં વર્ષો બાદ ઘણી નવી-નવી ભાષાઓ શીખી સોહમ પોતાના ગુરુજી પાસે આવ્યો. વર્ષો વીતી ગયાં હતાં એટલે ગુરુજી એકદમ વૃદ્ધ અને કૃશ થઈ ગયા હતા. તેમનું બીમાર શરીર જોઈ કોઈનું પણ મન દુઃખી થઈ જાય એવી હાલત હતી.

શિષ્ય સોહમને પોતે અગણિત ભાષાઓ શીખી પોતાના જ્ઞાનને કેટલું સમૃદ્ધ કર્યું હતું એ બધાને અને ગુરુજીને જણાવવું હતું એટલે ગુરુજીની હાલત પર ધ્યાન આપ્યા વિના, તેમના કુશળ પૂછ્યા વિના તે ઉત્સાહમાં ગુરુજીને પ્રણામ કરી બોલવા લાગ્યો, ‘ગુરુજી, હું બધી ભાષાઓનું જ્ઞાન મેળવી આવ્યો છું, કશું જ બાકી નથી.’ અને સતત પોતાની યાત્રા અને ભાષાઓ વિષે કઈ રીતે શીખ્યો એની વાતો કરતો રહ્યો.

ગુરુજીએ તેની બધી વાતો સાંભળી પછી પૂછ્યું, ‘વત્સ સોહમ, યાત્રા દરમ્યાન એવી કોઈ વ્યક્તિ મળી જે પોતે ભૂખી રહી અન્યને ભોજન આપતી હોય, સતત બીજાની મદદ કરતી હોય?’

સોહમ બોલ્યો, ‘હા, ઘણી જગ્યાએ એવા લોકો જોયા, પણ મારે તેમની સાથે શું કામ, મારે તો નવી-નવી ભાષા શીખવાની હતી એટલે હું પંડિતોને મળતો.’

ગુરુજી બોલ્યા, ‘પણ તેં તારા યાત્રા વર્ણનમાં ક્યાંય સમાજ માટે, અન્ય માટે જીવતા ઉદાર લોકોની વાત ન કરી, કોઈ પણ ભાષામાં તેમનાં વખાણ ન કર્યાં. તેમને સાથ ન આપ્યો.’

સોહમે કહ્યું, ‘ગુરુજી, હું નવી ભાષાઓ શીખવા ગયો હતો, તેમનાં સારાં કાર્યો વિષે વખાણ શું કામ કરું. તેમને આદર-સન્માન આપવાનો, પ્રેમ દર્શાવવાનો, મદદ કરવાનો મારી પાસે સમય જ ક્યાં હતો. હું તેમના તરફ ધ્યાન આપું તો નવી ભાષા ક્યારે શીખું?’

આ પણ વાંચો : ચિત્ત પર અસર (લાઇફ કા ફન્ડા)

ગુરુજીએ કહ્યું, ‘સોહમ, તે અનેક ભાષાઓ શીખી, પણ એક અમૂલ્ય ભાષા શીખવા પર ધ્યાન ન આપ્યું જે શીખવા જ મેં તને મોકલ્યો હતો. પ્રેમ, કરુણા, સહાનુભૂતિની ભાષા તે શીખી હોત તો તું પહેલાં અન્યનું દુઃખ-તકલીફ અનુભવી શકત. બીમાર ગુરુજીની હાલત જોઈને પણ તેં તેમની ખબર ન પૂછતાં પોતાની સફળતાની જ વાતો કરી.’

સોહમને ભૂલ સમજાઈ ગઈ. તેણે પ્રેમ-કરુણાની અમૂલ્ય ભાષા શીખવાનો નિર્ણય કર્યો.

columnists