પ્રેમમાં આપો 100 ટકા - (લાઇફ કા ફન્ડા)

15 November, 2019 02:25 PM IST  |  Mumbai | Heta Bhushan

પ્રેમમાં આપો 100 ટકા - (લાઇફ કા ફન્ડા)

એક દૃષ્ટાંત કથા છે. એક છોકરો અને છોકરી મિત્ર હતાં. છોકરા પાસે રમી-રમીને જીતીને ભેગી કરેલી રંગબેરંગી ગોટીઓ હતી, જે ગોટીઓ છોકરીને બહુ જ ગમતી હતી અને તે રોજ છોકરા પાસે ગોટીઓ માગતી. છોકરો એક-બે ગોટી આપતો પછી પાછી લઈ લેતો. છોકરી પાસે નાનાં નાનાં મોતી અને શંખ-છીપલાં હતાં જે તે રોજ ગોતી-ગોતી ભેગાં કરતી. એક દિવસ છોકરીના મામી આવ્યાં અને છોકરીને થોડી ચોકલેટો આપી.

છોકરી રાજી રાજી થઈ ગઈ અને રમવા ગઈ. જઈને પોતાના મિત્રને રોજની જેમ ભેગા કરેલા શંખ, છીપલાં બતાવવા લાગી અને સાથે આજે મળેલી ચોકલેટ પણ બતાવી. ચોકલેટ જોઈ છોકરાને પણ ખાવાનું મન થયું. છોકરીએ એક ચોકલેટ તેને આપી, પણ છોકરાએ કહ્યું, ‘સાંભળ, મને આ ચોકલેટ બહુ ભાવે છે, જો તું મને આ બધી ચોકલેટ આપીશ તો હું તને મારી બધી ગોટીઓ આપીશ.’ છોકરીને ગોટીઓ બહુ ગમતી હતી તેથી તે તરત તૈયાર થઈ ગઈ.

છોકરાએ એક એકદમ સરસ રંગબેરંગી મોટી ગોટી પોતાની પાસે રાખી અને બાકી બધી છોકરીને આપી દીધી. છોકરીએ ભોળાભાવે પોતાની પાસે એકપણ ચોકલેટ રાખ્યા વિના બધી જ ચોકલેટ છોકરાને આપી દીધી અને કહ્યું, ‘જો મેં એક ચોકલેટ પહેલા જ ખાઈ લીધી હતી, બાકી બધી જ તને આપી દઉં છું.’ છોકરાએ ચોકલેટ લઈ લીધી. છોકરી બધી રંગબેરંગી ગોટીઓ મેળવી ખુશ હતી અને છોકરો ચોકલેટ મેળવી.

રાત્રે ગોટીઓ જોતાં જોતાં ગોટીઓ ભરેલા ડબાને બાથ ભરી તે સૂઈ ગઈ. આ બાજુ છોકરાને ઊંઘ બિલકુલ ન આવી. તેને સતત એ જ વિચાર આવતો હતો કે જેમ મેં સૌથી સરસ ગોટી મારી પાસે રાખી છે તેમ છોકરીએ પણ સૌથી સરસ ચોકલેટ પોતાની પાસે રાખી હશે. તે કેવી હશે? બસ તેને આ જ વિચારમાં આખી રાત ઊંઘ ન આવી.

આ તો એક દૃષ્ટાંત કથા  છે, પણ આ દરેક સંબંધોની સચ્ચાઈ છે. જો તમે કોઈ પણ સંબંધ હોય - પ્રેમ, મિત્રતા, કામકાજ, સ્વજન, કુટુંબીજન - સાથે કોઈ પણ સંબંધમાં જો તમે ૧૦૦ ટકા પ્રેમ- લાગણી સાથે વિશ્વાસ નહીં આપો અને કંઈક છાનું છપનું રાખશો તો સતત એ જ વિચારતા રહેશો કે સામેવાળાએ પણ મને ૧૦૦ ટકા પ્રેમ-લાગણી સાથે વિશ્વાસ નહીં આપ્યા હોય. અને સંબંધમાં દૂરી વધતી જશે - જે દરેક સંબંધમાં ૧૦૦ ટકા પ્રેમ-લાગણી સાથે વિશ્વાસ આપે છે તે શાંતિથી સૂઈ શકે છે અને બસ આપતું જ રહે છે. પ્રેમ વધતો જ રહે છે. 

columnists