સરળ સમજણ - (લાઇફ કા ફન્ડા)

28 June, 2019 02:08 PM IST  |  | હેતા ભૂષણ - લાઇફ કા ફન્ડા

સરળ સમજણ - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ દાદી સાથે નિકુંજ કથામાં ગયો. નાનો ૬ વર્ષનો નિકુંજ કથામાં તો કંઈ સમજ ન પડે પણ પ્રસાદ મળે એટલે સાથે જાય. આજે કથામાં નિકુંજે સાંભળ્યું, ‘પાપ કરો તો ભગવાન સજા આપે અને પુણ્ય કરો તો ભગવાન ઇનામ આપે.’ કથાકારે પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય એ શાસ્ત્રનાં ઉદાહરણ અને શ્લોકના માધ્યમથી સમજાવ્યું, પણ એમાં નાનકડા નિકુંજને કઈ રીતે સમજ પડે?

નિકુંજે ઘરે જઈને મમ્મીને તરત પૂછ્યું, ‘મમ્મી પાપ એટલે શું અને પુણ્ય એટલે શું?’ મમ્મીએ કહ્યું, ‘કેમ તારા મનમાં આ સવાલ આવ્યો?’ કથાની વાત કરતાં નિકુંજ બોલ્યો, ‘મમ્મી કથામાં જે અંકલ બોલે છે તેમણે કહ્યું કે પાપ કરીએ તો ભગવાન સજા કરે અને પુણ્ય કરીએ તો ભગવાન ઇનામ આપે. મમ્મી મારે સજા નથી

જોઈતી અને મને ઇનામ મળે તો તું ખૂબ રાજી થાય છે એટલે મારે ભગવાન પાસેથી ઇનામ જોઈએ છે, પણ મને ખબર નથી કે પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય?’ મમ્મીએ કહ્યું, ‘ચાલ, હમણાં જમી લઈએ પછી તને સમજાવીશ.’

મમ્મી વિચારમાં પડી કે નાનકડા નિકુંજને આ પાપ અને પુણ્યની અઘરી સમજ કઈ રીતે આપવી. વિચાર્યા બાદ રાત્રે મમ્મીએ નિકુંજને કહ્યું, ‘દીકરા તું સોસાયટીમાં રખડતા કૂતરાને બિસ્કિટ ખવડાવે છે કે બિલાડીનાં બચ્ચાંને દૂધ પીવડાવે છે એ સારું કામ છે, એ પુણ્ય કહેવાય; પણ જો તું કૂતરાને પથ્થર મારે, બિલાડીનાં બચ્ચાંને નાના ડબામાં પૂરી દે તો આ કામથી તેમના જીવને તકલીફ થાય એટલે આ ખરાબ કામને પાપ કહેવાય. તું શાળામાં જાય અને તારો મિત્ર ટિફિન ન લાવ્યો હોય કે ભૂલી ગયો હોય તેને તારા ટિફિન બૉક્સમાંથી જમાડે કે તારી સાથે ભણતા પ્યૂનના દીકરા સાથે મિત્રતા કરે કે ગરીબ દોસ્તને એક પૅન્સિલ પ્રેમથી ગિફ્ટ આપે, આ બધાં કામ સારાં છે અને એ પુણ્ય છે, પણ જો તું બીજા મિત્રની ગરીબીની મજાક ઉડાડે, કોઈનું અપમાન કરે તો તે પાપ છે.’

આ પણ વાંચો : મનને શાંત કરવા માટે (લાઇફ કા ફન્ડા)

મમ્મીની વાત સાંભળી નિકુંજ બધું સમજી ગયો હોય એમ ઉત્સાહથી બોલ્યો, ‘અરે વાહ મમ્મી, પાપ-પુણ્ય શું એ મને ક્થામાં નહોતું સમજાયું, પણ તારી સમજાવટ પછી તરત સમજાઈ ગયું કે જો આપણા કોઈ પણ કામથી બીજાના મુખ પર હાસ્ય આવે કે ખુશ થાય એ પુણ્ય અને આપણા વર્તન અને કાર્યથી કોઈની આંખોમાં આંસુ આવે કે કોઈ દુખી થાય એ પાપ. મમ્મી હું ચોક્કસ એવાં કામ કરીશ કે બીજાના મુખ પર હાસ્ય આવે અને ભગવાન મને ઇનામ આપે.’ નિકુંજનો જવાબ સાંભળીને મમ્મીએ તેને ગળે વળગાડી લીધો.

columnists