યાદ રાખવા જેવી છ સલાહ: આપણે કોઈ એવા શાહુકાર નથી કે હૉસ્પિટલ જઈ શકીએ

01 December, 2019 02:21 PM IST  |  Mumbai | Manoj Joshi

યાદ રાખવા જેવી છ સલાહ: આપણે કોઈ એવા શાહુકાર નથી કે હૉસ્પિટલ જઈ શકીએ

અક્ષયકુમાર

થોડા સમય પહેલાં આપણે અક્ષયકુમારના એક વિડિયો વિશે વાત કરી હતી, જેમાં અક્ષયકુમારે હેલ્થ માટે ૬ ટિપ્સ આપી છે. એ છ ટિપ્સ વિશે વાત કરીએ કે એના વિશે જાણીએ એ પહેલાં મહારાષ્ટ્રના રાજકારણમાં એવી તે ઊથલપાથલ થઈ ગઈ કે દેશઆખાની નજર એના પર ગઈ અને આપણે ટૉપિક ચેન્જ કરીને એ દિશામાં ગયા. આજે વાત કરવી છે ફરીથી એ જ વિડિયો અને એ વિડિયોમાં આપવામાં આવેલી હેલ્થ ટિપ્સની.

આ ૬ વિડિયોની સૌથી સરળ અને બેસ્ટ વાત જો કોઈ હોય તો એ કે એમાં ક્યાંય પરેજી રાખવાનું કહેવામાં નથી આવ્યું કે ક્યાંય કોઈ ખર્ચાળ રસ્તો દેખાડવામાં નથી આવ્યો. માન્યું કે જિમ હવે લાઇફસ્ટાઇલ છે, પણ આપણે આજે પણ એ લાઇફસ્ટાઇલથી દૂર રહેવામાં માનીએ છીએ અને એમાં કશું ખોટું પણ નથી, પરંતુ શરત માત્ર એક કે આપણે આપણી અત્યારની રૂટીન લાઇફ સ્ટાઇલને સુધારી નાખવાની અને એ સુધારાને વળગી રહેવાનું. આપણે બધા જાણીએ છીએ કે અક્ષયકુમાર આજનો સૌથી બિઝી સ્ટાર છે, અક્ષયકુમાર આજે સૌથી વધુ ફી લેતો સ્ટાર છે અને એ પછી પણ તે પોતાની લાઇફના અમુક નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. અક્ષયકુમારે કહેલી એક વાત મને જિંદગીભર યાદ રહેવાની છે. હું એટલો શાહુકાર નથી કે હૉસ્પિટલમાં જાઉં. યાદ રાખજો આ શબ્દો, હૉસ્પિટલ જવાની શાહુકારી એ અબજોપતિ માણસમાં નથી તો નૅચરલી, એ શાહુકારી આપણા કોઈમાં પણ નથી જ નથી. જો તમે ઇચ્છતા હો કે હૉસ્પિટલ નથી જવું તો સહજ અને સરળ કહેવાય એવી આ ટિપ્સને આજે જ જીવનમાં અમલી બનાવી દો.

પહેલી ટિપ છે, ઓછામાં ઓછો વાહનનો ઉપયોગ કરો અને મૅક્સિમમ ચાલવાનું કે પછી શરીરને શ્રમ પડે એવું કામ કરો. બહુ સરળ છે આ રીત. જો ઘરથી સ્ટેશન સુધી રિક્ષા કરતા હો તો એ કરવાનું ટાળો. રાતના સમયે પાછા આવતી વખતે એ ટાળી દો. આજુબાજુમાં ક્યાંય પણ જવાનું હોય અને વેહિકલ હાથવગું હોય તો એ લઈને જવાને બદલે પગપાળા જવાનું રાખો. જો વૉક કરવાનું પ્લાન કરી શકો તો બેસ્ટ છે જ, પણ ધારો કે એ ન થઈ શકે તો બહુ અકળાવાની જરૂર નથી, આ પ્રકારે વૉક લેવાનું રાખો. લિફ્ટનો ઉપયોગ ટાળી દો. બને ત્યાં સુધી પગથિયાં ચડો અને જ્યાં પણ જવાનું બને ત્યાં એ જ રીતે જવાનું રાખો.

ધીમે-ધીમે આ આદત પડે તો પણ વાંધો નહીં, પણ એને આદત બનાવો અને લિફ્ટ વાપરવાનું છોડી દો. શરીરને બહુ પંપાળી લીધું, હવે એને પંપાળવાને બદલે થોડા આકરા થઈને કામ લો. અંગત કામો માટે બીજાનો ઉપયોગ બ‌િલકુલ બંધ કરી દો. કહેવાનો મતલબ એવો નથી કે જમવાનું તમારી જાતે બનાવો અને કપડાં પણ તમારા હાથે ધુઓ, પણ કહેવાનો અર્થ એ છે કે નાનાં કામ, જેને માટે તમે તમારી વાઇફનો કે બાળકોનો ઉપયોગ કરો છો એ બંધ કરી દો.

અત્યારે જેકંઈ કહ્યું કે ભવિષ્યમાં જેકંઈ કહેવામાં આવશે એ બધાને પૂરું કરવા માટે માનો કે માનતાનો નિયમ કામ લાગતો હોય તો એને માનતા સાથે જોડી દો, પણ એનો અમલ ચાલુ કરી દો. લાભમાં રહેશો અને આ લાભની જરૂર પણ છે, કારણ કે આપણે કોઈ એવા શાહુકાર નથી કે હૉસ્પિટલ જઈ શકીએ.

columnists manoj joshi