ત્રણ વાત... - (લાઇફ કા ફન્ડા)

20 November, 2019 01:59 PM IST  |  Mumbai | Heta Bhushan

ત્રણ વાત... - (લાઇફ કા ફન્ડા)

ચાણક્ય

અર્થશાસ્ત્ર લખનારા મહાન ગુરુ ચાણક્યએ બહુ સરસ વાત માનવીની આર્થિક દૃષ્ટિ અને સ્થિતિને લગતી સમજાવી હતી, જે આજના સંજોગોમાં પણ એટલી જ સચોટ ઠરે છે.

ચાણક્યએ પોતાની બુદ્ધિશક્તિથી સમ્રાટ ચન્દ્રગુપ્તને મગધનું સામ્રાજ્ય મેળવવામાં મદદ કરી હોય છે અને તેઓ સમ્રાટ ચન્દ્રગુપ્તના રાજગુરુનું સ્થાન શોભાવતા હોય છે. એક દિવસ ગુરુ ચાણક્ય પાસે તેમનો એક જૂનો મિત્ર આવે છે. મિત્ર એક વેપારી હોય છે અને ગુરુ ચાણક્યનો બાળપણનો મિત્ર હોય છે. વેપારી મિત્રને વેપારમાં ખૂબ ખોટ જાય છે, તે પાયમાલ થઈ જાય છે ત્યારે પોતાનો બાળપણનો મિત્ર હોવાથી ગુરુ ચાણક્ય કંઈક માર્ગ દેખાડશે તે આશા સાથે મગધ આવે છે.

વેપારમાં પાયમાલ થયેલા વેપારી મિત્રના દીદાર એવા ગરીબ જેવા હોય છે કે પહેરેગીર તેને ગુરુ ચાણક્ય સુધી જવા દેતા નથી. દરવાજા પર થતો શોર સાંભળી ગુરુ ચાણક્ય બહાર આવે છે. શું વાત છે તે પૂછે છે અને પોતાના વેપારી મિત્રને ઓળખીને અંદર લઈ જાય છે. વેપારી મિત્ર ગુરુ ચાણક્યનો આભાર માની રડી પડે છે અને બધી આપવીતી જણાવતા કહે છે કે ‘વેપાર ચાલતો હતો તો ઘણા મિત્ર હતા, તે બધા પાસે મદદ માગી પણ કોઈ મદદ કરવા તૈયાર નથી. આપની પાસે બહુ આશા સાથે આવ્યો છું.’

ગુરુ ચાણક્યએ મિત્રને આગળ બોલતા અટકાવી કહ્યું, ‘પહેલાં હું કહું છું તેમ કર...’ અને પછી તેમણે વેપારી મિત્રને સ્નાન કરી નવા વસ્ત્ર પહેરી તૈયાર થઈ જવા કહ્યું અને પછી ભોજન કરાવ્યું. ભોજન બાદ ગુરુ ચાણક્યએ કહ્યું, ‘મિત્ર, હું જે કહું છું તે બધી વાત બરાબર યાદ રાખજે, જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવે અને આર્થિક મુશ્કેલી આવે ત્યારે ખાસ કરીને નજીકના મિત્રો અને સ્વજનો પાસે મદદ ન માગવી, આમ તો કોઈ પાસે હાથ લાંબો ન કરવો અને નછૂટકે મદદ લેવી પડે તો અજાણ્યાની લેવી, મિત્રો અને સ્વજનોની નહીં. કારણ તેઓ મદદ નહીં કરે અને નીચાજોણું કરાવશે. બીજી વાત, જીવનમાં ગમે તેટલી તકલીફ હોય પણ મોઢા પર હંમેશાં હિંમત અને આત્મવિશ્વાસ રાખવો. કપડાં સાફ અને સુઘડ પહેરવા. ગરીબ, બિચારા અને લાચાર ક્યારેય બનવું નહીં અને દેખાવું નહીં...અને ત્રીજી વાત, તમારી તકલીફ...તમારી મુશ્કેલી કોઈને કહેવી નહીં. વાત ફેલાશે તો કોઈ મદદ કરવા આગળ નહીં આવે, ઊલટું લોકો તમારાથી દૂર ભાગશે.’

આટલું કહી ચાણક્યએ મિત્રની તકલીફ જાણી તેને કામ આપ્યું...પૈસા પાછા આપવાની શરતે શાહુકાર પાસેથી મદદ અપાવી અને તેનો વેપાર ફરી શરૂ કરાવ્યો. ગુરુ ચાણક્યએ મદદ કરી અને સાચી સમજ પણ આપી અને આ સમજ - આ વાત આજે પણ એટલી જ સચોટ છે જે આર્થિક મુશ્કેલીના સમયે યાદ રાખવી જરૂરી છે.

columnists