વનરાજને જાગ્યા ઓરતા રાજકુમારીને પરણવાના અને એ તો પહોંચ્યા માગું લઈને

20 November, 2019 01:03 PM IST  |  Mumbai | Manoj Joshi

વનરાજને જાગ્યા ઓરતા રાજકુમારીને પરણવાના અને એ તો પહોંચ્યા માગું લઈને

ગીર જંગલ

ગઈ કાલે આપણે વાંચ્યું, ગીર જેવું એક મોટું જંગલ હતું. જંગલમાં વનરાજ રહે. વનરાજથી બધા ડરે અને એ વનરાજને ગમે પણ બહુ. વનરાજના જંગલ અને પાસેના નગર વચ્ચે માત્ર એક નદીનું અંતર. આ બાજુનું પાણી જંગલનાં જાનવરો વાપરે અને નગર બાજુનું પાણી નગરજનો વાપરે. એક દિવસ વનરાજ પાણી પીવા નદીએ ગયા અને સામે કાંઠે રાજાની કુંવરી સ્નાન કરે. કુંવરીને જોઈને વનરાજ પાણી-પાણી. પ્રેમમાં પડી ગયા વનરાજ. વનરાજને રૂપમાં આમ ખોવાયેલા જોઈને વનરાજની પાછળ આવી ગયેલા શિયાળે બહાર આવીને જાણકારી આપીને કહ્યું કે તે નગરના રાજાની કુંવરી છે.

વનરાજે એ ગલબા શિયાળને કહ્યું કે ગલબા, આપણને એનાથી પ્રેમ થઈ ગયો છે. મારે તેની સાથે લગ્ન કરવાં છે. ગલબાએ તો વનરાજનો પક્ષ લીધો. ચોખ્ખું કહી દીધું કે વનરાજ, આની સાથે તો તમારે જ લગ્ન કરવાં જોઈએ. તમે વનના રાજા અને તે રાજાની કુંવરી. સ્ટેટસ પણ મેળ ખાય છે, આ લગ્ન તો તમારાં થવાં જ જોઈએ. વનરાજે નક્કી કર્યું કે એ સામે કાંઠે જઈને નગરના રાજવીને મળશે અને પ્રસ્તાવ મૂકશે. વનરાજ સાથે ગલબો શિયાળ અને ઐરાવત નામનો હાથી બન્ને ગયા. વનરાજ રાજમહેલના દરબારમાં ગયા. દરબાર આખો ભરાયેલો હતો. દરબારમાં જેવા વનરાજ દાખલ થયા કે બધા દરબારીઓના મોતિયા મરી ગયા, પણ ઐરાવતે સૌકોઈને કહ્યું કે ડરવાની જરૂર નથી. વનરાજ પ્રસ્તાવ સાથે આવ્યા છે. રાજા વનરાજને જોતાં બેસી રહ્યા. વનરાજને વાત શરૂ કરવામાં શરમ આવી એટલે ગલબા શિયાળે પ્રસ્તાવ મૂકતાં કહ્યું કે રાજવી, આપની કુંવરીને અમારા વનરાજે જોઈ છે અને એને જોતાંની સાથે જ પહેલી નજરનો પ્રેમ થઈ ગયો છે. વનરાજની ઇચ્છા છે કે એનાં લગ્ન રાજકુમારી સાથે થાય. રાજાને તો પરસેવો છૂટી ગયો. કહેવું કઈ રીતે કે આ લગ્ન શક્ય નથી. જંગલી જાનવર કેવી રીતે સામાજિક પ્રાણીના જીવનમાં આવી શકે, પણ સામે વનરાજ હતા. ૬ ફુટ લાંબા અને ચાર ફુટ ઊંચા વનરાજ. જેની કેશવાળી બબ્બે ફુટની હતી. ચાર પગ અને એ ચાર પગ ત્રણ-ત્રણ ફુટ લાંબા. કહેવું કઈ રીતે, ના પાડવી કઈ રીતે, પ્રસ્તાવ ઠુકરાવવો કઈ રીતે?

રાજાએ પ્રધાન સામે જોયું. પ્રધાનની પણ હાલત તો એવી જ હતી, પણ રાજાની આંખોમાં રહેલો પ્રશ્ન તે વાંચી ગયા. હવે પ્રધાનને પરસેવો છૂટવા માંડ્યો. જો પ્રસ્તાવ સ્વીકારી લે તો રાજા મારી નાખે અને જો પ્રસ્તાવ ઠુકરાવે તો વનનો રાજા ખાતમો બોલાવી દે. જવાબ શું આપવો? પ્રધાને સમય ખરીદી લીધો અને જવાબ આપ્યો કે વનરાજ અમને બેચાર દિવસ વિચારવા માટે આપો.

વનરાજે ત્રાડ પાડી, પણ એ સમયે વચ્ચે ઐરાવત આવી ગયો. ઐરાવતે વનરાજના કાનમાં કહ્યું કે દરેક દીકરીનો પિતા આ જ પગલું લેતો હોય છે. આમાં નકાર નથી, પણ સમજદારીની નિશાની છે. આપણે આ સમજદારીને સ્વીકારવી જોઈએ. વનરાજે વાત માની પણ ધાર્યું તો પોતાનું જ કર્યું અને કહ્યું કે બેચાર દિવસ નહીં, એક જ દિવસ. કાલે આ સમયે અમે પાછા આવીશું, તમારો જવાબ તૈયાર રાખજો.

(બીજા દિવસે શું થયું એ જાણીશું આવતી કાલે, પણ આ આખી વાતમાં ક્યાંય કોઈએ મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિને સાંકળવાની જરૂર નથી એ સ્પષ્ટતા ગઈ કાલે પણ કરી હતી અને આજે પણ કરું છું.)

manoj joshi columnists