ડોમરા અને બાઈસાહેબ

12 November, 2019 02:17 PM IST  |  Kutch | Vasant Maru

ડોમરા અને બાઈસાહેબ

ડુમરો

‘મિડ-ડે’માં આવતા આપણા લાડકા ‘કચ્છી કૉર્નર’ને પ્રચંડ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ રહી છે. વાચકરાજાના પ્રેમ સાથે લેખકની જવાબદારી પણ વધવા લાગી છે. ‘ડોમરા અને બાઈસાહેબ’ લેખ દ્વારા એક નવું પ્રકરણ ઉમેરવા જઈ રહ્યો છું. મુંબઈમાં વસતા કચ્છી વાચકોને કચ્છ મુલકનાં જાણીતાં ગામો અને એમાં થઈ ગયેલા કચ્છી સપૂતોનો પરિચય મળી રહે એવા મારા પ્રયત્નો આવા લેખોમાં હશે.

કચ્છના અબડાસા વિસ્તારમાં એક અતિજાણીતું ગામ એટલે ડુમરા (ડોમરા). આજે પર્યાવરણનું જબરદસ્ત અનબૅલૅન્સ થયું છે. દેશના અનેક ભાગો દુકાળ કે અતિવૃષ્ટિની મારથી પીડાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં જંગલો જબરદસ્ત સ્તરે નાશ પામ્યાં છે, પણ ૮૪ વર્ષના પ્રકૃતિપ્રેમી એલ. ડી. શાહ છેલ્લાં ત્રીસ-ચાળીસ વર્ષથી પર્યાવરણ બચાવવા એકલાહાથે ઝઝૂમે છે. ડોમરાના આ પર્યાવરણપ્રેમીએ એક લાખ વૃક્ષો વર્ષો પહેલાં વાવી પોતાનું કોટિ વૃક્ષ ભિયાન શરૂ કર્યું હતું. પછી તો પર્યાવરણ બચાવવા આખા કચ્છમાં ગામડે-ગામડે વૃક્ષારોપણનો પ્રચાર કર્યો. માત્ર પ્રચાર નથી કર્યો, એક કરોડ વૃક્ષ કચ્છમાં વાવી એના ઉછેર માટે રીતસરનો સંઘર્ષ કર્યો છે. આર્થિક રીતે સંપન્ન એલડીકાકાએ પોતાના વતનને વૃક્ષોથી લીલુંછમ બનાવવા રીતસરની દોડ લગાવી છે. કચ્છ મુલકમાંથી દુકાળને ભગાવવાના તેમના યજ્ઞમાં પાછળથી વધુ એક શસ્ત્ર ઉમેરાયું, ચેકડૅમોનું! કચ્છમાં ચોમાસામાં બહુ ઓછા પ્રમાણમાં વરસાદ પડે છે અને એ પાણી વેડફાઈ જાય કે દરિયામાં ચાલ્યું જતું અટકાવવા નાના ચેકડૅમ બાંધવાનું કાર્ય તથા પ્રચારકાર્ય એલડીકાકા કરતા. પાણી જમીનમાં ઊતરી જાય તો અંદરથી જમીન લીલી રહે, પાણીદાર રહે. અત્યારે આપણે કચ્છમાં જઈએ તો જગ્યા જગ્યા પર ‘કોટિ વૃક્ષ અભિયાન’નાં પાટિયાં સાથે વૃક્ષો ઊભેલાં દેખાય છે. એ એલ. ડી. શાહના સંઘર્ષનું પરિણામ છે. એકલા હાથે વૃક્ષારોપણનું કાર્ય કરતા આ કચ્છી માડુની નોંધ ભારત અને વિદેશનનાં અખબારોએ અનેક વાર લીધી છે.

ઇન્ડસ્ટ્રીઝ મશીન અને બીજી અનેક વસ્તુઓ બનાવવા સ્પ્રિંગની જરૂર પડે. હજારો પ્રકારની સ્પ્રિંગ દ્વારા જગતભરનાં મશીનો ચાલે છે. ભારતના સ્પ્રિંગ ઉદ્યોગને વિશ્વના નકશા પર ટોચનું સ્થાન અપાવનાર વસનજી હરસી ગાલા પણ ડુમરાના છે. ૮૪ વર્ષના વસનજીભાઈએ પોતાની આત્મકથા ‘સફર આઠ દાયકાની’ દ્વારા સ્પ્રિંગ ઉદ્યોગની અવનવી વાતો આલેખી છે, જે વાંચીને વાચકો મંત્રમુગ્ધ થઈ જાય છે. કચ્છી સમાજમાં રમતક્ષેત્રે,  કલાક્ષેત્રે તેમણે આપેલો ફાળો અન્યોન્ય છે. ખાસ કરીને દર વર્ષે આખા ભારતમાંથી કચ્છી કલાકારો, સાહિત્યકારોને ચૂંટી તેમને ‘તારામતી વસનજી પુરસ્કાર’ આપી રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરે છે.

અંદાજે ૧૪૦ વર્ષ પહેલાં સમાજને નવા દૃષ્ટિકોણથી મુલવણી કરવાનો જેમણે પ્રયત્ન કર્યો હતો એ વેલજીબાપા (વેલજી રણસી ગડા) ડુમરાનું એક અનોખું પાત્ર હતું. ૮૦ વર્ષ પહેલાં કચ્છમાં પ્રિન્ટિંગ ટેક્નૉલૉજી બહુ પ્રાથમિક તબક્કામાં હતી ત્યારે પોતાના ક્રાન્તિકારી વિચારોનું એક પુસ્તક છપાવી તેમણે જાગૃતિનું કાર્ય કર્યું હતું. પુસ્તકમાં જ્ઞાતિનું વસ્તીપત્રક હોવું જોઈએ, પુનર્લગ્ન થવાં જોઈએ, વિધવાવિવાહ દ્વારા સ્ત્રીઓનું જીવન સુધારવા, મરણ પછી રડવા-કૂટવાની (છાતી કૂટવાની) પ્રથા પર નિયંત્રણ રાખવું જોઈએ, સાધુઓની સમાચારી ઇત્યાદિ પર લખી કચ્છમાં ચર્ચા જગાવી હતી. વેલજીબાપા માત્ર વિચારવામાં કે ચર્ચાઓ કરવામાં નહોતા માનતા, આચરણ પણ કરતા. પોતાના માટે તેમણે નિયમો બનાવ્યા હતા જેમાં શરીર પર માત્ર એક જ વસ્ત્ર ધારણ કરવું, એક જ વખત આહાર કરવો, તેમના જ ઘરે ભોજન કરવું જેના ઘરના સભ્યો વ્યસનથી સંપૂર્ણપણે મુક્ત હોય, કાયમ માટે કચ્છમાં જ રહેતા કુટુંબના ઘરે જમવું. આવા અવનવા પ્રયોગો પોતાની જાત પર કરીને સમાજસુધારકની ભૂમિકા વર્ષો પહેલાં અદા કરી સાદું અને સાધુજીવન જીવ્યા હતા.

ડુમરાના ડૉ. વિશનજી નાગડા તબીબની સાથે-સાથે કચ્છી સાહિત્યકાર તરીકે વિખ્યાત છે. ૨૭ વર્ષથી કચ્છ યુવક સંઘનાં કચ્છી નાટકો લખી ભારતભરમાં કચ્છી ભાષાને જીવંત રાખવા સંઘર્ષ કર્યો છે. ગીતો, કાવ્યો અને ગઝલો દ્વારા અને કચ્છી સંગીત દ્વારા કચ્છી ભાષા જ‌િવાડવાના તેમના પ્રયત્નો લાજવાબ છે. કચ્છી શબ્દકોશ બનાવવાના જબરદસ્ત કાર્યથી સાહિત્ય સંશોધનક્ષેત્રે તેમણે પ્રદાન કર્યું છે. લોકોનાં હૃદય પર રાજ કરતા ડૉ. વિશન નાગડાએ કિશોર અવસ્થામાં પહેલું કાવ્ય સરજ્યું હતું જેનો વિષય હતો ‘બાઈસાહેબ.’

બાઈસાહેબ એટલે માત્ર ડુમરાની જ નહીં, સમગ્ર અબડાસા પ્રદેશની વિદુષી નારી. અસંખ્ય દુખિયારી બહેનોએ બાઈસાહેબમાં પોતાની માતાનાં દર્શન કર્યાં હતાં. અંદાજે ૧૨૩ વર્ષ પહેલાં રતનશીભાઈ કારાણી અને લાધીબાઈના ઘરે કન્યારત્નનો જન્મ થયો અને વડીલોએ તેમનું નામ પાડ્યું ‘કબુબાઈ.’

એ સમયના રિવાજ પ્રમાણે કબુબાઈની સગાઈ નાનપણમાં જ થઈ ગઈ હતી, પણ લગ્નગ્રંથિએ જોડાય એ પહેલાં જતેમના ભાવિ પતિનો સ્વર્ગવાસ થઈ ગયો. વડીલોએ બીજા જીવનસાથીની શોધ શરૂ કરી પણ કબુબાઈ ત્યાં સુધી સંસારની અસારતા સમજી ગયાં હતાં અને કાયમી બ્રહ્મચારિણી તરીકે જીવન વિતાવવાનું નક્કી કરી લીધું હતું. વડીલોએ પણ તેમની વાત માની અને પરિણામે જ્યારે સ્ત્રીઓમાં શિક્ષણ આપવાનો રિવાજ નહોતો ત્યારે પણ પ્રગતિશીલ વિચારના વડીલોએતેમને ભણાવવાનું નક્કી કર્યું અને કબુબાઈએ ડુમરાથી છેક કોડાય આવી ‘સદાગમ પ્રવૃત્ત‌િ આશ્રમ’માં જોડાઈને સંસ્કૃત અને વ્યાકરણનો અભ્યાસ ૧૦ વર્ષ સુધી કર્યો. કોડાયમાં રહીને કબુબાઈ ધર્મ,  વિવેક, વિનય અને ત્યાગના પણ પાઠ ભણ્યાં.

અભ્યાસ બાદ કબુબાઈ પોતાના ગામ પાછાં ફર્યાં અને રક્ષાબંધન નિમિત્તે તેમના ભાઈ ખીમજીભાઈને રાખડી બાંધી અને ખીમજીભાઈએ ભેટરૂપે પોતાની મિલકતનો અડધો હિસ્સો તેમને આપી દીધો. એ સમયે સ્ત્રીઓને પિયરની મિલકતનો ભાગ આપવાનો રિવાજ ન હતો. પોતાના હિસ્સાની મિલકતનો ઉપયોગ લોકકલ્યાણનાં કાર્યોમાં કર્યો અને ધનનો ઉપયોગ જ્ઞાનશાળા નામની સંસ્થા ઊભી કરવા કર્યો. એ સમયે સ્ત્રીશિક્ષણની પ્રથા કચ્છમાં નહીંવત્ હતી, પણ કબુબાઈએ સ્ત્રીઓને શિક્ષિત કરવા જાણે ઝુંબેશ ઉપાડી.

ડુમરાની તેમની જ્ઞાનશાળામાં કોઈ પણ નારી ચાહે કુંવારી હોય, વિધવા હોય કે ત્યક્તા હોય, તેમને આશરો મળતો. ત્યાં રહીને વ્યાકરણ, સંસ્કૃત ઇત્યાદિના અભ્યાસ માટે શિક્ષિકાઓની પણ વ્યવસ્થા કરી. કોઈ પણ જ્ઞાતિની નારી જ્ઞાનશાળામાં આવીને રહી શકે, ભણી શકે, જૈન, મુસ્લિમ,  લોહાણા, બ્રાહ્મણ ઇત્યાદિ જ્ઞાતિની બહેનોને ત્યાં વિનામૂલ્ય ભણતર અને રહેવા અને ખાવા-પીવાની સગવડ આપવામાં આવતી. કબુબાઈના ભાઈ ખીમજીભાઈએ આખી જ્ઞાનશાળા બાંધી બહેનને અર્પણ કરી અને જાણે કબુબાઈને જ્ઞાનશાળાનાં કુલપતિ બનાવી દેવાયાં. એ સમયે વિદુષી નારીની ઉંમર હતી માત્ર ૨૪ વર્ષની. ૨૪ વર્ષની ઉંમરે કબુબાઈ ‘બાઈસાહેબ’ના હુલામણા નામે આખા પ્રદેશમાં વિખ્યાત થવા લાગ્યાં. શરૂઆતથી જતેમની જ્ઞાનશાળામાં દોઢસોથી બસ્સો બહેનો અભ્યાસ કરતી. પોતાના ખર્ચે બાઈસાહેબે આ જ્ઞાનભૂખી મહિલાઓને ભણાવીને કચ્છમાં સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે ક્રાન્તિકારી કાર્ય કર્યું. બાઈસાહેબ કોડાયમાં ભણતાં હતાં ત્યારે જ માતાપિતાનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો અને ૨૫ વર્ષની યુવાન વયમાં તેમના ભાઈ ખીમજીભાઈનું અવસાન થતાં જ બાઈસાહેબમાં વૈરાગ્યભાવ વધુ પ્રબળ બન્યો. સાધ્વી ન હોવા છતાં સાધ્વી જેવું સાનું અને કઠણ જીવન જીવવા લાગ્યાં. અનેક જૈન સાધ્વીઓને આશ્રમમાં રાખી અભ્યાસ કરાવતાં. મનથી સાધ્વી બની ચૂકેલાં બાઈસાહેબ સાવ સાદી સફેદ સાડીમાં મુંડન કરેલા માથાથી અત્યંત પ્રભાવી અને મેધાવી લાગતાં. ખુદ ગાંધીબાપુએ પણ એક રાત તેમના ડુમરાના આશ્રમમાં રહીને બાઈસાહેબ સાથે જ્ઞાનચર્ચા કરી હતી. આચાર્ય ગુણસાગરસૂરિજી, પૂજ્ય ભદ્રમુનિ,  વિદુષી સાધ્વીજી  ખાંતિશ્રીજી મહારાજસાહેબે પણ સંસ્કૃતનો અભ્યાસ બાઈસાહેબ પાસે કર્યો હતો.

ભુજની બાજુમાં આવેલા કુકમા ગામનાં ગંગાબહેન નામનાં બ્રાહ્મણ બહેને જ્ઞાનશાળામાં અભ્યાસ કર્યા પછી કુકમા જઈ ‘ગંગા મૈયા’ નામનો આશ્રમ સ્થાપીને આધ્યાત્મિક અભ્યાસ માટે સગવડ ઊભી કરી. પછીથી ગંગાબહેને બાઈસાહેબની પ્રેરણા પામીને ભુજ, અમદાવાદ, રાજકોટ, મોરબીમાં આશ્રમ સ્થાપીને જાણે બાઈસાહેબને અંજલિ આપી હતી!

પોતાનું આત્મસ્વરૂપ ઓળખી, સંસારમાં રહીને પણ સંસારમાંથી મુક્ત રહેનાર બાઈસાહેબ માત્ર એક વાર ખૂબ રડેલાં, જ્યારે તેમના આશ્રમમાં સ્થાયી થઈ ધર્મપ્રચારનું કાર્ય કરતા પૂજ્ય પુષ્પાશ્રીજી મહાસતીનું અવસાન થયું ત્યારે. સ્ત્રી ઉત્કર્ષનાં ભરપૂર કાર્ય કરી બાઈસાહેબે અંદાજે ૮૦ વર્ષની ઉંમરે શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો.

ડોમરાના નેમશ્રી મહારાજસાહેબે સમગ્ર કચ્છમાં સૌથી વધુ ૮૭ વર્ષનું લાંબું આયુષ્ય સાધ્વીજી મહારાજસાહેબ તરીકે જીવવાની નોંધ છે. તો ડોમરાના સંતસ્તરે કાર્ય કરી અનાથ બાળકો માટે આશ્રમ સ્થાપનાર અબડાસા પ્રદેશમાં દવાખાનું ડોમરામાં શરૂ કરી માનવતાના મસાલચી બનનાર જૈન સંત પદ્‍મવિજયજી મહારાજસાહેબ પણ ડોમરાની શાન ગણાય છે. તો રતનશી મૂળજી ગાલા સ્વપ્નદ્રષ્ટા મનાય છે.

કહેવાય છે કે આરબ દેશ (અરબસ્તાન)થી આવેલું એક વહાણ દરિયાઈ તોફાનમાં સપડાઈને કચ્છ તરફ ખેંચાઈ આવ્યું અને જખૌ બંદર પાસે ભાંગી પડ્યું. એ વહાણમાં ૭ આરબ ભાઈઓ અને એક આરબ બહેન જખૌ બંદરેથી ચાલતાં-ચાલતાં રાતવાસો કરવા જે જગ્યાને પસંદ કરી ત્યાં ડુમરાના છોડની મીઠી સુગંધ આવતી હતી. આ સુગંધથી આકર્ષાઈને આરબ ભાઈઓ અને બહેને ત્યાં જ વસી જવાનું નક્કી કર્યું અને ડુમરા (ડોમારા) ગામ વસાવ્યું. સાતેય ભાઈઓ પોતાનાં સદ્કાર્યોથી પીર બની પૂજાયા, એમાંથી એક ભાઈ ડોમરા પીર તરીકે કચ્છમાં પ્રખ્યાત છે.

પીરોએ વસાવેલા આ નાનકડા ડોમરા ગામે એલ. ડી. શાહ જેવા ઓલિયા, વસનજીભાઈ ગાલા જેવા સ્પ્રિંગ ઉદ્યોગના મહારથી, બાઈસાહેબ જેવા સંસ્કૃતના વિદ્વાન નારીરત્ન, ડૉક્ટર વિશન નાગડા જેવા સાહિત્યકાર, પદ્‍મવિજયજી જેવા સેવાભાવી સંતોની ભેટ સમાજને આપી છે. બાઈસાહેબ અંગેની અદભુત વિગતો આપનાર નવીનભાઈ વસનજી સંઘોઈ તથા અભ્યાસુ તલકસીભાઈ હીરજી ગાલા અને કાંતિભાઈ શાહનંદનો આભાર માની ફરીથી કચ્છના કોઈ ગામનો ઇતિહાસ તપાસી આલેખન કરવાની ઇચ્છા રાખી વિરમું છું. અસ્તુ.

columnists kutch