કચ્છમાં કાઠીઓનું રાજ્ય અને તેમની વિદાય

19 November, 2019 03:30 PM IST  |  Kutch | Kishor Vyas

કચ્છમાં કાઠીઓનું રાજ્ય અને તેમની વિદાય

મહાપ્રતાપી રાજા લાખા ફુલાણી

કચ્છના લોકપ્રિય અને મહાપ્રતાપી રાજા લાખા ફુલાણીના સમય આસપાસનો ઇતિહાસ એમ કહે છે કે એ સમયે કચ્છમાં ઠેર-ઠેર કાઠીઓની સત્તા જામેલી હતી. તેમની ઉત્પત્તિ વિશે એવી કથા પ્રચલિત છે કે એક વખત કૌરવોએ રાજા વિરાટની ગાયો હરી લાવવાનું નક્કી કર્યું, પરંતુ એ કાર્ય મુશ્કેલ હોવાથી પાર પાડવા માટે કોઈ જ તૈયાર ન થયું. એ વખતે એમ કહેવાય છે કે કર્ણએ પોતાનો રાજદંડ જમીન પર પછાડીને ‘ખાટ’ નામનો પુરુષ ઉત્પન્ન કર્યો. તે પુરુષ વિરાટની ગાયોનું હરણ કરી લાવ્યો હતો. એ વખતે તે પુરુષે પોતાના પરાક્રમ બદલ તેના વંશ-વારસો માટે પશુહરણનો હક માગી લીધો. આ પુરુષ કાઠીઓનો મૂળ પુરુષ 

ગણાય છે. કચ્છમાં સિંધમાંથી ઊતરી આવેલા કાઠીઓ શૂરવીર હતા અને તેમની શક્તિની સહાયથી જ્યાં પણ ગયા ત્યાં જમીનના માલિક બની બેઠા હતા.કાઠીઓના સ્વભાવ અને રીત-રિવાજોમાં કેટલીક વિશિષ્ટતાઓ છે જે આજે પણ જોવા મળે છે. તેઓ સ્વભાવે મળતાવડા અને સ્નેહભૂખ્યા હોય છે. તેમની પરોણાગત આજે પણ પ્રશંસનીય રહી છે. પરોણાને તેઓ પરમેશ્વરની માફક પૂજે છે. એમ કહી શકાય કે કાઠિયાવાડ અને કચ્છમાં આજે પણ જે પરોણાગત માણવા મળે છે એ કાઠીઓની દેન છે.

કાઠીઓ સૂર્યપૂજક છે. આજે પણ તેઓ તેમનાં દસ્તાવેજી પત્રોમાં કરોળિયા જેવું સૂર્યનું ચિહન કરે છે અને ‘સૂરજની સાખે’ એમ લખે છે. દરેક કાર્યમાં તેઓ સૂર્યદેવ પર અત્યંત શ્રદ્ધા રાખે છે. કચ્છના કંથકોટના કિલ્લામાં કાઠીઓનું પુરાતન સૂર્યમંદિર જોવા મળે છે. મંદિરના ગભારામાં ઊભેલી સૂર્યદેવની મૂર્તિ આજે પણ ત્યાં જોવા મળે છે. તેઓ શુકનમાં માને છે એથી જ પ્રાચીન સમયમાં પશુહરણ કરવા કે ધાડ પાડવા નીકળતા ત્યારે પણ શુકન જોઈને નીકળતા. બહાર પડતાં જો ડાબી તરફ તેતરનો અવાજ સંભળાય તો એ માની લેતા કે ‘આજે બેડો પાર’.

કાઠી લોકો ઘોડા કરતાં ઘોડી રાખવાનું વધારે પસંદ કરતા, કારણ કે ઘોડા કરતાં એ વધારે પાણીદાર હોવાનું તેઓ માનતા. પશુધન પર ખૂબ જ પ્રેમ ધરાવતા કાઠી દરબારો ઘોડાઓની ઓલાદ સુધારવામાં મગરૂબી માનતા. તે લોકો જ્યારે કાઠિયાવાડમાં આવ્યા ત્યારે તેમની પાસે પાણીદાર ઘોડીઓ હતી અને જ્યારે અરબી ઘોડાઓ ભરેલું વહાણ કાઠિયાવાડના કિનારે લાંગર્યું ત્યારે એ ઘોડાઓ સાથે તેમની ઘોડીઓનું સંવનન કરાવ્યું હતું ત્યારથી કાઠિયાવાડી ઘોડા ભારતભરમાં પંકાવા લાગ્યા હતા.

કચ્છમાંથી ચાલ્યા જવું પડ્યું એના પાછળનું કારણ એવું હતું કે કચ્છના મહાપ્રતાપી ગણાતા રાજા લાખા ફુલાણીના વીરમૃત્યુ પાછળ કાઠીઓનો હાથ હોવાથી તેઓ ત્યાં દિવસે-દિવસે અપ્રિય બનતા ગયા. લોકોનો વિશ્વાસ ગુમાવી બેઠા. એટલું જ નહીં, તેઓ કચ્છના લોકોની આંખમાં કણાની માફક ખૂંચવા લાગ્યા હતા. એ સમયમાં જ કાઠીઓને કચ્છમાંથી હાંકી કાઢવાની હિલચાલ શરૂ થઈ ગઈ હતી. જામ કાંઇયાના સમયમાં એ હિલચાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આખા કચ્છમાં એ જુવાળ એટલો તો ઉગ્ર બન્યો કે તેમના પર ઠેર-ઠેર હુમલાઓ થવા લાગ્યા હતા.

આખરે એવી સ્થિતિ પેદા થઈ કે તેમના પર કઈ દિશામાંથી હુમલો થશે અને ક્યારે તેમનાં ઘરબાર લૂંટાઈ જશે એનો ભય તેમને સતાવવા લાગ્યો, તેમને કચ્છમાં રહેવું ભારે થઈ પડ્યું. કચ્છમાંથી કોઈ પ્રજાએ ભયથી ભાગી જવું પડ્યું હોય એવો કદાચ એ પહેલો બનાવ હતો. તેમણે આખરે કચ્છ છોડવાનો નિર્ણય કરી લીધો. લાંબા રાજ્ય-અમલના કારણે ઘણા કાઠીઓ પાસે બેશુમાર મિલકતો એકઠી થઈ ગઈ હતી. બધી મિલકતો સાથે લઈ જઈ શકાય એમ પણ નહોતું. એ જોખમથી બચવા તેમણે મોટા ભાગની મિલકતો ઠેકઠેકાણે દફનાવી દીધી હતી અને એના પર પાળિયા ઊભા કરીને ચિત્ર-વિચિત્ર લખાણો લખ્યાં હતાં. વર્ષો સુધી એ જોવા મળતા રહ્યા, પણ કાળક્રમે એ ધીરે-ધીરે નાસ પામી ગયા હોય એવું નોંધવામાં આવ્યું છે.

આમ મોટી મિલકતોને ઠેકાણે પાડીને પોતાની વહીમાં નોંધ કરીને કાઠીઓ કચ્છને આખરી સલામ કરી જતા રહ્યા હતા. એવું કહેવાય છે કે તેમણે છોડી દીધેલાં વસવાટની જગ્યાએ ઘણાં ઘરમાંથી જૂનાં ચોપડાં મળી આવ્યાં હતાં જેમાં તેમણે કચ્છમાં દાટેલી મિલકતોની પૂરી નોંધ કરેલી વાંચવા મળી હતી. તેમનો ઇરાદો એવો હતો કે થોડા સમય પછી ફરી કચ્છ આવીને એ દાટેલી મિલકતો હાથવગી કરી લેવી. આવી જાણ કચ્છના કેટલાક ગરાસિયાને થતાં તે લોકોએ કાઠીઓએ દાટેલી મિલકતો પોતાને હાથ કરી લીધી. કાઠી સમય જતા ત્યાં આવ્યા ત્યારે મિલકતના બદલે માત્ર પાંચ સિક્કા બાંધેલો ખાંભલો અને નાળિયેર જ તેમના
જોવામાં આવ્યા. મિલકતો કાઢી જનાર એવી નિશાનીઓ મૂકી જતા હતા.

વડઝર ગામે એક એવો પાળિયો જોવા મળ્યો હોવાનું આદરણીય કારાણીસાહેબ લખે છે કે એના પર એવું લખેલું હતું કે...
‘વડઝર ને ગુંગર ભર, કરસી કોરિયું હારો આધિયા,મથો વઢે, સે માલ કઢે...!’

આવાં વિલક્ષણ લખાણોવાળા અનેક પાળિયા કચ્છમાં મોજૂદ હતા. કોઈ પર લખેલું હતું ‘તીરવા અઢળક ધન’ આવો પાળિયો વાગડમાં જાટાવાડા અને બાલાસારાના રસ્તાની દક્ષિણ બાજુએ એક ટીંબા પર જોવા મળ્યો હતો. લાલ રંગનો એવો એક પાળિયો આજે પણ ત્યાં જોવા મળતો હોવાનું કહેવાય છે. ક્યાંક જોવામાં આવતું કે ‘ઢોલવા અનગળ મિલકત’ પણ આવાં લખાણોનો અર્થ કોઈ પામી શકતું નહીં. તીરવા એટલે તીર પહોંચે ત્યાં સુધી અને ઢોલવા એટલે ઢોલનો અવાજ સંભળાય એટલે દૂર આટલું સમજી શકાતું, પણ કાઠીઓનાં ચોપડાંમાં એનું રહસ્ય રહેતું.

ઇતિહાસ એવું આલેખે છે કે એ વખતે આજના ગઢસીસા પાસે રાજકોટ નામે કાઠીઓની વસાહતવાળું એક ગામ હતું. ગામધણી કાઠી રાજાનો એક ભાઈ પુરુષત્વહીન હતો. એ વખતે સાભરાઈ ગામમાં પાવૈયાઓનો મોટો મઠ હતો. ત્યાંના પાવૈયાઓ રાજાના ભાઈને ભોળવીને તેમની સાથે લઈ ગયા. કાઠી રાજા શરમ અને ક્રોધથી સળગી ઊઠ્યો. તેણે કપટ કરીને પોતાના ભાઈને બોલાવી લીધો અને જંગલમાં જ તેની કતલ કરીને એક કૂવામાં નાખી દીધો. રાજાએ કરેલા કપટથી પાવૈયાઓ નારાજ થયા અને તેમણે ગઢસીસા ગામનું પાણી હરામ કરી દીધું હતું જે પ્રતિજ્ઞા વર્ષો સુધી તેમણે પાળી હતી, પણ કોઈ કારણસર જો પાણી પીવું પડે તો કતલ કરીને નાખી દીધેલા કૂવામાં એક ઢીંગલો પોતાના પ્રણભંગના દંડ તરીકે નાખી દેતા હતા.

આ પણ વાંચો : પાકિસ્તાનને પણ મળી ગયો છે કચ્છની મહિલાઓની બહાદુરીનો પરચો

ત્યાર પછી તો કાઠીઓ કાઠિયાવાડના જુદા-જુદા વિસ્તારોમાં ફેલાઈ ગયા. ઈ.સ. ૧૪૦૦માં તેમણે સૌપ્રથમ સોઢા પરમાર પાસેથી થાન અને ચોટીલા ઝૂંટવી લીધાં હતાં, પણ ખેતીવાડીને ધિક્કારતા કાઠીઓ મુખ્યત્વે ઢોર ચારતાં અને લૂટફાટ કરતા. તેમની પણ જાતિ-પ્રજાતિઓ પેદા થઈ જેમાંના ઘણાએ કાઠિયાવાડમાં કેટલાંક પરગણાં હાંસલ કર્યાં અને રાજવટ કરવા લાગ્યા હતા. એ અગાઉ કચ્છના વાગડ પ્રદેશમાં એક બીજી પ્રેમકથા કાનમેરના કાઠી રાજા કાનસુઆને ત્યાં આકાર લઈ રહી હતી અને એ એટલે ‘વીર નાગવાળો અને નાગમતી’. બન્ને પ્રેમીઓ કાઠી રાજાઓનાં સંતાન હતાં. પ્રેમ તો ખૂબ પાંગર્યો બન્ને વચ્ચે, પણ એક ન થયાં તે ન જ થયાં. આખી પ્રેમકથા માણીશું આવતા અંકે.

columnists kutch