દિલ તો કચ્ચા હૈ જી

08 January, 2019 10:57 AM IST  |  | Bhavini Lodaya

દિલ તો કચ્ચા હૈ જી

પ્રતીકાત્મક તસવીર

લેડીઝ સ્પેશ્યલ

નારી તું નારાયણી, શક્તિનું રૂપ નારી અને જગતજનની જેવા અનેક નામથી સ્ત્રીઓને બિરદાવવામાં આવે છે, પણ આ શક્તિશાળી નારીનું હૃદય કોમળ હોય છે. દરેક પરિસ્થિતિમાં લડવાની તાકાત ધરાવતી મહિલાઓનું હૃદય આટલું ઉચાયભર્યું કેમ હોય છે? બધી રીતે સ્ટ્રૉન્ગ, એકસાથે અનેક મોરચે લડી શકનારી મહિલાઓ દિલની નાજુક હોય છે એ વાત સાથે તમે કેટલા સહમત થાઓ? કૅનેડાની ઓટાવા યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે મહિલાઓમાં હૃદયરોગના હુમલાથી થતાં મૃત્યુનો દર વધ્યો છે. મહિલાઓને આવતો હાર્ટ-અટૅક મોટે ભાગે જીવલેણ નીવડે છે. દિલની બાબતમાં મહિલાઓના ઇમોશનલ, સોશ્યલ અને બાયોલૉજિકલ પાસાંઓ પર વિગતવાર ચર્ચા કરીએ.

અસંતુષ્ટિનો ભાવ

વર્કિંગ વુમન હોય કે ગૃહિણી બન્ને પોતે જ્યાં છે એ સ્થાને પૂર્ણ રીતે સંતુષ્ટ નથી એમ જણાવતાં ડોમ્બિવલીનાં ગૃહિણી રૂપાલી મોતા કહે છે, ‘વર્કિંગ વુમન હંમેશાં પોતાની ઓળખ બનાવવાની ખુશી હોવા છતાં પરિવાર અને બાળકો સાથે ઓછો સમય વિતાવવાના ગિલ્ટ ભાવને કારણે અંદરથી નાખુશી અનુભવતી હોય છે જ્યારે બીજી તરફ ગૃહિણીઓને સમાજમાં વર્કિંગ વુમન જેવો દરજ્જો ન મળવાને કારણે પીડાનો અનુભવ થતો હોય છે. બહાર જઈને કામ કરીને ઓળખ બનાવવા અને પોતાની કાબેલિયત સાબિત કરવાની માનસિક ગ્રંથિઓ વધતી જાય છે. આમ બન્ને વર્ગની મહિલાઓ પોતે જ્યાં છે ત્યાં અંદરથી ગૂંગળાયેલી રહે છે.’

વાતને આગળ વધારતાં રૂપાલી કહે છે, ‘કોઈ પણ સંબંધમાં વિશ્વાસઘાત થાય ત્યારે સ્ત્રી સૌથી વધુ નબળી પડે. સ્ત્રીને પ્રેમ અને વિશ્વાસની જરૂર હોય છે. વિશ્વાસઘાત તે કદી સહન નથી કરી શકતી. પુરુષ સરળતાથી એક નવા સંબંધ તરફ આગળ વધી શકે છે, જ્યારે સ્ત્રી મૂવ ઑન નથી કરી શકતી. તેને એમાંથી નીકળવા લાંબો સમય લાગતો હોય છે ને કદાચ તે ક્યારે પણ એ આઘાતમાંથી નીકળી નથી શકતી જેને કારણે ડિપ્રેશનને કારણે હૃદયરોગની શિકાર બને છે.’

પોતાના માટે બેદરકાર

સમાજ સુધરતો જાય છે અને પતિ કે પરિવાર હવે સ્ત્રીના આગળ વધવાના પગલાને સ્વીકારે છે એમ જણાવતાં કાંદિવલીનાં એકતા શાહ કહે છે, ‘સાથ હોવા છતાં બમણી જવાબદારીને કારણે મહિલાઓ સ્ટ્રેસનો શિકાર બને છે. ઘર અને બહાર બન્ને બૅલૅન્સ કરવામાં સ્ત્રીઓ પોતાનું ધ્યાન રાખવા પ્રત્યે બેદરકાર હોય છે. સ્ત્રી અને પુરુષની તુલનામાં સ્ત્રીઓની જવાબદારી વધારે હોય છે. બાળકોના ભણતરની સાથે ઘરનું સંચાલન, કિચનની જવાબદારી અને કામનું કમિટમેન્ટ આ બધું ટેન્શન સ્ત્રીમાં વધુ હોય છે. એમ છતાં ઘણી સ્ત્રીઓ પોતાના નિત્યમક્રમમાં હેલ્થ પ્રત્યે સભાન હોય છે. રોજિંદી એક્સરસાઇઝ, ડાયટ અને વા÷કિંગ માટે સમય કાઢે છે, પણ એકંદરે આ રેશિયો ખૂબ ઓછો છે. મોટા ભાગની સ્ત્રીઓ બધાં કામ પતાવી જ્યારે નવરી પડે છે ત્યારે તે એટલી થાકેલી હોય છે કે પોતાના માટે કંઈ પણ કરવાની તેનામાં તાકાત નથી રહેતી અને તે પોતાની જાતની અવગણના કરે છે.’

હૈયું હળવું નથી થતું

કોઈ પાસે હૈયું ઠાલવવામાં હૃદય હળવું બને એવું જણાવતાં મુલુંડનાં તૃપ્તિ લોડાયા કહે છે, ‘હૈયું ઠાલવવા હવે કોઈ નથી મળતું. હૈયાનું સ્થાન વૉટ્સઍપ અને ફેસબુકે લઈ લીધું છે. પહેલાં સ્ત્રીઓ એકબીજાને મળતી, વાતો કરતી અને હળવાશ અનુભવતી; પરંતુ ટેક્નૉલૉજીના વધતા ઉપયોગને કારણે હવે વાતો સાંભળવાનો કોઈ પાસે ટાઇમ નથી. વૉટ્સઍપ પર ચૅટિંગ કરીને અથવા ફેસબુક પર અજાણ્યા સાથે ચૅટિંગમાં શૅરિંગ વધ્યું છે જેનાથી ક્ષણિક હળવાશ થાય છે, પણ એનાથી ઊભી થતી સમસ્યા બીજી તકલીફોને આમંત્રણ આપતી હોય છે જે ડિપ્રેશનમાં પહોંચાડે છે. સંવેદનશીલ હૃદય ધરાવનાર ઘણી સ્ત્રીઓ આ પ્રકારના ડિપ્રેશનનો શિકાર બનતી હોય છે.’

અભિપ્રાયોની દૃષ્ટિએ દરેક પરિસ્થિતિનો સામનો કરનારી સ્ત્રીઓનું હૃદય લાગણીસભર અને કોમળ હોય છે, પણ પોતાનું ધ્યાન રાખવું એ પણ આપણા પરિવાર પ્રત્યેની ફરજ જ છે, કારણ કે જો આપણે સ્વસ્થ રહીશું તો જ આપણા પરિવારનું ધ્યાન રાખી શકીશું. હૃદયરોગના હુમલાને જો રાકવો હોય તો નિયમિત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો.

સ્ત્રીઓમાં અવેરનેસનો અભાવ છે : ડૉ. સુધીર પિલ્લે, કાર્ડિયોલૉજિસ્ટ

વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્ત્રી અને પુરુષોનું હૃદય સરખું જ હોય છે એમ કહેતાં કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. સુધીર પિલ્લે કહે છે, ‘સ્ત્રીઓ બીમારી અસહ્ય થવા લાગે ત્યાં સુધી કહેતી નથી એને કારણે ઘણું મોડું થઈ જતું હોય છે જે ક્યૉરેબલ ન થવાના સ્ટેજ સુધી પહોંચી જાય છે. સ્ત્રીઓમાં સ્ટ્રેસ, ડિપ્રેશન અને હેલ્થ પ્રત્યેની બેદરકારીને કારણે મોટાપાનું પ્રમાણ વધે છે જેના કારણે કૉલેસ્ટરોલ, હાઈ બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ જેવી બીમારીઓ થાય છે, જેની સીધી અસર હાર્ટ પર થાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓ ટ્રીટમેન્ટમાં રિસ્પૉન્સ ઓછી કરતી હોય છે. બ્લડ સપ્લાયની આર્ટરી પુરુષો કરતાં સ્ત્રીઓની નાની હોય છે, પરંતુ હૃદય સમાન હોય છે. સારવારનો ભય સ્ત્રીઓમાં વધુ હોય છે. જાગૃતિનો અભાવ છે, જ્યારે પુરુષને કંઈ પણ બીમારી થાય છે ત્યારે તે તરત મેડિકેશન કરે છે. ઘરના સભ્યો પણ પુરુષની બીમારી દૂર કરવા તત્પર હોય છે, જ્યારે સ્ત્રીઓ બાંધછોડ કરે છે.’

ડૉ. સુધીર પિલ્લે એમ પણ કહે છે, ‘સોશ્યલ ઇકૉનૉમિક સ્ટેટસ, મૉડર્ન અને અપગ્રેડેડ થવા પુરુષોની સરખામણીમાં જીવન જીવવાની જીવનશૈલીને કારણે છેલ્લાં વીસ વર્ષમાં મહિલાઓમાં સ્મોકિંગનો રેશિયો ઘણો વધ્યો છે. આલ્કોહૉલ લેવાનું પ્રમાણ પણ વધ્યું છે જેના કારણે શરીર પર ખરાબ અસર થાય છે અને હાર્ટ નબળું પડે છે. શરૂઆતમાં નાની સમસ્યાની અવહેલના કરનારી સ્ત્રીઓ જ્યારે સમસ્યા ગંભીર થાય ત્યારે સારવાર માટે આવે છે અને ત્યારે મોડું થઈ ગયું હોય છે. મેડિકલ કમ્યુનિટીએ પણ આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે ૪૧ની ઉંમરની મહિલાઓ જ્યારે બ્રેથલેસની ફરિયાદ લઈને આવે ત્યારે ટૅબ્લેટની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જ્યારે પુરુષોને ૨D ઇકો ટેસ્ટ અને ECG જેવી ટેસ્ટ કરવાનું કહેવામાં આવે છે. માટે સારવારમાં જાગૃતિની જરૂર છે.’

કોઈ પણ સંબંધમાં વિશ્વાસઘાત થાય ત્યારે સ્ત્રી સૌથી વધુ નબળી પડે. પ્રેમ અને વિશ્વાસઘાત તે કદી સહન નથી કરી શકતી. પુરુષ સરળતાથી એક નવા સંબંધ તરફ આગળ વધી શકે છે, જ્યારે સ્ત્રી મૂવ ઑન નથી કરી શકતી

- રૂપાલી મોતા, ડોમ્બિવલી

સ્ત્રી અને પુરુષની તુલનામાં સ્ત્રીઓની જવાબદારી વધારે હોય છે. ઘર અને બહાર બન્ને બૅલૅન્સ કરવામાં સ્ત્રીઓ પોતાનું ધ્યાન રાખવા પ્રત્યે બેદરકાર હોય છે

એકતા શાહ, કાંદિવલી

આ પણ વાંચો : વ્યભિચાર ક્યારે ગુનો ગણાય, ક્યારે નહીં?

હૈયું ઠાલવવા હવે કોઈ નથી મળતું. હૈયાનું સ્થાન વૉટ્સઍપ અને ફેસબુકે લઈ લીધું છે. વૉટ્સઍપ પર ચૅટિંગ કરીને અથવા ફેસબુક પર અજાણ્યા સાથે ચૅટિંગમાં શૅરિંગ વધ્યું છે જેનાથી ક્ષણિક હળવાશ થાય છે, પણ એનાથી ઊભી થતી સમસ્યા બીજી તકલીફોને આમંત્રણ આપતી હોય છે.

તૃપ્તિ લોડાયા, મુલુંડ

columnists