વર્તમાનની પ્રત્યેક ક્ષણ માણતા શીખવાનો સૌથી મોટો ફાયદો ખબર છે?

10 February, 2020 10:52 AM IST  |  Mumbai Desk | Manoj Joshi

વર્તમાનની પ્રત્યેક ક્ષણ માણતા શીખવાનો સૌથી મોટો ફાયદો ખબર છે?

યોગગુરુ જગ્ગી વાસુદેવને મળવાનું થયેલું ત્યારે તેમની પાસે યોગને લગતી એક મહત્ત્વની વાત જાણવા મળેલી. યોગસાધનામાં નડતર બનતા પાંચ ક્લેષોનું વર્ણન યોગના ગ્રંથમાં કર્યું છે જેમાં પાંચમો ક્લેષ છે અભિનિવેષ. અભિનિવેષ એટલે મૃત્યુનો ડર. જ્ઞાનિઓ અને વિદ્વાનો પણ મૃત્યુના ડરને ખાળી નથી શક્યા. જીવન અનિશ્ચિત છે, પણ મૃત્યુ તો નિશ્ચિત છે. માત્ર એનો આવવાનો સમય આપણને ખબર નથી.
મૃત્યુનો ડર નથી એવો દાવો કરનારાઓની પણ દરવાજે જો મોત ઊભું દેખાય તો સાચ્ચે જ પરસેવો છૂટી જાય. આ સહજ છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓએ આ વાત સ્વીકારી છે અને આખી જિંદગી શરીર નાશવંત છે અને આત્મા અમર છે, આત્માનું મૃત્યુ ન થાય એવું કહેનારાઓ પણ આમાંથી બાકાત નથી રહી શક્યા. આ ડર સહજ છે. તડકામાં રખડપટ્ટી કરીને ત્રણ લિટર પાણી પરસેવારૂપે બહાર કાઢી નાખનારાઓને જેમ તરસ લાગ્યા વિના ન રહે એટલો જ સહજ મનના ખૂણે રહેલો મોતનો ભય છે.
સાહેબ, એક વાત નિશ્ચ‌િત છે કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે નહીં તો એના પછીના દિવસે, એના પછીના અઠવાડિયે, એના પછીના વર્ષે. આપણને ખબર નથી ક્યારે, પણ મૃત્યુ આવશે એ નક્કી જ છે. સોએ સો ટકા આવશે અને પાકેપાકું આવશે. તમે ઇચ્છો કે ન ઇચ્છો. તમે સ્વીકારો કે ન સ્વીકારો.
તો વોટ નેક્સ્ટ. જે અફર સત્ય છે અને જેનો ભય પણ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલો છે એને કઈ રીતે હૅન્ડલ કરવું?
અંતિમ સમય આવવાની અનિશ્ચિતતા અને એ આવશે જ એની નિશ્ચ‌િતતા એ આપણને મળેલો સૌથી મોટો આશીર્વાદ છે. એનો શ્રેષ્ઠ ઉપયોગ એ જ કે જે સમય છે એને વધુમાં વધુ તીવ્રતાથી અને પોતાનું શ્રેષ્ઠ આપીને જીવતા જવાનું. આજની ઘડી છે રળિયામણી માનીને આજને પૂરી તન્મયતાથી સમર્પિત થઈ જવાનું, આજમાં મોજ શોધવાની, આજમાં આનંદ પામવાનો, આજને વધાવવાની, આજને સંવારવાની. આજને સભર કરે તો મહેનત પણ કરવાની. જો આ કળા તમે શીખી ગયાને સાહેબ, તો માનજો કે તમે આવનારા મૃત્યુને સૌથી મોટો તમાચો માર્યો છે. જે જીવન છે, જેટલું છે એને તમે તમારા ૧૦૦ ટકા આપ્યા છેને, પછી ભલેને કાળ આવે. આપણને ક્યાં વાંધો છે. આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે આજમાં દુખી અને અસંતુષ્ઠ બનીને ન રહેતા હો. એ ત્યારે જ શક્ય છે જ્યારે તમે આજમાંથી વાંકો જ શોધ્યા ન કરતા હો. એ ત્યારે જ શક્ય છે જ્યારે તમને ભૂતકાળ અને વર્તમાન વધુ વહાલા ન લાગતા હોય.
પૂરી સભાનતા સાથે એક વાત કહીશ તમને. યાદ રાખજો, અત્યારે તમે જ્યાં પણ છો, જે કરી રહ્યા છો, જે અવસ્થામાં છો એમાંય તમે ધારો તો ખુશખુશાલ રહી શકો છો. ખુશીઓનો આધાર સુખ-સગવડ પર નથી, પણ તમારા દૃષ્ટિકોણ પર છે. રસ્તા પર બેસેલા ફકિરથી માંડીને એન્ટિલિયામાં બેસેલા મુકેશભાઈની આજમાં કંઈક તો સારું છે જે માણવાલાયક છે. એવું નથી કે બન્નેમાંથી એકેય પાસે સમસ્યાઓ નથી. તેઓ પણ ધારે તો ખુશ રહી શકે અને ધારે તો દુખી. બૉસ, અહીં તમારી દૃષ્ટિનો સવાલ છે, તમારું ધ્યાન શેની તરફ છે એના પર તમારી ખુશીઓનો આધાર છે.

manoj joshi columnists