ધો ડાલા : પણ કોઈને મારવું એ જોખમની બાબત ગણાય

09 December, 2019 02:10 PM IST  |  Mumbai | Ruchita Shah

ધો ડાલા : પણ કોઈને મારવું એ જોખમની બાબત ગણાય

ફાઈલ ફોટો

પુરુષો માટે હાથાપાઈ પર ઊતરી જવું એ કોઈ મોટી વાત નથી. કેટલાંક સર્વેક્ષણો કહે છે કે હાથ ઉપાડવાની બાબત પુરુષો રમૂજ તરીકે લેતા હોય છે. જોકે કોઈકને મારવું એ જોખમની બાબત ગણાય. સામેવાળી વ્યક્તિ પણ એ જ સ્તરે આક્રમક થઈ જાય અથવા પોતાનાથી વધુ તાકાતવાન હોય તો? કેટલાક પુરુષો આ વિશેના અંગત અનુભવો શૅર કરે છે આપણી સાથે

ઉંમર થઈ એમ સમજાયું કે હાથ ઉપાડવાની જરૂર નથી: કમલેશ શાહ

પુરુષ માટે તેનો અહંકાર સર્વોપરી હોય છે, ખાસ કરીને તે યંગ હોય ત્યારે. જેમ-જેમ ઉંમર થતી જાય એમ અમુક મૅચ્યોરિટી સાથે મારામારી પર ઊતરી જવાનું વલણ ઘટતું જાય. દહિસરમાં રહેતા કમલેશ શાહના આ શબ્દો છે. તેમના યુવાનીના દિવસોમાં તેમની જબરી ધાક હતી. તેઓ કહે છે, ‘એ સમયમાં સફળતા કે પાવર આ બે બાબતથી જ લોકો ઇમ્પ્રેસ થતા અને યંગ એજમાં લોકોને ઇમ્પ્રેસ કરવાનો જુસ્સો પણ જબરો હોય છે. ફિઝિકલી પહેલેથી જ ખૂબ મજબૂત રહ્યો છું અને ડરનો સવાલ જ નહોતો. કદાચ મારી હિંમત પણ એટલી પ્રભાવશાળી હતી કે લોકો આપમેળે આદર આપતા. મને એક પ્રસંગ યાદ આવે છે જ્યારે મારા જ એક ખાસ મિત્રને મેં પૈસા ઉધાર આપ્યા હતા. તેણે ઘણા વાયદા પછી પણ પૈસા પાછા ન આપ્યા. એક વાર વાયદો કરીને પણ પૈસા પાછા ન આપ્યા અને મેં એ પૈસાને લઈને આગળ વાયદો કરી દીધો હતો. છેલ્લે હું ખરેખર અકળાઈ ગયો અને મેં જોરથી તેને છાતીના હિસ્સામાં એક મુક્કો મારી દીધો. એ મુક્કો એટલો જોરદાર હતો કે પેલો બેહોશ થઈ ગયો. તેની હાલત જોઈને હું ડરી ગયો. ક્યાંક તેને કંઈ થઈ ન જાય. હું જ તાત્કાલિક તેને ડૉક્ટર પાસે લઈ ગયો. લગભગ વીસેક મિનિટ પછી તે બેહોશીમાંથી બહાર આવ્યો. પૈસા તો દૂરની વાત રહી, ડૉક્ટરની ફી મારે ચૂકવવી પડી. સાચું કહું તો એ ગુસ્સાનો અને એ સમયે હાથ ઉપાડવાનો મને પસ્તાવો થયો હતો. એ પછી મેં લગભગ ક્યારેય હાથ નથી ઉપાડ્યો. પુરુષોનો ઈગો વધુ સ્ટ્રૉન્ગ હોય છે. એમાં પણ જો કોઈ વ્યક્તિ તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડે, ખોટું બોલે કે વિશ્વાસઘાત કરે ત્યારે તે પોતાનો કન્ટ્રોલ ખોઈ બેસે છે. આજે તો જોકે જમાનો બદલાયો છે, પરંતુ આજથી ૩૫-૪૦ વર્ષ પહેલાં સ્થિતિ જુદી હતી. વિશ્વાસનું મૂલ્ય ખૂબ વધારે હતું. દોસ્તીનું મૂલ્ય ખૂબ વધારે હતું. ઝઘડો પણ વન-ટુ-વન ચાલતો. ઉંમર નાની હોય ત્યારે આવેશ પર કન્ટ્રોલ ન રહે, પણ પછી જેમ-જેમ ઉંમર વધે ત્યારે સમજાતું જાય. આજે તો સ્થિતિ એવી છે કે કોઈ અકળાયેલો હોય, ગુસ્સામાં હોય તો હું સામેથી કહું છું કે ભાઈ તું જ શિવાજી છે, તું મહારાણા પ્રતાપ છે; પણ ક્યારેય હાથ ઉપાડવા સુધી નથી પહોંચવા દેતો વાતને. યુવાનીમાં અનેકને ધોયા છે એ વાત હવે જૂની થઈ ગઈ. જોકે એવું ન કરવામાં વધુ સાર છે.’

ખોટું થતું હોય તો આજે પણ હાથ ઊપડી જાય મારો : અશોક મણિયાર

બોરીવલીમાં રહેતા અને શૅર માર્કેટમાં કામ કરતા અશોક મણિયારની આક્રમકતા આજે પણ એટલી જ છે. જોકે તેમની આક્રમકતા સિંઘમ જેવી છે. અશોકભાઈ કહે છે, ‘ક્યારેય કોઈને પણ અકારણ કોઈ હેરાન ન કરે. કૉલેજના દિવસોમાં ફ્રેન્ડ્સ સાથે મારામારીમાં ગમ્મત હોય. પરંતુ મૅચ્યોરિટી પછી ક્યારેક જો કોઈના પર હાથ ઉપાડવા સુધીની વાત પહોંચે તો ભૂલ પણ એવી હોય ત્યારે જ થાય. થોડાક સમય પહેલાંનો જ એક કિસ્સો કહું. હું ટ્રેનમાં હતો. મારી સાથે મારા ફ્રેન્ડ પણ હતા. ટ્રેનમાં કેટલાક લોકો પોતાની બૅગ રૅક પર મૂકવાનું કામ બીજાને સોંપતા હોય છે. એક ભાઈએ એ જ રીતે તેની બૅગ મૂકવાનું કહ્યું. સહેજ તોછડાઈ જ હતી તેના અવાજમાં પણ મેં જવા દીધું. એક તો તુંકારે એય બૅગ રખ દે કહ્યું છતાં મેં ચૂપચાપ બૅગ મૂકી. મૂક્યા પછી વધુ તોછડાઈથી કહે ઠીક સે નહીં રખ સકતા?

બરાબર રખને કો નહીં આતા? આટલું કહ્યું અને મારો પિત્તો ગયો. મેં એ બૅગ જ તેના માથા પર ફેંકી. જ્યારે કંઈ ખોટું થતું હોય, કોઈ ઊંધો જવાબ આપે ત્યારે હું અકળાતો હોઉં છું. એક વાત બધાએ યાદ રાખવી જોઈએ કે રિસ્પેક્ટ બધાને વહાલું છે. જ્યારે તમે કોઈનું સેલ્ફ-રિસ્પેક્ટ ઘવાય એવી પ્રવૃત્તિ કરો છો ત્યારે કુદરતી રીતે જ ગુસ્સો આવવાનો. જ્યારે એમ લાગે કે સામેવાળાને શબ્દોની અસર નહીં થાય ત્યારે જ હાથ ઊપડે. એમાં મને જરાય ડર ન લાગે.’

ઘણા લોકો ‘છોડને જવા દે’વાળો અભિગમ અપનાવી દે છે, પણ મને એ માફક નથી આવતું એમ જણાવીને અશોકભાઈ કહે છે, ‘એક વાર પત્ની સાથે હતી. દિવાળીનો દિવસ હતો. રિક્ષામાં હતાં. એ સમયે પાછળથી એક બાઇકવાળો રિક્ષાને ટક્કર મારી ગયો. ભૂલ બાઇકવાળાની હતી, પણ તે રિક્ષાવાળા સાથે ઝઘડી રહ્યો હતો. હું વચ્ચે પડ્યો. પેલાને સમજાઈ ગયું કે હવે જો તે ખોટું ચલાવશે તો માર ખાશે એટલે ભાગ્યો. મારી પત્નીને પણ મારો સ્વભાવ ખબર છે કે જો ખોટું થશે તો હું એનો વિરોધ કરીશ જ.’

મારતો નહોતો, પણ મારી શકું છું એવી ધાક જોરદાર હતી મારી : પુનિત ચાંદીવાલા

બોરીવલીમાં રહેતા પુનિત ચાંદીવાલાએ આજ સુધી ક્યારેય કોઈ પર હાથ ઉપાડ્યો નથી, પરંતુ તે હાથ ઉપાડી શકે છે એની ધાક કૉલેજ સમયમાં જબરી હતી. પુનિતભાઈ કહે છે, ‘એક કિસ્સો તો હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું. ૩૧ ડિસેમ્બરની રાત હતી અને હું અને મારો ફ્રેન્ડ અલગ-અલગ બાઇકમાં આવી રહ્યા હતા. અમે બન્ને કરાટે થોડું-થોડું શીખ્યા હતાં. બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યાં આગળ એક રિક્ષામાંથી કોઈએ થૂંક્યું અને એ મારા ફ્રેન્ડ પર પડ્યું. પેલાએ બાઇક વચ્ચોવચ ઊભી રાખીને રિક્ષા રોકી અને ગાળ આપી. તેને એમ કે રિક્ષામાં બેસેલા ત્રણ જણને તો અમે બન્ને કરાટેના જાણકાર આરામથી પહોંચી વળીશું. જોકે આ રિક્ષા પાછળ બીજી બે રિક્ષા પણ ઊભી રહી ગઈ. હવે અમારી સામે નવ હટ્ટાકટ્ટા લોકો દારૂ પીધેલી હાલતમાં ઊભા હતા. અમે બન્ને ડરી ગયા. હવે શું કરીએ? તેમને ફિઝિકલી તો અમે પહોંચી નહોતા શકવાના. એટલે મેં અમસ્તા જ થોડાક મોટા અવાજ સાથે ફ્રેન્ડની સામે તેમને ધમકાવ્યા. પેલા લોકો બોલ્યા એમાં તેમના હિન્દી ઍક્સેન્ટ પરથી તેઓ ગુજરાતી છે એટલું સમજાઈ ગયું હતું એટલે ડર થોડોક ઓછો થયો. પણ પછી કહ્યું કે ઊભો રહે, હું મુન્નાભાઈને ફોન કરું, હમણાં જ તે માણસોને મોકલશે. મેં તો એ સમયે આવેલી એક ફિલ્મના વિલનનું નામ લઈને તુક્કો માર્યો હતો, પણ ખરેખર એ સમયે મલાડમાં જે વિસ્તારમાં આ ઘટના ઘટી હતી ત્યાં મુન્નાભાઈ નામનો ભાઈ હતો જેની અમને પાછળથી ખબર પડી હતી. જોકે એ સમયે મારી શકવાની મારી ધાકની એવી જોરદાર અસર થઈ કે મોટું લફડું થશે એમ વિચારીને નવેનવ જણે ચાલતી પકડી. મારા ફ્રેન્ડને હૈયે હામ આવી. બાકી તેણે તો બે-ચાર દાંત તૂટી જશે એવું ધારી જ લીધું હતું. અમે બચી ગયા નસીબથી. કૉલેજમાં એ સમયે ઇલેક્શનમાં ખૂબ ભાઈગીરી થતી. એક ગ્રુપ એવું હોય જે તાકાતવાળું હોય અને એના જ સદસ્યો ઇલેક્શનમાં ઊભા રહે. જોકે એક વાર મારો એક ફ્રેન્ડ પણ ઊભો રહ્યો હતો. એ હારશે એ નક્કી જ હતું, પણ ઇલેક્શન વૉરમાં તેને કોઈ મારી ન જાય એટલે તે અમારા બન્નેનો ઉપયોગ કરે. અમે કરાટેમાં બ્લૅક બેલ્ટ છીએ અને પાંચ-સાત માણસોને તો ક્યાંય ઉડાવી શકીએ એમ છીએ એવી હવા તેણે કૉલેજમાં ફેલાવી દીધી હતી. ઇલેક્શન દરમ્યાન અમે તેના બૉડીગાર્ડ બની ગયા હતા. ખરેખર મારામારીનો સમય નથી આવ્યો, પણ માર મારી શકવાના અમારા સામર્થ્યની ખૂબ ચર્ચા થઈ છે.’

columnists