સર્વોચ્ચ અદાલતની આબરૂ ખરડાઈ રહી છે એ ચિંતાનો વિષય છે

16 January, 2019 11:12 AM IST  |  | Ramesh Oza

સર્વોચ્ચ અદાલતની આબરૂ ખરડાઈ રહી છે એ ચિંતાનો વિષય છે

સુપ્રીમ કોર્ટ

કારણ-તારણ

પહેલી વાર કેન્દ્ર સરકારે આપેલા બંધ પરબીડિયાએ નાક કાપ્યું હતું. પરબીડિયામાંની વિગતો ચકાસવાની પણ તસ્દી સર્વોચ્ચ અદાલતે નહોતી લીધી. એમ ને એમ પરબીડિયામાંની ખોટી વિગતોના આધારે પોપટની જેમ ચુકાદો આપી દીધો હતો. સર્વોચ્ચ અદાલતમાં જૂઠી વિગતો રજૂ કરવા માટે અદાલત ખફા ન થાય એ માટે કેન્દ્ર સરકારે અદાલતને વ્યાકરણના પાઠ ભણાવ્યા હતા અને કહ્યું હતું કે નહીં, નહીં, આ આ રીતે વાંચવું જોઈએ વગેરે.

બીજી વાર CBIના વડા આલોક વર્માનું ભવિષ્ય નક્કી કરવાના મામલામાં સર્વોચ્ચ અદાલતનું નાક કપાયું છે. વાત એમ છે કે આલોક વર્માએ અરુણ શૌરી, પ્રશાંત ભૂષણ અને યશવંત સિંહાની રાફેલસોદાની તપાસ કરવામાં આવે એવી અરજી CBIમાં દાખલ કરી હતી. એ ઑક્ટોબર મહિનો હતો અને 2019ની 31 જાન્યુઆરીએ આલોક વર્મા નિવૃત્ત થવાના હતા. ચાર મહિના કાઢવાના હતા અને એ ચાર મહિના મોંઘા પડી શકે એમ હતા. કેન્દ્ર સરકારે ગુજરાત કૅડરના અધિકારી રાકેશ અસ્થાનાને CBIમાં ડેપ્યુટી ડિરેક્ટર અર્થાત્ નંબર ટૂ તરીકે ધરાર ગોઠવી દીધા હતા જેથી આલોક વર્મા નિવૃત્ત થાય તો પાળેલા પોપટને CBIના વડા તરીકે ગોઠવી શકાય. CBIના વડાની નિયુક્તિ વડા પ્રધાન, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તેમના વતી કોઈ જજ અને વિરોધ પક્ષના નેતા કરતા હોય છે એટલે રાકેશ અસ્થાનાની નિયુક્તિ આસાન નહોતી. રાકેશ અસ્થાના નિષ્કલંક અને પ્રામાણિક અધિકારી છે એવું કેન્દ્રીય દક્ષતા (સેન્ટ્રલ વિજિલન્સ કમિશન) પંચનું પ્રમાણપત્ર સાથે જોડેલું હોવું જરૂરી હોય છે. જો અધિકારી નિષ્કલંક હોય અને નંબર ટૂ હોય તો અનુભવના આધારે ત્રણ સભ્યોની કોલેજિયમમાં નિયુક્તિ કરાવી લેવી સરળ બને છે.

આ બાજુ CBIમાં રાકેશ અસ્થાનાની ધરાર કરવામાં આવેલી નિયુક્તિને આલોક વર્માએ પડકારી હતી. રાકેશ અસ્થાના જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ગળે પટ્ટો બાંધેલા શ્વાન હતા એ દિલ્હીમાં કોઈ અજાણી વાત નહોતી. આલોક વર્માએ રાકેશ અસ્થાના સામે તપાસ કરવાનો હુકમ કર્યો. કેન્દ્ર સરકારને સમજાઈ ગયું કે રાકેશ અસ્થાના ગળણામાંથી ગળાય એમ નથી, તેમનો કલંકિત ઇતિહાસ આડો આવે એમ છે. હવે કરવું શું? શરૂઆતમાં થોડા દિવસ રાકેશ અસ્થાના પોતાનો બચાવ કરતા હતા. એ પછી તેમણે અચાનક આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના આરોપ કરવા માંડ્યા. CBIમાં બે અધિકારીઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હોય એવી સ્થિતિ પેદા કરવામાં આવી. એની વચ્ચે છઠ્ઠી ઑક્ટોબરે કેન્દ્રીય દક્ષતા આયુક્ત કે. વી. ચૌધરી રાતના અંધારામાં આલોક વર્માના ઘરે ગયા અને આલોક વર્માને કહેવામાં આવ્યું કે જો તેઓ રાકેશ અસ્થાના સામેના ભ્રક્ટાચારના આરોપ પાછા ખેંચી લેશે તો અસ્થાના પણ સામે પ્રતિસાદ આપશે અર્થાત્ આલોક વર્મા સામેના આરોપ પાછા ખેંચી લેશે. તેમને એમ પણ કહેવામાં આવ્યું કે બાકીનું બધું ઠીક થઈ જશે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આલોક વર્માએ કેન્દ્રીય દક્ષતા આયુક્તને બે હાથ જોડીને વિદાય કરી દીધા.

હવે? હવે રાકેશ અસ્થાનાને આલોક વર્માની નિવૃત્તિ પછી તેમની જગ્યાએ CBIના વડા તરીકે ગોઠવવા એ મુશ્કેલ કામ હતું. મુશ્કેલ નહીં, અશક્ય હતું અને સામે રાફેલસોદાની વગતો એક પછી એક ઉઘાડી પડતી જતી હતી. બીજું, આલોક વર્માએ અરુણ શૌરી અને બીજાઓની તપાસ કરવાની માગણી કરતી ફરિયાદ દાખલ કરી દીધી હતી અને આલોક વર્મા પાસે હજીયે સાડાત્રણ મહિના હતા. ભાંડો ફૂટે એ પહેલાં CBIમાંથી આલોક વર્માને કાઢવા જરૂરી હતું. રાકેશ અસ્થાના આલોક વર્મા સામેની લડાઈ હજી નીચલા સ્તરે લઈ ગયા. એ શા માટે બન્યું અને કોના નર્દિેશથી બન્યું એ વિશે તર્ક કરવાની જરૂર નથી.

તખ્તો એવો રચવામાં આવ્યો કે જાણે CBIમાં બે અધિકારીઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હોય અને કેન્દ્ર સરકારે CBIને બચાવવા દરમ્યાનગીરી કરવી પડે. અર્નબ ગોસ્વામીઓ તો હાથવગા હતા જ. 23 ઑક્ટોબરે કેન્દ્ર સરકારે રાતે બે વાગ્યે હુકમ બહાર પાડીને આલોક વર્મા અને રાકેશ અસ્થાના એમ બન્નેને રજા પર ઉતારી દીધા. આલોક વર્માને શહીદ કરવા માટે હવે રાકેશ અસ્થાનાનો ભોગ લેવો જ પડે એમ હતો અથવા એમ પણ કહી શકો કે આલોક વર્માનો ભોગ લેવા માટે રાકેશ અસ્થાનાને શહીદ કરવા પડે એમ હતા. આમ પણ રાકેશ અસ્થાનાનો હવે કોઈ ખપ રહ્યો નહોતો એટલે તટસ્થતાનો દેખાડો કરવા માટે બન્નેને તગેડી મૂકવામાં આવ્યા. આલોક વર્માની જગ્યાએ એમ. નાગેશ્વર રાવની CBIના વચગાળાના વડા તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. આ નાગેશ્વર રાવ પણ અસ્થાના જેવી જ પટ્ટાધારી હોવાની ખ્યાતિ ધરાવે છે.

રાકેશ અસ્થાના CBIના વાડામાં છીંડે ઊભા રાખવામાં આવેલા પટ્ટાધારી હતા અને તેમનો વળતો ઘા પટકથા મુજબનો હતો, પરંતુ આલોક વર્માએ કેન્દ્ર સરકારના આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. હવે સર્વોચ્ચ અદાલતની ભૂમિકા આવી. શું કેન્દ્ર સરકાર આ રીતે CBIના વડાને હટાવી શકે? જેમ નિયુક્તિ કરવાનો અધિકાર વડા પ્રધાન, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અને વિરોધ પક્ષના નેતાના બનેલા કોલેજિયમનો છે એમ હટાવવાનો અધિકાર પણ કોલેજિયમનો છે. સર્વોચ્ચ અદાલતે વચગાળાના ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવને કહ્યું હતું કે જ્યાં સુધી આલોક વર્માને હટાવવાના કેન્દ્ર સરકારના અધિકાર અને ઔચિત્ય વિશે અદાલત નિર્ણય ન કરે ત્યાં સુધી તમારે માત્ર રોજિંદો વહીવટ ચલાવવાનો છે, કોઈ મોટા નિર્ણયો લેવાના નથી.

હવે કેન્દ્ર સરકારની ચિંતા એ હતી કે જો સર્વોચ્ચ અદાલત આલોક વર્માને પુન: સ્થાપિત કરે તો ગોળા સાથે ગોફણ પણ જાય. રાકેશ અસ્થાના પણ ગયા, નાગેશ્વર રાવ પણ ગયા અને વર્મા પાછા આવશે. અરુણ શૌરી અને બીજાઓની દાખલ કરવામાં આવેલી ફરિયાદ તો CBIમાં પડી જ છે અને નાગેશ્વર રાવના હાથ સર્વોચ્ચ અદાલતે બાંધી લીધા હોવાથી એ ફરિયાદ ફગાવી પણ શકાઈ નથી. મૂળ પટકથા મુજબ તો એમ. નાગેશ્વર રાવે અરુણ શૌરી અને બીજાઓની ફરિયાદ નિરાધાર હોવાનું કહીને ફગાવી દેવાની હતી.

આ પણ વાંચો : સિંગલ્સના સમયમાં મેં જ્યારે આખું આલબમ બનાવવાનું કહ્યું ત્યારે...

શું કર્યું સર્વોચ્ચ અદાલતે? બીજી વાર નાક કપાવ્યું એની વાત આવતી કાલે.

columnists