2019ની ચૂંટણી પાનીપતની લડાઈ જેવી

14 January, 2019 12:24 PM IST  |  | Ramesh Oza

2019ની ચૂંટણી પાનીપતની લડાઈ જેવી

અમિત શાહ

કારણ-તારણ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પદાધિકારીઓના સંમેલનમાં પક્ષના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે ૨૦૧૯ની ચૂંટણી પાનીપતની લડાઈ જેવી નીવડવાની છે. તેમણે કહ્યું હતું કે દેશભરમાં ૧૩૧ લડાઈ જીતનારા મરાઠાઓ પાનીપતના યુદ્ધમાં હારી ગયા હતા અને એ પછી બસો વરસ ગુલામી ભોગવવી પડી હતી.

પહેલાં તો ભગવાનનો પાડ કે હિન્દુ ભૂમંડલના રાજવીએ કબૂલ કર્યું કે પાનીપતની લડાઈમાં મરાઠાઓનો પરાજય થયો હતો; બાકી તેઓ તો આર્યાવર્તના ધણી છે એટલે કહી શક્યા હોત કે પાનીપતની લડાઈમાં મરાઠાઓનો પરાજય થયો જ નહોતો. રાજસ્થાનની વિદાય પામેલી સરકારે આખા રાજસ્થાનમાં ઢોલ પિટાવીને જાહેરાત કરી હતી કે હલ્દીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપનો વિજય થયો હતો. તમે ઇતિહાસ શીખવનારા કોણ? અમે કહીએ એ ઇતિહાસ. અમિતભાઈ એ રીતે નમþ તો ખરા જ. તેમણે ખેલદિલીપૂર્વક કબૂલી લીધું કે પાનીપતની લડાઈમાં મરાઠાઓનો પરાજય થયો હતો અને તેમણે એ પણ આડકતરી રીતે કબૂલી લીધું કે ૨૦૧૯ની પાનીપતની લડાઈમાં BJPનો પરાજય થઈ શકે છે.

અમિતભાઈએ ભેગાભેગ એ પણ વિચારવું જોઈતું હતું કે દેશભરમાં વિવિધ રાજકર્તાઓ સામે ૧૩૧ લડાઈ જીતનારા મરાઠાઓ પાનીપતની લડાઈમાં એક વિદેશથી આવેલા આક્રમક મુસલમાન સામે કેમ હારી ગયા? ના, આ પ્રશ્ન ઇતિહાસને આલોચવા માટેનો નથી, વર્તમાન માટેનો છે અને સોએ સો ટકા BJPના આજના શાસકોને લાગુ પડે છે. જેણે એક પછી એક લડાઈ જીતીને આખા દેશ પર કબજો જમાવ્યો હતો એ મરાઠાઓ વિદેશથી આવીને ભારત પર ચડાઈ કરનારા સામે કેમ હારી ગયા? બીજું, અમિત શાહ કહે છે એમ ભારત જે બસો વરસ માટે ગુલામ થયું એ પાનીપતની લડાઈ જીતનારાની ગુલામી નહોતી, ત્રીજા પક્ષકાર અંગ્રેજોની ગુલામી હતી અને તેમની સંખ્યા તો ભારતમાં પાનીપતમાં વિજય મેળવનારા અહમદશાહ અબ્દાલીના સૈનિકો કરતાં દસમા ભાગની પણ નહોતી. જેતા અને વિજેતા જોતા રહ્યા અને ભારત ત્રીજા પક્ષકાર એવા મુઠ્ઠીભર અંગ્રેજોના હાથમાં કેમ ગયું? અમિતભાઈએ આ વિશે પણ વિચારવું જોઈએ કારણ કે એ પણ તેમના અત્યારના શાસન માટે પ્રાસંગિક છે.

આપણે જ્યારે અમિત શાહને વિચારવા માટેની ટિપ્સ આપી રહ્યા છીએ તો હજી એક ટિપ આપી દઈએ કે અત્યારે જે નકશામાં દેખાય છે (પહેલાં અવિભાજિત અને હવે વિભાજિત) એ ભારતની રચના કોણે કરી? મોગલોએ? મરાઠાઓએ? કે પછી અંગ્રેજોએ? સુજ્ઞ વાચક જવાબ જાણે છે; અંગ્રેજોએ. જે ૧૩૧ લડાઈઓ જીતનારા ન કરી શક્યા એ પાંચ હજાર કિલોમીટર દૂરથી આવેલા માત્ર થોડા હજાર અંગ્રેજો કેવી રીતે કરી શક્યા? આ સવાલના જવાબમાં પણ વર્તમાન શાસકોને શાસન કેમ કરાય એનો જવાબ મળે એમ છે. આમ પાનીપતની વાત કાઢી જ છે તો એમાંથી મળતો ધડો ખૂબ કામનો છે. જો પહેલાંથી જ પાનીપતનો ધડો સમજી લીધો હોત તો ૨૦૧૯માં પાનીપતનો ડર ન લાગ્યો હોત. આ માનસિકતાની મર્યાદા છે જે ટિપિકલ હિન્દુ છે એટલે પેશવાઓ પાનીપતની લડાઈ હાર્યા હતા અને અત્યારે હારવાનો ડર લાગે છે.

પહેલી વાત તો એ કે ભારતમાં મરાઠાઓનું રાજ હતું એ કહેવું ખોટું છે, એ પુણેના ચિત્પાવન બ્રાહ્મણ પેશવાઓનું રાજ હતું અને દરેક અર્થમાં બ્રાહ્મણોનું રાજ હતું. બીજું એ કે એમાં સામ્રાજ્યવાદના કોઈ પદાર્થો નહોતા. અચાનક આક્રમણ કરવાનું, પૈસાની જરૂર પડે ત્યારે હર હર મહાદેવ કહીને શહેરોને લૂંટવાનાં, ધોલધપાટ કરવાની અને પછી એના એ રાજવીને ચોથાઈ (આવકનો ચોથો ભાગ)ની શરતે ચાલુ રાખવાનો અને જો ચાલુ ન રાખવો હોય તો ત્રણ ભાગ તારા એક ભાગ મારો એ ધોરણે કોઈ માવળાને એજન્ટ તરીકે નીમવાનો. સિંધિયા, હોલકર, ગાયકવાડ વગેરે આવા એજન્ટ હતા. આ બાજુ પુણેમાં પેશવાઓ ચોથાઈ મેળવીને લહેર કરતા હતા.

ટૂંકમાં શાસક તરીકેની દૃષ્ટિમાં જ સમગ્રતા નહોતી. જે ૧૩૧ લડાઈઓ જીતી એ આ રીતની હતી, પાનીપતમાં અબ્દાલી સામે પરાજય થયો એ સંગઠિત રણનીતિના અભાવને કારણે થયો હતો અને દેશ અંગ્રેજોનો ગુલામ થયો એનું કારણ મરાઠા સામ્રાજ્ય વિકસી ન શક્યું એનું પરિણામ હતું. તમે ઇતિહાસના પાઠuપુસ્તકમાં મરાઠા સામ્રાજ્ય એવો શબ્દ વાંચ્યો છે? આર. સી. મજુમદાર જેવા રાષ્ટ્રવાદી ભારતીય ઇતિહાસકારો મોગલોના રાજને મોગલ એમ્પાયર તરીકે ઓળખાવે છે અને મરાઠાઓના રાજને મરાઠા સુપ્રીમસી તરીકે ઓળખાવે છે. રાજકીય ચડિયાતાપણું યસ, સામ્રાજ્ય નહીં. એ સમયના પેશવાઓના હિન્દવી સામ્રાજ્યનો અર્થ લોકોને કે દુશ્મનોને મારવા, રંજાડવા, લૂંટવા અને ચોથાઈનો ભાગ એવો થતો હતો. બીજી બાજુ ઇંગ્લૅન્ડથી આવેલા થોડાક હજાર અંગ્રેજો બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર પાંચ હજાર કિલોમીટર દૂરના પ્રદેશમાં કરી શક્યા હતા, કારણ કે તેમને રાજ કરતાં આવડતું હતું. સામ્રાજ્યોનું નર્મિાણ ધોલધપાટ અને હિન્દુ-ગર્વના કસુંબાઓથી નથી થતું.

આ પણ વાંચો : આ તો અમે કર્યું, આ તો અમે કર્યું, પણ કહો પહેલાં અમલમાં કોણે મૂક્યું?

માત્ર BJP નહીં, જે-જે લોકો અસ્મિતાઓનું રાજકારણ કરે છે એ લોકો જ્યારે સત્તામાં આવે છે ત્યારે તેમની સમક્ષ શાસનના પ્રશ્નો પેદા થાય છે. તેમની પ્રવીણતા ગંદી ઇશારતો કરવી, ગાળો દેવી, લેબલ ચોડવાં, ધોલધપાટ કરવી વગેરે હોય છે અને શાસકીય પદાર્થો જુદા હોય છે. માટે અસ્મિતાઓનું રાજકારણ કરનારાઓએ સત્તામાં આવ્યા પછી સૌ પહેલાં પાનીપતનો ધડો શીખી લેવો જોઈએ. શા માટે મરાઠાઓએ ભાગ્યે જ મળતી અલભ્ય તક ગુમાવી દીધી એની જાણ થશે.

amit shah columnists