શિયાળેના શુભારંભે કહેવાનું એટલું જ કે વૉટર મૅનેજમેન્ટ એ દેશસેવા જ છે

12 December, 2019 02:01 PM IST  |  Mumbai Desk | manoj joshi

શિયાળેના શુભારંભે કહેવાનું એટલું જ કે વૉટર મૅનેજમેન્ટ એ દેશસેવા જ છે

ગઈ કાલે કહ્યું કે વૉટર મૅનેજમેન્ટમાં સૌથી મહત્ત્વની જો કોઈ વાત હોય તો એ વૉટર-રીયુઝ છે. દુબઈ પાસે પીવાનું પાણી નથી. ત્યાં તમે કોઈની સાથે મીટિંગ કરવા જાવ ત્યારે તમારી સાથે વાત કરતાં પહેલાં તે તમને પૂછશે, ‘શું લેશો, ચા, કૉફી કે પાણી?’

હા, પાણી ત્યાં ચા અને કૉફી જેટલું જ મહત્ત્વ ધરાવે છે. તમે પાણી માગો એટલે એમાં તમારી આગતા-સ્વાગતા થઈ ગઈ. એ પછી બને એવું કે તમને ચા કે કૉફીનું પૂછવામાં ન આવે. પાણીનું આ મૂલ્ય છે. આરબ એમિરેટ્સના દેશોમાં પાણીને વેડફવામાં નથી આવતું. ત્યાં વર્ષમાં માંડ એકાદ ઇંચ વરસાદ પડે છે અને વરસાદ પડે ત્યારે ત્યાં ઑફિશ્યલ રજા આપવામાં આવે છે. આ ખુશી છે વરસાદ પડ્યાની. કહેવાનું તાત્પર્ય એટલું જ કે જો તમે પાણીનું મૂલ્ય ન સમજી શકતા હો તો એકાદ વખત આ પ્રકારના દેશોમાં જઈને તમારે જોઈ લેવું જોઈએ. આવા દેશોમાં પાણીનો રીયુઝ કરવામાં આવે છે. પાણીને વહી જવા દેવામાં નથી આવતું. આપણી પાસે પાણી છે એટલે આપણને પાણીની કદર નથી, પણ કદર કરવી પડશે. પાણીનો ઉપયોગ ઘટાડવો પડશે અને પાણીનો રીયુઝ કરતા પણ શીખવું પડશે.
ઘરનાં અનેક કામો એવાં છે કે જેમાં એક સમયે વપરાયેલું પાણી બીજી વખત વાપરી શકાય છે, પણ આપણને એ ક્યારેય આવડ્યું જ નથી. દાળ, ચોખા કે શાકભાજી જેવી ચીજવસ્તુઓ ધોયાં પછી આપણે એ પાણી સીધું બેશિનમાંથી વહાવી દઈએ છીએ. આ પાણીનો ફરીથી ઉપયોગ થઈ શકે છે અને એના ઘણા ઉપયોગ છે જે કરવાની તાતી જરૂર છે. શૉવર લેવાને બદલે જો બાલદી ભરીને ટમ્બલરથી નહાવામાં આવે તો એમાં કંઈ ખોટું નથી. શૉવરમાં ચાલીસથી પચાસ ટકા પાણી શરીરને સ્પર્શ કર્યા વિના સીધું વહી જાય છે અને કાં તો એ જાણે આપણને ટચ કરવાના હેતુથી જ શૉવરમાંથી બહાર આવ્યું હોય એ રીતે શરીરને સ્પર્શીને નીતરી જાય છે. આ ક્રિમિનલ વેસ્ટ છે. આવો વેસ્ટ કરવાને બદલે બાલદી-ટમ્બલરનો ઉપયોગ કરો અને આ જ રીતે બીજા બધા ઉપયોગ પણ સુધારો જેથી વૉટર મૅનેજમેન્ટની દિશામાં પહેલું પગલું ભરી શકાય. દિવસમાં બે વાર નહાવાની આદતનો વિરોધ નથી કરવો, પણ બે વખત શૉવર લેવાની આદત હોય તો એનો વિરોધ કરવાનું મન ચોક્કસ થાય છે. માન્યું મુંબઈની ગરમી એવી છે કે તમારે શરીરને શાંત કરવું પડે, પણ સાહેબ, એ કરવાની એક રીત હોય અને અહીં વાત અત્યારે ગેરરીતિ અટકાવવાની જ થઈ રહી છે. જો ગેરરીતિ નહીં અટકાવો તો તમારો ઉદ્ધાર નહીં થાય.
ઘણા લોકો પોતાની ગાડી કે વેહિકલ ધોવાની પ્રક્રિયા એવી રીતે કરે કે જેમાં ૨૦ લોકોનું એક અઠવાડિયાનું પીવાનું પાણી વહી જાય. પાઇપ લઈને બેસી ગયા હોય અને વાહન પર પાણીનો ધોધ ચાલુ કરી દીધો હોય. નહીં કરો આવું, એના કરતાં ભીના કપડા સાથે વાહન સાફ કરવાનું રાખો. પાણી બચશે અને બચેલું પાણી આપણને જ કામ લાગશે. નાની-નાની જગ્યાએ પાણીની બચતને જોવાનું ચાલુ કરશો તો તમને રસ્તા દેખાશે અને ધારો કે એ રસ્તા તમને મળી ગયા તો તમે પણ વૉટર મૅનેજમેન્ટના ક્લાસ શરૂ કરી શકો છો. આ ક્લાસ એ એક પ્રકારની સમાજસેવા જ છે. સોસાયટી આ પ્રકારનાં કામો શરૂ કરી દેશે તો આખો દેશ એને આભારી રહેશે અને આભારી રહેવાની આ જે નીતિ છે એ નીતિનું નામ જ વૉટર મૅનેજમેન્ટ છે.

manoj joshi columnists