ડોન્ટ અન્ડરએસ્ટિમેટ ધ પાવર ઑફ ડૉટ આર્ટ

15 September, 2022 03:03 PM IST  |  Mumbai | Jigisha Jain

આ થેરપી જેવું કામ આપે છે અને જો એમાં થોડાક ઊંડા ઊતરો તો આ આર્ટ તમને આધ્યાત્મિક અનુભવના અનોખા વિશ્વમાં લઈ જઈ શકે છે

આર્ટિસ્ટ શીતલ ઠક્કર સ્પેશ્યલ ચિલ્ડ્રન સાથે.

ઇન્ટરનેશનલ ડૉટ આર્ટ ડે આજકાલ ડૉટ આર્ટ ઘણું ટ્રેન્ડી બન્યું છે. મીંડાં કહો કે સર્કલ્સ, એના સતત રિપીટેશન વડે જુદા-જુદા શેડના રંગોનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સુંદર આર્ટવર્ક એટલે જ ડૉટ આર્ટ. એ ફક્ત સુંદર જ નથી, સ્ટ્રેસબસ્ટર પણ છે. આ થેરપી જેવું કામ આપે છે અને જો એમાં થોડાક ઊંડા ઊતરો તો આ આર્ટ તમને આધ્યાત્મિક અનુભવના અનોખા વિશ્વમાં લઈ જઈ શકે છે

જિગીષા જૈન
jigisha.jain@mid-day.com

કલાની દુનિયામાં મોટા ભાગે એવું હોય છે કે એક આર્ટ ફૉર્મ આમ વરસોથી દુનિયાના કોઈ ખૂણે જીવંત હોય પણ અચાનક જ પ્રસિદ્ધ બનીને જગતભરમાં ફેલાઈ જાય છે. ઇન્ટરનેટની કૃપાથી આ પ્રકારના ચમત્કાર ખૂબ સરળતાથી જન્મતા હોય છે. 

આવું જ કંઈક ડૉટ આર્ટ જોડે થયું છે. આ ડૉટ આર્ટ એટલે ફક્ત ડૉટ કે મીંડા વડે જુદા-જુદા રંગોની મદદથી કોઈ કલાકૃતિ બનાવવી. આજકાલ આ ડૉટ આર્ટ ભારતમાં ઘણું જ પ્રખ્યાત બન્યું છે. ભારતમાં જ નહીં, દુનિયામાં આ આર્ટના ચાહકો ઘણા છે. આજે આંતરરાષ્ટ્રીય ડૉટ આર્ટ દિવસ છે ત્યારે મીંડાંમાંથી સરજાતી આ કળા વિશે વિસ્તારથી જાણીએ.

આ કળાનો જન્મ ઑસ્ટ્રેલિયામાં થયો. ઑસ્ટ્રેલિયન ઍબઓરિજિન આર્ટ તરીકે આ કળા ઑસ્ટ્રેલિયામાં ઓળખાય છે. ઍબઓરિજિન એટલે ઑસ્ટ્રેલિયામાં રહેતી જનજાતિ જે આ કળાનો ઉપયોગ પોતાની વાર્તાઓ કહેવા માટે કરતી, જેમાં એની પાછળ કોઈ પવિત્ર સંદેશ રહેતો. ત્યાંની જનજાતિ એકબીજાની સાથે કમ્યુનિકેશન માટે તથા એમની પવિત્ર ડિઝાઇન્સ બનાવવા માટે માટી પર અમુક ખાસ દિવસે આ કળાનો ઉપયોગ કરતી. માટી પર જ નહીં, તેઓ આ કળા શરીર પર પણ ચીતરતા જેને કોઈ પવિત્ર સંસ્કાર ગણવામાં આવતા. આ ડિઝાઇન મોટા સર્કલમાં બનતી અને ફક્ત ડૉટ્સથી બનાવવામાં આવતી. આ જે આર્ટ છે એને બહારના લોકો સમજી શકતા નહીં. વળી એ જમીન પર ચીતરતા એટલે એ ધોવાઈ જતું અને શરીર પર ચીતરે એ ભૂંસાઈ જતું. આમ ઑસ્ટ્રેલિયન મૂળના લોકોની આ આર્ટ અને એનો ચોક્કસ અર્થ કોઈ ખાસ સમજી નથી શક્યું. પણ ત્યાંથી આ કળા બીજા લોકોએ અપનાવી જેનું નામ ડૉટ આર્ટ આપ્યું. એનો ઉદ્ભવ ૫૦ વર્ષ પહેલાં ૧૯૭૧માં થયો. શરૂઆતના કલાકારોએ ડૉટ આર્ટમાંથી મ્યુરલ્સ બનાવ્યાં, જે અતિ લોકપ્રિય બન્યાં અને એના પછી કાર્ડબોર્ડ અને લાકડા પર પેઇન્ટિંગ શરૂ કર્યું. એ પછી કૅન્વસ કે બોર્ડ પર ડૉટ આર્ટ કરવાનું શરૂ થયું.

ઇન્ડિયન ઍડપ્ટેશન 

ડૉટ આર્ટ વર્કશૉપમાં રચયતા શાહ સ્ટુડન્ટ્સ સાથે.

ભારતમાં ડૉટ આર્ટ આવ્યું એને માંડ ૫-૭ વર્ષ થયાં હશે એમ જણાવતાં આર્ટ અમોર ઑર્ગેનાઇઝેશનનાં પ્રણેતા આર્ટિસ્ટ રચયિતા શાહ, જેમણે ૨૦૦૦થી પણ વધુ લોકોને ડૉટ આર્ટ શીખવ્યું છે તેઓ કહે છે, ‘ભારતમાં આ આર્ટ ફૉર્મ લોકોને ખૂબ પસંદ આવ્યું છે. એમ કહીએ કે હાલમાં એનો ટ્રેન્ડ ચાલે છે તો કંઈ ખોટું નથી, પરંતુ ઇન્ડિયન ઍડપ્ટેશન થોડું ઓરિજિનલ ડૉટ આર્ટ કરતાં જુદું છે. ઑસ્ટ્રેલિયન ડૉટ આર્ટ વડે તેઓ સ્ટોરીઝ કહેતા હતા. આપણે ત્યાં એની ડિઝાઇન્સ એવી છે કે જેને લીધે ઍસ્થેટિકલી ખૂબ સુંદર દેખાય. આપણે ત્યાં રંગો અને એનો ઉપયોગ એવો હોય છે જે આંખને ખૂબ જ ગમે. ડિઝાઇન પણ એવી જ હોય જે દેખાવમાં અતિ સુંદર લાગે. આમ ઇન્ડિયન વર્ઝન થોડું જુદું છે.’

કોરોનાકાળમાં વધ્યો ક્રેઝ

ભારતમાં પ્રચલન છેલ્લાં થોડાં વર્ષોમાં જ છે પણ હાલમાં જે ક્રેઝ જોવા મળે છે એ વિશે વાત કરતાં રચયતા શાહ કહે છે, ‘સાચું કહું તો ઇન્ટરનેટ દ્વારા આ આર્ટ ફૉર્મનો વિસ્તાર વધુ થયો છે. ઑનલાઇન પણ એને શીખવું અઘરું નથી. કોરોનાકાળમાં જ્યારે લોકો પાસે મિનિમમ વસ્તુઓ હતી ત્યારે પણ ઘરેબેઠાં નવું શીખવાની જેને ઇચ્છા હતી એવા લોકોએ ડૉટ આર્ટ ખૂબ સારી રીતે શીખ્યું. આ બે વર્ષમાં જ ખરું કહું તો ડૉટ આર્ટ એકદમ ટ્રેન્ડી બન્યું. કરવામાં એ એકદમ સરળ છે અને કરવાની મજા પણ લોકોને ખૂબ આવે છે એટલે પૉપ્યુલર તો થવાનું જ હતું આ આર્ટ ફૉર્મ.’

ડૉટનું મહત્ત્વ

કોઈ પણ ડ્રૉઇંગ કે પેઇન્ટિંગનું મૂળ ડૉટ અને લાઇન હોય છે. લાઇન પણ ઘણાબધા ડૉટથી જ બને છે. આમ ડ્રોઇંગમાં ડૉટનું મહત્ત્વ ઘણું છે. એ વિશે વાત કરતાં રચયતા શાહ કહે છે, ‘ડૉટ કે બિંદુ કોઈ પણ વસ્તુનો પ્રારંભ સૂચિત કરે છે. દુનિયા કે સૃષ્ટિનો પ્રારંભ પણ બિંદુથી જ થયો છે. આમ બિંદુના પ્રયોગ પાછળ ઘણો ગહન અર્થ છે. એ જ શરૂઆત છે અને એનાથી જ સર્જન થયું છે. આ સિદ્ધાંત પર જ આખું આર્ટ ફૉર્મ વિકસેલું છે. આ બધાં જ બિંદુઓ વળી એકબીજાથી કનેક્ટેડ હોય છે. બ્રહ્માંડની શરૂઆત એક બિંદુથી અને બધાં બિંદુઓ એકબીજા સાથે જોડાય ત્યારે બને છે સમસ્ત બ્રહ્માંડ. વિચારીએ તો એક નાનકડા કૅન્વસ પર આ એક મોટા સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને રંગોને વિખેરીએ એટલે જ બને ડૉટ આર્ટ.’

સહેલું અને અઘરું

બીજા આર્ટ ફૉર્મ કરતાં એ કઈ રીતે જુદું પડે? એ બાબતે વાત કરતાં રચયતા શાહ કહે છે, ‘જે લોકોને ડ્રોઇંગ બિલકુલ ન આવડતું હોય એ પણ આ સરળતાથી કરી શકે છે. જેમ નાના પ્લે સ્કૂલનાં બાળકોને આપણે હૅન્ડ-આઇ કો-ઑર્ડિનેશન માટે છાપકામ શીખવતા હોઈએ એમ નાનાં-મોટાં બિંદુઓની છાપ જ કરવાની હોય છે. વળી ડૉટ આર્ટના પોતાના ટૂલ પણ આવે છે. એમાં બ્રશની જરૂર જ નથી પડતી. આ આર્ટમાં બ્રશ વાપરવામાં આવતું નથી. પરંતુ જે અઘરો પાર્ટ છે એ છે કલરની સમજણ. એક રંગ બીજામાં મર્જ થતો હોય એવું ભાસવું ખૂબ જરૂરી છે. સાવ જુદા રંગો અને મૅચ ન થતા હોય તો એ ડૉટ આર્ટ નથી. એટલે વ્યક્તિ પાસે જો રંગોની સમજ હોય તો જ ડૉટ આર્ટ ખીલે.’

કઈ રીતે મદદરૂપ?

કોઈ પણ આર્ટ થેરાપ્યુટિક પ્રૉપર્ટી ધરાવે છે. મ્યુઝિક માટે તો સૌકોઈ જાણે છે કે એ ગ્રોથ માટે કે બીમારીને દૂર કરવા મ્યુઝિક મદદરૂપ છે. એ જ રીતે પેઇન્ટિંગ કે બીજાં આર્ટ ફૉર્મ પણ એટલાં જ ઉપયોગી છે. પણ શું ડૉટ આર્ટ પણ કોઈ રીતે થેરપીમાં મદદરૂપ થઈ શકે? એનો જવાબ આપતાં માટુંગાના સ્પ્રેડિંગ વાઇબ્સ સેન્ટરનાં સાઇકોલૉજિસ્ટ શીતલ ઠક્કર કહે છે, ‘ડૉટ આર્ટને સમજીએ તો એમાં સતત રિપીટેશન આવે છે. સતત ડૉટ બનાવતાં જવાનાં. જે અસર સતત મંત્રોચ્ચારની થાય કે જે અસર સતત ઘંટ વાગતો હોય તો થાય, જે અસર સતત ઓમનો નાદ સંભળાતો હોય તો થાય એવી જ અસર ડૉટ આર્ટમાં પણ થાય છે; કારણ કે એમાં સતત રિપીટેશન છે જે બ્રેઇનને રિલૅક્સ કરે છે. નકારાત્મક ઊર્જામાંથી બહાર લાવે છે અને એક સ્પિરિચ્યુઅલ કનેક્ટ પણ આપે છે. આમ તો કોઈ પણ આર્ટ ફૉર્મ તમે પકડો તો એમાં ડૂબી જવું જરૂરી છે. તો જ તમે એને જસ્ટિસ આપી શકો છો. જો તમે એમાં ડૂબો તો ઑટોમૅટિકલી એ સ્ટ્રેસબસ્ટર બની જાય છે.’

સ્પેશ્યલ બાળકો માટે ઉપયોગી

ડૉટ થેરપીનો ઉપયોગ સ્પેશ્યલ બાળકોની થેરપી માટે કરતાં સ્પેશ્યલ એજ્યુકેટર શીતલ ઠક્કર કહે છે, ‘અટેન્શન ડેફિસિટ અને હાઇપર ઍક્ટિવ બાળકો માટે આ થેરપી ખૂબ મદદરૂપ છે. ડૉટ થેરપી વડે તેમનું ધ્યાન એક જગ્યાએ ચોંટે છે. તેમનામાં એકાગ્રતા આવે છે. મેં જોયું છે કે આ બાળકોમાં ડૉટ થેરપીથી ઘણો ફરક પડે છે. જો તમારું બાળક સતત તમારી પાસેથી કંઈ ને કંઈ નવું માગ્યા કરતું હોય અને ઉદ્યમી હોય તો એને આ આર્ટ વર્ક શીખવો અને જુઓ કે શું ફરક પડે છે. અઠવાડિયામાં એક વાર પણ એ લોકો ડૉટ આર્ટ કરે તો ઘણું સારું રિઝલ્ટ મળી શકે. આ સિવાય કોઈ પણ એજની વ્યક્તિ જ્યારે આ આર્ટ ફૉર્મ ટ્રાય કરે તો એમને માનસિક શાંતિ તો મળે જ છે. એમની પણ એકાગ્રતા વધે અને સ્ટ્રેસ દૂર થાય. એટલે દરેકે એ ટ્રાય તો કરવું જ.

columnists Jigisha Jain