માણસોને જીવ કરતાં ઘરેણાં અને સંપત્તિ વધારે વહાલાં લાગે છે

21 January, 2019 12:09 PM IST  |  | પ્રવીણ સોલંકી

માણસોને જીવ કરતાં ઘરેણાં અને સંપત્તિ વધારે વહાલાં લાગે છે

પ્રતીકાત્મક તસવીર

માણસ એક રંગ અનેક 

ઝ્યાદા ખુશ રહના ભી પાપ હૈ ઇસ જગ મેં,

લોગ અક્સર ખિલે હુએ ફૂલ કો તોડ દેતે હૈં

સત્રજિતની બાબતમાં એ જ થયું. સ્યમંતક મણિ પામીને તે પોતાની જાતને ધન્ય સમજવા લાગ્યો. આ મણિનો હાર ગળામાં પહેરી પોતાના વૈભવનું પ્રદર્શન કરવા તે દ્વારકામાં છડેચોક ફરવા લાગ્યો. મણિના તેજથી લોકો અંજાઈ ગયા, જીરવી શક્યા નહીં. સાક્ષાત સૂર્ય દ્વારકામાં પ્રવેશ્યો છે એવી ભ્રાંતિથી હલચલ મચી ગઈ. કંઈક અમંગળનાં એંધાણ વર્તાવા લાગ્યાં. આ વાત કૃષ્ણ પાસે પહોંચી. કૃષ્ણ બધી વાત જાણતા હતા. તેમણે બધાને કહ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી. આ સૂર્ય નથી, સ્યમંતક મણિ ધારણ કરવાથી સત્રજિત સૂર્ય જેવો લાગે છે.

સત્રજિતને મનમાં એક સમસ્યા થઈ કે આવો પવિત્ર મણિ રાખવો ક્યાં? ખૂબ વિચાર કર્યા પછી મણિ દેવઘર-ઘરના મંદિરમાં રાખ્યો. આ મણિની વિશેષતા એ હતી કે રોજ ૨૪ રતી સોનું આપે. જે પ્રાંત-પ્રદેશમાં એની પૂજા થાય એ પ્રાંત-પ્રદેશ સમૃદ્ધ થાય. દુકાળ કે અતિવૃષ્ટિ થાય નહીં. ભૂખમરો ફેલાય નહીં.

કૃષ્ણ રાજા નહોતા પણ પ્રજાનું હિત તેમના માટે સર્વોપરી હતું. તેમણે વિચાર્યું કે સત્રજિત પાસે તો અઢળક સંપત્તિ છે. વળી આ મણિ તો સૂર્યે આપેલી ભેટ છે, માગીને મેળવેલી ભેટ. વ્યક્તિ પાસેની વધારાની સંપત્તિ તો રાજ્યને મળે. પ્રજાના કલ્યાણ અર્થે વપરાય. આ મણિ જો રાજ્ય પાસે રહે તો પ્રજાને કાયમી સુખશાંતિ પ્રાપ્ત થાય. આવા વિચારે તેમણે સત્રજિત પાસે મણિની માગણી કરી. ‘મણિ રાજ્યને અર્પણ કર અને પ્રજાના આર્શીવાદ મેળવ.’ બસ, આટલા શબ્દોએ સ્યમંતક મણિ કાંડ ઊભો કર્યો. સત્રજિત આ શબ્દો સાંભળી ઘાંઘો થઈ ગયો. તેણે સાફ-સાફ ના પાડી દીધી. કોણ, શું કામ માગણી કરે છે એ વિચાર્યું નહીં. આમ પણ અભિમાની, લોભી અને લાલચુ વ્યક્તિ સાથે વિચારને બારમો ચંદ્રમા હોય છે. તેણે કૃષ્ણની માગણી ધુત્કારી કાઢી.

કૃષ્ણ ધારત તો એ મણિ છીનવી શક્યા હોત, લડાઈ કરી જીતી શક્યા હોત; પણ તે ગમ ખાઈ ગયા. અંદરોઅંદર જ્ઞાતિજનો સાથે લડવાનાં દુષ્પરિણામ તે જાણતા હતા. ઘર ફૂટે ઘર જાય એ જાણતા હતા. બીજી બાજુ સત્રજિતે કૃષ્ણને ના તો પાડી દીધી, પણ તે કૃષ્ણની તાકાત જાણતો હતો. મણિની સુરક્ષા માટે ચિંતિત બની ગયો. માણસ પાસે ધન, અઢળક સંપત્તિ આવી જાય પછી શું તે એનો માલિક થઈ જાય છે? ના, તે ચોકીદાર બની જાય છે. ક્યાંક ચોરાઈ ન જાય, લૂંટાઈ ન જાય કે ઓછી ન થઈ જાય એના ભયથી. ઘણું વિચાર્યું, પણ કંઈ ન સૂઝતાં આખરે તેમણે બળતું ઘર કૃષ્ણાર્પણ કરવાનું નક્કી કરી લીધું. મણિ તેણે પોતાના ભાઈ પ્રસેનજિતને સાચવવા આપી દીધો.

અદ્ભુત અને અમૂલ્ય ઘરેણું પ્રાપ્ત થયા પછી એને ધારણ કરવાની, પહેરવાની ઇચ્છા-લાલચ માણસ રોકી શકતો નથી. પ્રસેનજિતને મોટાભાઈએ મણિ સાચવવા-છુપાવવા આપ્યો હતો એટલે એ જાહેરમાં પહેરી શકે એમ નહોતો. પોતાના મનોરથ પૂરા કરવા તે જંગલમાં શિકાર કરવાને બહાને મણિ પહેરીને જતો અને ખુશ થતો. એક વાર જંગલમાં તેને સિંહનો ભેટો થઈ ગયો. મણિના તેજથી સિંહ અકળાયો, જીરવી ન શક્યો, ભૂરાયો થઈ ગયો. એણે બધી શક્તિ એકત્રિત કરી પ્રસેનજિત પર હુમલો કર્યો. બન્ને જીવ પર આવી લડ્યા અને અંતે પ્રસેનજિતે પ્રાણ છોડ્યા.

મણિના મોહે પ્રસેનજિતે મોત નોતર્યું. સિંહ તો એને મારીને મણિ ત્યાં જ છોડીને નદીકિનારે પાણી પીવા ચાલ્યો ગયો! જાનવરોને ઘરેણાંની કોઈ કિંમત નથી હોતી અને માણસોને જીવ કરતાં ઘરેણાં-સંપત્તિ વધારે વહાલાં લાગે છે અને એ માટે જીવ પણ હોડમાં મૂકે છે.

વિષ્ણુ પુરાણ મુજબ જંગલમાં મણિ પડ્યો હતો એટલે આખું જંગલ ઝળઝળાં થઈ ગયું. ત્યાં એક જાંબુવાન નામનું રીંછ આવ્યું. રીંછ જાતિના રાજા કહેવાતા જાંબુવાને મણિ ઊંચકી લીધો (મહાભારતની કથા પ્રમાણે કૃષ્ણ જાંબુવાનની કન્યા જાંબવંતીને પરણ્યા હતા). જાંબુવાને પોતાની ગુફામાં જઈ મણિને રમકડું સમજી દીકરા સુકુમારને રમવા આપી દીધો.

પ્રસેનજિત ઘણા દિવસો સુધી ઘરે પાછો ન આવ્યો એટલે સત્રજિત રઘવાયો થઈ ગયો. ન પ્રસેન મળે, ન મણિ! મણિ લઈને પ્રસેન ભાગી જાય એવી શક્યતા સત્રજિતને લાગી નહીં. તેને પ્રસેન પર પૂરેપૂરો ભરોસો હતો. સત્રજિતને એક જ શક્યતા દેખાણી. મણિ માટે કૃષ્ણે પ્રસેનજિતનું ખૂન કર્યું છે. લાશને સગેવગે કરી કૃષ્ણે મણિ લઈ લીધો છે. આ માટે સત્રજિત પાસે લૉજિક તર્ક પણ હતો. કૃષ્ણે તેની પાસે મણિ માગ્યો હતો અને તેણે મણિ આપવાની સાફ-સાફ ના પાડી હતી. અને કૃષ્ણ જે ધારે એ મેળવીને જ જંપે છે એ તો જગજાહેર વાત હતી.

સત્રજિતે આ વાત વહેતી મૂકી. ચારે બાજુ ખળભળાટ મચી ગયો. લોકમાનસની એક ખાસ પ્રકૃતિ છે. મોટા માણસની કોઈ નબળી બાજુ તર્ક સહિત સામે મૂકો કે સમાજ એને તરત સ્વીકારી લે છે. આ વૃત્તિનો લાભ લઈ સત્રજિતે આ વાતને વધુ ચગાવી. કૃષ્ણને બદનામ કરવામાં પાછું વાળીને જોયું નહીં. વાત એટલી હદ સુધી વણસી ગઈ કે ચોમેર કૃષ્ણની નિંદા થવા લાગી. તિરસ્કાર વ્યાપ્યો, અપમાનિત થવા લાગ્યા.

કૃષ્ણ પોતે પણ આ આક્ષેપથી હલબલી ગયા. પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા કૃષ્ણ પોતાના માણસોને લઇને પ્રસેનજિતની શોધમાં નીકïળી પડ્યા. શહેર, જંગલ, નદી-નાળાંના ખૂણે-ખૂણે ફરી વળ્યા. આખરે ઘોડા સહિત પ્રસેનજિતનું શબ કોહવાઈ ગયેલી, ખવાઈ ગયેલી હાલતમાં મળ્યું. બલરામ સહિત સાથે આવેલા તમામ માણસો સ્તબ્ધ બની ગયા. પ્રસેનજિતની આવી હાલત કોણે કરી? બધા કૃષ્ણ સામે વક્ર દૃષ્ટિથી જોવા લાગ્યા, પણ કૃષ્ણ જરા પણ વિચલિત ન થયા. બારીકાઈથી સ્થળનું નિરીક્ષણ કરતાં સિંહનાં પગલાં દેખાયા. પગેરું શોધતાં સિંહ મરેલી હાલતમાં મળી આવ્યો. વળી ત્યાં રીંછનાં પગલાં દેખાયાં. રહસ્ય ઘેરું બનતું જતું હતું. આખો કાફલો રીંછનાં પગલાંને અનુસરવા લાગ્યો. થોડું ચાલ્યા બાદ એક ગુફા દેખાઈ. વિચિત્ર લાગતી એ ગુફા ભયાનક દેખાતી હતી. આસપાસ અસંખ્ય કીડા-જંતુઓનો થર હતો, ચિત્રવિચિત્ર પ્રકારની વનસ્પતિઓ વીંટળાઈ હતી, ભયંકર દુર્ગંધ આવતી હતી. ગુફાની પાસે બધા વિચારતા ઊભા હતા અને ત્યાં અંદરથી એક સ્ત્રીનો અવાજ સંભળાયો, ‘છાનો રહી જા દીકરા, છાનો રહી જા. રડ નહીં જા, તારા બાપુ જે મણિ લાવ્યા છે એનાથી રમો.’ આ સાંભળી બધાના ચહેરા પર મણિ જેટલું તેજ આવી ગયું. કૃષ્ણ નિર્દોષ સાબિત થયા. મણિ ગુફામાં છે, રીંછ પાસે છે!

પણ આટલું જાણવાથી કૃષ્ણ સાવ નિર્દોષ સાબિત થાય નહીં. મણિ મેળવવો જરૂરી હતો. ખૂબ ચર્ચા અને આનાકાની બાદ કૃષ્ણ જાતે એકલા ગુફામાં ગયા. બધા બહાર ઊભા રહ્યા. એક દિવસ ગયો, બે દિવસ ગયા, ત્રણ, ચાર, પાંચ એમ મહિનો થઈ ગયો. ભાગવતમાં કહેવાયું છે એમ બધાએ કૃષ્ણ મરી ગયા છે એમ માની લીધું. બલરામે અંદર જવાની જીદ કરી ત્યારે લોકોએ તેમને રોક્યા. કૃષ્ણ જ્યાં કશું કરી શકયા નથી ત્યાં તમે શું કરશો? અમે કૃષ્ણને ખોયા છે, હવે તમને ખોવા નથી માગતા. થોડા વધુ દિવસો બધાએ રાહ જોઈ, પણ કંઈ પરિણામ ન આવ્યું. બધા દ્વારકા પાછા ફર્યા. કૃષ્ણના મોતના સમાચાર આપ્યા. તે નિર્દોષ હતા એ વાત જણાવી. લોકો હવે સત્રજિતને ભાંડવા લાગ્યા. તેના લીધે કૃષ્ણ ગુમાવવા પડ્યા એવું માની બધા તેના પર ફિટકાર વરસાવવા લાગ્યા.

અને છેલ્લે...

લોકમાનસનું આવું જ છે. ઘડીકમાં આ બાજુ, ઘડીકમાં બીજી બાજુ. પરાપૂર્વથી આ વૃત્તિ ચાલતી આવી છે. એવું માનવામાં આવે છે કે જનતા બળદ જેવી છે. પરંપરાગત માન્યતાઓ અને રિવાજોની રાશથી બંધાઈ ગઈ છે. કોઈ હાંકે એમ હંકાય છે, કોઈ દોરે એમ દોરાય છે. હાંકનારો એનો ઉપયોગ કરીને પોતપોતાનાં ખેતરો ખેડી લે છે. જનતાને એકાદ-બે પૂળા ઘાસ મïળે છે એ તે વાગોળ્યા કરે છે. તેથી તે સંતુષ્ટ પણ થઈ જાય છે. આવી માન્યતા હતી, પણ આજના જમાનામાં આ અર્ધસત્ય છે. હવે જનતા જાગી છે. ગમે તે હોય, પણ એક વાત નિશ્ચિત છે કે જનતા આખરે ‘સત્ય’ને પકડી જ પાડે છે. ‘જનતા કે ઘર દેર હૈ લેકિન અંધેર નહીં હૈ.’ આ સત્ય હવે શાસકોએ જાણી જ લેવું જોઈએ.

સમાપન કરતાં પહેલાં તમે પૂછશો કે ‘મણિનું પછી શું થયું?’ પછી તો પછી જ આવેને? પછી આવતા સપ્તાહે! આપને એક વાત પૂછું? કૃષ્ણ બાબત આ વાત તમે જાણતા હતા? બહુ ઓછાને જાણ હશે. મારો એ જ આશય છે કે મહાન ગ્રંથોની કેટલીક ઓછી જાણીતી વાતો વાચકો સમક્ષ કરું. ગમશેને?

આ પણ વાંચો : ચાણક્યનીતિ : પ્રસ્તુતિ આજે પણ એવી અકબંધ કે એ તમારી આવતી કાલનું ઘડતર કરી શકે

એવું માનવામાં આવે છે કે જનતા બળદ જેવી છે. પરંપરાગત માન્યતાઓ અને રિવાજોની રાશથી બંધાઈ ગઈ છે. કોઈ હાંકે એમ હંકાય છે, કોઈ દોરે એમ દોરાય છે. હાંકનારો એનો ઉપયોગ કરીને પોતપોતાનાં ખેતરો ખેડી લે છે. જોકે આજના જમાનામાં આ અર્ધસત્ય છે. હવે જનતા જાગી છે. ગમે તે હોય, પણ એક વાત નિશ્ચિત છે કે જનતા આખરે ‘સત્ય’ને પકડી જ પાડે છે. ‘જનતા કે ઘર દેર હૈ લેકિન અંધેર નહીં હૈ’ આ સત્ય હવે શાસકોએ જાણી જ લેવું જોઈએ

columnists