Janmashtami 2023: ફરીથી શ્યામને તેડાવ મીરા

06 September, 2023 11:50 AM IST  |  મુંબઈ | Gujarati Mid-day Correspondent

Janmashtami 2023: ફરીથી શ્યામને તેડાવ મીરા

જન્માષ્ટમી

‘ઘડિયાળના બે કાંટા ભેગા થતાંની સાથે જ કિનખાબનો લાલ પરદો સરર કરતોકને સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય એમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજપુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહના અંધકારમાં એ તેજપુંજ અજવાળું પાથરતો હતો. ઘડીક બહારની વીજળીનો ઝબકારો અંદર ડોકિયું કરી જતો હતો. એકાએક કાંસાં, ઝાલર, મંજીરાં ને શંખનો તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નો’તું થયું છતાં બિહાસના સૂર છેડ્યા. પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણજનમના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું.’

સુરેશ જોશી લિખિત ‘કૃષ્ણજન્મ’ વાર્તામાં આ રીતે એક કાર્યક્રમમાં ભજવાતી કૃષ્ણલીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીનું પર્વ ખરેખર ક્યારેય પૂરું થતું નથી. એ વિરામ પામે છે પ્રત્યેક વર્ષે નવા ઉમંગ અને ઉત્સાહ સાથે અવતરવા. આજની કૉલમ કૃષ્ણાર્પણ કરીએ. જય એસ. દાવડાના શેર સાથે સૂર છેડીએ...

બૂમ પાડું જ્યાં અજાણી ખીણમાં
ઇશ એવું નામ, જે પડઘાય છે
કૃષ્ણની જો ફૂંક લાગી જાય તો
વાંસળી પણ સૂર સાથે ગાય છે

વાંસળી એક વાદ્ય છે. કૃષ્ણની ફૂંકથી એમાં પ્રાણ ફૂંકાય અને હવા સૂર બની જાય. ગોપી અને ગોપબાલક તો ઠીક ગાયો પણ આ સૂર પાછળ ઘેલી થઈને કૃષ્ણ ભણી દોડવા લાગે. વાંસળીમાં શ્યામની ફૂંક કંઈ એવો જાદુ કરે કે વ્રજનું રૂપાંતર જાણે વૈકુંઠમાં થઈ ગયું હોય એવું લાગે. ગોપીઓ સંગે બાળકૃષ્ણની લીલા એક નજર સમક્ષ વિસ્મયસભર વિશ્વ ખડું કરે છે. કન્હૈયો નટખટ છે એટલે આપણને વધારે ગમે છે. ગીતાની પરિપક્વતા ગોકુળમાં અપેક્ષિત પણ નથી અને જરૂરી પણ નથી. માણસની તમામ અવસ્થામાં બાળસ્વરૂપ હંમેશાં ભગવાનની વધારે નજીક લાગે છે. મધુમતી મહેતા કૃષ્ણલીલાને આગળ વધારે છે...

કંસને સંહારવાનું ક્યાં ગજું છે કોઈનું
તોય સૌના હાથમાં કાં વાંસળી દેખાય છે!
દોષ આંખોનો નથી છે દોષ કાતિલ ટાઢનો
કૃષ્ણ બદલે ગોપીઓને કામળી દેખાય છે!

કૃષ્ણ એટલે કરિશ્મા. કૃષ્ણ એટલે ટીખળ અને સામેવાળાને અટકળમાં રાચતો કરી દે એવું મુત્સદ્દીપણું. કૃષ્ણ એટલે કર્મનું સાક્ષાત સ્વરૂપ. કૃષ્ણ એટલે મુગટના ભાર સાથે મોરપીંછની હળવાશ. કૃષ્ણ એટલે વાંસળીથી લઈને શંખ સુધી વિસ્તરતી સૂરીલી અને પ્રાણવાન ફૂંક. કૃષ્ણ એટલે પીતાંબરધારી પરમેશ્વર. તમે કૃષ્ણને અનેક રીતે જોઈ શકો. હંમેશાં કશુંક નાવીન્યસભર જ લાગે, નિત્ય નૂતન જ અનુભવાય. રાકેશ ઠક્કર વાંસળીને આજના સંદર્ભે જુએ છે...

આ જગત કેવળ બધીરોનું હતું
ને જુઓ હું સાદ લઈને નીકળ્યો
કોણ કાનો, ક્યાં છે ગોકુલ, શું ખબર
વાંસળીના નાદ લઈને નીકળ્યો

ગોકુળથી ગીતા સુધીની કૃષ્ણની સફર આપણને ઘણુંબધું શીખવી જાય છે. માત્ર પ્રસંગો તરીકે જોઈએ તો નવલકથા બનીને રહી જાય. એ પ્રસંગોનો સાર આપણને જીવનને જોવાનો, શીખવાનો, સમજવાનો માર્ગ બતાવે. એની સાથે આપણો આનંદ પણ જોડાય છે અને વિષાદ પણ વહેરાય છે. તખ્ત સોલંકી એક એવી હયાતીની વાત કરે છે જેની પાસે જીવ નથી, પણ કૃષ્ણને એ જીવથી પણ વધુ વહાલી હતી.

એક આખો ભવ તમે જીવી ગયા
ખાસ કારણ વિણ ભલા જીવાય ના
કૃષ્ણ ગોકુળ છોડશે એ સાંભળી
વાંસળીથી શ્વાસ પણ લેવાય ના

કૃષ્ણએ ગોકુળ છોડવું પડ્યું. તેની પાસે ગાયો ચરાવવાથી લઈ ગોપીઓને હેરાન કરવાનાં અનેક મનગમતાં કામ હતાં, પણ આ મનગમતાં કામોથી ઉપર ફરજ તેને બોલાવી રહી હતી. મનુષ્યનો જન્મ લીધો હોય એટલે અવસ્થા તો પાર કરવી પડે. એક ગમતી અવસ્થા પર અટકી જવાય તો જે પ્રયોજન હોય એ પૂરું ન થઈ શકે. ભોગ તો ભગવાને પણ આપવો જ પડે. દિનેશ કાનાણી કહે છે એ પરિણામ શું કૃષ્ણને ખબર નહીં હોય?

તેં સદાયે અવગણી છે વાંસળી
સાદ કાયમ ખોખરો મળશે તને
ને ફરે સપનાંઓ ચીંથરેહાલ થઈ
એટલો ઉજાગરો મળશે તને

રાજકીય જવાબદારીઓના ભાર તળે મોરપીંછની હળવાશ ગુમાવવી પણ પડે. ગમતી વસ્તુ અને અગત્યની વસ્તુ આ બન્નેનાં સમીકરણોમાં ફેરફાર હોઈ શકે છે. જે સમાજને ઉપકારક હોય એ કદાચ વ્યક્તિગત રીતે ખોટનો સોદો પણ કહેવાય. એક અસમંજસની ઘડીને વિપુલ માંગરોલિયા ‘વેદાંત’ આલેખે છે...

હવે એ વાત પર તારી, બધો આધાર રાખે છે
સજાવે વાંસળી હોઠે કે તું હથિયાર રાખે છે

વ્રજમાં વાંસળી શોભે અને રણભૂમિમાં સુદર્શન. જેવી જેની ઉપયોગિતા એવું એનું કામ. છતાં ‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ કૃષ્ણને આહવાન આપી બોલાવે અને પૂછેઃ આ ચારમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે સાચવવાની હોય અને બાકી બધી તમારે છોડી દેવાની હોય તો તમે શું પસંદ કરો? મુગટ, સુદર્શન, વાંસળી કે દ્વારિકા? તો નિઃસંકોચ કૃષ્ણ વાંસળી જ પસંદ કરે. છતાં કોઈ અવઢવ થાય તો લાઇફલાઇનનો ઉપયોગ કરી રાધાનું મંતવ્ય લઈ શકે. તો રાધા શું કહે? કદાચ દિનેશ ડોંગરે નાદાન કહે છે એમ આ તરફ જ દિશાનિર્દેશ કરે...

ભલેને દ્વારકાનો નાથ થઈ જાય ગોપાલક
સખાનું સ્નેહભાથું તો ફક્ત તાંદુળ રહેવાનું
મથુરા-દ્વારકા કે હોય વૃંદાવન ભલે એનું
નજરમાં કૃષ્ણની નાદાન સતત ગોકુળ રહેવાનું

કળિયુગની વાત કરીએ તો કૃષ્ણ હેલ્પલાઈનમાં મીરાનો અભિપ્રાય પણ લઈ શકે. મીરા શું જવાબ આપે એની અટકળ કરવાને બદલે ‘મીરાંઈ’ એ કયું તત્વ શું છે એને આલેખવાનો પ્રયાસ વ્રજેશ મિસ્ત્રાળ કરે છે...

આભમાંની શ્વેત જળની ધાર તે મીરાં હશે?
ને ધરા પર થાય એકાકાર તે મીરાં હશે?
‘કૃષ્ણ’ એવું નામ તું આપે ગઝલને તો પછી
આ રદીફ ને કાફિયા દમદાર તે મીરાં હશે?

આમ તો શ્યામ અને મીરાના જીવનની કોઈ સરખામણી ન થઈ શકે, કારણ કે એક ભગવાન છે અને એક ભક્ત છે. છતાં ભક્તિ જ્યારે ઉચ્ચ સોપાનો સર કરે ત્યારે એ ભગવદ્ તત્ત્વની નજીક પહોંચી જાય છે. સમર્પણમાં જે શક્તિ છે એ મનુષ્યને સીમિતમાંથી અસીમિતની કક્ષામાં મૂકી દે. સ્મિતા શાહ આજના સમયમાં પણ કૃષ્ણની કેટલી આવશ્યકતા છે એનો નિર્દેશ કરે છે...

રોજ તરસ્યાં ઝાંઝવાં પીવાય મીરાં!
ભીતરે બેઠો છે માધવ આવ મીરાં
આજ પણ ઊભો છે રાણો ઝેર લઈને
લે ફરીથી શ્યામને તેડાવ મીરાં

ક્યા બાત હૈ
ચલો વાંસળી, વૃંદાવન
અવ ગોકુળમાં નહિ ગોઠે
ત્યજી વાંસવન નીરવ વસીએ
મુરલીધરને હોઠે

અંગુલિસ્પર્શ તણી આરતમાં
ઝૂરી રહ્યા છે છેદ
સુગંધભીની ફૂંક શ્યામની
કરવી નિજમાં કેદ
શ્વાસ કૃષ્ણનો અડે તો પ્રગટે
દીવા બત્રીસ કોઠે

આનાથી તો ભલો
વાંસના વનમાં લાગે દવ
ગોપી ઘેલી થાય નહિ
તો બળ્યો બંસીનો ભવ!
યમુનામાં વહી જાય રાખ
ને સૂર ઉઠે પરપોટે
- ભગવતીકુમાર શર્મા

weekend guide columnists janmashtami