વિરામ અને વિકારઃજે બળનો દુરુપયોગ કરે છે એ બળનો નાશ કરવો અતિ અનિવાર્ય છે

05 December, 2019 12:52 PM IST  |  Mumbai | Manoj Joshi

વિરામ અને વિકારઃજે બળનો દુરુપયોગ કરે છે એ બળનો નાશ કરવો અતિ અનિવાર્ય છે

બળ હોવું જોઈએ, અનિવાર્ય છે. સ્વરક્ષા માટે પણ જરૂરી છે અને અન્ય કોઈની રક્ષા માટે પણ બળ આવશ્યક છે, પણ જો કોઈ બળનો દુરુપયોગ કરે, એ બળનો ગેરલાભ લે તો એ બળને નાશ કરવો અતિ અનિવાર્ય છે. આ વાત છે ચાણક્યની, હવે વાત કરીએ બાપુની. મહાત્મા ગાંધીની અહિંસાની નીતિ જગતભરમાં જાણીતી છે, પણ એક પ્રશ્નોતરી દરમ્યાન મહાત્મા ગાંધીએ બળાત્કાર કરનારાઓની બાબતમાં કહ્યું હતું કે એવા સમયે સ્વબળનો ઉપયોગ કરવો જ જોઈએ. ઈશ્વરે આપણને બે હથિયાર આપ્યા છે, દાંત અને નખ. આ બન્નેનો ઉપયોગ કરતાં તો આવડવું જ જોઈએ અને સ્વરક્ષણનો ધર્મસિદ્ધ અને જન્મસિદ્ધ હક ભોગવવો જોઈએ.

બળાત્કાર, રૅપ. આ બહુ ખરાબ શબ્દો છે. હું તો કહીશ કે આવી ઘટનાઓ તો ઠીક, આ શબ્દો પણ દૂર થઈ જવા જોઈએ અને એને શબ્દકોષ, ડિક્સનરીમાં સમાવવા ન જોઈએ. મને અંગત રીતે લાગે છે કે હવે સમય છે કે આવું કૃત્ય કરનારાઓ માટે કાયદામાં જ એવી જોગવાઈ બને કે જેને લઈને કોઈ જાતની છટકબારીઓ ન રહે અને તાત્કાલિક અસરથી એ દીકરીને ન્યાય મળે, જેની સાથે અન્યાય થયો છે.

કાશ્મીરનો પ્રશ્ન હલ થઈ ગયો, રામજન્મભૂમિનો પ્રશ્ન પણ હવે રહ્યો નથી, પણ હજી એક બહુ મોટો પ્રશ્ન અકબંધ છે. આ બળાત્કારીઓની સામે પગલાં લેવાનો. એવા પગલાં લેવા જોઈએ કે જેમાં સાત દિવસમાં ચુકાદો આવે અને એ ચુકાદો એવો આવે કે બળાત્કાર તો ઠીક, છોકરીને જોઈને સીટી મારવાનું મન કરનારાને એ વિચાર માત્રથી ડર લાગવા માંડ્યો હોય. જુઓ, તમે દીકરીઓને તૈયાર કરો, માર્શલ આર્ટ શીખવો કે પછી સેલ્ફ ડિફેન્સના અન્ય લેસન ભલે આપો, પણ આવી ઘટનાઓથી સમાજને દૂર કરવાનો એક માત્ર રસ્તો જો કોઈ હોય તો એ માત્રને માત્ર કાનૂન છે, કાયદો છે.

કાયદામાં જ આની માટે જોગવાઈ કરવી પડશે અને એ જોગવાઈ એ સ્તર પર કરવી પડશે કે તમને બળાત્કાર શબ્દ માત્રથી બીક લાગતી થઈ જાય. કબૂલ કે આપણે ડરીએ છીએ કે આ પ્રકારની પ્રક્રિયાનો ગેરલાભ લેવાશે, પણ એ ડર મનમાંથી કાઢી નાખો. સાચું છે એ સાચું જ રહેશે અને કોઈ કંઈ પણ કરી જાય તો પણ સાચું જ રહેશે. સત્યને આંખ સામે રાખો અને ડરને મનમાંથી કાઢો. ડર રાખીને સાચી દીકરીઓ હેરાન થાય એ કરવાનો કોઈ અર્થ નથી. દીકરીને ન્યાય મળે એવું તમે કરી નાખશો તો પણ નહીં ચાલે. કારણ આવી ઘટના પછી જે અવસ્થા ઊભી થતી હોય છે એ અવસ્થામાં તમારા ન્યાયના કંટોલા પણ નથી આવતાં હોતાં. મહત્ત્વનું એ છે કે આવી ઘટના ન ઘટે અને આવી ઘટના ન ઘટે એની માટે એક જ રસ્તો છે, કડકમાં કડક કાયદો.

એક વખત આરબ અમિરાત જેવા નિયમો કરી નાખો. એક વખત અમેરિકા જેવી કડક ન્યાયપદ્ધતિ અપનાવી લો. સાહેબ, છઠ્ઠી યાદ આવી જવી જોઈએ. કોઈ અજાણી કન્યા રસ્તા પર લિફ્ટ માગે ત્યારે મનમાં વિકાર નહીં પણ વિનંતી સમજાઈ જવી જોઈએ. આપણે આકરાં થવું પડશે, કારણ કે સુધારવાનું કામ આપણે જ કરવાનું છે, સરકારે જ એ જવાબદારી નિભાવવાની છે.

manoj joshi columnists