સીધા રસ્તે ચાલવામાં તકલીફ પડી શકે, પણ મુશ્કેલી ક્યારેય ન આવે

05 January, 2020 03:55 PM IST  |  Mumbai Desk | manoj joshi

સીધા રસ્તે ચાલવામાં તકલીફ પડી શકે, પણ મુશ્કેલી ક્યારેય ન આવે

તકલીફ અને મુશ્કેલી. 

આમ તો આ બન્ને શબ્દો સમાનાર્થી જેવા લાગે અને બન્નેનો અર્થ પણ એક હોતો હશે, પણ વાત અહીંયા અર્થની નહીં, ભાવાર્થની છે. તકલીફનો અર્થ એવો કરી શકાય કે જેને પાર કરવાની ક્ષમતા તમારામાં હોય...અને જે પાર કરવું અઘરું હોય, જે તમને વચ્ચે અટકાવી દે એનું નામ મુશ્કેલી. સીધા રસ્તે ચાલવામાં તકલીફ હશે, પણ મુશ્કેલીઓ નથી હોતી. બને, શક્ય છે કે પ્રામાણિકતાથી ચાલવામાં કે નીતિમત્તા અને સિદ્ધાંત સાથે આગળ વધવામાં તમારો વિકાસ ધીમો હોઈ શકે, પણ એ વિકાસ વાજબી રીતે અને યોગ્યપણે થતો હોય છે...પણ ધારો કે તમે નીતિ પડતી મૂકો અને પ્રામાણિકતાને છોડી દો તો બને કે તમને થોડીવાર માટે બધું સારું લાગવા માંડે અને સરળ, સહેલું પણ લાગે, પણ એ ખોટો માર્ગ છે અને ખોટા માર્ગથી જે કંઈ મળતું હોય છે એ ક્યારેય સાચું નથી હોતું. ખોટા રસ્તે ચાલતી વખતે ક્યાંય તમને મુશ્કેલી ન પડે તો એનો અર્થ એવો નહીં કરવાનો કે એ રસ્તો સાચો છે. ખોટો રસ્તો ખોટો જ હોય અને એ સદાકાળ ખોટો જ રહે. બને કે આવનારી મુશ્કેલી શરૂઆતમાં નાના સ્વરૂપમાં આવે અને પછી સમય જતાં એ મોટી કે મહાકાય બને, પણ એ પોતાનું ભયાનક રૂપ ચોક્કસ લેતી હોય છે અને એવું જ્યારે બને ત્યારે ખરેખર છઠ્ઠીનું દૂધ યાદ આવી જતું હોય છે.
સુપરફાસ્ટ થવાની કોઈ જરૂર નથી અને ક્યાંય એની આવશ્યકતા નથી. સફળતા ધીમી પણ મક્કમ ગતિએ આવેલી હોવી જોઈએ. શૅરબજારનું જ્ઞાન ક્યારેય લીધું નથી અને અત્યારના સ્ટૉક-માર્કેટ વિશે આપણે વાત કરવાની થતી પણ નથી, ભૂતકાળના શૅરબજારને જોશો કે એના વિશે કોઈને પૂછશો તો તમને એવા અનેક લોકો જોવા મળશે જે રાતોરાત પાયમાલ થઈ ગયા હોય અને જીવનને આકાર આપવા ફરીથી, નવેસરથી એકડો ઘૂંટવાનું આવી ગયું હોય. મને આજે પણ એ વાતો સાંભળીને મનમાં એક વિચાર આવે છે - કેવી રીતે બની શકે કે સવારના સમયે તમે દસ રૂપિયાનો શૅર ખરીદો અને સાંજ પડતાં સુધીમાં એ શૅરનો ભાવ પચ્ચીસ અને ત્રીસ રૂપિયાનો થઈ જાય. આવી કમાણી જો સીધી અને સરળ રીતે થતી હોય તો ધીરુભાઈ અંબાણીએ પોતાના હજીરા પ્લાન્ટ પર કે અમદાવાદની મિલ પર ધ્યાન આપવાને બદલે શૅરબજારમાં લિસ્ટેડ હોય એવી બીજી કંપનીઓના શૅર પર જ ધ્યાન આપ્યું હોત અને એ પછી દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિઓમાં તેમનાં સંતાનોની ગણના થતી હોત. મુકેશભાઈ પણ અત્યારે એ જ કરતાં હોત, તેમણે પણ આ જિઓ અને રિલાયન્સ અને બીજા જે કોઈ નવા સાહસ કરી રહ્યા છે એ શરૂ કરવાની જરૂર ન હોત. કોઈ કામ કરે અને એ કામ પર નજર રાખીને તમે પૈસો કમાઈ લો એવું બની જ ન શકે. મહેનતથી આગળ કોઈ હોતું નથી, મહેનતથી આગળ કશું હોતું નથી.
મહેનત આવશ્યક છે. મહેનત વિના, શ્રમ વિના ક્યારેય કોઈનો ઉધ્ધાર થતો નથી. યાદ રાખજો, મહેનતનો કોઈ શોર્ટકટ હોતો નથી. જો કોઈ દેખાડે તો પણ એ શોર્ટકટનો ઉપયોગ કરવો ન જોઈએ. આજકાલ લોકો આ શોર્ટકટને સ્માર્ટ-વેના નામે ઓળખાવે છે, પણ સ્માર્ટ-વેમાં સ્માર્ટનેસ જ હોય અને ચતુરાઈએ પણ ક્યારેય કહ્યું નથી કે પ્રામાણિકતા અને નીતિમત્તા છોડો.

manoj joshi columnists