પુરુષ બનવું શું આટલું અઘરું છે?

19 November, 2019 04:36 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પુરુષ બનવું શું આટલું અઘરું છે?

ફાઈલ ફોટો

જેમના માથે હજી સામાજિક જવાબદારીઓ આવી નથી એવા તરવરિયા યુવાન, અનેક પડકારો સામે ઝઝૂમી રહેલા પુરુષો તેમ જ જીવનના છ દાયકા વિતાવી ચૂકેલા પુરુષોનું કહેવું છે કે આપણો સમાજ ધારે છે એટલું સરળ જીવન તેમનું નથી. વર્તમાન સમયમાં તો પુરુષ હોવાના લાભ ઓછા અને અઢળક ગેરફાયદા દેખાઈ રહ્યા છે.

પુરુષ એટલે ઘરનો સર્વોપરી. સદીઓથી આપણા દેશમાં પુરુષોનો સામાજિક અને આર્થિક દરજ્જો ઊંચો રહ્યો છે. તે ધારે એ કરી શકે. પુરુષ તરીકે જન્મ લીધો એટલે જાણે જગ જીતી લીધું. તેમને માટેની આવી ઇમેજ આપણે સૌકોઈ ધરાવીએ છીએ, પરંતુ કહે છેને કે દીવા તળે જ અંધારું. શારીરિક અને માનસિક રીતે સ્ટ્રૉન્ગ હોવાથી પરિવારની સુરક્ષાની જવાબદારી પોતાના શિરે લેનારા તેમ જ પોતાનાં કમિટમેન્ટ્સમાં ૧૦૦ ટકા ખરા ઊતરવા જીવનભર પડકારોનો સામનો કરનારા પુરુષોને જ વાસ્તવમાં પુરુષ હોવામાં કોઈ લાભ દેખાતો નથી. ઇનફૅક્ટ તેઓ માને છે કે તેમના ભાગે વેઠવાનું વધુ આવે છે. આજે વિશ્વભરમાં મેન્સ ડેની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે ૨૧ વર્ષના તરવરિયા યુવાનથી લઈને જીવનના ૬ દાયકા વિતાવી ચૂકેલા પુરુષોને પૂછીએ કે તેમને કેમ એવું લાગે છે કે પુરુષ બનીને જીવવું અઘરું છે?

લોકો તમારી પાસે એક્સપેક્ટેશન રાખે, પણ તમે કોઈની પાસે ન રાખી શકો : ભાવેશ ઠક્કર

પુરુષ હોવાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે તમારી આસપાસ રહેતી તમામ વ્યક્તિ પછી એ પેરન્ટ્સ હોય, વાઇફ હોય કે સંતાનો, બધાને તમારી પાસેથી હાઈ એક્સપેક્ટેશન હોય છે અને તેમની ડિમાન્ડ પૂરી કરવી ફરજિયાત બની જાય છે. જ્યારે તેને કોઈની પાસે અપેક્ષા રાખવાનો અધિકાર હોતો નથી એમ જણાવતાં શૅરબજાર સાથે સંકળાયેલા કાંદિવલીના ૪૬ વર્ષના સબબ્રોકર ભાવેશ ઠક્કર કહે છે, ‘પુરુષને નાનપણથી જ એમ કહેવામાં આવે છે કે તારે પરિવારને સાચવવાનો છે અને બધાની અપેક્ષાઓમાં પાર ઊતરવાનું છે. તે કોની પાસે એક્સપેક્ટેશન રાખે અને કેવી રાખી શકે એ બાબત કોઈ નીતિ-નિયમો સમાજે બનાવ્યા નથી. પુરુષને સ્ટ્રૉન્ગ પર્સન તરીકે જ ડિફાઇન કરવામાં આવ્યો છે. દીકરી અને દીકરાના ઉછેરમાં એની ઝલક દેખાય છે. દીકરીને પારકા ઘરે જવાનું છે એ રીતે ઉછેરવામાં આવે છે અને દીકરાને ઘરના મોભી બનવાનું હોય એ રીતે ઉછેરવામાં આવે છે. આખી જિંદગી તેનો પ્રેમ પણ માતા અને પત્ની વચ્ચે વહેંચાયેલો રહે છે. બધી રીતે સક્ષમ હોવા છતાં બન્નેમાંથી કોઈને નારાજ કરવાની હિંમત તેનામાં નથી એથી પિસાયા કરે છે. પોતાની ફીલિંગ્સ એ ક્યાં જઈને શૅર કરે? એટલે જ પુરુષો મિત્રો સાથે સમય વિતાવવાનું બહાનું શોધતા ફરે છે. વર્ષમાં એકાદ વાર તો નાઇટ-ટ્રિપ પણ પ્લાન કરે છે જેથી યાર-દોસ્તો પાસે મન હળવું કરી શકે. મને લાગે છે કે પુરુષ હોવું એટલે સ્ટ્રેસફુલ લાઇફ જીવવી. રિસર્ચ પણ કહે છે કે પુરુષોને હાર્ટ-અટૅક આવવાની શક્યતા વધુ હોય છે.’

માથા પર પુરુષ તરીકેની જવાબદારીઓ પડી નથી, પણ લાગે છે કે ગર્લ્સનો જમાનો છે : હર્શિલ ભાટિયા

એક સમયે આપણા સમાજમાં પુરુષ હોવાના અઢળક ફાયદા હતા, પણ એ જમાનો હવે નથી રહ્યો એવો મત વ્યક્ત કરતાં ખારઘરનો ૨૧ વર્ષનો સ્ટુડન્ટ હર્ષિલ ભાટિયા કહે છે, ‘આજના સમયમાં ગર્લ અને બૉયને આમ તો સેમ જ ટ્રીટ કરવામાં આવે છે, પરંતુ કેટલાક ફીલ્ડમાં બૉય્‍ઝને કૉમ્પ્રોમાઇઝ કરવાનો વારો આવે છે. યંગ જનરેશનમાં ઇવેન્ટ્સનો ક્રેઝ છે. સાઇડ ઇન્કમ અને એક્સ્પીરિયન્સ માટે તેઓ જતા હોય છે. ઇવેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં ગર્લ્સને સહેલાઈથી એન્ટ્રી મળે છે તેમ જ તેમને અમારા કરતાં પૈસા પણ વધુ આપવામાં આવે છે. અમે એટલો જ સમય અને પ્રોડક્ટિવિટી આપીએ છીએ જેટલો ગર્લ્સ આપે છે, પરંતુ રિવૉર્ડમાં ખાસ્સો તફાવત જોવા મળે છે. મેં હજી કૉર્પોરેટ વર્લ્ડમાં એન્ટ્રી મારી નથી એટલે ત્યાં શું ચાલે છે એ વિશે કહી ન શકું, પરંતુ સાંભળ્યું છે કે બૉય્‍ઝને વધુ ટાર્ગેટ આપવામાં આવે છે. દરેક જગ્યાએ ગર્લ્સને પ્રાયોરિટી મ‍ળવા લાગતાં અમારી સામે ચૅલેન્જિસ વધી ગઈ છે. આજે તો પેરન્ટ્સ પણ ઇચ્છે છે કે તેમને દીકરી હોય. અમે તો બે ભાઈઓ છીએ, પણ મારા સર્કલમાં એવા ઘણા છે જેમના ઘરમાં ગર્લ ચાઇલ્ડને વધુ પૅમ્પરિંગ કરવામાં આવે છે. જોકે એજ્યુકેશનમાં જેન્ડર ડિસક્રિમિનેશન જોવા નથી મળતું એ બહુ સારી વાત છે. અહીં હું ઇચ્છું છું કે ગર્લ્સને હજી વધુ તક મળવી જોઈએ. સામાજિક જવાબદારીઓ માથે નથી પડી એથી પુરુષ તરીકે ભવિષ્યમાં મારી સામે કેવા પડકાર હશે એ તો સમય જ નક્કી કરશે.’

પુરુષોને તેમની વ્યથાને વાચા આપવાનો અધિકાર માગવો પડે એવા દિવસો આવી ગયા છે : હરેશ મહેતા

પુરુષ હોવાના ગેરલાભ પૂછો છો ત્યારે પહેલાં પુરુષ એટલે શું એ જાણી લેશો તો ઉત્તર આપમેળે મળી જશે એવો અભિપ્રાય આપતાં નાલાસોપારાના ૫૧ વર્ષના ડાયમન્ડ-બ્રોકર હરેશ મહેતા કહે છે, ‘અહીં મને કવિશ્રી રમેશ પારેખની પંક્તિઓ યાદ આવે છે... ‘સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો.’ આ છે પુરુષ. તમે માગો એના કરતાં અનેકગણું વધુ આપવાનો પ્રયાસ એ આખી જિંદગી કરતો રહે છે. કોઈની પાસેથી અપેક્ષા રાખવી એના સ્વભાવમાં નથી છતાં બધેથી તિરસ્કૃત થાય છે એનાથી મોટો પુરુષ હોવાનો ગેરલાભ બીજો શું હોઈ શકે? કઠોર પરિશ્રમ અને મહેનતથી ઘર-પરિવાર તેમ જ સમાજ માટે કર્તવ્યનિષ્ઠ બનેલા પુરુષને જ્યારે મહિલા સશક્તીકરણના ઓઠા હેઠળ તિરસ્કૃત અને ઘૃણાની નજરે જોવામાં આવે છે ત્યારે તેને તકલીફ થાય છે. વજ્રની છાતી ધરાવતા પુરુષની અંદર પણ કોમળ હૃદય જ ધબકતું હોય છે એ વાત સ્ત્રીઓ કે આપણો સમાજ ક્યારેય સમજી શકતો નથી. હંમેશાં જીતવા માટે સર્જાયેલો પુરુષ વર્તમાન માહોલમાં ધિક્કારને પાત્ર બન્યો છે એ બાબત ખૂબ ખરાબ કહેવાય. ઇન્ટરનૅશનલ મેન્સ ડેની ઉજવણીનો હેતુ પુરુષોની અભિવ્યક્તિ પર પ્રકાશ પાડવાનો છે. નારીવાદીઓને કદાચ ગમશે નહીં, પણ પુરુષોને તેમની વ્યથાને વાચા આપવાનો અધિકાર માગવો પડે એવા દિવસો આવી ગયા છે એ નરી વાસ્તવિકતા છે. બહેનોને મારે એટલું જ કહેવાનું કે પુરુષસમોવડી બનવા અવ્યવહારુ વર્તન કરવાથી તમે તમારું મહત્ત્વ ઘટાડી રહ્યાં છો. તમે પહેલેથી જ શ્રેષ્ઠ છો અને પુરુષના પૂરક બનીને રહેશો તો આપણો સમાજ ટકી રહેશે.’

પુરુષોને આંસુ સારવાની પરવાનગી આપણો સમાજ આપતો નથી : શશિકાંત પારેખ

પુરુષોના મગજમાં નાનપણથી જ કેટલીક વાતો ઠાંસી-ઠાંસીને ભરી દેવામાં આવી છે જેના કારણે આજે તેની દશા કફોડી બની ગઈ છે એવો બળાપો કાઢતાં કાંદિવલીના ૬૧ વર્ષના નિવૃત્ત બિઝનેસમૅન શશિકાંત પારેખ કહે છે, ‘કોઈ પણ ઉંમરમાં પુરુષો પોતાની રીતે જીવન વ્યતીત કરી શકતા નથી. નાનપણમાં માતા-પિતા, યુવાનીમાં પત્ની અને વૃદ્ધાવસ્થામાં સંતાનોની ઇચ્છા અનુસાર તેણે જીવવું પડે છે. જ્યાં સુધી બાવડામાં જોર હોય છે ત્યાં સુધી પૈસા કમાવા દોડે છે, પણ એક વાર પરાવલંબીપણું આવી જાય પછી અનેક પ્રકારની તકલીફો ઊભી થાય છે. સંઘર્ષ સામે લડવાની ક્ષમતા હોવા છતાં તેનું મનોબળ‍ તૂટી જાય છે. રિટાયરમેન્ટ બાદ અથવા નિવૃત્તિની આરે ઊભેલા કેટલાય પુરુષોને હું જોઉં છું ત્યારે તો લાગે છે કે પુરુષ તરીકે જીવવું ૧૦૦ ટકા ડિફિકલ્ટ છે. જોકે જવાબદારીમાંથી તેને ક્યારેય મુક્તિ મળતી નથી. આજની નારી આર્થિક રીતે પગભર થઈ છે, પણ બહુ ઓછી ફૅમિલીમાં એવું જોવા મળે છે જ્યાં તેઓ પુરુષને મદદરૂપ થતી હોય. પુરુષને સ્ત્રીનું આર્થિક પીઠબળ મળતું નથી એથી તેનો સંઘર્ષ છેક સુધી ચાલુ જ રહે છે. પુરુષ હોવાનો બીજો ગેરફાયદો એ કે તે સ્ત્રીની જેમ આંસુ સારી શકતો નથી. આપણી સદીઓ જૂની પ્રણાલિકા તેને આમ કરતાં અટકાવે છે, પરિણામે તેના ભાગે સહન કરવાનું વધુ આવે છે. વર્તમાન સમયમાં પુરુષોની દશા જોઈને વિચાર આવે છે કે ‘જેવું વાવો તેવું લણો’ એ કહેવત ખોટી નથી. સામાજિક રીતિ-રિવાજોની આડશ લઈ અનેક પુરુષોએ સ્ત્રીઓ પર ભૂતકાળમાં અત્યાચાર કર્યા છે એથી હવે તેઓ અત્યાચારનો ભોગ બની રહ્યા છે.’

પહેલાં નારી અબળા કહેવાતી, પણ હવે નર... : તેજસ પડિયા

ક્રીએટિવ ફીલ્ડ સાથે સંકળાયેલા કાંદિવલી-વેસ્ટમાં રહેતા ૩૮ વર્ષના તેજસ પડિયા કહે છે, કદાચ સ્ત્રીઓને લાગતું હશે કે પુરુષ હોવું એ તો બહુ ફાયદાની વાત છે, પણ આજના જમાનાની વાત કરીએ તો હવે એવું રહ્યું નથી. હા, પુરુષ હોવાનો કોઈ મેજર ગેરફાયદો નથી, પરંતુ આજના જમાનામાં પુરુષોએ વગરકારણે ઘણું સહન કરવાનું આવે છે.

મારી વાત કરું. કોઈક મોટા ગજાના ડિરેક્ટર કે પ્રોડ્યુસરને મારી વાર્તા સંભળાવવા માટે અપ્રોચ કરું, તેમનો નંબર મેળવીને મેસેજ કરું તો છોકરો હોવાને કારણે બહુ જલદી કોઈ તક ન મળે. જ્યારે કોઈ છોકરી મેસેજ કરે તો ઍટ લીસ્ટ રિપ્લાય તો મળે જ. અમને તો અમારી વાત રજૂ કરવાની તક પણ ન મળે. છોકરાઓને પહેલી તક મેળવવા માટે બહુ મથવું પડે, જ્યારે છોકરીઓને એ બહુ સહેલાઈથી મળી જાય.

કૉર્પોરેટમાં કે માર્કેટિંગમાં કોઈ છોકરી હોય અને જો તે વગરકામની બકબક કર્યા કરતી હોય તો પણ ક્લાયન્ટ ચૂપચાપ અને સહાનુભૂતિપૂર્વક સાંભળે. જ્યારે કોઈ છોકરો હોય તો તેને હજાર લૉજિકલ સવાલ પૂછે. પુરુષ ટૅલન્ટેડ હોવા છતાં તે માર્કેટિંગમાં નબળો પડે જ છે. કદાચ એટલે જ હવે છોકરીઓને એ ક્ષેત્રની તકો વધુ મળવા લાગી છે. છોકરો જો કોઈ મહિલા બૉસને અપ્રોચ કરે તોય તરત રિસ્પૉન્સ નથી મળતો. આ માણસ કેવો હશે? તેનો ઇન્ટેન્શન શું હશે? એવી શંકાઓ સામે પુરુષ બેઉ તરફથી સલવાય છે.

હવે છોકરીઓમાં પેશન્સ બહુ ઘટી ગઈ છે. ત્રણ દિવસમાં જો તેને ગમતું ન થાય તો તરત હું મારા પપ્પાના ઘેર જાઉં છું એમ કહીને સ્ત્રી જતી રહે છે. એને કારણે ભોગવવું પુરુષોએ જ પડે છે. આપણામાં કહેવત છે કે અથાણું બગડે તો વરસ બગડે... એમાં હવે ઉમેરવું પડે કે બૈરી બગડે તો જિંદગી બગડે. હવે પુરુષો કરતાં સ્ત્રીઓ ઘણી આગળ વધી ગઈ છે અને એટલે પહેલાં અબળા નારી કહેવાતી, પણ હવે ખરા અર્થમાં નર અબળા બની ગયો છે.’

columnists Varsha Chitaliya