ઇતિહાસની ઓથમાં ઈરાની ચા અને બન-મસ્કાનો અનેરો આનંદ ઉઠાવવા જેવો છે

03 December, 2019 03:09 PM IST  |  Mumbai | Divyasha Doshi

ઇતિહાસની ઓથમાં ઈરાની ચા અને બન-મસ્કાનો અનેરો આનંદ ઉઠાવવા જેવો છે

ઈરાની સ્ટાઇલની મસાલા ચાની સાથે બન-મસ્કા કે ખારી બિસ્કિટ ખાતાં-ખાતાં ઇતિહાસ વાગોળવાની મજા જ કંઈક ઑર છે.

તળમુંબઈમાં જાઓ તો જાણે જૂના મુંબઈમાં આવી ગયા હોઈએ એવું ચોક્કસ મહેસૂસ થાય. મુંબઈનગરી ૧૦૦ વર્ષ પહેલાં કેવી હતી એની કલ્પના કરવાનું અહીં સરળ બની જાય છે. એમાં પણ વીટી, સૉરી, સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ)થી ધોબી તળાવ આવો તો રસ્તા પર આવતાં દરેક મકાનો એક ઇતિહાસ કહી રહ્યાં હશે, જો સાંભળી શકાય તો. ધોબી તળાવ પર આજે તો ૬ રસ્તાનું જંક્શન છે, પણ એક જમાનામાં અહીં ધોબીઓ તળાવમાં કપડાં ધોતા હતા. બાજુના રસ્તા પરથી ઘોડાગાડી અને ટ્રામ પસાર થતી હતી. મોટું મેદાન અને જમણેથી દરિયો જોઈ શકાતો હતો. સોએક વર્ષ પહેલાં ત્યાં મકાનો બનવા લાગ્યાં અને દરિયો દેખાતો બંધ થઈ ગયો. તળાવ પણ પુરાઈ ગયું. મેટ્રો સિનેમાએ પણ નવા કલેવર ધારણ કર્યાં છે. એની બરાબર સામે પીપલ્સ ફ્રી રીડિંગ રૂમ અને લાઇબ્રેરી છે તો એ લાઇબ્રેરીની સામે જ કયાની ઍન્ડ કું. (કંપની) છે. પહેલાંના જમાનાના પથ્થરનાં ચારેક ઊંચાં પગથિયાં ચડવાં- ઊતરવાં પડે અને એ પગથિયાં પર એક દોરડું લટકતું હોય એ પકડીને તમે ચડી કે ઊતરી શકો. પહેલાંના જમાનામાં દુકાનમાં ચડવા-ઊતરવા માટે આવું દોરડું લટકાવાતું એ ઘણાને ખ્યાલ નહીં હોય. પરાંમાં રહેનારા પૂછશે કે કેવી રીતે ત્યાં પહોંચવાનું તો ચર્ચગેટ કે મરીનલાઇન્સથી મેટ્રો પહોંચી શકાય. મધ્ય રેલવે દ્વારા સીએસએમટી થઈને મેટ્રો પહોંચી શકાય.

સવારના ૬.૪૫થી સાંજે ૮.૪૫ સુધી આ બેકરી-કમ-રેસ્ટોરાં ખુલ્લી રહે છે.

આ દક્ષિણ મુંબઈમાં મેટ્રોની સામેના કૉર્નર પર આવેલી કયાની બેકરીમાં વારંવાર જનારાઓ છે અને જો તમે એકેય વાર ન ગયા હો તો ચોક્કસ એક વાર જવું જોઈએ. ઊંચા ઓટલાવાળી અંગ્રેજોના જમાનાની આર્કિટેક્ચર ધરાવતી આ કયાની રેસ્ટોરાં-કમ-બેકરી પહેલી નજરમાં જ દિલને સ્પર્શી જાય. તમે ગમે ત્યારે જાઓ, ટેબલ ખાલી મળે તો નસીબ. એમાં પણ સાંજે વધુ ભીડ હોય છે. ટિપિકલ ઈરાની રેસ્ટોરાં હવે મુંબઈમાંથી લુપ્ત થઈ રહી છે. કયાની બેકરીને ૧૧૫ વર્ષ થયાં. ૧૯૦૪ની સાલમાં ખોદામર્દ મર્ઝબાને શરૂ કરી હતી. ત્યાર બાદ ૧૯૫૯માં ઈરાનથી આવેલા અફલાતૂન શોકરીએ સંભાળી અને હાલમાં ફરોખ શોકરી સંભાળી રહ્યા છે.

અનેક ફિલ્મો અને ઍડ્વર્ટાઇઝના શૂટિંગમાં તમે આ બેકરી જોઈ હશે. આજે પણ આ બેકરી દેશ-વિદેશના લોકોમાં લોકપ્રિય છે. ઈરાની રેસ્ટોરાંમાં હોય એમ ગોળ ટેબલ અને એની ફરતે ગોળ લાકડાની ખુરસી. ઊંચી સિલિંગ. સવાર-સાંજ મોટા ભાગનાં ટેબલ ભરેલાં હોય. જોકે દરેક ટેબલની સામે આવેલા પિલર પર સફેદ કાગળ પર લખેલું વાંચી શકાય છે કે તમે એકલા હો કે બેકલા પણ થોડા ઉદાર થઈ જગ્યા શૅર કરી શકાય. આ હોટેલમાં ભાગ્યે જ તમને એક ટેબલ પર એક કે બે વ્યક્તિ જોવા મળે.

વળી દરેક ટેબલ પર મોટા ભાગે ચા અને બન-મસ્કા તો હોય જ. આ ઈરાની રેસ્ટોરાં છે એટલે નૉન-વેજ તો મળે જ અને એને માટે પ્રખ્યાત પણ છે, પરંતુ શાકાહારીઓ પણ આ રેસ્ટોરાંમાં આવે છે. રેસ્ટોરાંની વુડન બેકરીમાં તાજા બનતાં ગરમાગરમ બન કે ખારી સાથે ઈરાની મસાલા ચા કે પછી સાદી ચા પીઓ અને જો સાથે કંપની સારી હોય તો બસ વગર વરસાદે તમે તરબતર ન થાઓ તો જ નવાઈ. કેટલાય પારસીઓ અને અન્ય પણ મોટા ભાગે અહીં સાંજે અડ્ડો જમાવીને બેઠા હોય. કૅન્ટીન જેવું ફીલ કરાવતી આ રેસ્ટોરાંમાં બીજી અનેક વાનગીઓ મળે છે. તમારે ટ્રાય કરવી હોય તો પાલક ચીઝ પેટીસ ખાઈ શકાય. પેટીસ એટલે અહીં મેંદાના પડવાળી બેક કરેલી પેટીસ મળશે. પફનો જ એક પ્રકાર સમજો. એનો સ્વાદ ખરેખર દાઢમાં રહી જાય એવો છે. ચીઝ બહુ નહીં, બસ સ્વાદ પૂરતું જ અને પાલક સાથે ક્રિસ્પી મેંદાનું પડ. દરરોજ તાજી બનતી આ પેટીસમાં કેટલીક વરાઇટી પણ ખરી. ચીઝ ન ખાવું હોય તો વેજ પેટીસ પણ મળે અને બટાટા પેટીસ, સમોસાં પણ મળે, પરંતુ વેજ કે ચીઝ પાલક પેટીસ જ ટ્રાય કરજો. સૅન્ડવિચ તો ખરી જ, પણ ૩૦ રૂપિયામાં ચા અને વીસેક રૂપિયામાં બન-મસ્કા તો ખાવા જ જોઈએ. તમે જો સ્વાસ્થ્ય માટે સજાગ હો તો ગ્રીન ટી પણ અહીં સસ્તા ભાવે મળે છે. ચા પછી પુડિંગ પણ ખાવા જેવું હોય છે. તાજું ગરમાગરમ પુડિંગ અંગ્રેજોના જમાનાની યાદ અપાવી દેવા માટે પૂરતું છે. પુડિંગ સિવાય ફિરની અહીં મજેદાર છે. ઓછી સાકર અને મધ્યમ ઠંડી કેસરયુક્ત ફિરની યમ્મી છે. ભોજન કરવું હોય તો પારસી વાનગી ધાનશાક અને રાઇસ ખાઈ શકો અથવા ધાનશાકને પાઉં સાથે ખાઈ શકો છો. મિક્સ દાળ અને શાક નાખીને આ ધાનશાક બને છે. શાક એમાં એકરસ થઈ ગયું હોય છે. હા, એમાં કાંદા નાખવામાં આવે છે એટલે કાંદા ન ખાતા હો તો બન-મસ્કા, ચા અને અન્ય વાનગીઓ ટ્રાય કરી શકો. ટૂંકમાં કહીએ તો ફક્ત ચા અને નાસ્તો જ નહીં, ભોજન પણ અહીં મળે છે અને ખાનારા ખાય છે, પણ નોસ્ટેલજિયા માટે આવનારા અહીં ચા અને બન-મસ્કા અને છેલ્લે રાસબેરી કે સોસ્યો પીએ છે.

 ઈરાની રેસ્ટોરાંમાં બેસવા અને ઈરાની ઢબની ચા પીવા માટે અનેક ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ પણ અવારનવાર અહીં આવે છે. સ્વ. પેઇન્ટર એમ. એફ. હુસેન અને શશી કપૂરની આ ફેવરિટ રેસ્ટોરાં હતી. એમ. એફ. હુસેન અહીં આવતા ત્યારે ચા અને ખારીનો ઑર્ડર આપતા. કયાનીની પોતાની બેકરી હોવાથી ખારી, પાઉં, બન વગેરે તાજાં મળે છે. ફિલ્મ ‘ધોબીઘાટ’માં પણ આ રેસ્ટોરાં ચમકી ગઈ છે તો અનેક ઍડ્વર્ટાઇઝમાં તમે આ રેસ્ટોરાં જોઈ છે. ઈરાની ચાના મસાલામાં ગરમ તેજાના મસાલા જ હોય એટલે ગુજરાતીઓને ભાવે, પણ સાદી ચામાં પાણી ઉકાળેલું હોય અને એમાં દૂધ રેડીને ચા બનાવી આપે એનો સ્વાદ જરા હટકે  એટલે કે ટિપિકલ ઈરાની હોટેલનો હોય. રોમૅન્ટિક ડેટ હોય કે પછી મિત્રો સાથે મનગમતી સાંજ વિતાવવી હોય તો કયાની ઇઝ ધ બેસ્ટ પ્લેસ... અને જો ચા ન પીવી હોય તો સૉફ્ટ ડ્રિન્ક જેવો સોસ્યો પણ ઈરાની રેસ્ટોરાંમાં મળે છે. હવે મુંબઈમાં બહુ જૂજ જગ્યાઓએ આ ડ્રિન્ક મળે છે એટલે સોસ્યો પીવાનો આનંદ માણવો હોય તો આ સહી જગ્યા છે. સોસ્યોનો ફ્રૂટી ટિપિકલ સ્વાદ પીઓ તો જાણો.

કયાની કૅફેમાં ફક્ત ૧૦૦ કે ૨૦૦ રૂપિયામાં બે જણ પેટ ભરીને ચા-નાસ્તો કે ભોજન કરી શકે. વળી ઇતિહાસમાં વિહરવા માટે જૂની મુંબઈના ફોટો દીવાલ પર લટકાવ્યા છે. ઇતિહાસમાં ફરવાની કોઈ કિંમત નથી. વહેલી સવારે નાસ્તો કે મોડી સાંજે ચા પીવાનો આનંદ લેવા અવારનવાર અહીં આવી શકાય.

columnists indian food mumbai food