વિન્ટરમાં હેલ્થ બનાવવી હોય તો પીઓ ફ્રેશ જૂસ

17 January, 2020 03:19 PM IST  |  Mumbai | Meeta Bharwada

વિન્ટરમાં હેલ્થ બનાવવી હોય તો પીઓ ફ્રેશ જૂસ

ફ્રૂટ જ્યૂસ

ઠંડીની સીઝનમાં ફળો પણ ખૂબ આવે અને શાકભાજી પણ ભરપૂર હોય. આ સીઝનમાં પાચનશક્તિ પણ મજાની હોય એટલે તમે જે કંઈ પણ ખાઓ એનો મૅક્સિમમ બેનિફિટ મળે. માર્કેટમાં પણ ગાજર, બીટ, દૂધી, આમળાં જેવી ચીજોનો જૂસ વેચતા ઠેલાઓ ઠેર-ઠેર હોય છે. આમ તો આ જૂસ સસ્તા પણ હોય છે, પરંતુ ટેસ્ટમાં મજા આવે એવા નથી હોતા. હાઇજીનની પણ ચિંતા હોય એટલે ઘણાને પૅકેટવાળાં જૂસ લેવાની આદત પડે છે. જોકે ટેટ્રાપૅકમાં પૅક થયેલાં ફળોનો જૂસ હકીકતમાં ફળો કે શાકભાજી ધરાવતાં હશે કે કેમ એ મોટો સવાલ છે. બીજી તરફ ધારો કે રિયલ ફળો હોય પણ તોય એમાં પ્રિઝર્વેટિવ્સ તો હોવાનાં જ. આમ બધી જ રીતે ફ્રેશ જૂસની તોલે બીજું કંઈ જ ન આવે.

મને ઘણી બહેનો પૂછતી હોય છે કે અમે ઘણી મહેનત કરીને ઘરે જ ફ્રેશ ગાજર-બીટ-આમળાનો જૂસ કાઢીએ છીએ, પણ ઘરના કોઈને એ ભાવતો જ નથી. ક્યારેક મોં બગાડીને પી લે, પણ જો રોજ પીવાનું હોય તો કોઈ ન માને. આવામાં શું કરવું? બાળકો, યુવાનો અને વડીલો બધાને ભાવે એવો જૂસ કેવી રીતે બનાવવો? આ દ્વિધાનો ઉકેલ કાઢવા મેં કેટલીક બહેનોને જોઈ છે જે વિન્ટર જૂસની રેસિપીની બુક્સ લઈ આવે અને એમાંથી તોલીમાપીને જૂસ બનાવવાનો પ્રયત્ન કરે. આવા પ્રયત્નો ખોટા નથી, પરંતુ એમાં લખેલી રેસિપી મુજબનાં જૂસ બનાવવામાં બહેનોને સવાર-સવારમાં સ્ટ્રેસ બહુ પડે. હેલ્ધી અને ન્યુટ્રિશ્યસના નામે બુકમાં લખ્યું હોય એ જ ઇન્ગ્રીડિયન્ટ ઘરમાં રાખવાની ચિંતા વધી જાય. એના બદલે આજે આપણે હેલ્ધી વિન્ટર જૂસ બનાવવા માટે કેટલીક ટિપ્સ જોઈશું. એના આધારે તમે મિક્સ ઍન્ડ મૅચ કૉમ્બિનેશન કરીને પોતાની મેળે ઘરના લોકોને ભાવે એવા જૂસ તૈયાર કરી શકશો. જો વિવિધ ટેસ્ટ અને ફ્લેવરની ચીજોનું કૉમ્બિનેશન કઈ રીતે કરવું એની બેઝિક સમજ કેળવી લેશો તો કોઈ રેસિપી બુકની જરૂર નહીં પડે અને રોજ ડિફરન્ટ ટેસ્ટ અને ફ્લેવરનાં હેલ્ધી જૂસ બનાવી શકશો એ લટકામાં.

ગ્રીન :પાલક અને ઍપલ સરખે ભાગે લઈને એનો જૂસ બનાવવો. એમાં ફ્લેવર માટે ફુદીનો-લીંબુ અને હળદર-આંબાહળદર નાખી શકાય. ચપટીક તજનો પાઉડર પીણાંની ફ્લેવરને ચેન્જ કરી દેશે.

વિન્ટરમાં શાનો વપરાશ વધુ?

સૌથી પહેલાં જોઈએ કે શિયાળામાં કઈ ચીજો બહુ સહેલાઈથી અવેલેબલ છે અને એ સીઝનલ કહેવાય છે. શાકભાજી વર્ગની વાત કરીએ તો ગાજર, બીટ, પાલક, ટમેટાં, દૂધી, કોથમીર, સેલરી જેવી ચીજો આવે. ફ્રૂટ્સમાં દાડમ, સંતરાં, ઍપલ, પાઇનૅપલ, સ્ટ્રૉબેરી જેવાં ફળો હોય. જો તમે માત્ર ફળોનો જૂસ અથવા માત્ર શાકભાજીનો જૂસ એમ કરવાની કોશિશ કરશો તો બહુ મજા નહીં આવે. એના બદલે જો આ બન્ને વર્ગની ચીજોના સ્વાદને બૅલૅન્સ કરે એવી ચીજોનો ઉપયોગ કરશો તો પીણું ટેસ્ટી બનશે. શાકભાજીના રસ કદી એટલા ટેસ્ટી નથી લાગતા એટલે એમાં કંઈક એવી ફ્લેવર ઉમેરીએ કે જેથી ટેસ્ટ તો સુધરે જ સાથે એના ગુણોનું શરીરમાં શોષણ પણ સારી રીતે થાય.

વિન્ટરમાં જ મળતાં લીલી હળદર, આંબા હળદર, આમળાં, આદું જેવી ચીજોનો ઉપયોગ ભલે અલ્પ માત્રામાં કરીએ; પણ કરીએ જરૂર. એનાથી જૂસને ઇન્ડિયન ટચ મળશે.   આ તો થઈ તમારા ડેઇલી જૂસ માટેના રૉ મટીરિયલની યાદી.

આ યાદીમાં ફ્લેવર એન્હાન્સ કરવા માટેનાં એવરગ્રીન ત્રણ ઇન્ગ્રીડિયન્ટ એટલે ફુદીનો, લીંબુ અને લેમનગ્રાસ. આ એવી ચીજો છે જેનો સહેજ ટચ પણ હશે તોય તમારાં પીણાંની ફ્લેવર એકદમ બદલાઈ જશે.

મરૂન:ઍપલ સ્વીટ હોય છે જ્યારે બીટ થોડુંક તૂરું. એમાં ફુદીનાની ફ્લેવર સાથે અડધું લીંબુ નિચોવવાથી ખટમીઠો સ્વાદ તૈયાર થશે. આમાં પણ આમળાં, હળદર, આદું વગેરે નાખી શકાય.

રોજ એક વર્ગનો બેઝ

ઉપર જણાવેલી યાદીમાંની તમામ ચીજોના સ્વાદની ખાસિયત પણ તમને ખબર છે જ. એટલે હવે રોજ એક ચીજને મેઇન ઇન્ગ્રીડિયન્ટ તરીકે લો. જેમ કે એક દિવસ ગાજરને મુખ્ય બેઝ તરીકે પસંદ કરો તો એ સૌથી વધુ લેવાનાં અને બાકીની ચીજો એમાં ટેસ્ટ ઉમેરવા માટે હોય. જેમ કે સંતરાં અથવા પાઇનૅપલ. બે માણસ માટે જો જૂસ બનાવવો હોય તો ૨૫૦ ગ્રામ ગાજર લો, બે આમળાં લો, એકાદ સંતરું નાખો. એક-એક ટુકડો હળદર-આંબાહળદરનો લો અને જરીક અમથું આદું લઈ લો.

ફૅમિલી મેમ્બર્સની ટેસ્ટની ચૉઇસ

જો તમે તમારા ઘરના લોકોની ટેસ્ટની ચૉઇસ શું છે એ સમજતા હશો તો વિન્ટરના જૂસને તેમને ગમે એવો સ્વીટ, સાવર, ટેન્ગી, બ્લેન્ડ એમ ઇચ્છિત ટેસ્ટ આપી શકશો. જો તમે ફૅમિલી મેમ્બર્સની ટેસ્ટ-બડ્સને પારખી લીધી હશે તો ઉપરનું કૉમ્બિનેશન કરીને તમે પરવળ  જેવા જૂસમાં ન વપરાય એવાં શાક પણ ઉમેરી દેશો તોય કોઈને ખબર નહીં પડે. મૂળે લોકોને ટેસ્ટી લાગે એવું જોઈતું હોય છે. તમે એમાં કઈ ચીજો ઉમેરી છે એનાથી કોઈ મતલબ નથી હોતો. પાલક ન ભાવતી હોય તોપણ તમે એની સાથેનું કૉમ્બિનેશન એવું કરો કે જેથી તેમને જે ટેસ્ટ વધુ ભાવે છે એનું ડૉમિનન્સ એમાં હોય. હેલ્ધી પીણાં હોય કે હેલ્ધી ખાણું હોય, એ ટેસ્ટી ન હોય તો એનો કોઈ ભાવ નહીં પૂછે. જોકે ટેસ્ટી હોય એવી ચીજ હેલ્ધી છે કે અનહેલ્ધી એ કોઈ નહીં પૂછે અને ગટગટાવી જશે. પહેલો ઘૂંટડો ભાવ્યો તો તમે પરીક્ષામાં પાસ.

કલર અને વરાઇટી

તમે ટ્રાયલ અને એરર કરીને તૈયાર કરેલું એક પીણું રોજ બનાવવા લાગો એવું ન કરવું. ન્યુટ્રિશનમાં પણ કલરની અગત્ય છે અને ટેસ્ટમાં પણ. એક દિવસ રેડ હોય, એક દિવસ ગ્રીન, એક દિવસ ઑરેન્જ એમ કલર-કૉમ્બિનેશનને પણ ફૉલો કરવું. કલર અને સ્વાદની મોનોટોની હશે તો થોડા જ દિવસમાં જૂસ પીવાનું નહીં ભાવે. વળી કલરફુલ ફ્રેશ ફળો અને શાકભાજીના ફાયદા પણ  ડિફરન્ટ હોય છે એટલે વરાઇટીનો બેનિફિટ રહેશે.

સ્વીટનર તરીકે મધ

આ પીણામાં બને ત્યાં સુધી મીઠાશ માટે કશું જ ન ઉમેરવું હિતાવહ છે. એમ છતાં જો ક્યારેક આમળાં, સંતરાં જેવી કે ખાટી ચીજોને બૅલૅન્સ કરવી હોય તો એકાદ ચમચી શુદ્ધ મધ ઉમેરી શકાય. વેરિએશન માટે કોકોનટ વૉટર પણ વાપરી શકાય.

કેવાં કૉમ્બિનેશન ટ્રાય કરી શકાય?

રેડ જૂસ : વધુ માત્રામાં ટમેટાં લઈને એમાં સેલરી અને બીટ સરખે ભાગે ઉમેરવાં.

ફુદીનો-આદું-લીંબુ, હળદર-આંબાહળદર અને આમળા જેવી ચીજોથી ડ્રિન્કને ગમતો સ્વાદ આપવો.

પ્રોટીન માટે સત્તુ

વેજિટેરિયન લોકોને ડાયટમાં પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે સીમિત ઑપ્શન્સ હોય છે. જૂસમાં પણ જો તમે સત્તુ પાઉડર એક ચમચી નાખી દો તો એનાથી તમારું મૉર્નિંગ પીણું વિટામિન્સ, મિનરલ્સની સાથે પ્રોટીનથી પણ લદોલદ થઈ જશે. સત્તુ એ શેકેલા ચણાનો પાઉડર છે જે કોઈ પણ હેલ્થ-સ્ટોરમાં અવેલેબલ હોય છે. આમ તો સત્તુ દૂધ કે પાણી સાથે લેવાનું કહેવામાં આવે છે, પરંતુ તમે જૂસમાં પણ એ નાખીને લઈ શકો છો. સારી વાત એ છે કે સત્તુથી પીણાના સ્વાદમાં ખાસ ફરક નથી પડતો, પરંતુ એ જૂસમાં એકરસ થઈ ગયો હોય એનું ધ્યાન રાખવું જરૂરી છે. 

indian food mumbai food columnists