તમારાં બચ્ચાંને ખુશ રાખવું છે તો તમે ખુશ રહો

07 January, 2020 03:52 PM IST  |  Mumbai | Bhakti D Desai

તમારાં બચ્ચાંને ખુશ રાખવું છે તો તમે ખુશ રહો

પ્રતીકાત્મક તસવીર

નવજાત શિશુ જન્મે એ પછી પણ તેની મમ્મીના મૂડ અને ઇમોશન્સની અસર તેની પર થતી હોય છે. એક અભ્યાસમાં પણ નોંધાયું છે કે જન્મ પછી થોડાક સમય સુધી બાળકનું બ્રેઇન માની કૂખમાં જે ફીલ કરેલો માહોલ હોય છે એમાંથી બહાર નથી આવતું. વિશ્વમાં એક જ એવી વ્યક્તિ હોય છે જેની સાથે બાળક અદમ્ય તાદાત્મ્ય અનુભવતું હોય છે એટલે જ બચ્ચાંને સ્વસ્થ રાખવા, માએ ખુદ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું જરૂરી બની જાય છે.

ઘણી વાર આપણે જોઈએ છીએ કે બાળક એકદમ સ્વસ્થ હોય, તેનું પેટ ભરેલું હોય, ઘરમાં ખુશીનો માહોલ હોય તો પણ તે રડ્યા કરતું હોય છે અને આપણને એવું લાગે છે કે આ બાળક કેમ વિનાકારણ રડ્યા કરે છે? આવા સમયે કદાચ એવું બને કે તેની મમ્મી કોઈ માનસિક અસ્વસ્થતા અનુભવતી હોય અને તેના પ્રતિભાવરૂપે તે બાળક મનથી બેચેન બની જતું હોય. હા, આ વાતનું સમર્થન હાલમાં જ એક અભ્યાસ દ્વારા થયું હતું, જેમાં એવું  સાબિત થયું છે કે મા અને બાળકનું મગજ એક ટ્યુનમાં હોય છે. બાળક જન્મે પછી પણ માના દરેક મનોભાવ અને ઇમોશનલ સ્ટેટની બાળક પર ઘેરી અસર પડે છે.

મમ્મી અને બાળકની નાળ જોડાયેલી હોવાથી જ્યારે શિશુ મમ્મીના ગર્ભમાં હોય છે ત્યારે તેની મમ્મીના મનમાં આવતા વિચારો, તેના હૃદય અને મનમાં અનુભવાતી લાગણીઓને એ શિશુ અનુભવી શકે છે, પણ નવાઈ તો ત્યારે લાગે છે જ્યારે બાળકના જન્મ પછી પણ બાળક પોતાની મમ્મીની લાગણીઓને મહેસૂસ કરી શકે છે.

મમ્મી સ્વસ્થ તો બાળક સ્વસ્થ

અંધેરીનિવાસી મનોવૈજ્ઞાનિક ડૉ. ડિમ્પલ જય શાસ્ત્રી છેલ્લાં પંદર વર્ષના પોતાના અનુભવ પરથી કહે છે, ‘મમ્મીના વર્તનની અને મનોભાવની અસર જ્યારે શિશુ ગર્ભની અંદર હોય ત્યારે તો થાય જ છે અને એ વાતની ખાતરી તો મહાભારતના સમયથી અભિમન્યુના ઉદાહરણ પરથી પણ મળે છે, પરંતુ બાળકના જન્મ પછી પણ મમ્મીના સારા, માઠા મૂડનો પ્રભાવ બાળકના મન પર પડતો હોય છે એમા શંકાને સ્થાન નથી અને એનું એકમાત્ર કારણ એ છે કે ૯ મહિના સુધી બાળક ફક્ત અને ફક્ત તેની મમ્મીના જ સંપર્કમાં હોય છે.’

એક માનું સદા ખુશ રહેવું અનિવાર્ય

બાળકને ખુશ અને સ્વસ્થ રાખવું હોય તો તેની માને ખુશ રાખવી અનિવાર્ય છે એવું સમજાવતાં ડૉ. ડિમ્પલ ઉદાહરણ સાથે સમજાવતાં કહે છે, ‘ભારતીય પરિવારોની વાત કરીએ તો આપણે ત્યાં સંયુક્ત પરિવાર હોય છે અને જ્યારે પણ એક સ્ત્રી મા બનવાની હોય છે ત્યારે આખા પરિવારની જવાબદારી બને છે કે તેઓ એ ગર્ભવતી સ્ત્રીને ખુશ રાખે, જેનાથી તેના બાળકનો વિકાસ સારો થાય, પણ આ સાથે જ બાળકના જન્મ પછી પણ જો ઘરનું વાતાવરણ સારું હોય તો મા ખુશ રહે છે અને એની સીધી અસર તેના બાળક પર પડતી હોય છે. મારી પાસે આવેલા એક કેસમાં એક સ્ત્રી ડિપ્રેશનની દવા લઈ રહી હતી અને જ્યારે તેણે મા બનવાની તૈયારી દર્શાવી ત્યારે મેં તેને અને તેના પતિને તેની મન:સ્થિતિ સમજાવી. ગર્ભ ધારણ કર્યા પછી પહેલા ત્રણ મહિના ડિપ્રેશનની દવા બંધ કરવી જરૂરી હોય છે જેથી શિશુના ઘડતરમાં કોઈ તકલીફ ન થાય. ચોથા મહિનાથી ફરી પાછી મેં ઍન્ટિડિપ્રેસન્ટ શરૂ કરી. હવે તેની ડિલિવરી થઈ ગઈ છે અને બાળક હાલમાં વ્યવસ્થિત છે, ખુશ છે, પણ આગળ જતાં એક ડૉક્ટર તરીકે હું કહીશ કે જ્યારે પણ કોઈ સ્ત્રી ગર્ભ ધારણ કરતાં પહેલાં અથવા બાળકના જન્મ પહેલાં કોઈ પણ શારીરિક-માનસિક બીમારીઓથી પીડાતી હોય ત્યારે બાળક પર એની અસર ન થાય એ વિશે તેણે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે જેથી આગળ જતાં બાળકને કોઈ તકલીફ ન આવે.’

મમ્મીએ શું કરવું જોઈએ?

બાળકની માનસિક સ્વસ્થતા માટે મમ્મીએ શું કરવું જોઈએ એ વિશે ડૉ. ડિમ્પલ આગળ સમજાવતાં કહે છે, ‘બાળક ખુશ રહે અને તેને સ્વસ્થ માહોલ મળે એને માટે મમ્મીએ હંમેશાં ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે તે ગર્ભવતી થાય છે ત્યારથી જ તેણે કોઈ સકારાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું જોઈએ. બાળકના જન્મ પછી પણ તેણે પોતાના વિચારોને લઈ ખૂબ સતર્ક રહેવું જરૂરી છે. કોણે તેનું ખરાબ કર્યું અને કોણ શું કરે છે આવા તકરારભર્યા નકારાત્મક વિચારોથી મમ્મીના મનોભાવ કલુષિત થાય છે અને બાળક પણ ખુશ નથી રહી શકતું. એક બાળક માટે મમ્મી તેનું અભિન્ન અંગ છે અને તેના વિચારોની અસર તેના બાળક પર જીવનભર પડતી હોય છે એ દરેક મમ્મીએ ધ્યાનમાં લેવા જેવી વાત છે.’

મમ્મીના મૂડની અસર 

મમ્મીના મૂડની બાળક પર સીધી અસર થાય છે એનું સમર્થન કરતાં અંધેરી-વેસ્ટના ગાયનેકોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ વ્યાસ કહે છે, ‘મા જેટલી ખુશ રહે એટલું જ બાળક ખુશ તો રહે છે, પણ તેનો વિકાસ પણ સારો થાય છે. બાળકને જન્મ આપ્યા પછી માતાની જવાબદારી એ પણ છે કે તે પોતાની જાતને ખુશ રાખે, કારણ, જ્યારે પણ એ બાળકને દૂધ પીવડાવે છે ત્યારે તેના વિચારોની અસર બાળક પર થાય છે. મારા અનુભવે જોયું છે કે મમ્મી જો ગર્ભાવસ્થામાં પ્રસન્ન રહે અને બાળક જન્મ્યા પછી પણ જો તે સારા વિચાર કરે તો એ બાળકનો વિકાસ સારો થાય છે. બાળક કજિયા નથી કરતું, તે બુદ્ધિશાળી પણ બને છે, માંદું નથી પડતું.  આનાથી  વિપરીત કેસની વાત કરું તો જ્યારે મા ગર્ભાવસ્થાથી જ તાણમાં હોય અને પછી પણ જો તે દુખી રહેતી હોય તો તેનું બાળક પણ પ્રસન્ન નથી રહેતું. એક ડૉક્ટર તરીકે હું એક વાત દરેક મમ્મીને કહેવા માગું છું કે બ્રેસ્ટ ફીડિંગ વખતે માએ મોબાઇલ ફોનથી દૂર રહેવું, એટલું જ નહીં સારા અને ખુશીના વિચાર કરવા જોઈએ જેથી બાળક પણ હસતું-રમતું રહે.’

બાળકને દૂધ પિવડાવતી મમ્મીઓએ મોબાઇલ તેમ જ નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ એવી સલાહ આપતાં ડૉ. પ્રીતિ કહે છે, ‘પોતાના બાળકને  ખુશ રાખવા માએ ખુશમિજાજ રહેવું જોઈએ. મોબાઇલ હાથમાં લો તો ૨૪ કલાક પણ નીકળી જાય એવું ન બને એનું ધ્યાન રાખવું અને શક્ય હોય તો નાના બાળકની મમ્મીઓએ મોબાઇલ ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. નકારાત્મક વિચારોવાળા માણસોથી દૂર રહેવું, વાંચન કરવું, સારાં સાહિત્યિક પુસ્તકો વાંચવાં જોઈએ, સારું સંગીત સાંભળવું જોઈએ જેનાથી સારા વિચાર આવશે. પરિવારે પણ માતાનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી વાર પહેલાં એક બાળક હોય તો તેને સંભાળવામાં પણ મમ્મી થાકી જાય છે એથી આવા સમયે પરિવારનો સહકાર જરૂરી બની રહે છે. યોગ અને મેડિટેશન કરવું જોઈએ અને સૌથી જરૂરી વાત એ છે કે નાના બાળકની માતાને સૂવાનો સમય ખૂબ ઓછો મળે છે એથી જ્યારે બાળક સૂઈ જાય તો બધાં જ કામ બાજુએ મૂકીને પણ માએ સૂઈ જવાનો સમય ફાળવી લેવો જોઈએ. ઊંઘની મૂડ પર ખૂબ અસર થાય છે અને જો પૂરતી ઊંઘ મળે તો માતા ખુશ રહે અને બાળક પણ પ્રસન્ન રહી શકે છે.’

આ દુનિયાના દરેક સંબંધોમાંથી મમ્મી અને બાળકનો સંબંધ એક એવો સંબંધ છે જે ૧૦૦ ટકા નિ:સ્વાર્થ અને સાચો છે. વિશ્વની દરેક ભાષાના સાહિત્યમાં પણ મા અને બાળકના સંબંધો પર ઘણું લખાયું છે.  બાળક અને મમ્મીના ભાવને એકબીજાના હૃદય સુધી પહોંચવા માટે શબ્દોની જરૂર પડતી નથી, કારણ કે આ સંબંધ ભાવનાઓની અભિવ્યક્તિ માટે શબ્દોનો મોહતાજ નથી. તેના દરેક ભાવ માત્ર લાગણીઓથી અનુભવાતા હોય છે.

બાળકના જન્મ પછી પણ માએ પોતાના વિચારોને લઈ ખૂબ સતર્ક રહેવું જરૂરી છે. કોણે ખરાબ કર્યું અને કોણ શું કરે છે આવા તકરારભર્યા નકારાત્મક વિચારોથી મમ્મીના મનોભાવ કલુષિત થાય તો બાળક પણ ખુશ નથી રહી શકતું. મમ્મીના વિચારોની અસર તેના બાળક પર જીવનભર પડતી હોય છે એ દરેક મમ્મીએ ધ્યાનમાં લેવા જેવી વાત છે

- ડૉ. ડિમ્પલ શાસ્ત્રી, મનોવૈજ્ઞાનિક

મમ્મી જો ગર્ભાવસ્થામાં પ્રસન્ન રહે અને બાળક જન્મ્યા પછી પણ જો તે સારા વિચાર કરે તો એ બાળકનો વિકાસ સારો થાય છે. બાળક કજિયા નથી કરતું, તે બુદ્ધિશાળી પણ બને છે, માંદું નથી પડતું.  આનાથી  વિપરીત કેસની વાત કરું તો જ્યારે મા ગર્ભાવસ્થાથી જ તાણમાં હોય અને પછી પણ જો તે દુખી રહેતી હોય તો તેનું બાળક પણ પ્રસન્ન નથી રહેતું

- ડૉ. પ્રીતિ વ્યાસ, ગાયનેકૉલૉજિસ્ટ

columnists