દૂસરોં કી જય સે પહલે ખુદ કો જય કરે

13 December, 2019 02:50 PM IST  |  Mumbai | Rashmin Shah

દૂસરોં કી જય સે પહલે ખુદ કો જય કરે

ફાઈલ ફોટો

હમ કો મન કી શક્તિ દેના,

મન વિજય કરે

દૂસરોં કી જય સે પહલે,

ખુદ કો જય કરે

વાણી જયરામ રચિત આ પ્રાર્થના સૌથી પહેલાં ‘ગુડ્ડી’ ફિલ્મમાં સાંભળી હતી અને એ પછી તો ભણવામાં પણ આવી. સ્કૂલ જઈને ગ્રાઉન્ડમાં હારબંધ ઊભા રહીને આંખો બંધ કરી આ પ્રાર્થના ગાઈ લીધી. હા, ગાઈ લીધી પણ અફસોસની વાત એટલી જ કે એ પ્રાર્થનાના શબ્દો જીવનમાં ઉતારવાનો સમય આવ્યો ત્યારે એ પ્રાર્થના જીવનમાંથી બાષ્પીભવન થઈ ગઈ. જો બીજાની જીતમાં જયજયકાર કરવો હશે, જો બીજાની જીતને પચાવવાની ક્ષમતા કેળવવી હશે, જો બીજાના વિજયને વાસ્તવિકતા માનીને સહર્ષ કબૂલ કરવી હશે તો પહેલાં જાતને ખુશ રાખવાની કળા શીખવી પડશે અને એ કરવા માટે જાત સામેની ફરિયાદોનો ક્ષય કરવો પડશે.

આપણી પાસે દુનિયા આખી માટે ફરિયાદો છે અને એ ફરિયાદોના મૂળમાં ક્યાંક ને ક્યાંક આપણી સામેની ફરિયાદોનો ઢગલો છે. વાતને અવળી રીતે જોવાની, વાતને ઊંધી રીતે જોવાની અને વાતને હકારાત્મકતાથી લેવાને બદલે એનું શીર્ષાસન કરાવીને એની ચીરફાડ કરવાનો સ્વભાવ કેળવી લીધા પછી સપ્તકના સાતમા સૂર સાથે જ વાતની શરૂઆત થાય છે. પતિ ઘરમાં આવે ત્યારે પહેલી રાવ એક છે, તમારી પાસે ટાઇમ જ ક્યાં છે? બીજી ફરિયાદ એ છે કે ઘરમાં આવ્યા પછી પણ ફોન, ફોન ને ફોન. ત્રીજી ફરિયાદ છે, આખા જગત સાથે હસીને વાત થાય, ખાલી મારી સાથે જ કામથી કામ રાખવાનું?

ભલા માણસ, તેને ખબર છે કે તે જેવો તમારી તરફ ફરશે કે તરત જ તમારી ફરિયાદોની પોથી, રાવની રામાયણ અને કજિયાની શરણાઈ ચાલુ થઈ જવાની છે. નથી જોઈતી તેને એ પોથી, રામાયણ અને શરણાઈ. પારકા સાથે હસતા મોઢે વાતો થાય છે અને તમને તેની ઈર્ષ્યા છે તો યાદ રાખજો, એ દંભ છે. ઇચ્છો છો તમે કે તમારી સાથે પણ દંભ દર્શાવવામાં આવે? ઇચ્છો છો તમે કે તમારી સાથે પણ પારકા જેવું વર્તન થાય, ઇચ્છો છો તમે, તમારી સાથે પણ ફૉર્માલિટીનું વાતાવરણ બને?

ફરિયાદ બંધ કરો. જરૂરી નથી કે દરેક તબક્કે તમારી ફરિયાદોનું કાંઉ-કાંઉ ચાલુ રહે. શું નથી થયું અને શું નથી થતું એની આખી નોંધપોથી હાથમાં છે પણ શું થયું અને કેવું-કેવું કરવામાં આવે છે એનો કોઈ હરખ વ્યક્ત નથી થતો. ક્રાન્તિકારી સંન્યાસી તરીકે દેશભરમાં જાણીતા થયેલા સ્વામી સચ્ચિદાનંદે કહેલી એક વાતને જીવનમાં ઉતારવાની જરૂર છે. ભાગ્ય એટલે શું એવા સવાલના જવાબમાં એક વખત સ્વામી સચ્ચિદાનંદે કહ્યું હતું, ‘મનનો અસ્વીકાર એટલે ભાગ્ય.’

મારે જ આવું જોવાનું, મારા જ નસીબમાં આ બધું છે, મારાં જ ભાગ્ય ફૂટેલાં, મારું જ કિસ્મત ખરાબ. આ અને આવા બધા ઉદ્ગારો હકીકતમાં તો મનનો અસ્વીકાર છે અને આ અસ્વીકારમાંથી જ ભાગ્યનો જન્મ થયો છે. જો સ્વીકારી લેશો તો બધું ભાગ્યમાં છે, કિસ્મતે આપ્યું છે અને જો નહીં સ્વીકારો તો તમારા જેવું ફૂટલું નસીબ બીજા કોઈનું નથી. સ્વીકારની અવસ્થામાં જ ખુદનો જય છે, આવકારવાની અવસ્થામાં જ ખુદનો વિજય છે. જો ખુદને સ્વીકારી શકશો તો જ તમે અન્યનો સ્વીકાર કરી શકશો. જો જાતને પચાવી શકશો તો જ તમે ત્રાહિતને સ્વીકારી શકશો અને ત્રાહિતનો સ્વીકાર એ જ જીવન છે. જો અન્ય સામેની ફરિયાદો અકબંધ રહે તો માનવું કે એનો સ્વીકાર તમારાથી શક્ય નથી બની રહ્યો. દુસરોં કી જય સે પહેલે, ખુદ કો જય કરે.

ફરિયાદનો સૂર છોડશો તો અફસોસનો ધ્વનિ પણ બંધ થશે. જો અફસોસનો ધ્વનિ બંધ થશે તો જે કંઈ મળી રહ્યું છે એના પ્રત્યે અહોભાવ જન્મવો શરૂ થશે. નથી મળ્યાનો અફસોસ એટલો મોટો નહીં કરો કે એની સામે તમે વામણા લાગવા માંડો. નથી મળ્યાનું દુઃખ એ સ્તરે ન વિકસાવી દો કે જે છે એનું સુખ તમને ફીકું કે પાંખું લાગવા માંડે. અસ્તિત્વ વાજબી છે, અનિવાર્ય છે અને એ જ વાત લાગણીઓ માટે પણ લાગુ પડે છે. નહીં હોવાનો ભાવ ખાલીપો આપશે અને એ ખાલીપો ક્યાંક ને ક્યાંક સંબંધોમાં ઊણપ આપવાનું કામ કરશે. એકેક ઊણપ પોતાની હાજરી પુરાવશે અને યાદ રહે, હાજરી પુરાવનારી ઊણપ હંમેશાં બોલકી હોય છે. એ પોતાની હાજરી એટલી ખરાબ રીતે પુરાવશે કે તમારા કાનમાં માત્ર એ સ્વર રહેશે અને એ સ્વર તમને બીજું કશું સાંભળવા નહીં દે. ફરિયાદ ન કરવી હોય તો અવસ્થાને સ્વીકારો. ફરિયાદ ન કરવી હોય તો વાસ્તવિકતાને અપનાવો. જો વાસ્તવિકતાને અપનાવવાની ક્ષમતા નહીં હોય તો એકધારી ફરિયાદ થયા કરશે અને થઈ રહેલી ફરિયાદો લાગણી, પ્રેમ અને સ્નેહને ઘરમાં મોડાં આવતાં કે પછી ઘરમાં આવ્યા પછી પણ મોબાઇલ પર બિઝી રહેતાં શીખવી દેશે. એ પછી પણ ફરિયાદો અકબંધ રહેશે તો દંભની દુનિયા શરૂ થઈ જશે. જો દંભની દુનિયા ન જોઈતી હોય, જો મોબાઇલમાં વ્યસ્ત રહેતો સ્નેહ ન જોવો હોય અને વહાલના વિશ્વને આવકારવું હોય તો જાતને સ્વીકારો, અવસ્થાને આવકારો અને વર્તમાનને વધાવો. કિસ્મતને ભાંડવાનું છોડી દો. કારણ માત્ર એક જ છે, મનનો અસ્વીકાર જ તમારું ભાગ્ય છે. જો સ્વીકારવાની ક્ષમતા કેળવી લેશો તો ભાગ્યની દરેક ઘડી તમને સર્વશ્રેષ્ઠ લાગશે. ફ્લૅટની બારસાખમાં થયેલી ઊધઈમાં પણ તમને સુખ દેખાશે અને ફ્લશ થઈ પુરપાટ વેગે ટૉઇલેટમાં વહેતું પાણી પણ તમને ખુશી આપી જશે.

columnists Rashmin Shah