પીડિતાને ન્યાય નહીં મળે તો એન્કાઉન્ટર જ ન્યાય બની જશે

16 December, 2019 04:02 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

પીડિતાને ન્યાય નહીં મળે તો એન્કાઉન્ટર જ ન્યાય બની જશે

ફાઈલ ફોટો

હૈદરાબાદની ઘટનામાં એન્કાઉન્ટર થયું એને અમુક અપવાદ સિવાય બધાએ આવકાર્યું છે. આપણા દેશમાં આવા કેસોમાં કાયદાની આંટીઘૂંટી જોઈ અને ન્યાયમાં થતા અઘટિત વિલંબને ધ્યાનમાં રાખતાં એન્કાઉન્ટર જેવી ઍક્શન સૌને યોગ્ય લાગે એ સહજ છે. જ્યાં સુધી સાચો અને ઝડપી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ જ ઉપાય ખરો લાગે તો નવાઈ નહીં

તાજેતરમાં આપણા દેશમાં એક અત્યંત મૂંઝવણમાં મૂકી દેતી ઘટના બની જે હતી હૈદરાબાદના રેપ આરોપીઓનું એન્કાઉન્ટર. બધાનું માનવું હતું કે અન્ય બળાત્કારના કિસ્સાઓની જેમ આ કેસ પણ કોર્ટ કચેરીની લપમાં પડી આડે રવાડે ચડી જશે અને સમયના વહાણમાં હાલ મોરચો લઈને નીકળી પડેલા સૌકોઈ એને ભૂલી પણ જશે, પરંતુ થયું કંઈ બીજું જ. પોલીસે આ આરોપીઓને સાક્ષાત કોર્ટમાં રજૂ કરવાના સ્થાને તેમના મૃતદેહો લોકો સમક્ષ રજૂ કર્યા અને કહ્યું કે તેઓ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે પોતાના બચાવ માટે પોલીસે તેમના પર ગોળી ચલાવવી પડી.

આ ઘટના બાદ આખો દેશ જાણે બે ભાગમાં વહેંચાઈ ગયો. બગીચામાં ઈવનિંગ વૉક કરવા નીકળેલાં એક ડોસીમા આ ઘટનાની ચર્ચા નીકળતાં બોલ્યાં, સારું થયું પોલીસે એ નરાધમોને પતાવી કાઢ્યા નહીં તો આ કેસ પણ કોરટ-કચેરીના ચક્કરમાં ફસાઈ જાત અને એ પાપીઓ આપણા જ પૈસે જેલમાં વર્ષો સુધી મફતની રોટલીઓ તોડી રહ્યા હોત. ડોસીમાના આ વિધાનના ઉત્તરમાં ત્રીસીમાં પ્રવેશેલી એક મહિલાએ કહ્યું, બા એવું ન હોય. તેઓ પણ હતા તો માણસ જને. તેમને પણ તો પોતાનો બચાવ કરવાની તક મળવી જ જોઈતી હતી. આ સાંભળી ડોસીમા લાલપીળાં થઈ ગયાં અને બોલ્યાં, રહેવા દેને મૂઈ માનવ અધિકારવાળી. આપણા દેશમાં તે કયા દહાડે આવા આરોપીઓને સજા થઈ જ છે? મેં પણ આ ધોળા કંઈ તડકામાં બેસીને નથ કર્યા. અમે પણ છાપાં વાંચીએ છીએ બૂન. કાયદો અમને પણ સમજાય છે અને એ જ કાયદાનો લાભ લઈ આ કાયદાના ગુનેગારો કેવી રીતે એમાંથી છટકી જાય છે એ અમે પણ વર્ષોથી જોતા આવ્યા છીએ. આવા લોકોને છડેચોક ગોળી મારી દેવાનું જિગર ધરાવનારા દેશો બીજા. આપણે ત્યાં કાયદાની પૂંછડી પકડવા જઈએ તો તેમનો વાળેય વાંકો ન થાય. ઊલટું જેલમાં બેસી તેઓ પાર્ટીયું કરે. એના કરતાં પોલીસે ટાઢે પાણીએ તેમની ખસ કાઢી નાખી એ હારું જ થયું. એ તો જેમની છોકરીયુંની આબરૂ લૂંટાઈ હોય એ માબાપના દિલમાં લાગેલી આગ તેમને જ સમજાય. આવી ડાહી-ડાહી વાતોથી તેમના કલેજાને ટાઢક ન વળે. તેમને તો ફેંસલો જોઈએ ફેંસલો અને દુઃખની તો વાત જ એ છે કે આપણે ત્યાં ફેંસલો જ તો થતો નથી. તો પછી આ મારગ શું ખોટો છે?

નોંધનીય છે કે સ્વયં હૈદરાબાદ રેપકાંડ પીડિતાનાં માતાપિતાએ પણ આ ડોસીમાની જેમ હૈદરાબાદ પોલીસની કાર્યવાહીને બિરદાવી અને કહ્યું કે હવે તેમની પુત્રીના આત્માને શાંતિ મળશે. બલકે દિલ્હીના નિર્ભયા કેસની પીડિત મહિલાનાં માતાપિતાએ પણ એવું નિવેદન કર્યું કે તેમને એ વાતનો આનંદ છે કે હૈદરાબાદ બળાત્કાર પીડિતાના આત્માને વહેલી શાંતિ મળી અને વહેલો ન્યાય થયો.

આ બધી ચર્ચા પરથી ક્યારેક એવો પણ વિચાર આવે કે કાયદો પ્રજા અને સમાજની રક્ષા માટે છે કે પછી સમાજ તથા પ્રજાનું અસ્તિત્વ કાયદાની રક્ષા માટે છે? જે બુદ્ધિજીવીઓ એવું માને છે કે હૈદરાબાદ કાંડના આરોપીઓને એન્કાઉન્ટરમાં ઉડાવી દેવા યોગ્ય નથી, તેમણે વિચારવું જોઈએ કે ઉન્નાવમાં શું થયું? બળાત્કારની પીડિત મહિલાને જામીન પર છૂટેલા આરોપીએ બીજા લોકો સાથે મળીને જીવતી સળગાવી દીધી. તે મહિલા રીતસરની પોતાની જાતને બચાવતી ભાગતાં-ભાગતાં મોતને ભેટી. એક અપરાધ કરીને બહાર છૂટેલો આરોપી બીજો અપરાધ કરતાં કેમ ખચકાયો નહીં? કારણ કે કદાચ તેને કાયદાનો ભય જ નહોતો. કદાચ તે જાણતો હતો કે કાયદાની કોઈ ને કોઈ છટકબારી તેને કામ આવી જ જશે અને કંઈ નહીં તો કોઈ માનવ અધિકારવાદી સંગઠન તેના તરફથી કોર્ટમાં અપીલ દાખલ કરી જ નાખશે અને પોતે બચી જશે.

સમાજના દરેક વર્ગ તથા ભાગમાં આપણે આ રીતની ઘટનાઓ જોઈએ છીએ. લોકો ખુલ્લેઆમ ગર્વપૂર્વક કાયદાનો ભંગ કરતા હોય છે, કારણ કે તેમના મનમાં કાયદાનો ડર નથી. વાસ્તવમાં મોટા ભાગના લોકોના મનમાં કાયદાનો ડર કરતાં કંટાળો વધુ છે, કારણ કે લાંબી લચક કાનૂની પ્રક્રિયામાં પીડિતો તો ઠીક, આરોપીઓ પણ વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાઈને ઘણી વખત કંટાળી જતા હશે. આવા જૂના કાયદાને વળગી રહેલા બુદ્ધિજીવીઓ પોતાને ક્યારેય એ પ્રશ્ન પૂછતા હશે કે પોલીસે ખોટા એન્કાઉન્ટરમાં હૈદરાબાદના આરોપીને શા માટે ઉડાવ્યા હશે? (જો એવું માની લઈએ કે આ એક ખોટું એન્કાઉન્ટર હતું.) કાયદાના રક્ષકને શા માટે જરૂર પડી હશે આવું કરવાની? કદાચ તેઓ પ્રજાનો રોષ વધુ ભભૂકે તેના કરતાં વહેલો કેસ પતાવી દેવા માંગતા હશે? કે પછી તેમના પર આંગળી ચીંધાતી બંધ થાય એ માટે તેમણે આવું પગલું ભર્યું હશે? કે  પછી ક્યાં સુધી આવા અપરાધીઓને છોડી દીધા કરવાના એ બાબતનો તેમના મનમાં પણ ક્યાંક ક્રોધ હશે?

આનો જવાબ આપવો મુશ્કેલ છે, પરંતુ હકીકત એ છે કે નિર્ભયા કેસ વખતે રસ્તાઓ પર ઊતરી પડેલા હજારો લોકો આજે પોતપોતાના જીવનમાં ઓતપ્રોત થઈ ગયા છે. આજે સાત વર્ષ પછી પણ નિર્ભયાના પરિવારજનો એ અન્યાયની લડાઈ એકલા જ લડી રહ્યા છે.  બલકે હજી તો બે સપ્તાહ પહેલાં દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને નિર્ભયા કેસના આરોપીની દયાની અરજી ફગાવી દેવાની વિનંતી કરતો પત્ર લખ્યો છે. આવામાં નિર્ભયાનાં માતાપિતાને મનમાં કદાચ એ વિચારીને સારું પણ લાગ્યું હોય કે કોઈક પોલીસવાળો તો એવો નીકળ્યો જેણે તેમની પુત્રી જેવી જ કોઈ બીજાની પુત્રીના બળાત્કારનો બદલો લીધો. 

એ વાત સાચી છે કે ભારત એક લોકશાહી દેશ છે. આપણું બંધારણ બધાને સમાન અધિકાર આપે છે અને બધાને સમાન તક આપે છે, પરંતુ આ બધાની સાથે અન્ય એક હકીકત એ પણ છે કે આપણા દેશમાં એટલાબધા કેસ પડ્યા છે કે બધા કેસ પૂરા થતાં સોથી વધુ વર્ષ લાગી જાય એમ છે. અર્થાત્ બેથી વધુ પેઢી ભારતમાં કાયદાની રાહ જોતાં-જોતાં જ મરી પરવારશે.

આવામાં જે બુદ્ધિજીવીઓ કાયદા તથા લૉ ઍટ લૅન્ડની વાત કરે છે તેમણે એ વાત રાખવાની જરૂર છે કે બંધારણ અને કાયદો પ્રજા માટે છે, પ્રજા દેશ તથા બંધારણ માટે નથી. અને જો એ પ્રજાને ન્યાય આપવામાં સક્ષમ નહીં બને તો હૈદરાબાદ જેવા એન્કાઉન્ટર અને ત્યાર બાદ થતી ચર્ચાઓ પણ ચાલુ જ રહેશે. આવશ્યકતા જૂના ખખડધજ થઈ ગયેલા કાયદાના માળખાને બચાવવાની ઝુંબેશ કરતાં નવા ત્વરિત કાયદાના માળખાને તૈયાર કરવા માટેની વધારે છે, કારણ કે કોઈકે સાચું જ કહ્યું છે કે પાછળથી આપવામાં આવેલો ન્યાય ન્યાય ન આપવા બરાબર જ છે.

columnists