ઓળખાણ અને સંબંધ એક નથી

15 December, 2019 06:13 PM IST  |  Mumbai Desk | dinkar joshi

ઓળખાણ અને સંબંધ એક નથી

તમારી ઉંમર પંદર વર્ષની હોઈ શકે, પચીસ કે પાંત્રીસ વર્ષની પણ હોઈ શકે. બનવાજોગ છે પચાસ, સાઠ, સિત્તેર અને એંસીની પણ હોઈ શકે. આટલા વરસના આયુકાળમાં તમે સંખ્યાબંધ માણસોના પરિચયમાં આવ્યા હશો. લોહીની સગાઈ સાથે સંકળાયેલા હો એવાં માતાપિતા, ભાઈબહેન, પતિપત્ની, સંતાનો અને એ રીતે કાકા, દાદા, મામા વગેરે સગપણને ગણાવી શકાય. આ સગપણ ઉપરાંત પાડોશીઓ, મિત્રો, વ્યાવસાયિક સંબંધીઓ, રોજેરોજની અવરજવરમાં મળતા ચહેરાઓ આ બધાને જો સંબંધીઓ કે પરિચિતોમાં ગણીએ તો કદાચ હજારો માણસો તમને ઓળખતા હશે અથવા આવા હજારો સંબંધીઓને તમે ઓળખતા હશો.

હવે આ ઓળખાણનો વ્યાપ થોડોક વધારીએ. અત્યારની ક્ષણે તમે જેમને ઓળખો છો પણ જેઓ હવે જીવંત નથી એવા ચહેરાઓને પણ ઘડીક સંભારી લઈએ. એવા કેટલાય ચહેરાઓ તત્કાલ યાદ આવશે જેમને તમે ચાહતા હતા, જેઓ તમારા કોઈક નિકટના સંબંધી હતા અને જેમની સાથે તમે દિલ ફાડીને કલાકો પસાર કર્યા હતા. હવે તેઓ નથી, પણ તેમનું સ્મરણ કરતાંવેંત અત્યારે પણ તમને એમ થાય છે કે જો એ મળી જાય તો થોડીક હળવીફૂલ પળો સાંપડે ખરી.
અહીં વિચાર એ આવે છે કે આ લોકો મૃત્યુ નામના પ્રદેશની પેલે પાર પહોંચી ગયા છે. તેમને મળવું હોય તો આપણે પણ ત્યાં જવું પડે. આ ત્યાં જવું એટલે શું એનું રહસ્ય આપણે કોઈ જાણતા નથી. અત્યારે જેઓ આપણી સાથે છે એ પૈકી કેટલાક આપણને ખરેખર ગમે પણ છે. પેલા ભૂતકાળમાં જેઓ આપણને સરસ પળો આપી ગયા છે એવી જ રીતે વર્તમાનમાં પણ આવી સરસ પળો આપણને આપવાને સમર્થ કેટલાક માણસો છે પણ ખરા!
હવે વિચારવાનું એ છે કે આપણે જેઓ આપણી પાસેથી જતા રહ્યા છે તેમને સંભારીને શેષ વરસો સ્મરણીય રાખવાં છે કે પછી જેઓ હજી આપણી સાથે છે તેમની સાથે સમય ગાળીને એને રમણીય બનાવવો છે?
મૃત્યુ શું છે એ આપણે કોઈ જાણતા નથી. મૃત્યુ છે એ વિશે આપણા કોઈના મનમાં કશો જ શક નથી. આપણે જેને જીવન કહીએ છીએ એ પ્રવૃત્તિને પેલે પાર કશુંક છે. આ કશુંક આપણા માટે આજ સુધી સાવ અગમ્ય છે. એવું પણ બને કે આપણે આજે જેને જીવન કહીએ છીએ એ જ વાસ્તવમાં મૃત્યુનો પ્રદેશ હોય. આપણા વ્યવહારિક જીવનના અંત સાથે જે અગમ્ય પ્રદેશનો પ્રારંભ થાય છે એ જ કદાચ વાસ્તવિક જીવન હોય અને એ પ્રદેશમાં ગયેલાઓ આપણા વ્યવહારિક જીવનને મૃત્યુ માનતા હોય અથવા જીવનનો અંત કહેતા હોય!
આપણે કશું જાણતા નથી અને છતાં આ વિષયમાં ઘણુંબધું જાણતા હોવાનો દાવો કરીએ છીએ. સવારે ૯.૧૮ની ડબલ ફાસ્ટમાં બોરીવલીથી ચર્ચગેટ જઈએ અને સાંજે ૬.૩૫ની લોકલમાં બોરીવલી પાછા ફરીએ એવી સહજતાથી આ જીવન અને મૃત્યુના પ્રદેશમાં આપણે અવરજવર કરી શકતા નથી. એવું બને કે મૃત્યુ નામના જે પ્રદેશમાં આપણા સ્નેહીઓ, સ્વજનો અને પરિવારજનો વસી રહ્યા છે તેમની સંખ્યા કદાચ આજે જેઓ આપણી સાથે જીવંત અવસ્થામાં વસી રહ્યા છે તેમના કરતાં વિશેષ હોય. આ મુદ્દા પર ઘડીક અટકીને વિચારવા જેવું છે. આપણા વર્તમાન સ્વજનોની સંખ્યા વિશેષ છે કે પછી મૃત્યુ નામના પ્રદેશમાં વસીને આપણી પ્રતીક્ષા કરી રહેલા સ્વજનોની સંખ્યા વિશેષ છે? એવુંય બને કે જેઓ ત્યાં વસવાટ કરે છે તેઓ આપણને ખરેખર ચાહતા હોય અને આપણી ખોટ તેમને પણ વરતાતી હોય.
પૃથ્વી પરના જીવન દરમિયાન આપણે સંખ્યાબંધ સ્થળો, વ્યક્તિઓ, પશુ-પંખીઓ ઇત્યાદિ સાથે સ્થૂળ અને ભાવનાત્મક સંબંધોથી સંકળાયેલા રહીએ છીએ. આ સંબંધો જેવા અને તેવા, એવા અને એવા જ છેક સુધી જળવાયેલા રહે છે ખરા? જેમને લોહીની સગાઈ કહીએ છીએ એ સંબંધો અથવા તો બબ્બે ત્રણ-ત્રણ પેઢીથી પારિવારિક ધોરણે સંકળાયા પછી ક્યારેક કશુંક એવું શું બને છે કે આ સંબંધો કડવાશનો દરિયો બની જાય છે? જેમને લંગોટિયા દોસ્તો કહી શકાય એવાં વરસો જૂના બે અંતરંગ મિત્રો વચ્ચે અચાનક એવી કઈ ખાઈ ઊભી થઈ જાય છે કે આ બધાં વરસો ધૂળધાણી થઈ જાય છે?
ગ્રામ્ય જીવનમાં પશુપાલન જેમણે જોયું છે તેમને બરાબર યાદ હશે કે ગાય, બળદ, ભેંસ ઇત્યાદિ પાળતુ પ્રાણીની ખરીદી કે વેચાણ થાય છે ત્યારે એના વિક્રેતા તો ઠીક પણ વેચાયેલું પ્રાણી સુધ્ધાં શોકમગ્ન થઈ જાય છે. કેટલાક દિવસ સુધી આ વેચાયેલું પ્રાણી સાંજ પડ્યે જૂના માલિકને ત્યાં અચૂક દરવાજે આવી જાય છે. માણસ માટે આવું નથી બનતું. માણસ-માણસ વચ્ચે કોણ જાણે કેમ ક્યારેક કશુંક બને છે અને આ બનવા સાથે જ પેલા કહેવાતા સંબંધોની ઇતિશ્રી મંડાઈ જાય છે.
સંબંધ હોવો અને ઓળખાણ હોવી આ બે શબ્દો સમાનાર્થી નથી. આપણે વાતે-વાતે આપણી અંગત મહત્તા સ્થાપિત કરવા કહેતા રહીએ છીએ કે -પોલીસ ખાતામાં મારે સારા સંબંધો છે. – ઇન્કમ-ટેક્સ ડિપાર્ટમેન્ટમાં આપણા સંબંધો બહુ સારા છે- સચિવાલયનું કંઈ કામકાજ હોય તો કહેજો, ત્યાં સેક્રેટરીઓ સાથે આપણા સંબંધો છે. આવું બધું કહેવામાં ખરેખર તો આપણે આપણા અહંને પંપાળતા હોઈએ છીએ અને બીજાઓની નજરે આપણી મહત્તા સ્થાપિત કરતા હોઈએ છીએ. આવું બધું કહેતી વેળાએ કદાચ કશું ખોટું નથી કહેતા, પણ આપણે જેને સંબંધ કહીએ છીએ એવું કશું ત્યાં હોતું નથી, એ માત્ર ખપપૂરતી ઓળખાણ હોય છે. બન્ને પક્ષે આ ઓળખાણ એક ચોક્કસ જરૂરિયાતને કારણે પેદા થઈ હોય છે અને નભતી પણ હોય છે. જરૂરિયાતો બે પૈકી કોઈ પણ એક પક્ષ પૂરતી સમાપ્ત થાય છે એટલે આ કહેવાતા સંબંધનો અંત આવી જાય છે, પણ પેલી ઓળખાણ ટકી રહે છે. લાંબા ગાળે આ ઓળખાણનો પણ અંત આવી જાય છે.
જેવું વ્યવહારિક વિશ્વમાં બને છે એવું જ આંતરિક વિશ્વમાં પણ વધતા-ઓછા પ્રમાણમાં બને છે. આંતરિક વિશ્વમાં આવું કેમ અને ક્યારે બને છે એ કદાચ સમજાતું પણ નથી. આપણે જેને ઘનિષ્ઠ કહીએ એવા ઘણા સંબંધો અચાનક પાણી જેવા પાતળા પણ થઈ જાય છે. માત્ર વ્યવહારિક કહેવાય એવા આ સંબંધોની વાત નથી, પણ અત્યંત નિકટના લાગતા હાર્દિક સંબંધોમાં પણ કોણ જાણે કેમ ક્યાંક કશુંક પરિવર્તન આવે છે. આ પરિવર્તન સંબંધોમાં જે ઊંડાણ અને પરસ્પર પ્રત્યેની ઘનિષ્ઠતાનું જે સ્તર અપેક્ષિત છે એનો અભાવ સૂચવે છે. આજે બન્યું છે એવું કે ઓળખાણો મોટા પ્રમાણમાં વધતી જાય છે, પણ સંબંધો ક્યાંય જળવાતા નથી. સંબંધોનો આ અભાવ ઓળખાણોને પોતીકી માનીને અહંની આળપંપાળ કરે છે.
ઓળખાણો હોવી એ કોઈ બૂરી વાત નથી, પણ આ ઓળખાણોમાં સંબંધ ઉમેરાય એ વધારે અગત્યની વાત છે. આજે માણસ-માણસ વચ્ચે સંબંધોની જરૂરત છે, નરી ઓળખાણોની નહીં.

columnists weekend guide