આવી માનસિકતા હવે જતી કરીશું તો જ સાચા ભારતીય પુરવાર થશું

02 January, 2020 03:14 PM IST  |  Mumbai | Manoj Joshi

આવી માનસિકતા હવે જતી કરીશું તો જ સાચા ભારતીય પુરવાર થશું

હું એક ભારતીય છું. ભારતનો નાગરિક છું અને એ નાતે મારામાં ભારતીયતા અકબંધ છે, પણ આ ભારતીયતા આપણી એવી છે કે જેમાં આપણને બેઉ હાથમાં લાડુ જોઈએ છે. ચત્ત ભી મેરી, પટ્ટ ભી મેરી. ઇલેક્ટ્રિસિટીના નામે બૂમબરાડા કરવા છે, એમાં બચત કરવી નથી અને એ પછી પણ આપણને બધાને બિલમાં માફી જોઈએ છે. માફીનો હક આપણે જતો કરવા તો જ તૈયાર થઈએ છીએ જો ઇલેક્ટ્રિ‌ક બિલ આપણી ધારણા મુજબનું આવ્યું હોય. બાકી, સરકાર ચોર છે, લૂંટવા બેઠી છે એવી નારેબાજી કરવામાં આપણે માહેર છીએ. નારાઓ શરૂ કરી દઈએ છીએ અને બધો દોષ સરકાર પર ઢોળી દઈએ છીએ. કારણ, કારણ હું ભારતીય છું.

ઝાડને સાચવવાની, પર્યાવરણની રક્ષા કરવાની માનસિકતા દાખવવી નથી. પૉલ્યુશન ઘટે એ માટે એક પગલું લેવું નથી અને એમ છતાં આપણને બધાને વાતાવરણ પૉલ્યુશન-ફ્રી જોઈએ છે. આકાશમાં એકઠો થતો ધુમાડો આપણી દેન હોતી નથી, એ તો સરકારનું પાપ છે. સરકારને ગાળો ભાંડી દેવાની તૈયારી છે આપણી, પણ પર્યાવરણની રક્ષા માટે કશું કરવાની તૈયારી આપણે દાખવવા રાજી નથી. ભારતીય છીએ આપણે, આપણું બધું કામ બીજાના ભરોસે હોય; બીજાએ બધું કરવાનું પણ આપણે કશું કરીએ નહીં. આ જે માનસિકતા છે એ જ માનસિકતા આપણી આપણા ન્યાયતંત્ર સામે પણ છે.

ફરિયાદ કરવા આગળ આવવું નથી, ટોળું જોઈએ તો મનમાં જિજ્ઞાશા જન્મે છે, પણ એ ટોળું કયા કારણસર ઊભું થયું એ જાણીને એમાં મદદ કરવાની ભાવના મનમાં જન્મતી નથી અને એ પછી પણ અપેક્ષા તો એ જ છે કે કાર્યવાહી બધી ફટાફટ થાય અને બધાને સજા મળે. સજા પણ તાત્કાલીક મળે અને એ પણ પોતે ધારી હોય એ જ મળે. હાથ ચલાવવા નથી, મન વાપરવું નથી, ઇચ્છાઓને દિશા આપવી નથી અને અપેક્ષાઓને ગતિ આપીને રાષ્ટ્રીયતા દાખવવી નથી છતાં પણ ધારણા તો એ જ છે કે દેશનું ન્યાયતંત્ર શ્રેષ્ઠ બને. એવી જ રીતે, જેવી રીતે કશું નવું કરવાનો ભાવ મનમાં પ્રગટ થતો નથી અને એ પછી પણ દેશમાંથી ભ્રષ્ટાચારમુક્ત‌િ આવે એનાં સપનાં જોવાં છે. જોવાઈ રહેલાં સપનાંઓને સાકાર કરવાનો શ્રમ લેવો નથી, પણ દેશમાં પ્રામાણ‌િકતાનું રાજ હોય એવું ઇચ્છવું છે.

સાહેબ, આપણે ભારતીય છીએ. ભારતીય હોવાનું ગર્વ છે અને એ ગર્વ વચ્ચે જ દેશને ગાળો ભાંડવાનો અધિકાર પણ આપણે લઈને બેસીએ છીએ. કામ કરવું નથી, પણ પગાર માતબર જોઈએ છે. કામ કરવું નથી અને જશ અઢળક જોઈએ છે. કામ કરવા હાથ ચલાવવો નથી અને પ્રગતિ પળભરમાં જોઈએ છે. શું માનસિકતા છે આ, કેવી હૈયાધારણા છે આ? ભારતીય, સાહેબ ભારતીય છીએ આપણે. પરસેવો પાડ્યા વિના પ્રસિદ્ધિ મેળવવાની ભાવના લોહીમાં ભળી ગઈ છે હવે. ન ગમતી ભાવનાને પ્રદર્શ‌િત કરતા નથી અને ગમતી લાગણીઓને હક માનીએ છીએ આપણે.

આપણે ભારતીય છીએ, હક માટે પહેલી હરોળમાં છીએ અને જવાબદારીની બાબતમાં નવી વ્યક્ત‌િનું માથું શોધીએ છીએ.

manoj joshi columnists