સ્ત્રી પોતાના માટે કેટલું જીવી શકે છે?

18 November, 2019 03:47 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

સ્ત્રી પોતાના માટે કેટલું જીવી શકે છે?

ફાઈલ ફોટો

આજે આપણે બધા વિમેન્સ લિબરેશન તથા વિમેન્સ એમ્પાવરમેન્ટની વાતો કરીએ છીએ અને એ દિશામાં આપણે પ્રગતિ કરી છે એ બાબતમાં પણ કોઈ બેમત નહીં, પરંતુ એ બધું કર્યા બાદ પણ આખરે સ્ત્રી પોતાના માટે કેટલું જીવી શકે છે એ મુદ્દે આપણે ક્યારેય વિચાર કરતા નથી. 

ગયા શનિ-રવિની રજામાં હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સાંડ કી આંખ’ જોવાનું બન્યું. ફિલ્મની વાર્તા ઉત્તર પ્રદેશની શાર્પશૂટર ચંદ્રો તોમર તથા પ્રકાશી તોમરના જીવન પર આધારિત છે. પોતાનું આખું જીવન પોતાના ગામના પુરુષપ્રધાન સમાજે નક્કી કરેલા નિયમો મુજબ જીવનારી આ બે મહિલાઓની એક જ ઇચ્છા છે કે તેમની દીકરીઓ શાર્પશૂટર બની સરકારી નોકરી મેળવી શકે, દુનિયા જોઈ શકે અને પોતાની મનમરજીનું જીવન જીવી શકે. આ માટે તેઓ પોતે શાર્પશૂટિંગની કળા શીખી પોતાની દીકરીઓને પણ એમાં પારંગત બનાવે છે. ફિલ્મ સારી છે કે ખરાબ એની પંચાતમાં પડ્યા વિના સીધા મૂળ મુદ્દા પર આવીએ.

ફિલ્મના એક દૃશ્યમાં શાર્પશૂટિંગની એક સ્પર્ધામાં વિજેતા બનેલી આ દેરાણી-જેઠાણીને એક પત્રકાર તેમની ઉંમર પૂછે છે. ગામડા ગામની સાવ અભણ અને આધેડ ઉંમરની આ મહિલાઓને ખરેખર પોતાની ઉંમર ખબર નથી, પરિણામે તેઓ જવાબ આપી શકતી નથી. તેથી પત્રકાર તેમની મજાક ઉડાડતાં કહે છે કે આનો અર્થ એ થયો કે જીવનના કોઈ પણ તબક્કે સ્ત્રીઓને પોતાની સાચી ઉંમર જણાવવાનું ક્યારેય ગમતું નથી. એનો જવાબ આપતા ચંદ્રો તોમર જે સણસણતો જવાબ આપે છે એ કોઈ પણ સંવેદનશીલ હૃદયને હચમચાવી જવા માટે પૂરતો છે. તે કહે છે કે સ્ત્રીઓ પોતાની ઉંમર જણાવી શકતી નથી, કારણ કે તેમને પોતાને જ ખબર હોતી નથી કે જીવનનાં કેટલાં વર્ષ તે ખરેખર પોતાના માટે જીવી છે.

ચંદ્રો તોમરનો આ જવાબ સાંભળી થોડા જ સમય પહેલાં મારી એક ફ્રેન્ડ સાથે થયેલી વાતચીત યાદ આવી ગઈ. જયપુરમાં જન્મેલી અને દિલ્હીની નામાંકિત લેડી શ્રીરામ કૉલેજમાંથી મૅથ્સમાં ઓનર્સ કરનાર આ મહિલાએ તાજેતરમાં પોતાની પાંચમા ધોરણમાં ભણતી દીકરીને સ્કૂલમાંથી ઉઠાડી ઘરે તેનું હોમ સ્કૂલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેના આ એક્સ્ટ્રીમ નિર્ણય પાછળનું કારણ પૂછતાં જે જવાબ મળ્યો એ પણ ચંદ્રો તોમરની જેમ જ હૃદયને હચમચાવી ગયો હતો એ યાદ આવી ગયું. તેણે કહ્યું, ‘શાળાજીવનમાં હું હંમેશાં ભણવામાં અવ્વલ રહી હતી. ક્લાસમાં મારો નંબર કાયમ પહેલો જ આવ્યો હતો. કૉલેજમાં પણ એ સિલસિલો ચાલુ રહ્યો ને હું દિલ્હી યુનિવર્સિટીમાં મૅથ્સમાં પણ ફર્સ્ટ આવી હતી. કૉલેજ પૂરી કર્યા બાદ મેં મારા પરિવારની મદદથી જયપુરમાં જ મારું પોતાનું લેડીઝ રેડીમેડ ગાર્મેન્ટ્સનું બુટિક ખોલ્યું જે ખૂબ સારું ચાલતું હતું, પરંતુ લગ્ન થતાં મારે મારા પતિ સાથે મુંબઈ આવવું પડ્યું. લગ્નનાં શરૂઆતનાં વર્ષોમાં મેં બન્ને શહેર વચ્ચે અનેક ધક્કા ખાઈ મારા એ ધીખતા બિઝનેસને બચાવવાનો ખૂબ પ્રયત્ન કરી જોયો, પરંતુ આખરે દીકરીનો જન્મ થતાં તેને લઈને બે શહેર વચ્ચે બૅલૅન્સ સાધવું ખૂબ મુશ્કેલ બની જતાં મારે એ બિઝનેસ બંધ કરી દેવો પડ્યો.

સામે પક્ષે મારા પતિ ક્યારેય ભણવામાં બહુ સારા નહોતા, પરંતુ સાચા અર્થમાં પોતાની ઉચ્ચ કોટીની કમ્યુનિકેશન સ્કિલ્સને પગલે તેઓ પીઆર ઇન્ડસ્ટ્રીમાં સારું કાઠું કાઢી શક્યા અને કારકિર્દીમાં ખૂબ આગળ વધી શક્યા. તેમની ઊંચા પગારની નોકરીને બચાવવા અમારે અનેક વાર જયપુર, દિલ્હી તથા મુંબઈ જેવાં શહેરોમાં સ્થાયી થવું પડ્યું. આપણા ભારતીય પુરુષપ્રધાન સમાજના નિયમો અનુસાર ઘર ચલાવવાની જવાબદારી કાયમ તેમના ખભા પર રહી. મારી ઇન્કમ ફક્ત ઘરની ઍડિશનલ ઇન્કમ તરીકે જ જોવાઈ. તેથી મારે મારાં સપનાં તથા મહત્ત્વાકાંક્ષાઓનો ત્યાગ કરી હંમેશાં તેમના માટે ઉપલબ્ધ રહેવું પડ્યું. ઘણી વાર એવું બન્યું કે મેં બીજા દિવસે મારા કામ માટે જયપુર જવાની ટિકિટ બુક કરાવી રાખી હોય અને આગલા દિવસે સાંજના જ ઘરે આવી તેઓ કહી દેતા કે તેમણે બીજા દિવસે પોતાની નોકરીના કામ અર્થે બહારગામ જવાનું છે અને મારે મારી ટિકિટ કૅન્સલ કરાવી દેવી પડતી. આખરે બીજું બધું તો ઠીક, પણ દીકરીના ભવિષ્યનો વિચાર કરતાં મારે ફુલટાઇમ હાઉસવાઇફ બની જવાનો નિર્ણય લેવો જ પડ્યો. હવે મારી ઇચ્છા એટલી જ છે કે જે દીકરી માટે મેં મારા ભવિષ્યની કુરબાની આપી દીધી છે‍ ઍટ લીસ્ટ તેને પોતાનું જીવન પૂરેપૂરું જીવવા મળે. તેને રાજસ્થાની સંગીત અને નૃત્યમાં ખૂબ રસ છે તો પછી હું શા માટે તેને શાળાજીવનના પ્રેશરમાં રાખી તેની પાસે એ વિષયો ભણવાનો આગ્રહ રાખું જેમાં તેની રુચિ નથી? તેના કરતાં તેને એ કરવા ન દઉં જેમાં તે ખરેખર સારી છે? આગળ જતાં તેનું નસીબ તેને મારી જેમ ક્યાં લઈ જવાનું છે મને ખબર નથી; પરંતુ કમ સે કમ મારી પાસે, મારી સાથે છે ત્યાં સુધી તેને પોતાની મરજી મુજબનું જીવન જીવવા ન દઉં?’

મારી એ ફ્રેન્ડનો આ જવાબ સાંભળી એ દિવસે તો ખૂબ નવાઈ લાગી હતી, પરંતુ ‘સાંડ કી આંખ’ ફિલ્મનો ઉપરોક્ત સંવાદ સાંભળ્યા પછી દિલમાં એક ટીસ ઊઠી. આજે આપણે સ્ત્રી સશક્તીકરણ અને નારીવાદી ઝુંબેશની ગમેતેટલી વધાઈ આપતા હોઈએ, પરંતુ લગ્ન અને બાળકનો જન્મ સ્ત્રીના જીવનના એવા પડાવો છે જેમાં તેણે પોતાના જીવનનાં આગલાં વર્ષોમાં કરેલી બધી મહેનત પર પાણી ફરી જતાં એક મિનિટનો પણ સમય લાગતો નથી.

આપણી આસપાસ નજર કરીશું તો કેટલાય એવા દાખલા જોવા મળશે જ્યાં પતિ-પત્ની એક સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે, પરંતુ બાળકનો જન્મ થતાં જ પત્નીએ કાં તો નોકરી છોડી દેવી પડે છે અથવા થોડાં વર્ષો માટે કારકિર્દીમાંથી બ્રેક લઈ નવસેરથી શરૂઆત કરવી  પડે છે. વચ્ચેના આ સમયમાં પતિ સ્વાભાવિક રીતે જ પત્ની કરતાં આગળ વધી જાય છે અને પછી સમાજના નિયમ અનુસાર કહો કે પછી ઘરની આર્થિક જરૂરિયાત કહો, પરંતુ પત્નીએ ફક્ત પતિનો પડછાયો બનીને જ રહી જવાનું આવે છે. વળી દુનિયાનો ઉસુલ છે, ઘરમાં તેનું જ ચાલે છે જે ઘરમાં વધારે પૈસા લાવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં એ વ્યક્તિ પુરુષ હોવાથી ઘરમાં તેનો પડ્યો બોલ ઝીલવાની પરંપરા ચાલુ રહે છે. બલકે જે કિસ્સાઓમાં ઘરની સ્ત્રી વધુ પૈસા કમાય છે તેણે પણ ઘરે તો પોતાના પતિના પુરુષ અહંકારનું માન સાચવવું જ પડે છે. મારી જાણમાં એક દંપતી છે. વિદેશમાં રહેતા આ દંપતીમાંથી પત્ની ડેન્ટિસ્ટ છે જેની કમાણી વધુ હોવાથી જીવનના એક તબક્કે પતિએ સામે ચાલી બાળકોનું ધ્યાન રાખવા હાઉસ હસબન્ડ બનવાનો નિર્ણય લીધો હતો. આજે તેમનાં બાળકો કૉલેજમાં જતાં થઈ ગયાં છે. વર્ષોથી તેમનું ઘર પત્નીની કમાણી પર ચાલે છે. તેમ છતાં પેલી મહિલાએ ઘરના પ્રત્યેક નિર્ણયમાં પતિની મરજીનું ધ્યાન તો રાખવું જ પડે છે.

હું અનેક એવી મહિલાઓને ઓળખું છું જેમની દીકરીઓ ભણવામાં અવ્વલ હોવાની સાથે છોકરાઓ જેટલી જ ક્રાન્તિકારી પણ છે. આ માતાઓ સતત પોતાની દીકરીઓને એ જ સમજાવતી રહે છે કે તેઓ ગમે તે કરી લે આખરે તો જીવનના અમુક તબક્કે તેમણે જ નમતું જોખવું પડશે. ક્યારેક સમજાતું નથી કે આવી માતાઓએ પોતાનો દૃષ્ટિકોણ બદલવાની આવશ્યકતા છે કે તેમની દીકરીઓએ માની વાત માનવાની જરૂર છે?

આજે આપણો સમાજ ખરેખર એવા મુકામ પર આવીને ઊભો રહી ગયો છે જ્યાં સ્ત્રીઓ પોતાની મહેનતથી સાચા અર્થમાં પુરુષોને દરેક ક્ષેત્રમાં ધોબીપછાડ આપી રહી છે. વળી સ્ત્રીઓની આ મહેનતને પગલે સમાજે ખૂબ પ્રગતિ કરી છે એ વાતમાં પણ કોઈ બેમત નથી. તેમ છતાં ઘર તથા બાળકો સંભાળવાની જવાબદારી ફક્ત સ્ત્રીઓના પક્ષે જ આવીને ઊભી રહી જાય છે. પુરુષ ગમેતેટલું કરી લે તોય આ બાબતમાં સ્ત્રીસમોવડિયો બની શકતો નથી. આ પ્રશ્નના જવાબરૂપે હાલની સ્ત્રીઓ સુપરવુમન તો બની રહી છે, પરંતુ એવું કરવા જતાં ક્યાંક ને ક્યાંક પોતાનું જીવન પોતાની મરજી મુજબ જીવવાનું ચૂકી પણ રહી છે. આવામાં ક્યારેક આપણી સમાજ રચનામાં તો ક્યારેક કુદરતની રચનામાં જ કોઈ ખામી રહી ગઈ હોવાનું લાગ્યા વિના રહેતું નથી. તો શું આપણે સૌએ મારી પેલી ફ્રેન્ડની જેમ આપણી દીકરીઓ જ્યાં સુધી આપણી પાસે છે ફક્ત ત્યાં સુધી જ પોતાનું જીવન પોતાની રીતે જીવી લેવાની સગવડ કરી આપવી જોઈએ કે પછી બીજી બધી સામાન્ય મહિલાઓની જેમ આપણી દીકરીઓને પુરુષસમોવડી બનવાની દોડમાં ધકેલી દેવી જોઈએ? મારી પાસે તો આ પ્રશ્નનો જવાબ નથી. તમારી પાસે હોય તો જણાવજો પ્લીઝ...

columnists