ખુદાનો પ્રેમ - (લાઇફ કા ફન્ડા)

13 November, 2019 03:01 PM IST  |  Mumbai | Heta Bhushan

ખુદાનો પ્રેમ - (લાઇફ કા ફન્ડા)

એક દિવસ એક યુવાનના મનમાં પ્રશ્ન થયો કે ‘અલ્લાહ આપણને પ્રેમ કરે છે એ કઈ રીતે ખબર પડે? તે કુરાનના જ્ઞાની એવા મૌલવી પાસે ગયો અને પ્રશ્ન પૂછ્યો, ‘શું ખુદા આપણને બહુ સંપત્તિ આપે તો, જો તે આપણને બહુ શક્તિ અને સત્તા આપે તો, જો તે આપણને સારું સ્વાસ્થ્ય આપે તો, જો તે આપણને સંતાન આપે તો... શું સાબિત થાય કે ખુદા આપણને પ્રેમ કરે છે.’

મૌલવીએ કહ્યું, ‘મને પણ આવો જ વિચાર એક વાર આવ્યો હતો અને મેં કુરાનમાં આ પ્રશ્નનો જવાબ શોધવાની કોશિશ કરી. કુરાનમાં લખ્યું છે કે અલ્લાહ ખુદના દરેક બંદાને પ્રેમ કરે છે, પણ હા અમુક ગુણ ધરાવતા ખુદના બંદાને અલ્લાહ વિશેષ પ્રેમ કરે છે.’ યુવાને તરત પૂછ્યું, ‘કેવા ગુણ અને કઈ ખાસિયતો અલ્લાહને ગમે છે અને તે આપણામાં હોય તો આપણને વિશેષ ચાહે છે એ મને કહો.’

મૌલવીએ કહ્યું, ‘કુરાનમાં જણાવ્યું છે કે જે મન, વચન અને કર્મથી પવિત્ર છે તેને ખુદા ખૂબ પ્રેમ કરે છે, પણ મન-વચન-કર્મથી એકદમ પવિત્ર હોવું એકદમ મુશ્કેલ છે. બીજી ખાસિયત એ છે કે જે જીવનમાં સાચા માર્ગ પર આગળ વધીને સફળતા મેળવે છે તેને અલ્લાહ ખાસ ચાહે છે, પણ મોટા ભાગના મનુષ્યો આળસ કરે છે સાચા માર્ગ પર ચાલવાની. આગળ કુરાનમાં લખ્યું છે કે જે સાચાં અને સારાં કર્યો કરે છે તેને ખુદાનો વિશેષ પ્રેમ મળે છે, પણ એ કરવું પણ ખૂબ અઘરું છે.’

મૌલવીની વાત સાંભળીને યુવાને પૂછ્યું, ‘મૌલવીસાહેબ, તમે જે ખાસિયતો કહી એ તો તમારા કહ્યા પ્રમાણે મેળવવી બહુ અઘરી છે. તો શું એવી કોઈ ખાસિયત નથી જે આપણે મેળવી શકીએ અને ખુદાને પ્રિય થઈ શકીએ.’

મૌલવીસાહેબ બોલ્યા, ‘આપણે બધા પાપ, અવગુણો, દંભ, લુચ્ચાઈ, મોહ, લોભ, આળસ વગેરે અનેક અવગુણો અને દુર્ગુણોથી ભરેલા છીએ; પણ જે મનુષ્ય પોતાનાં પાપ અને ખરાબ કર્મોનો સાચા મનથી પસ્તાવો કરે છે અને પસ્તાવાના પવિત્ર જળથી મન-હૃદયને સાફ કરી ખુદા પાસે પોતાના દરેક કર્મને સ્વીકારી, ભૂલને સ્વીકારી માફી માગે છે તેને અલ્લાહ માફ કરે છે અને પોતાનો વિશેષ પ્રેમ પણ આપે છે. આપણાં પાપ અને ભૂલોનો સ્વીકાર અને ખુદની માફી માગી આપણે બધા પસ્તાવો કરી શકીએ છીએ અને અલ્લાહને પ્રિય બની શકીએ છીએ.’

યુવાને તરત જ અલ્લાહને પ્રિય બનવા પોતાનાં પાપ અને ભૂલોને સ્વીકારી ખુદાની માફી માગવા પ્રાર્થના કરી.

- હેતા ભૂષણ

columnists