લાઇફ કા ફન્ડા - મમ્મી છેને

15 April, 2019 03:07 PM IST  |  | હેતા ભૂષણ

લાઇફ કા ફન્ડા - મમ્મી છેને

Photo Courtesy: film Mission Mammi

પએક છોકરો, નામ રાજ. ભણવાનું બિલકુલ ગમે નહીં અને ફુટબૉલ રમવામાં એક્કો. બસ આખો દિવસ ફુટબૉલ રમે. આમ તો મમ્મી-પપ્પાને તેના ફુટબૉલ રમવા પર કોઈ વાંધો નહોતો. રાજ ધોરણ દસમામાં આવ્યો. ધોરણ ૧૦ એટલે ર્બોડ એક્ઝામ. રાજની મમ્મીને ચિંતા થવા લાગી, કારણ કે રાજ સ્કૂલ અને ટ્યુશન-ક્લાસમાં જતો, પણ બાકીનો બધો સમય ફુટબૉલ જ રમતો. ïરોજ મમ્મી રાજને ફુટબૉલ રમવાનું છોડીને ભણવાનું કહેતી અને રાજ માનતો જ નહીં. રાજનું છમાસિક રિઝલ્ટ સારું ન આવ્યું છતાં રાજમાં કોઈ સુધારો થયો નહીં. પ્રિલિમ એક્ઝામ જેમતેમ પૂરી થઈ અને માંડ ચાલીસ ટકા આવ્યા. મમ્મીએ રાજનાં ફુટબૉલ-શૂઝ અને ફુટબૉલ બન્ને ગાયબ કરી દીધાં. રાજે ઝઘડો કર્યો. રિસાયો. અંતે પપ્પાએ રસ્તો કાઢ્યો કે ભલે રાજ ફુટબૉલ રમે, પણ જેટલા કલાક રમે એટલા કલાક પછી વાંચવું પડશે. રાજ માની ગયો. હવે રાજ સ્કૂલ અને ટ્યુશન બાદ ફુટબૉલ રમે અને મમ્મી-પપ્પાને કહે કે રાતે ભણી લઈશ. રાતે જમીને ભણવા બેસે, પણ આખા દિવસના થાકને લીધે થોડી વારમાં સૂઈ જાય. મમ્મી બરાબર ધ્યાન રાખે. થોડી થોડી વારે ચેક કરે. રાજ ટેબલ પર માથું ઢાળીને સૂઈ ગયો હોય તો તેને ઉઠાડે. ચા-કૉફી બનાવીને આપે અને ફરી ભણવા બેસાડે. રાજ વળી પાછો થોડી વાર ભણે, પાછો સૂઈ જાય. પછી થોડી વારમાં મમ્મી ચેક કરવા આવે અને ઉઠાડે. આમ જ ચાલતું. આગળ હવે ફાઇનલ એક્ઝામ એક મહિનો જ દૂર હતી. રાજ રોજ રાતે ભણવા બેસતો, પણ થાકને લીધે સૂઈ જ જતો. મમ્મી સતત ધ્યાન રાખતી. થોડી-થોડી વારે ઉઠાડતી. ભણવા બેસાડતી. આમ પરીક્ષા આવી ગઈ. રાજે પરીક્ષા આપી. પેપર સારાં ગયાં, પણ મમ્મીને તો ડર હતો કે બરાબર ભણ્યો જ નથી, પાસ થઈ જાય તો સારું. રાજનું રિઝલ્ટ આવ્યું. રાજને ૮૦ ટકા માર્ક મળ્યા.

આ પણ વાંચોઃ અદૃશ્ય બંધન (લાઇફ કા ફન્ડા)

મમ્મી ખુશ થઈને રડવા જ લાગી. મમ્મીએ રાજને પૂછ્યું, દીકરા તું બરાબર ભણ્યો નહોતો તો શું પરીક્ષામાં તેં ચોરી કરી હતી?? રાજ બોલ્યો, ના મમ્મી, હું રોજ રાતે તારે કારણે જ થોડું-થોડું ભણતો. હું સૂઈ જતો. તું બરાબર ધ્યાન રાખી ઉઠાડતી. હું એક ઝપકી લઈ ઊઠ્યો હોઉં એટલે ત્યારે વાંચી લેતો. તું ચા-કૉફી આપતી એટલે ઊંઘ પણ ઊડી જતી એટલે થોડું વંચાઈ જતું. પાછો સૂઈ જાઉં ત્યાં થોડી વારમાં તું ઉઠાડવા આવતી. આમ તારે લીધે મારું વંચાયું અને મને બધું આવડ્યું. મમ્મીએ કહ્યું, પણ દીકરા, હું જો તને થોડી થોડી વારે જગાડવા ન આવત, હું સૂઈ જાત તો શું થાત? રાજ મમ્મીને વળગી પડતાં બોલ્યો, મને ખબર હતી મમ્મી કે તું છે, તું જાગે છે અને થોડી વારમાં ઉઠાડવા આવીશ જ, એટલે તો હું આંખ ઘેરાતાં મમ્મી છેને એમ વિચારીને સૂઈ જતો હતો.

columnists