આજની પાર્ટીમાં મજા કરજો, પરંતુ હેલ્થને ન અવગણશો

31 December, 2018 10:22 AM IST  |  | જિગીષા જૈન

આજની પાર્ટીમાં મજા કરજો, પરંતુ હેલ્થને ન અવગણશો

પ્રતીકાત્મક તસવીર

આજે 31 ડિસેમ્બર છે. આજે 12 વાગ્યે લોકો નવા વર્ષને આવકારશે. વર્ષો પહેલાં લોકો એને ખ્રિસ્તી ન્યુ યર કહેતા, પરંતુ ધીમે-ધીમે એ સાર્વજનિક ન્યુ યર બની ગયું છે; કારણ કે આપણે પંચાંગ છોડીને પ્રમાણમાં સરળ કહી શકાય એવું કૅલેન્ડર અપનાવી લીધું છે. કોઈ પૂછે કે આજે શું છે તો આપણામાંથી કેટલાને ખબર છે કે આજે માગશર વદ દશમ છે, પરંતુ ૩૧ ડિસેમ્બર બધાને ખબર છે. આપણા રોજિંદા જીવનમાં જે તારીખો અને મહિનાઓને આપણે અપનાવ્યા છે એ મુજબ આ ન્યુ યર હવે ધાર્મિક વાડાઓમાંથી મુક્ત થઈને સાર્વજનિક ન્યુ યર બની ગયું છે. ન્યુ યરને ભલે આપણે અપનાવી લીધું, પરંતુ ઉજવણીમાં હજી પણ પાાત્ય પ્રભાવ જોવા મળે છે. આ દિવસને લોકોએ દારૂ પીવાનો દિવસ બનાવી દીધો છે. પાર્ટીમાં નાચો-ગાઓ, ખાઓ અને પીઓ. ક્યારેય દારૂને હાથ ન લગાડતા લોકો પણ 31 ડિસેમ્બરે દારૂ પીવા લલચાઈ જાય છે અને જાતજાતની ફૅન્સી પાર્ટીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે વર્ષના છેલ્લા દિવસે આપણે હેલ્થને નેવે તો ન જ મૂકી શકીએ. 31 ડિસેમ્બરની પાર્ટીઓમાં મજા ખૂબ છે. મ્યુઝિક, ડાન્સ, ડેકોરેશન, ફન બધું જ આહ્લાદક હોય છે; પરંતુ ખાવાનું અને પીવાનું પણ એટલું જ હેલ્ધી બની જાય તો પાર્ટી સાચા અર્થમાં બેસ્ટ બની શકે. પરંતુ એ થોડું અઘરું બની જાય છે. બહાર જાઓ ત્યારે મજા પણ આવે અને હેલ્થને નુકસાન પણ ઓછું થાય એ માટે જાણીએ કેટલીક ઉપયોગી ટિપ્સ.

ઘરેથી ખાઈને નીકળો

પાર્ટીમાં લગભગ 6-7 વાગ્યે જ્યારે નીકળો ત્યારે સાવ ભૂખ્યા પેટ જવું નહીં. કંઈક ને કંઈક ખાઈને જ નીકળવું. આ સલાહ આપતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘ન્યુ યર પાટીમાં ડિનર હંમેશાં ૧૨ વાગ્યા પછી જ લેવામાં આવે છે. ઘણી વાર તો બે-ત્રણ વાગ્યે ડિનર લેવાતું હોય છે. ડિનર પહેલાં ઍપિટાઇઝર, સ્નૅક્સ, સ્ટાર્ટર્સ, કૉકટેલ અને મૉકટેલ લેવાતાં હોય છે જે કૅલરીનો ભંડાર હોય છે. જો તમે ઘરેથી વ્યવસ્થિત ખાઈને નીકળ્યા હો તો ત્યાં જઈને ઍપિટાઇઝર, સ્નૅક્સ કે સ્ટાર્ટર્સની ઉપર તૂટી નહીં પડો; કારણ કે તમને ભૂખ જ નથી. જો તમે સાવ ભૂખ્યા પાર્ટીમાં જશો તો એ વધુ કૅલરીયુક્ત ખોરાક વધુ માત્રામાં ખાઈને ખુદને નુકસાન પહોંચાડશો. ઘરેથી નીકળો એ પહેલાં સાવ લાઇટ પણ નહીં પેટ ભરાય એવું કંઈ પણ હેલ્ધી ખાઈને જ નીકળો. જેમ કે સ્પ્રાઉટ્સ કે પનીર નાખેલું વેજિટેબલ ફ્રેશ સૅલડ અથવા ફ્રૂટ અને નટ્સથી ભરપૂર સ્મૂધી, ઘરે બનાવેલું સૂપ કે વેજિટેબલ સૅન્ડવિચ જેનાથી તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા નથી એટલે થોડા-થોડા સમયે ખોરાક તમારા પેટમાં ગયો છે અને આ બાબત તમારા પાચનને હેલ્ધી રાખે છે. આટલું ધ્યાન રાખવાથી બીજા દિવસે બ્લોટિંગ થઈ જાય એટલે કે શરીરમાં સોજા આવી જાય એ પરિસ્થિતિને ટાળી શકાય છે.’

હાઇડ્રેશન

આલ્કોહૉલ, ફિઝી ડ્રિન્ક્સ અને પ્રિઝવ્ર્ડ ફૂડ જે સૌથી મોટો પ્રૉબ્લેમ કરે છે એ છે તમારા શરીરને ડીહાઇડ્રેટ કરવાનું. આ પૉઇન્ટ સમજાવતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહેવું જરૂરી છે. એટલે પાર્ટી દરમ્યાન અને પાર્ટી પહેલાં પણ શરીરને પૂરતું પાણી આપો. પાણીની માત્રા શરીરમાં બરાબર હશે તો શરીરમાંથી ટૉક્સિન્સ કાઢવાની પ્રક્રિયા બરાબર રહેશે અને પાર્ટી પછી બીજા દિવસે ચહેરા પર જે ડલનેસ આવતી હોય છે એ નહીં આવે. મોટા ભાગે પાર્ટીમાં એવું થાય છે કે લોકો આલ્કોહૉલ, કોલા, મૉકટેલ કે કૉકટેલ જ પીતા હોય છે એટલે તેમને પાણીની જરૂર પડતી નથી. પરંતુ આ વસ્તુઓ પાણીનું કામ કરતી નથી, શરીરને હાઇડ્રેટ કરવાને બદલે એ ડીહાઇડ્રેટ કરે છે. એની જગ્યાએ પાણી, પ્લેન સોડા કે ફ્રેશ લેમનેડ પી શકાય છે.’

આલ્કોહૉલ

લોકો ન્યુ યર પર બહાર પાર્ટી કરવા એટલે જાય છે કે દારૂ પી શકે. દારૂ ન જ પીઓ અને ફ્રૂટ જૂસ કે લેમનેડથી કામ ચલાવી શકો તો એનાથી હેલ્ધી બીજું કંઈ ન હોઈ શકે, પરંતુ જો આલ્કોહૉલ લેવાનો જ હોય તો એમાં પણ અમુક વસ્તુનું ધ્યાન રાખો તો સારું રહે. એ વાત સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘આલ્કોહૉલને ફ્રૂટ જૂસ, શુગર સિરપ, કોલા ડ્રિન્ક્સ સાથે મિક્સ ન કરો; સોડા કે પાણી સાથે પી શકાય. કૉકટેલ પીવાને બદલે સારી ક્વૉલિટીની ઓલ્ડ વાઇન કે સ્કૉચ કે રૂટ બિઅરનો ઑપ્શન પસંદ કરો. ગટાગટ પી જવાને બદલે નાના-નાના સિપ ભરો જેને લીધે એક ડ્રિન્ક લાંબું ચાલે અને તમે વધુપડતું પી ન લો. આલ્કોહૉલ ક્યારેય ખાલી પેટે ન લો. ઘરેથી એટલા માટે પણ જમીને નીકળો એ યોગ્ય છે જેથી પેટ ખાલી ન રહે. આલ્કોહૉલ સાથે ઍપિટાઇઝર કે સ્નૅક્સ ન લો. વધુમાં વધુ ૩ પેગથી વધુ આલ્કોહૉલ ન લેવો. બે ડ્રિન્કની વચ્ચે એક ગ્લાસ પાણી પીવું પણ જરૂરી છે.’

હાઉસ પાર્ટી છે બેસ્ટ ઑપ્શન

અત્યારે એક વર્ગ એવો છે જે 31 ડિસેમ્બરે પાર્ટી કરવા બહાર ઊપડી જવાનો હશે અને એક વર્ગ એવો છે જે બધાને ઘરે બોલાવીને પાર્ટી કરવાનો હશે. ઘણા લોકો પોતાનાં બાળકો માટે ઘરે ક્રિસમસ પાર્ટી અને ન્યુ યર પાર્ટી કરતા હોય છે. બાળકો બહાર જઈને ખાય-પીએ એને બદલે ઘરમાં માતા-પિતાની હાજરીમાં મજા કરે અને લોકો ઘરે હળે-મળે એ ઘણો સેફ અને યોગ્ય ઑપ્શન છે એવું માનનારા લોકોનો વર્ગ ઘણો મોટો છે. ઘરે પાર્ટી કરવાના ઑપ્શનમાં એક જ પ્રૉબ્લેમ છે કે એકસાથે 10-15 કે 25 લોકો ઘરે આવવાના હોય તેમના માટે પાર્ટીનું ફૂડ શું રાખવું? ઘણા લોકો સોસાયટીમાં પણ સાથે મળીને ન્યુ યર પાર્ટી કરતા હોય છે. મોટા ભાગે આ મામલામાં લોકો બહારથી ફૂડ ઑર્ડર કરી દેતા હોય છે. પીત્ઝા કે પાસ્તા, નૂડલ્સ અને મન્ચુરિયન કે પછી સૅન્ડવિચ અને કોલ્ડ ડ્રિન્ક્સ. બસ, થઈ ગઈ પાર્ટી. નવા વર્ષની પાર્ટી પૂરી અનહેલ્ધી ખોરાક ખાઈને જલસા કરવાને બદલે જયારે પાર્ટી ઘરે જ છે અને તમારા પાસે ઘરે ખાવાનું બનાવવાનો ઑપ્શન છે તો કેમ એને હેલ્ધી બનાવવાની થોડી જહેમત ઉઠાવી ન શકાય?

ઘરે હેલ્ધી પાર્ટી મેનુ રાખીને લોકોના એ વહેમો પણ તોડી શકાય કે પાર્ટીમાં તો અનહેલ્ધી ખાવાનું જ હોય. એ સાથે એ મેનુને ઇન્ટરેસ્ટિંગ બનાવીને એ પણ વહેમ તોડી શકાય કે હેલ્ધી ખાવાનું ટેસ્ટી નથી હોતું. આ સાથે બાળકોને એક શીખ પણ આપી શકાય કે સેલિબ્રેશન હેલ્ધી ખોરાક ખાઈને કરીએ તો એ વધુ ખુશીની વાત છે. આપણે દરેક સેલિબ્રેશનમાં અનહેલ્ધી ખોરાક ખાઈ-ખવડાવીને રૉન્ગ ફૂડને હૅપિનેસ સાથે જોડી બાળકની આદત બગાડીએ છીએ. તેના મનમાં ખોટી છાપ ઊભી કરીએ છીએ. વિચારશો તો સમજાશે કે ફૂડની ચૉઇસ માણસની સાઇકોલૉજી સાથે સંકળાયેલી બાબત છે. ચાર પાર્ટીમાં બાળકને પીત્ઝા ખવડાવો તો એ પાંચમી પાર્ટીમાં ચોક્કસ પૂછશે કે મમ્મી, આજે પાર્ટીમાં પીત્ઝા નથી. આનું કારણ છે કે એ પીત્ઝાને પાર્ટી કે સેલિબ્રેશન સાથે જોડે છે.

આ પણ વાંચો : ડાયાબિટીઝના દર્દીઓને સ્કિન-પ્રોબ્લેમ થવાની શક્યતા ઘણી વધુ છે

જો સોસાયટી પાર્ટી કરવાના હો તો સોસાયટીના દરેક ઘરમાંથી જવાબદારી વહેંચીને ઘરેથી જ બધું બનાવીને નીચે ભેગા મળીને ખાવાનો જે આનંદ છે એ બહારથી કેટરર બોલાવીને ખાશો તો નહીં જ આવે. ચાર ઘરેથી વેલકમ ડ્રિન્ક, ચાર ઘરેથી સ્ટાર્ટર, આઠ ઘરોમાંથી મેઇન કોર્સ અને ચાર ઘરોમાંથી ડિઝર્ટ મૅનેજ થઈ શકે છે. જેટલા લોકો હોય એ મુજબ જવાબદારી વહેંચી લો. ઘરે જ પાર્ટી રાખવાના હો અને લોકો વધુ હોય તો કોઈની હેલ્પ લઈને પણ ઘરે પાર્ટી મેનુ બનાવવાનો આગ્રહ રાખો. ઇચ્છા હોય તો આ બધું અઘરું નથી. અને મજા ડબલ થશે એની પૂરી ગૅરન્ટી.

columnists