ગુરુ-ગોવિંદ દોનો ખડે - (લાઇફ કા ફન્ડા)

06 November, 2019 12:50 PM IST  |  Mumbai | Heta Bhushan

ગુરુ-ગોવિંદ દોનો ખડે - (લાઇફ કા ફન્ડા)

ગુરુ-ગોવિંદ

ભક્તના દરવાજે વહેલી સવારે ટકોરા પડ્યા અને તેના આશ્ચર્ય વચ્ચે તેના આંગણે તેના ગુરુ અને સાક્ષાત્ ઈશ્વર બન્ને જણ સાથે ઊભા હતા. ભક્તે ઈશ્વરનાં ચરણોમાં વંદન કર્યાં તો ભગવાને તેને અટકાવતાં કહ્યું, ‘વત્સ, તારી ભૂલ થાય છે. મને તારા આંગણા સુધી તારા ગુરુ લઈને આવ્યા છે તો તારે તારા ગુરુનાં ચરણવંદન પહેલાં કરવાં જોઈએ.’

ભગવાનની વાત એકદમ સાચી લાગતાં ભક્ત પોતાના ગુરુ તરફ ફર્યો અને તેમને પ્રણામ કરવા લાગ્યો. ગુરુએ તેના પ્રણામ ન સ્વીકારતાં કહ્યું, ‘અરે મારા ગાંડા શિષ્ય, હું તારા આંગણે સાક્ષાત્ ભગવાનને લઈને આવ્યો અને તું મને પગે લાગે છે, પણ પહેલાં ભગવાનના ચરણસ્પર્શ કર.’

ભક્ત ગુરુઆજ્ઞા માથે ચડાવી ભગવાનના ચરણસ્પર્શ કરવા ગયો ત્યારે ભગવાને ફરી કહ્યું, ‘વત્સ, તારા જીવનમાં ભગવાન ગુરુ લઈને આવ્યા છે. તારા ગુરુએ તને મારા સુધી પહોંચવાનો સાચો રસ્તો દેખાડ્યો છે માટે પહેલાં ગુરુ પાસે જઈ તેના આશિષ લે પછી મને નમન કરજે.’ ભક્ત ફરી ગુરુજી પાસે ગયો અને આશિષ મેળવવા વાંકો વળ્યો. તેને અટકાવતાં ગુરુજી બોલ્યા, ‘વત્સ, મેં તને ભગવાનની ઓળખ આપી અને તેમના સુધી જવાનો માત્ર માર્ગ બતાવ્યો છે, પણ આ સાક્ષાત્ પરબ્રહ્મ છે જેણે તને બનાવ્યો છે. તારે તેમના આશિષ જ પહેલાં લેવા જોઈએ.’

ભક્તને મૂંઝાયેલો જોઈને ભગવાન બોલ્યા, ‘વત્સ, જો તું પહેલાં મારી વાત સાંભળ અને સમજ પછી નિર્ણય લેજે કે તારે પહેલાં કોને નમવું જોઈએ. જો સૌથી પહેલાં તને મારો નિયમ કહું કે મેં દરેક જીવની રચના કરી છે. મારે ત્યાં ન્યાયની રીત છે. જે સારાં કર્મ કરશે તેને સારું ફળ મળશે અને કરેલાં પુણ્ય તમને સ્વર્ગમાં સ્થાન અપાવશે અને જે ખરાબ અને ખોટાં કર્મ કરશે તેને ખરાબ ફળ મળશે. કરેલાં પાપ નરકમાં જઈ ભોગવવાં પડશે. આ મારો નિયમ. જ્યારે ગુરુનો નિયમ જુદો છે. ગુરુનો નિયમ પરમ કલ્યાણનો છે. ગુરુ દરેકને જેવા છે એવા સ્વીકારે છે, ખામી અને ખૂબી સાથે. તમારાં કર્મ કેવાં પણ હોય, ગુરુ તમારો માત્ર સ્વીકાર નથી કરતા, તમારામાં સુધાર પણ કરે છે. ગુરુ તમને મન–વચન–કર્મથી પાવન બનાવી મારા સુધી આંગળી ઝાલીને લઈ જાય છે. ગુરુ સાચો માર્ગ બતાવે છે. ગુરુ ક્યારેય કોઈને પોતાનાથી દૂર નથી કરતા અને ઈશ્વરની એટલે કે મારી સમીપ લઈ આવે છે. હવે તું નક્કી કર કે તારે શું કરવું જોઈએ.’

ભક્તે પોતાના ગુરુને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી તેમની ચરણરજ માથે ચડાવી.

columnists