સાચવીને રાખેલી દરેક ચીજ નક્કામી કે ક્લટર નથી હોતી

05 November, 2019 05:09 PM IST  |  Mumbai | Taru Kajaria

સાચવીને રાખેલી દરેક ચીજ નક્કામી કે ક્લટર નથી હોતી

ફાઈલ ફોટો

ગયા અઠવાડિયે એક મજાનો સાહિત્યિક કાર્યક્રમ મારા ઘરની નજીક જ યોજાયેલો. આયોજકોના મીઠા આગ્રહ અને મારી પણ ઘણી ઇચ્છા છતાં હું એ કાર્યક્રમમાં હાજરી આપી શકી નહીં. એટલે કાર્યક્રમના અહેવાલ સાથેનો તેમનો મેસેજ આવ્યો. તેના જવાબમાં મેં લખ્યું કે દિવાળી સફાઈમાં ગળાડૂબ હતી. એ વાંચીને તેમણે કમેન્ટ કરી કે એટલો કચરો ભેગો ક્યાંથી થયો? તેમણે મજાકમાં પૂછેલા સવાલે મનમાં વિચારોની ડમરી સર્જી દીધી. જે ઘર મા-બાપ જેવી હૂંફ અને નિરપેક્ષ નિરાંત બક્ષે છે, તેને ખૂણે-ખાંચરેથી સ્વચ્છ કરવાનો મોકો આખા વરસમાં એક જ વાર આવે છે. આજ-કાલ તો આ સફાઈ માટે નોકરો, બાઈઓ કે હાઉસ કીપિંગ સ્ટાફની કમર્શિયલ સેવા ઉપલબ્ધ છે. ચાર આંકડાની રકમ ચૂકવો અને બે-ત્રણ માણસ આવીને એક દિવસમાં જ ઘરની સાફ-સફાઈ કરી જાય છે. મને યાદ આવે છે, અમે નાનાં હતાં ત્યારનો માહોલ. અલબત્ત, ત્યારે પણ ઘરનોકરોની મદદ તો લેવાતી. પરંતુ મુખ્યત્વે તો ઘરના સભ્યો જ આ વાર્ષિક સફાઈઉત્સવમાં શામેલ થતા. બાળકો દોડી દોડીને નાની-મોટી ચીજો લાવવા-મૂકવામાં મદદ કરતાં તો ભારેખમ ચીજોની હેરફેર માટે પુરુષો કામ લાગતા. ઘરની સ્ત્રીઓનો કાળજીભર્યો હાથ દરેક ચીજ પર ફરી વળતો અને તેને ચોખ્ખી-તાજી બનાવી દેતો.

આજે પણ આ પ્રસંગે ઘરના એક-એક ખૂણા અને દીવાલો, બારી-બારણાં, મેડા-માળિયાનાં પાટિયા ને કબાટ, પલંગ કે ટેબલનાં ભાગ્યે જ ઊઘડતાં ખાનાં ખૂલે અને કેટલીય સંઘરાયેલી ચીજવસ્તુનો મોક્ષ થાય. જોકે આજકાલ આવી સફાઈ દરમિયાન ઘરની ગૃહિણીને કે કર્તાહર્તા સ્ત્રીઓને શારીરિક શ્રમ કરવા ઉપરાંત એક નવા માનસિક ત્રાસનો પણ સામનો કરવો પડે છે. ઘરમાંથી નીકળતી બધી ચીજોને જોઈને આજની યંગર જનરેશનના હોઠ ઉપર આવાં જ વાક્યો હોય છે: આ શું કામનું છે? અમે તો આ બૅગ ક્યારેય વપરાતી જોઈ નથી. આ સ્ટીલની બાલદી આજે કોણ વાપરે છે? ફેંકી દ્યો. પાણી ન આવવાનું હોય ત્યારે એ બાલદી જ મેડા પરથી ઊતારવામાં આવે છે કે ગિઝર બગડે ત્યારે ગરમ પાણી માટે એલ્યુમિનિયમનું તપેલું જ ઉપયોગમાં લેવાય છે, તેની આ પેઢીને ખબર જ નથી! બૅગ અંગેના તેમના સવાલ સામે મમ્મી કે દાદી-નાની ‌િબચારી દલીલ કરે કે એ બૅગ ગરમ કપડાં રાખવા માટે છે અને તેમાં એ સારી રીતે જળવાય છે. (વૅકેશનમાં નૈનિતાલ કે કાશ્મીરની ‌િટ્રપ કરી ત્યારે મમ્મીએ તેમાંથી જ સૌને વુલન્સ આપ્યાં હોય) પરંતુ ‘ક્લટર ફ્રી હોમ’ના અનુયાયીઓને એ બધી જ ચીજો નક્કામી અને સંગ્રહખોરી લાગે છે. એક બહેનના રસોડામાં લોટ ચાળવાનો નાનકડો આંક જોઈને તેમની પુત્રવધૂએ ‘મમ્મીને તો નક્કામી ચીજો જમા કરવાનો શોખ છે’ એમ કહીને તે ફેંકવા માટે નોકરને આપી દીધો! બહેને નોકરને અટકાવ્યો તો પુત્રવધૂ કહેવા લાગી કે આ ક્યારે વાપર્યો હતો? અરે, ભાઈ, દરેક ચીજ કંઈ રોજ વપરાતી ન હોય. ઠંડીની ઋતુમાં ગોદડાં કે બ્લેંકેટ વપરાય, સ્વેટર કે શાલ વપરાય પરંતુ ગરમીની ઋતુમાં કુશળ ગૃહિણી કે હોશિયાર વ્યવસાયી સ્ત્રી પણ એ બધી વસ્તુને સ્વચ્છ કરીને તેમાં લવિંગ નાખીને પોટલું વાળીને પલંગનાં કે કબાટનાં ખાનાંમાં અથવા તો કોઈ બૅગ યા ખાનાંમાં રાખી દે છે. એને સંઘરાખોરી નહીં, સૂઝ અને વ્યવસ્થાશક્તિ કહેવાય? ઘરમાં રિપૅરિંગ - રિનોવેશન કરાવીએ ત્યારે સનમાઇકા કે પ્લાઇવૂડની શીટ્સના ટુકડા કે એવી કોઈ સામગ્રી વધી હોય તો તેને ફેંકી દેવાને બદલે પૅક કરીને માળિયામાં રાખી શકાય. પછી ક્યારેક કંઈ નાની-મોટી તૂટ-ફૂટ વખતે પ્લાય કે સનમાઇકાની જરૂર પડે તો તે કામ લાગે. નહીંતર ઊભાઊભા એ ખરીદવા બજારમાં દોડવું પડે અને ખર્ચ પણ વધી જાય. કેમ કે નાના પીસની જરૂર હોય તોપણ આખી શીટ જ ખરીદવી પડે. એક પર્યાવરણપ્રેમી સ્ત્રી તેના ઘરમાં જૂની થઈ ગયેલી પણ સારી સ્થિતિમાં હોય તેવી ચીજોનો સુંદર ઇનોવેટિવ ઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટના મેક્સિમમ પ્રયાસો કરે છે. પરંતુ તેના ઘરના લોકા તેના માથે કેટલાં માછલાં ધુએ છે! તેમના મતે એ કંઈ ફેંકવા નથી દેતી! હકીકતમાં આજે ક્લાઇમેટ ચેન્જને કારણે સમગ્ર પૃથ્વી પર પર્યાવરણપ્રેમીઓ રિ-યુઝ અને રિ-સાઇકલ માટે ગળું ફાડી-ફાડીને હાકલ કરે છે ત્યારે ઉપર વર્ણવી એવી આદતો ચોક્કસ પર્યાવરણ અને પૃથ્વીના જતન માટે જરૂરી છે.

પરંતુ ઘર ચલાવવાની જવાબદારી જેમના શિરે નથી એવી ઘણી યુવતીઓ બાળકોને સમય ન આપી શકવાનું ગિલ્ટ તેમને માટે ચીજોના ઢગલા કરીને ધોવાનો પ્રયાસ કરે છે. ત્રણ-ચાર વર્ષનાં બાળક માટે અડધો ડઝન વૉટર બોટલ્સ, દસ-બાર બૅગ્સ, ડઝનબંધ ઇરેઝર અને શાર્પનર્સ, સેંકડો કલર પેન્સિલ્સ કે રમતોના ઢગલા કરતાં યંગ પેરેન્ટ્સ જ ખરેખર ક્લટર-કલેક્ટર કે સંઘરાખોર છે. એટલું જ નહીં, તેઓ બાળકને પણ બેફામ ઉપભોક્તાવાદનો શિકાર બનાવે છે. એ બાળકોને ભૌતિક ચીજોનું વળગણ થઈ જાય છે અને પોતાને મળતી વસ્તુની અગત્ય નથી રહેતી. આજે બે- ત્રણ વરસનું બાળક જે જોઈએ તે ઑનલાઇન મંગાવી લેવાય એ શીખી ગયું છે!

ઉપર વર્ણવ્યાં એવાં મા-બાપોથી આ યંગ પેરેન્ટ્સની ખર્ચાળ જીવનશૈલી તદ્દન ભિન્ન છે. વરસો સુધી કોઈ ચીજને ઘરમાં સાચવી રાખવી અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરીને વસ્તુનો વેડફાટ અને બિનજરૂરી ખર્ચ બચાવતી પેઢી તેમને સંઘરાખોર લાગે છે. કોઈ પણ ચીજ સાચવવાને બદલે જરૂર પડે ત્યારે એ ચીજ ગમે તે ભાવે લઈ આવવામાં તેઓ માને છે.

માન્યું કે સંગ્રહ કરવો એ આદર્શ પરિસ્થિતિ નથી. વાસ્તુ અને ફેંગ શુઈના સિદ્ધાંતો પ્રમાણે પણ ઘરમાં નક્કામી અને બિનઉપયોગી ચીજો જમા કરવાથી નકારાત્મક ઊર્જા સર્જાય છે, પરંતુ  ઉપયોગી ચીજ કઈ અને બિનઉપયોગી કઈ એ કોણ નક્કી કરે? જે ઘર સંભાળે છે, જેને ઘરને વ્યવસ્થિત રાખવામાં ઊંડો રસ છે અને ઘર મૅનેજ કરવાનો અનુભવ છે, તે કે ઘરનો ગેસ્ટ હાઉસની જેમ ઉપયોગ કરતી, ઘરની વ્યવસ્થાની ઐસી કી તૈસી કરતી અને ઘર કેવી રીતે ચલાવવું, તેનો બિલકુલ અનુભવ ન હોય તેવી વ્યક્તિ? સહજ છે કે આ બન્ને વ્યક્તિઓની ક્લટરની વ્યાખ્યા જુદી જ હોવાની. પરંતુ ઘર અને પરિવારના હિતમાં નિર્ણય લેવાનો હોય તો આ બન્નેમાંથી કોની વાત માનવી? આ કોઈ રૉકેટ સાયન્સ જેવો અઘરો સવાલ નથી!

columnists