બસ, બહુ થયું, મારે જરા બ્રેક જોઈએ છે

25 November, 2019 01:01 PM IST  |  Mumbai | Arpana Shirish

બસ, બહુ થયું, મારે જરા બ્રેક જોઈએ છે

ગ્લેન મેક્સવેલ

તાજેતરમાં ત્રણ ઑસ્ટ્રેલિયન પ્લેયરોએ વર્કપ્રેશરને કારણે થોડાક સમય માટે પોતાના કામમાંથી વિરામ લેવાની જાહેરાત કરી છે ત્યારે જાણીએ કે શું પુરુષો કદી પોતાના કામમાંથી બ્રેક લેવાનું વિચારી શકે ખરા? નિષ્ણાતો માને છે કે રોજ સવારે ઊઠીને કામ પર જવાના નામથી જ નિરાશા થતી હોય તો એક બ્રેક લઈ લેવો જોઈએ. જોકે પુરુષ માટે આ વાત એટલી આસાન નથી. ચાલો જાણીએ એવા યુવાનોના અનુભવ જેમણે પોતાની કરીઅરમાં બ્રેક લેવાનું જોખમ ખેડ્યું છે

 - તાજેતરમાં ગ્લેન મેક્સવેલ સહિત ત્રણ ઑસ્ટ્રેલિયન ક્રિકેટરોએ વર્ક-પ્રેશરને લીધે હવે તેમને કામમાંથી વિરામ લેવો છે એવું જાહેર કર્યું હતું. આ વાતને વિરાટ કોહલીએ પણ સમર્થન આપ્યું હતું અને ૨૦૧૪માં તે પોતે પણ કઈ રીતે ખેલના પ્રેશરને લઈને લોકો સાથે વાત કરવાનું પણ ટાળતો અને તેને પણ એ સમયે બ્રેક લેવાની ઇચ્છા થઈ ગઈ હતી એ જણાવ્યું હતું. વિરાટના મતે ક્રિકેટ જગતમાં માનસિક તાણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, પણ એનો કદીયે ક્યાંય ઉલ્લેખ થતો નથી અને તેઓ ડિપ્રેશનમાં સરી પડે છે. આ તો વાત થઈ ક્રિકેટર્સની, પણ કૉર્પોરેટ જગતમાં કામ કરતા કે પછી પોતાની મનગમતા પૅશનસમા ક્રીએટિવ ફીલ્ડમાં કામ કરતા પ્રોફેશનલ્સને પણ પોતાની કરીઅરમાં ક્યારેક ને ક્યારેક બ્રેક લેવાનો વિચાર આવી જ જાય છે. લાઇફના કોઈ પણ તબક્કે કામ છોડી ઘરે બેસવાની કે બ્રેક લેવાની જે સુવિધા આપણે ત્યાં સ્ત્રીઓને છે એ પુરુષોને નથી. કારણો અનેક હોઈ શકે. પરિવારનું ગાડું એકલે હાથે ચલાવતા પુરુષો પોતે જ પોતાની ડિપ્રેસનની હાલતને પરિવાર માટેની જવાબદારીઓને પગલે નજરઅંદાજ કરી દેતા હોય છે. વળી બાયોડેટામાં એકાદ વર્ષનો ગૅપ દેખાતાં આગળની જૉબ શાધવામાં મુશ્કેલી થશે એવો ડર હોય છે. જોકે સાઇકિયાટ્રિસ્ટ અને કન્સલ્ટન્ટ ડૉ. કેરસી ચાવડા બ્રેક લેવાની વાતને પૂરું સમર્થન આપે છે. આ વિશે તેઓ કહે છે, ‘જે રીતે કોઈ પણ મશીનની બૅટરી ચાર્જ કરવી પડે છે એ જ રીતે પુરુષોએ પણ લાઇફમાં એકાદ વાર જ્યારે જરૂરત ભાસે ત્યારે પોતાને ચાર્જ કરવા માટે અને પોતાને વધુ જાણવા માટે એક બ્રેક લેવો જોઈએ. પછી એ બ્રેક ૪-૬ મહિનાનો જ હોય એવું જરૂરી નથી. વર્ષમાં એકાદ વાર ૧૫ દિવસ માટે બ્રેક લો તો પણ ચાલે. બ્રેક જો ન લો તો કામનું દબાણ અને પરાણે રોજ શરીર અને મગજને થકાવવાની આ પ્રોસેસ ડિપ્રેશન સુધી લઈ જઈ શકે છે.’

પોતાના મનગમતા ફીલ્ડમાં જ હોવા છતાં બ્રેક લેવાની એવી તે કઈ જરૂર પડે અને કઈ રીતે ઓળખવું કે વિરામની જરૂર છે? આ વિશે ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘જ્યારે પોતાનું ગમતું કામ પણ કરવાનો કંટાળો આવવા લાગે, ક્રીએટિવિટી ખૂટી જાય, પર્ફોર્મન્સ ઘટતો જણાય અને લાઇફમાં પોતાના માટે કંઈ કરી જ નથી રહ્યા એવી ફીલિંગ આવવા લાગે ત્યારે વ્યક્તિએ બ્રેક લઈ લેવો જોઈએ. જોકે આ લીધેલા બ્રેકમાં કામથી દૂર રહો અને પોતાના શોખ અને પર્સનલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપો તો લીધેલું રિસ્ક સાર્થક ગણાય. લાંબો બ્રેક લો તો હૉબી પરશ્યુ કરો અથવા આગળ ભણો અને જો ટૂંકો બ્રેક લો તો પોતાને મનગમતું બધું જ કરો પણ આ સમય દરમિયાન કામ વિશે વિચારવું સુધ્ધાં નહીં.’

બ્રેક લેવાની ઇચ્છા તો રોજ જ થાય : વિનય પંચાલ

વિલે પાર્લેમાં રહેતા અને શૅરબજારમાં રિસ્ક મૅનેજર તરીકે કામ કરતા ૩૩ વર્ષના વિનય પંચાલે ૨૦૧૩માં કામથી કંટાળીને અને હજી વધુ સારું લાઇફમાં કરી શકાય એવી ઇચ્છા સાથે નોકરી છોડી દીધી હતી. જોકે તેમની પાસેથી બ્રેક લેવો હોય તો પ્લાનિંગ કઈ રીતે કરવું એ વિશે ઘણું શીખવા જેવું છે. પોતાનો અનુભવ શૅર કરતાં તે કહે છે, ‘કરીઅરમાં બ્રેક લેવો હોય તો ૬થી ૮ મહિનાનું બફર રાખી પછી જ લઈ શકાય. ૨૦૧૩માં મેં આવો બ્રેક લીધો હતો. એ સમયે લગ્ન થઈ ગયાં હતાં અને દીકરી પણ હતી. પણ દીકરી હજી નાની હતી એટલે સ્કૂલ-ફી ભરવાની જે આજે સૌથી મોટી જવાબદારી છે એ ટેન્શન નહોતું. મારો બ્રેક લેવાનો નિર્ણય મેં નોકરીના પ્રેશર તેમ જ વધુ સારું કરવા માટે શું કરી શકાય એ વિચારવા માટે લીધો હતો. આ નિર્ણયમાં વાઇફે તો સપોર્ટ કરેલો, પણ મારા પપ્પાએ મને સખત શબ્દોમાં કહી દીધું હતું કે આવું રિસ્ક લેતાં પહેલાં વિચાર કરી લેજે. પણ રિસ્ક લીધું અને ચારેક મહિના ઘરે બેસી આગળ મને જે કરવું હતું એના વિશે રિસર્ચ ચાલુ રાખ્યું. ફરી પાછી જૉબ જૉઇન કરી ત્યારે થોડી મુશ્કેલી આવી, પણ મેં મારું નોલેજ અપડેટેડ રાખ્યું હતું એટલે એનો ફાયદો થયો. આજેય જ્યારે કોઈ મોટા ન્યુઝને લીધે શૅરબજારમાં કામ કે ટેન્શન વધી જાય ત્યારે બ્રેક લઈ લેવાનું મન થાય, પણ હવે પારિવારિક જવાબદારીઓને લીધે એ શક્ય નથી. બે બાળકોની સ્કૂલ-ફીની જવાબદારી હોય ત્યારે બ્રેક લેવાનો વિચાર હવે ન કરી શકાય એટલે પોતાના માટે

સમય કાઢું છું. અઠવાડિયામાં બે વાર કઝિન્સ જોડે ક્રિકેટ રમવા જાઉં અને બાકી વીક-એન્ડ્સમાં ફૅમિલી સાથે ફરવા નીકળી જાઉં છું, જે મારા માટે સ્ટ્રેસ-બસ્ટર છે. આથી મોટો બ્રેક લેવા જેવી નોબત ન આવે.’

કરીઅરમાં બ્રેક બાયોડેટા પર ચોક્કસ અસર કરે : જેનિલ શાહ

કરીઅર બ્રેક લેવાનું જોખમ ખેડી ચૂકેલા વિલે પાર્લેમાં રહેતા જેનિલ શાહ પોતાનો અનુભવ જણાવતાં કહે છે, ‘૨૦૧૧માં કમ્પ્યુટર્સમાં બૅચલર્સની ડિગ્રી લીધા બાદ મેં જૉબ શરૂ કરી. આઇટી ફીલ્ડ હતું એટલે સમયની કોઈ સીમા નહીં. રાતના ક્યારેક એક વાગ્યા સુધી પણ ઑફિસમાં રહેતો. સોશ્યલ લાઇફ તો ઝીરો થઈ જ ગઈ હતી. હેલ્થ પણ બગડવા લાગી. છેવટે ૨૦૧૬માં મેં જૉબ છોડી થોડો ટાઇમ બ્રેક લેવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તો સારું લાગ્યું, પણ છ મહિના પછી મન્થલી એક્સપેન્સના વાંધા થવા લાગ્યા. એટલે ૨૦૧૮માં ફરી મેં ફરી જૉબ જૉઇન કરવાનો વિચાર કર્યો. આ બ્રેક લેવાને લીધે માર્કેટમાંથી આઉટ થઈ ગયા હોવાની ફીલિંગ આવી. જૉબ મળવામાં પણ મુશ્કેલી થવા લાગી. જોકે મારા જીજાજીએ સપોર્ટ કર્યો અને મેં તેમની ઑફિસ જૉઇન કરી. થોડા જ મહિનાઓ બાદ મને પોતાનો બિઝનેસ કરવાની હિંમત આવી અને મેં મારી પોતાની આઇટી સોલ્યુશન કંપની શરૂ કરી. અને આ બધું પેલા બ્રેકને લીધે, કારણ કે એ જ સમયમાં હું મારે પોતાને શું કરવું છે એ જાણી શક્યો.’

સંતોષ ન થાય એવું કામ જ ન કરવું : હિરેન જોષી

કેટલીક વાર પોતાના ગમતા ફીલ્ડમાં હોવા છતાં લોકો ઑફિસના ખરાબ માહોલ કે પછી બૉસના વ્યવહારને લીધે પોતાના કામને માણી નથી શકતા. આવું જ કંઈ મલાડમાં રહેતા આજે પોતાની ડિજિટલ માર્કેટિંગની કંપની ધરાવતા ૨૯ વર્ષના હિરેન જોષી સાથે પણ થયું હતું. લગ્નને ત્રણ જ મહિનાનો સમય બાકી હતો અને હિરેને જૉબ છોડી દેવાનું નક્કી કરી લીધું હતું. આ વિષેનો પોતાનો અનુભવ જણાવતાં હિરેન કહે છે, ‘દિવસના ૧૨થી ૧૪ કલાક કામ રહેતું. કમ્પ્યુટર ઍપ્લિકેશનમાં મેં ગ્રૅજ્યુએશન કર્યું છે અને એ જ ફીલ્ડમાં જૉબ હતી, પણ કામના કલાકો અને વર્ક કલ્ચરને કારણે મને જેને વર્ક સૅટિસ્ફેક્શન કહી શકાય એ અનુભૂતિ નહોતી આવતી. રોજ ઑફિસ જવાનો કંટાળો આવતો અને છેવટે નક્કી કર્યું કે હવે બસ. બ્રેક લીધા પછી ફરી જૉબ તો નહીં જ કરું એ નક્કી હતું, પણ ઘરમાં કોઈને જ મેં આ વાત નહોતી કીધી; કારણ કે આપણી ગુજરાતી ફૅમિલીઓમાં દીકરો અને એ પણ જેનાં લગ્ન થવાનાં હોય તે જૉબ છોડી ઘરે બેસે એ વાત પચાવવી મુશ્કેલ છે. લવ મૅરેજ હતાં એટલે ફક્ત થનારી વાઇફને હકીકત ખબર હતી અને તેનો સપોર્ટ પણ હતો. હું સ્વામી વિવેકાનંદજીને ખૂબ ફૉલો કરું છું. તેમના એક સિદ્ધાંત પ્રમાણે તમે કોઈ ચીજ સાથે જેટલા અટૅચ થાઓ એટલું જ એ ચીજ સાથે ડીટૅચમેન્ટ પણ જરૂરી છે. આ જ પ્રિન્સિપલ હું ફૉલો કરુ છું. જોકે જૉબ છોડી એ પછી હું ઉપાસના કરવા જતો. મેડિટેશન કરતો. મને ખરેખર આ બે મહિનાના બ્રેક દરમિયાન કરીઅરમાં શું કરવું એની ક્લૅરિટી આવી અને પછી મેં મારા ઘરની એક રૂમમાંથી જ ડિજિટલ માર્કેટિંગની કંપની શરૂ કરી. આજેય વર્ક પ્રેશરને લીધે ક્યારેક બધું બંધ કરીને ઘરે બેસવાનું મન થઈ જાય, પણ એટલી હદે નોબત ન આવે એટલે થોડા-થોડા સમયના અંતરે હૉલિડે બ્રેક લેતો રહું છું જેથી માઇન્ડ ફ્રેશ અને ક્રીએટિવ રહે.’

જ્યારે પોતાનું ગમતું કામ પણ કરવાનો કંટાળો આવવા લાગે, ક્રીએટિવિટી ખૂટી જાય, પર્ફોર્મન્સ ઘટતો જણાય અને લાઇફમાં પોતાના માટે કંઈ કરી જ નથી રહ્યા એવી ફીલિંગ આવવા લાગે ત્યારે વ્યક્તિએ બ્રેક લઈ લેવો જોઈએ.

- ડૉ. કેરસી ચાવડા

columnists