કૉલમ: ફિયર અને ફોબિયા જો ડર ગયા, સમઝો મર ગયા

02 May, 2019 12:46 PM IST  |  મુંબઈ | ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મહેતા

કૉલમ: ફિયર અને ફોબિયા જો ડર ગયા, સમઝો મર ગયા

ફોબિયા

આજનો આ વિષય આમ તો રમૂજી છે, પણ જરૂરી છે. હસવું આવે એવું પણ બનશે, પણ હસવાને બદલે વાતને ગંભીરતાથી વાંચવાની, સાંભળવાની અને સમજવાની છે. અમુકને આ વાત નહીં સમજાય તો અમુક લોકો મારી સાથે ચોક્કસ સહમત થશે.

આજે વાત કરવાની છે ફિયર્સ અને ફોબિયાની. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ફોબિયા હોય જ છે. ફક્ત એની માત્રા જુદી-જુદી હોય છે. કોઈને તીવ્ર ફોબિયા હોય તો કોઈને અતિશય માઇલ્ડ કહેવાય એવો ફોબિયા હોય. કોઈને નાનીઅમસ્તી વાતમાં પણ ફોબિયાની અસર થઈ જાય તો કોઈ મોટી વાતથી પણ ગભરાય નહીં. મારા એક પત્રકારમિત્રની વાત કરું તો તેને વિચિત્ર ફોબિયા છે. તે ટ્રેનમાં સૂઈ ન શકે. પર્ટિક્યુલરલી કહું તો તે થ્રી-ટાયર એસીમાં એકમાત્ર સાઇડ લોઅરની બર્થ પર જ સૂઈ શકે, બાકીની એક પણ બર્થ પર તે સૂઈ શકે નહીં. જો એ જગ્યાએ તેને સુવડાવવામાં આવે તો તેને એવું જ લાગે કે તેનો શ્વાસ રૂંધાય છે. આ એક જ કારણે તેમણે હવે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરવાનું બંધ કરી દીધું છે. આ વખતે જેટ ઍરવેઝ બંધ થઈ ગઈ એટલે હવે તેમની હાલત ખરાબ, નરેશ ગોયલ કરતાં પણ ખરાબ થઈ ગઈ છે. સાયન્સમાં આને ક્લોસ્ટોફોબિયા કહે છે.

આ ફોબિયા કહેવાય અને આવા અનેક પ્રકારના ફોબિયા હોય છે. કોઈને હાઇટનો ફોબિયા હોય, કોઈને પાણીનો હોય. અંધારાનો ફોબિયા હોય તે રાતે લાઇટ ચાલુ રાખીને સૂએ. ઘણાને જીવજંતુનો ફોબિયા હોય છે. અરે, કોઈને તો પ્લેનમાં ટ્રાવેલ કરવાનો ફોબિયા હોય. કોઈને બંધ હૉલમાં લોકોનું ટોળું આવી જાય તો એનો ફોબિયા હોય તો કોઈને પ્રાણીઓનો - કૂતરાઓનો કે પછી બિલાડીઓનો ફોબિયા હોય. અરે ઘણાને તો ક્રૉકૉચનો ફોબિયા હોય. આ ક્રૉકૉચનો ફોબિયા મોટા ભાગે મહિલાઓને હોય છે. આંગળીની સાઇઝથી પણ નાનોએવો ક્રૉકૉચ આપણને કશું નથી કરી શકવાનો અને એ પછી પણ એનો ડર ખૂબ હોય છે. હકીકત એ છે કે એને જોઈને ચીતરી ચડે છે અને ચીતરીને કારણે બીક લાગવા માંડે.

હું કહીશ કે આવું થાય તો વાંધો નહીં, પણ જો આ પ્રકારના ફોબિયા અને ડર તમારી લાઇફ પર અસર કરવા માંડે તો એ બહુ જોખમી કહેવાય. તમને હું એક નાનકડો કિસ્સો કહું, તમને હસવું પણ આવશે. વાત મારી જ એક ફ્રેન્ડની છે.

મારાં મૅરેજના એક્ઝૅક્ટ એક વીક પછી તેણે એક પંજાબી સાથે મૅરેજ કયાર઼્ હતાં. પંજાબી એટલે સ્વાભાવિક રીતે પડછંદ અને પહાડી પુરુષ. ૬ ફુટથી પણ ઊંચી હાઇટ હતી તેમની. લગ્ન પછી બન્ને હનીમૂન પર ગયાં અને એક થ્રીસ્ટાર હોટેલમાં તેમણે સ્ટે લીધો. મૅરેજ પછી તરત ચારેક કલાકમાં જ એ લોકો ફરવા માટે નીકળી ગયાં હતાં અને એ રાતે તેમની ફર્સ્ટ નાઇટ કહીએ તો પણ ખોટું નથી. હોટેલમાં રોકાયા પછી તેનો હસબન્ડ બાથરૂમમાં ગયો અને ત્યાં એક કૉક્રૉચ જોયો અને તેણે બૂમાબૂમ કરી મૂકી. ન તો અંદરથી દરવાજો ખોલે કે ન તો તે બૂમો પાડવાનું બંધ કરે. મારી ફ્રેન્ડ તો બિચારી ડરી ગઈ. તેણે તાત્કાલિક હોટેલના સ્ટાફને બોલાવ્યો. સ્ટાફ આવી ગયો તો પણ પેલા ભાઈ દરવાજો ખોલે જ નહીં. બન્યું એવું કે પેલો ક્રૉકૉચ ચાલતો-ચાલતો દરવાજા પાસે આવીને બેસી ગયો હતો. મહામુશ્કેલીએ દરવાજો ખોલાવ્યો અને દરવાજો ખોલ્યો એટલે ખબર પડી કે પહાડી અને પડછંદ મહાશય કૉક્રૉચથી ડરી ગયા છે. એ પછી તો એ મહાશય આખી રાત સૂતા જ નહીં અને સવાર સુધી જાગતા જ રહ્યા અને બીજી સવારે પહેલું કામ હોટેલ છોડવાનું કર્યું. જ્યારે પણ મારી એ ફ્રેન્ડ મારી આંખ સામે આવે એટલે મને આ કિસ્સો અચૂક યાદ આવે. જરા વિચારો કે મૅરેજની પહેલી રાત અને રાતના સમયે બંધ રૂમમાંથી આવતો આ અવાજ. ખરેખર કેવી શરમજનક અવસ્થા ઊભી થઈ હશે એ રાતે બધાની. આજની તારીખે પણ એ ભાઈ અને તેમની વાઇફ એટલે કે મારી ફ્રેન્ડ ક્યાંય પણ ફરવા જાય તો મારી ફ્રેન્ડ પહેલાં બધી જગ્યા તપાસે છે પછી જ પેલા ભાઈ અંદર જાય છે.

આ કિસ્સો વાંચ્યા અને જાણ્યા પછી હું પોતે મારા વિશે જાતને પ્રfન પૂછવા માંડી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મને ક્લોસ્ટોફોબિયા છે. હું કોઈ નાની જગ્યામાં વધારે લોકો વચ્ચે રહી નથી શકતી. મારે તરત અંદરથી બહાર નીકળી જવું પડે છે, જો નીકળું નહીં તો મને મૂંઝારો થવાનું શરૂ થઈ જાય. થૅન્ક ગૉડ, મારે લોકલ ટ્રેન કે બસમાં મુસાફરી કરવાનો બહુ વારો નથી આવ્યો. જો આવ્યો હોત તો ખરેખર મારી હાલત ખરાબ થઈ ગઈ હોત અને કદાચ મેં લાઇન પણ છોડી દીધી હોત. મારો બીજો ફોબિયા પણ કહું તમને. હું અંધારામાં પણ નથી રહી શકતી. રૂમમાં મને નાઇટલૅમ્પથી પણ વધારે લાઇટ જોઈએ અને એ ઉપરાંત મને જો ડર લાગે તો એ સાપનો. કૉક્રૉચ કે ઉંદર કે પછી ગરોળીની બીક મને નથી લાગતી, પણ મને સાપની બીક લાગે છે. સાપની આ બીક સામે મને કોઈ વાંધો પણ નથી, કારણ કે સાપથી તો આમ પણ ભલભલા ડરતા જ હોય છે. મારી વાત કહું તો સાપ હાથમાં લેવાનું તો ઠીક, હું સાપને જોઈ પણ ન શકું. ટીવી કે ફિલ્મમાં સાપની વાત હોય તો હું એ જોઈ ન શકું. આના પરથી તમે સમજી ગયા હશો કે મેં સાપ-કેન્દ્રિત એક પણ ફિલ્મ જોઈ નથી. આપણી ઘણી ફિલ્મો કે સિરિયલનું શૂટિંગ ફિલ્મસિટીમાં હોય છે. ફિલ્મસિટીમાં શૂટિંગ હોય ત્યારે મને સૌથી વધારે ટેન્શન હોય. એ જગ્યા જ જંગલ વચ્ચે છે એટલે ત્યાં સાપ, વીંછી, દીપડા અને એવુંબધું નીકળ્યા જ કરતું હોય છે. જો રાતનું શૂટિંગ હોય તો મારું અડધું ધ્યાન શૂટિંગમાં અને અડધું આજુબાજુમાં હોય. જો ભૂલથી મેં દૂરથી પણ સાપ જોઈ લીધો તો ઑલમોસ્ટ મને પૅનિક અટૅક આવી જાય. એ વખતે પ્રોડક્શનવાળા, ડ્રાઇવર, મારી હેરડ્રેસર સંભાળે અને મને શાંત કરે. આવું બે-ચાર વખત બન્યું છે અને દરેક વખતે એ પછી હું ત્યાંથી નીકળી જ ગઈ છું, પરંતુ એમ છતાં મારો ફોબિયા તો અકબંધ જ રહે. એ રાતે હું સૂઈ પણ ન શકું.

નાટક-ઇન્ડસ્ટ્રીમાં એક બહુ મોટા પ્રોડ્યુસર છે, તેમને ફ્લાઇંગનો ફોબિયા છે. ખૂબ પૈસા કમાઈ લીધા પછી પણ તેઓ ક્યારેય ઇન્ડિયાની બહાર નથી જઈ શક્યા. તેમની ફૅમિલીની એક ખૂબ જ નજીકની વ્યક્તિનું ડેથ લંડનમાં થયું તો પણ તેઓ પ્લેનમાં જઈ ન શક્યા. કહેવાનો અર્થ એ કે આ ડર કે ફોબિયા એ માત્ર મજાકની વાત નથી, એ આપણી રોજિંદી લાઇફમાં પણ અસર કરે છે અને આપણા નજીકના લોકોને પણ અસર કરે છે.

આપણે ત્યાં હવે કદાચ સાઇકિયાટ્રિસ્ટને આવી ફરિયાદ કરાય એનો લોકોને ખ્યાલ આવવા માંડ્યો છે, પણ મોટા ભાગના હજી પણ એમ જ માને છે કે શરીરમાં તકલીફ હોય તો જ ડૉક્ટરને મળવું જોઈએ. મન કે મગજ માટે ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું આપણામાંથી મોટા ભાગનાને સૂઝતું નથી.

આ પણ વાંચો : કૉલમ: સોશ્યલ મીડિયામાં ફરતા ફેક મેસેજમાં વડીલોનો વાંક કેટલો?

ફોબિયા વિશે જે સ્ટડી થાય છે એના પરથી એટલું કહી શકાય કે દરેક ફોબિયાનું મૂળ ક્યાંક ને ક્યાંક બાળપણ સાથે જોડાયેલું હોય છે. નાનપણથી ક્યાંક મગજમાં કોઈ ગ્રંથિ બંધાઈ ગઈ હોય જેના પરિણામે મોટા થઈએ ત્યાં સુધી એની અસર રહેતી હોય છે. મેં ઑસ્ટ્રેલિયાનો એક કિસ્સો સાંભળ્યો હતો, જેમાં એક લેડીને ફ્લાઇંગનો સખત ડર હતો જે પછીથી હિપ્નોટિઝમથી દૂર કરવામાં આવ્યો. હું તમને પણ કહીશ કે તમે પણ પ્લીઝ વિચારજો કે તમે કઈ વસ્તુથી ડરો છો કે કઈ વાતોથી ભાગતા ફરો છો. જો આ કામ આજે કરશો તો આવતી કાલ તમારી વધારે સારી અને મજબૂત બનશે અને આ જ હેતુથી હું તમને કહું છું કે એક વખત, માત્ર એક વખત જાતમાં નજર નાખીને આ તપાસ કરી જોજો.

Apara Mehta columnists