કૉલમ: સોશ્યલ મીડિયામાં ફરતા ફેક મેસેજમાં વડીલોનો વાંક કેટલો?

Published: May 01, 2019, 12:59 IST | વડીલ વિશ્વ - વર્ષા ચિતલિયા

સ્માર્ટફોન વાપરવામાં પાછા પડતા વડીલો અફવા ફેલાવતા મેસેજને સ્પþેડ કરવામાં વધુ આગળપડતા હોય છે એવું કેટલાંક સર્વેક્ષણો કહે છે ત્યારે કેટલાક વડીલો સાથે આ સંદર્ભે થયેલી વાતચીતનો શું સાર નીકળ્યો એ વાંચી લો

સોશિયલ મીડિયા
સોશિયલ મીડિયા

સોશ્યલ મીડિયામાં સક્રિય દરેક વ્યક્તિને ફેક ન્યુઝનો સામનો કરવો પડે છે. ફેમિલી ગ્રુપમાં ફરતા ફેક ન્યુઝ પાછળનાં કારણો અંગે સંશોધન કરવામાં આવતાં જાણવા મળ્યું છે કે મોટી ઉંમરના લોકો ખોટા ન્યુઝ ફૉર્વર્ડ કરતાં પહેલાં મગજ દોડાવતા નથી. યુવાનોની સરખામણીએ તેઓ ફેક મેસેજનો વધુ શિકાર બને છે. ન્યુ યૉર્કની એક યુનિવર્સિટીએ કરેલા રિસર્ચ અનુસાર ૬૫થી વધુની ઉંમર ધરાવતા વડીલો યુવાનોની સરખામણીએ સાત ગણા વધુ ફેક ન્યુઝ ફૉર્વર્ડ કરે છે, જ્યારે ૪૫થી ૬૫ની વચ્ચેની વયજૂથના લોકો બે ગણા મેસેજ ફૉર્વર્ડ કરે છે. જ્યારે ફેક મેસેજ મોકલવામાં ૧૮થી ૨૯ની વયજૂથના યુવાનોનો ફાળો માત્ર ત્રણ ટકા જ હતો. શા માટે વડીલો આવું કરતા હશે? આ રિસર્ચમાં કેટલી સચ્ચાઈ છે તેમ જ અફવા ફેલાવતા મેસેજનો શિકાર બનવાનાં કારણોની ખણખોદ કરીએ.

દસ જણને મોકલો તો તમારો ઉદ્ધાર થશે જેવા વાહિયાત મેસેજ ફૉર્વર્ડ નથી કરતો

સ્માર્ટફોન છે, પણ સોશ્યલ મીડિયામાં એટલો ઍક્ટિવ નથી એવો જવાબ આપતા ૬૭ વર્ષના લખમશી પટેલ કહે છે, ‘મને ગુજરાતી સિવાયની ભાષાની વધુ સમજ નથી. અંગ્રેજીમાં કોઈ મેસેજ આવ્યો હોય તો વાંચવાનો પ્રયત્ન કરું, પણ સમજાય ઓછું એટલે ફૉર્વર્ડ નથી કરતો. સામાન્ય રીતે અમારી ઉંમરના લોકો સગાં-સંબંધીઓ સાથે જ કૉન્ટૅક્ટમાં રહેતા હોય છે. એ લોકો મોકલે એ વાંચી લઉં, પણ બીજાને મોકલતો નથી. કોઈક વાર ગમતો મેસેજ ફૉર્વર્ડ કર્યો હોય અને એ ખોટો નીકળે એવું બની શકે છે, પણ એવું તો બધાની સાથે થતું હોય છે. જોકે એક પ્રકારનો મેસેજ ફૉર્વર્ડ ન થાય એનો ખાસ ખયાલ રાખું છું. આજકાલ લોકો એવા ધાર્મિક મેસેજ મોકલતા હોય છે, જેમાં લખ્યું હોય છે કે આટલી સંખ્યામાં એને ફૉર્વર્ડ કરશો તો તમારું કામ થઈ જશે. હું આવા અંધશ્રદ્ધા ફેલાવતા મેસેજમાં બિલકુલ માનતો નથી તેથી બીજાને મોકલવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. મને લોકોને મેસેજ મોકલવા કરતાં આવે એ વાંચવાની વધુ મજા આવે છે. એમાં સારો એવો સમય પસાર થઈ જાય.’

સ્માર્ટફોન હાથમાં પકડાવી દીધો છે, પણ આવડે છે જ ક્યાં?

સંતાનોને એમ થાય કે પપ્પા પાસે સ્માર્ટફોન હોવો જોઈએ એટલે અપાવી દીધો છે, પણ મને કંઈ ગતાગમ પડતી નથી એવો મત વ્યક્ત કરતાં ચંદ્રકાંત રાજા કહે છે, ‘મને તો સોશ્યલ મીડિયા કરતાં સામાજિક કાર્યોમાં સમય પસાર કરવાનું વધુ ગમે છે. અનેક મંડળો સાથે જોડાયેલો છું. જલારામ મંડળની પ્રવૃત્તિઓમાં વધુ રસ પડે છે. જોકે મંડળના વૉટ્સઍપ ગુપમાં કંઈક આવ્યા કરતું હોય, પણ સમજાય નહીં એટલે પૌત્રોને પૂછવું પડે. એ લોકોને લાગે કે ફૉર્વર્ડ કરવા જેવું છે તે કરતાં હશે, મને ખબર નથી. મેસેજ વાંચવા કરતાં ફોટા જોવામાં વધુ રસ પડે. ભગવાનના કે ફૅમિલીના ફોટા જોવા ગમે અને એમાં કંઈ બીજાને મોકલવા જેવું કશું હોતું નથી. ઉપરોક્ત રિસર્ચ અંગે મારું અંગતપણે માનવું છે કે આડેધડ મેસેજ મોકલવાની ટેવ માત્ર વડીલોને નહીં, પણ દરેક ગ્રુપના લોકોને હોય છે. ખાસ કરીને જે લોકો સોશ્યલ મીડિયામાં નવા નવા જોડાય છે તેઓ ફૉર્વર્ડ કરે છે. એ લોકોએ પહેલી વાર વાંચ્યો હોય એટલે તેમના માટે નવો હોય, પણ હકીકતમાં ફરતો ફરતો આવ્યો હોય છે. નવા મેમ્બર દ્વારા ખોટા મેસેજ વધુ ફરતાં હોય છે એ પછી કોઈ પણ એજ-ગ્રુપના હોઈ શકે.’

શરૂઆતમાં આંધળૂકિયું કરતાં હતાં, હવે થોડો કંટ્રોલ આવ્યો છે

વડીલોને એમ થાય કે બધાને માહિતી આપવી જોઈએ એટલે જે મેસેજ આવે બીજાને મોકલી દે એવો અભિપ્રાય આપતાં ૬૮ વર્ષનાં મીના શાહ કહે છે, ‘અમે જ્યારે નવું નવું સોશ્યલ મીડિયા જૉઇન કર્યું હતું ત્યારે લગભગ બધા જ મેસેજ ફૉર્વર્ડ કરતાં હતા. આ જાણકારી મારી પાસે જ પહેલાં આવી છે અને બધાને આપવી જોઈએ એવું એક જાતનું એક્સાઇટમેન્ટ હતું. એમાંય અકસ્માતના ફોટા આવે તો થાય કે મોકલી દઈએ, કોઈનો જીવ બચી જાય. પછી ગ્રુપમાં કોઈ કહે કે આ તો એક મહિના જૂનો મેસેજ છે ત્યારે ભોંઠાં પડી જવાય. આવા અનેક અનુભવો બાદ હવે થોડો કંટ્રોલ રાખ્યો છે. હવે તો મોકલતાં પહેલાં એમ થાય કે કદાચ ખોટો નીકળશે અને કોઈ કહેશે તો? ફેક મેસેજથી બચવા એવું નક્કી કર્યું છે કે જે મેસેજ ઘણાં બધાં ગ્રુપમાં આવે એ કોઈને મોકલવો નહીં. મારા ખયાલથી વડીલો આ બાબતે ચોક્કસ નથી અને વધુ પડતા મેસેજ ફૉર્વર્ડ કરે છે એનું કારણ તેઓ લાગણીશીલ હોય છે. તેમને પ્રૅક્ટિકલ વસ્તુની ખબર હોતી નથી. બીજું સોશ્યલ મીડિયા તેમના માટે સમય પસાર કરવાનું સાધન છે. હમણાં થોડા સમયથી ગૂગલ પર ગુજરાતી પ્રતિલિપિમાં રસ લેવાનું શરૂ કર્યું છે. એમાં વાંચવા મળે અને લખી પણ શકાય એટલે મજા આવે છે. સંતાનોએ આ આઇડિયા આપ્યા બાદ અમે અફવા ફેલાવતા મેસેજમાંથી બહાર નીકળી શક્યા છીએ.’

ફેક ન્યુઝથી બચવા વડીલોએ શું કરવું?

તમને મળેલા મેસેજ ફરતાં ફરતાં આવ્યા છે કે નહીં એ માટે મેસેજની ઉપર ફૉર્વર્ડની સાઇન ચેક કરો.

અકસ્માત, આતંકવાદી હુમલાઓ, મોટી હસ્તીનું મૃત્યુ વગેરે સમાચારને ટીવીની ન્યુઝ-ચૅનલ અથવા અખબારના માધ્યમથી કન્ફર્મ કરી લો. દાખલા તરીકે ઘણા વખતથી દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના મૃત્યુના સમાચાર સોશ્યલ મીડિયામાં ફરે છે જે વાસ્તવમાં ખોટા છે. એ જ રીતે કોઈ અઘટિત ઘટનાના સમાચાર પણ ખોટા હોઈ શકે છે.

એકસરખા મેસેજ વૉટ્સઍપ, ફેસબુક અને અન્ય જગ્યાએ જોવા મળે તો જાણવાનો પ્રયાસ કરો કે આવા સમાચાર પાછળનો હેતુ શું હોઈ શકે છે. અફવા ફેલાવનારાઓથી બચો. હમણાં ચૂંટણીના માહોલમાં જે બનાવટી ફોટાઓ અને સંદેશાઓ ફરતા જોવા મYયા હતા એની પાછળ રાજકારણ મુખ્ય મુદ્દો હતો.

ફોટાને એડિટિંગ કરીને સોશ્યલ મીડિયાના યુઝર્સ સુધી પહોંચાડવામાં આવે છે. આ બાબત યંગસ્ટર્સ પાસેથી માહિતી મેળવો.

વૈãશ્વક ઘટનાઓના સમાચાર ફરતા હોય ત્યારે સમાચારના સ્રોત પર ધ્યાન આપો. પ્રતિષ્ઠિત સાઇટ્સ પર એની ચકાસણી કરી લો. દાખલા તરીકે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની, નૅશનલ પબ્લિક રેડિયો, વૉશિંગ્ટન પોસ્ટ વગેરે.

માત્ર ફોટા જોઈને લાગણીશીલ ન બનો તેમ જ એને આગળ ન મોકલો.

કોઈએ લિન્ક મોકલાવી હોય તો લાલચમાં ન આવો. લિન્ક ડોટકોમથી સમાપ્ત થાય છે કે ડોટકો(ણૂં)થી એની ચકાસણી કરી લોગઇન કરો.

આ પણ વાંચો : કૉલમ: સંબંધોમાં અધિક માસ

જે લોકો આખો દિવસ ફૉર્વર્ડ મેસેજ મોકલતા હોય તેમની પોસ્ટ પર ભરોસો ન કરો.

જો ભાષા અને સંદેશાઓ વિશે સમજ ન પડે તો આગળ મોકલવાનું ટાળો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK