કૉલમ: અમારે ત્યાં સુવિધા સારી તમારે ત્યાં વ્યવસ્થા સારી

09 May, 2019 01:53 PM IST  |  મુંબઈ | ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મહેતા

કૉલમ: અમારે ત્યાં સુવિધા સારી તમારે ત્યાં વ્યવસ્થા સારી

ફાઈલ ફોટો

જ્યારે પણ મારી અમેરિકા, લંડન કે ઑસ્ટ્રેલિયાની નાટકની ટૂર હોય ત્યારે હું ત્યાં જઈને ટીવી જોવાનું કામ અચૂક કરું. ટીવી-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છું એટલે એ રીતે પણ મને ત્યાંની ચૅનલો જોવી ગમે તો સાથોસાથ ટેãક્નક્સની દૃષ્ટિએ પણ એ પ્રોગ્રામો જોવા ગમે અને કન્ટેન્ટની દૃષ્ટિએ પણ મને એ લોકોના પ્રોગ્રામો જોવા ગમે છે. ત્યાંની સિરિયલો, ત્યાંના ક્રાઇમ શો, રિયલિટી શો કે પછી એ લોકોના ચૅટ શો જોવાની મજા જ સાવ જુદી છે. રિયલિટી શોની બાબતમાં એ લોકો ખાસ્સા ઍડ્વાન્સ્ડ છે. આપણે ત્યાં એ લોકોના અમુક રિયલિટી શો તો આવતા જ નથી જે ખરેખર અફસોસની વાત છે.

ઓપ્રા વિન્ફ્રીનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું હશે. ઓપ્રાએ પચીસ વર્ષ સુધી પોતાના નામનો જ ટૉક-શો હોસ્ટ કર્યો અને હવે તેની પોતાની ચૅનલની માલિક છે. આ ચૅનલનું નામ છે ઓન એટલે કે મારું પોતાનું. જોકે આ એક શૉર્ટ ફૉર્મ છે. ઓપ્રા વિન્ફ્રી નેટવર્કનું શૉર્ટ ફૉર્મ આ થાય છે. ઓપ્રાની આ ચૅનલ ખૂબ પૉપ્યુલર થઈ છે. પોતાની કરીઅર દરમ્યાન ઓપ્રા અઢળક સબ્જેક્ટ પર ટૉક-શો કર્યા અને વર્લ્ડની બેસ્ટ કહેવાય એવી અનેક સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ કર્યા. ક્યારેક ખૂબ ટ્રૅજિક કહેવાય એવા તો ક્યારેક શૉકિંગ બની જાય એવા એ ઇન્ટરવ્યુ બીજા દિવસે ન્યુઝપેપરની હેડલાઇનમાં પણ આવ્યા. તમને જાણીને નવાઈ લાગશે, પણ એ સાચું છે કે ભારતના પહેલા ગે-પ્રિન્સ એવા માનવેન્દ્રસિંહે તેના શોમાં જઈને સ્વીકાર્યું હતું કે તે સજાતીય સંબંધો ધરાવે છે. લાન્સ આર્મસ્ટ્રૉન્ગ નામના બેસ્ટ ઍથ્લીટે પણ તેના શોમાં કબૂલ કર્યું હતું કે કૅન્સરની સારવાર પછી તેણે સ્ટેરૉઇડ લઈને ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓપ્રાનો આ ઑરા છે. તે ભલભલાને તેની સામે સાચું બોલવા પર મજબૂર કરી દે છે.

આપણે ત્યાં સૅટેલાઇટ ચૅનલ્સનો યુગ શરૂ થયો ત્યારથી હું તેના શો નિયમિત જોઉં છું. આગલા દિવસે જો એપિસોડ જોવાનો રહી ગયો હોય તો હું રિપીટ ટેલિકાસ્ટ માટે અલાર્મ મૂકીને રાતે ત્રણ વાગ્યે પણ એ શો જોઈ લઉં. ઓપ્રા જેવો શો કદાચ ટીવી વર્લ્ડમાં પહેલો શો હતો અને એ પછી તો અનેક લોકોના શો આવ્યા. આ પ્રકારના રિયલિટી શો માત્ર એન્ટરટેઇનમેન્ટ માટે નથી હોતા, આ પ્રકારના શો આપણને સમાજના અને લોકોના ઍટિટ્યુડની ઝલક દેખાડતા હોય છે.

ફૉરેનની ચૅનલ પર આવતો બીજો એક શો મને અત્યારે યાદ આવે છે. એ શોનું નામ છે, ‘વૉટ વુડ યુ ડૂ?’

‘વૉટ વુડ યુ ડૂ?’ શોમાં રેસ્ટોરન્ટ કે મૉલ કે થિયેટર જેવી પબ્લિક પ્લેસ પર એવી સિચુએશન ઊભી કરવામાં આવે જેમાં ઍક્ટર્સ હોય, પણ સામાન્ય લોકોને એની ખબર ન હોય અને સિચુએશન એવી ઊભી કરે કે લોકો બોલ્યા વગર રહી પણ ન શકે. દાખલા સાથે સમજાવું તમને. ‘વૉટ વુડ યુ ડૂ?’ના એક એપિસોડમાં રેડીમેડ ગાર્મેન્ટ્સની એક મોટી બ્રૅન્ડના સ્ટોરમાં એક સિખ શૉપિંગ કરવા જાય અને તેને કહેવામાં આવે કે અમે એ ધાર્મિક સંપ્રદાયની વ્યક્તિઓને ક્લોથ્સ નથી વેચતા જે ધર્મ પોતે આતંકવાદનું પ્રમોશન કરતો હોય. આ વાત એવી રીતે કહેવામાં આવે કે જેથી શૉપ્સના બીજા લોકો પણ એ સાંભળે. અમુક લોકો સાંભળ્યા કરે, પણ અમુકથી સહન ન થાય એટલે તે સેલ્સમૅનને સમજાવે કે આ સિખ છે, ઇન્ડિયન છે. આ લોકોના ધર્મમાં એવું કશું નથી હોતું. આ આખી ઘટનામાં એવું પણ બને કે સિખ કમ્યુનિટી વિશે વધારે માહિતી ધરાવતા અંગ્રેજો પણ સામે આવે અને ચાઇનીઝ પણ સામે આવે. આ અવેરનસ માટેનો શો છે. ‘વૉટ વુડ યુ ડૂ?’ના બીજા એક એપિસોડમાં એક બ્યુટી-પાર્લરમાં એક લેડી મૅનિક્યૉર કરાવવા જાય છે. તે જેવી પોતાના શર્ટની સ્લીવ ઊંચી કરે છે કે તેના હાથ પર લ્યુકોડર્મા એટલે કે સફેદ ડાઘ દેખાય છે. એ જોઈને બ્યુટિશ્યન ના પાડી દે અને કહી દે કે તે મૅનિક્યૉર નહીં કરે. હવે ત્યાં હાજર રહેલા બીજા લોકો પેલી બ્યુટિશ્યનને સમજાવવાના કામમાં લાગે છે કે આ કોઈ રોગ નથી અને ચેપી તો બિલકુલ નથી. ‘વૉટ વુડ યુ ડૂ?’ એ દેખાડવા માગે છે કે જ્યારે બીજાનું અપમાન થાય કે બીજાને અન્યાય થાય ત્યારે આપણે કઈ રીતે રીઍક્ટ કરતા હોઈએ છીએ. આ પ્રકારના શોથી એ જાણવા મળે છે કે પબ્લિકના વિચારો કેવા છે અને તેના મનમાં જે કંઈ ચાલે છે એ તે વ્યક્ત કરી શકે છે કે નહીં. એક એપિસોડમાં એક વૃદ્ધ મહિલા મૉલમાં ઘરની વસ્તુઓ ખરીદતી વખતે બીજા કસ્ટમરને ઊભા રાખીને પેકેટ પર લખેલા લખાણનો અર્થ પૂછ્યા કરે છે. બેચાર વખત આવું બને છે અને એટલી વારમાં એ લેડીનો દીકરો આવીને તેના પર આ રીતે બીજાનો ટાઇમ વેસ્ટ કરવા માટે ખૂબ ખિજાય છે, જે આજુબાજુના સૌકોઈ જુએ છે. જુએ છે અને દીકરાને મા પર ગુસ્સે થતો સાંભળીને તેના પર રીઍક્ટ પણ કરે છે. ત્યાં હાજર રહેલી દરેક વ્યક્તિ સમજાવે છે કે તમારી મમ્મી ઉંમરલાયક છે, આમ વાત ન કરો તેની સાથે. મોટા ભાગના શોમાં તમને સલાહ મળતી હોય છે, પણ ‘વૉટ વુડ યુ ડૂ?’માં તમને સલાહ આપવાની તક મળે છે અને એ જ આ શોની બ્યુટી છે. આ ઉપરાંત આંખ સામે બનતી ઘટનાના કારણે તમારી પોતાની લાઇફમાં પણ ફરક આવે છે, જે જરૂરી છે. ‘વૉટ વુડ યુ ડૂ?’નો સૌથી હિટ થયેલો કોઈ એપિસોડ હોય તો એ આ જ છે જેમાં વૃદ્ધ માતા પર દીકરો ભડકે છે અને પછી બધા તેના પર ચિલ્લાય છે. મોટા ભાગના લોકો પોતાનાં વૃદ્ધ માતાપિતા સાથે બરાબર વર્તન નથી કરતાં અને એ જ કારણ હતું કે આ એપિસોડ સૌથી વધારે જોવાયો. માન્યું કે દરેકને સ્ટ્રેસ અને ટેન્શન છે પણ એનો અર્થ એ નથી કે પેરન્ટ્સની સાથે ખરાબ વર્તન કરી શકાય. મારી જ વાત કહું તમને, આખા દિવસના શૂટ પછી લગભગ ૧૮થી ૨૦ કલાકે હું ઘરે પાછી આવું ત્યારે મારાં ૮૭ વર્ષનાં મમ્મી પોતાના આખા દિવસની વાત કરતાં-કરતાં મને સતત ટોકટોક કરે છે. એ સમયે અકળાઈ જવાય છે, પણ હું મારી જાતને શાંતિ રાખતાં શીખવતી હોઉં છું. મારા મનમાં એ સમયે એ જ વિચાર આવે છે કે વર્ષો જતાં, સમય જતાં વાર નથી લાગતી. હું એંસીની થઈશ ત્યારે જો મારી દીકરી મારી સાથે સારી રીતે નહીં બોલે તો મને કેવું લાગશે?

આ પણ વાંચો : જિંદગીનો બાયોસ્કોપ

મને અત્યારે એક કિસ્સો યાદ આવે છે. મારા હસબન્ડ દર્શન જરીવાલા હમણાં અમેરિકા ગયા હતા. રોજ ટ્રાવેલ કરવાનું હોય. એક દિવસ વહેલી સવારે ઍરપોર્ટ પર હતા ત્યાં એંસી વર્ષના એક વડીલને ઍરપોર્ટ પર જ હાર્ટ-અટૅક આવ્યો. પાંચ જ મિનિટમાં તેમને હેલિકૉપ્ટરમાં ઍરલિફ્ટ કરી હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. દર્શન ખૂબ ઇમ્પþેસ થઈ ગયા. ઍરપોર્ટ ઑથોરિટીનાં વખાણ કરતાં કહ્યું કે તમારા દેશમાં આ બધી વ્યવસ્થા ખૂબ સરસ છે, અમારે ત્યાં હજી આવી વ્યવસ્થા નથી. શિકાગો ઍરપોર્ટની એક વ્યક્તિએ તેમને ખૂબ સરસ જવાબ આપ્યો. તેણે કહ્યું કે અમારા દેશમાં વ્યવસ્થા ભલે સરસ હોય, પણ તમારા દેશમાં કોઈ એંસી વર્ષના વડીલને એકલા ટ્રાવેલ નથી કરવા દેતા એ પણ હકીકત છે. અમારે ત્યાં સુવિધા સારી છે, તમારે ત્યાં પરિવારની વ્યવસ્થા એકદમ સરસ છે. દર્શન સાચે જ ગદ્ગદ થઈ ગયા કે વાત તો સાવ સાચી છે. આપણે ત્યાં આજે પણ વડીલ પેરન્ટ્સને એકલા છોડવામાં નથી આવતા. આશા એ વાતની રાખવાની કે આપણે આપણા દેશનું આ જે કલ્ચર છે, આ જે સંસ્કૃતિ છે એને જાળવી રાખીએ અને એને સન્માનનીય નજરથી જોવા અને પાળવાની સૂઝબૂજ પણ રાખીએ. વાત હતી રિયલિટી શોની અને કેટલાક શો ખરેખર આ પ્રકારની વાત સમજાવી જતા હોય છે. હું આવા રિયલિટી શોનો રિસ્પેક્ટ કરું છું અને માનું છું કે આ પ્રકારના શો આપણે ત્યાં બનવા જ જોઈએ. પેલું કહેવાય છેને, પારકી મા કાન વીંધે. ભલે પારકા શો કાન વીંધે. મહત્વનું એ છે કે કાન વીંધાય અને લોકોમાં સમજણ આવે.

Apara Mehta columnists