Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જિંદગીનો બાયોસ્કોપ

જિંદગીનો બાયોસ્કોપ

08 May, 2019 01:46 PM IST | મુંબઈ
સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

જિંદગીનો બાયોસ્કોપ

બાયોસ્કોપ

બાયોસ્કોપ


બાબાજીનો બાયોસ્કોપ જેનું શુદ્ધ ગુજરાતી છે ચલચિત્રદર્શક. બાયોસ્કોપ ઘણાએ જોયો હશે. એક માણસ બાયોસ્કોપ લઈને આવે. એમાં ચાદર કે કપડું નાખ્યું હોય. આપણે એની અંદર માથું નાખવાનું અને માણસ ફોટાની રીલ ફેરવતો જાય એમ આપણને જુદા જુદા ફોટા જોવા મળે. ફોટા ફિલ્મી સ્ટારના હોય, કોઈક જાણીતી જગ્યાના હોય, સાથે સાથે ગીત-સંગીત વાગતું જાય. બાયોસ્કોપમાં ફોટા જોવાનો એક ક્રેઝ હતો. સાવ જુદી દુનિયા સાથે સંગત થતી. એ જુદી દુનિયાનું કુતૂહલ ધબકતા જીવનને વધુ ધબકતું કરી દેતું. બાળક હોઈએ ત્યારે સતત કુતૂહલ રહ્યા કરે. મોટા થયા પછી કુતૂહલનું સ્થાન ચિંતા લઈ લે.

કુતૂહલ બાળકોના જીવનનો મહત્વનો ભાગ છે. ઉંમર વધતાંની સાથે પણ જો આપણી અંદર કુતૂહલ જીવતું રહે તો સમજી જવું કે આપણે આવનારી દરેક ક્ષણને અવસર બનાવી શકીએ છીએ. પણ વીતેલી ક્ષણોનું શું? ક્યારે બાયોસ્કોપની જેમ જિવાઈ ગયેલી જિંદગીને આંખ સામેથી પસાર થવા દીધી છે? જીવનની દુખદ ઘટનાઓ મન પર ઘેરી અસર કરે છે અને એની સ્મૃતિ ક્યારેય પણ ભૂંસાતી નથી. એ મનમાં ધરબાયેલી જ રહે છે. અને સુખદ ક્ષણ ટ્રેન પસાર થાય એમ પસાર થઈ જાય છે. એને આપણે બહુ વાગોળતા નથી. ફોટો આલબમમાં કેદ થયેલી સુખદ ક્ષણોને આપણે જોઈએ છીએ. રાજી થઈએ છીએ. એની સાથે જોડાયેલી સ્મૃતિ, પ્રસંગો, વાતોને યાદ કરી થોડીક ક્ષણ આનંદ અનુભવીએ છીએ. અને ભૂલી જઈએ છીએ.



નજીકના સંબંધીના મૃત્યુની દુખદ ઘટના આપણને સતત પીડા આપે છે. એ જ રીતે કોઈએ અપમાન કર્યુ હોય તો એ પ્રસંગ પણ આપણે ભૂલી નથી શકતા. ઘરની ભીતર અને ઘરની બહાર થતા ઝઘડાને આપણે આપણી અંદર સીંચતા રહીએ છીએ. ક્યારેક કોઈકની સાથે સ્પર્ધામાં ઊતરીએ છીએ તો ક્યારેક કોઈકની ઈર્ષા પણ કરી લેતા હોઈએ છીએ. આ બધી નકામી બાબતોમાં એટલો બધો સમય બરબાદ થઈ જાય છે કે ખરેખર જે માણવાનું છે, વધાવવાનું છે, શીખવાનું છે એ ખૂણામાં ધકેલાઈ જાય છે. આપણે આપણા પૂવર્ગ્ર હો, સ્વાર્થ, ઈર્ષા, ક્રોધની એવી લક્ષ્મણરેખા દોરી નાખી હોય છે કે એ રેખાની બહારની ખરી દુનિયાનો આનંદ લઈ શકતા નથી. અને જિવાઈ ગયેલી જિંદગીનો અફસોસ કરતાં રહીએ છીએ.


તમે જે પણ ઉંમરે પહોંચ્યા હો, જરા પાછળ વળી વીતેલી જિંદગી તરફ નજર કરી જુઓ. શું મળ્યું એના સરવાળા ભાગાકાર કે ગુણાકાર નથી કરવાના, પણ જે મળ્યું એને તટસ્થતાથી જોવાનું છે. તમે ક્યાં હતા અને તમે અત્યારે ક્યાં પહોંચ્યા છો એની પર દૃષ્ટિ નાખવાની છે. કોઈકની જર્ની દસ બાય દસની રૂમથી ચાર બેડરૂમના ફ્લૅટ સુધીની હશે. કોઈની જર્ની ચાલીથી બંગલા સુધીની હશે. ભૂતકાળને ક્યારેય વાગોળવો નહીં એમ વડીલોની સલાહ હોય છે. વાત સાચી છે, પણ જો તમે વર્તમાન ક્ષણમાં અસંતોષની લાગણી અનુભવતા હો, ફરિયાદ કરતા હો તો તમારે વીતી ગયેલી જિંદગી પર નજર નાખવી જ જોઈએ.

સાવ બાળપણથી લઈ અત્યાર સુધીની જિંદગીને મમળાવાની છે. બાયોસ્કોપમાં કુતૂહલથી, આનંદથી ફોટો ફિલ્મ જોતા હોઈએ એમ જિંદગીને કુતૂહલ અને હરખથી જોવાની છે. બાળક બાયોસ્કોપમાં ફોટા જોતી વખતે એની સામે જે કંઈ ફોટા આવે એને માણી શકે છે. એને જજ નથી કરતો કે એક ફોટો સારો હતો ને બીજો ફોટો ખરાબ હતો. એ તો દરેક ફોટાનો આનંદ લે છે. એની સાથે જોડાયેલા સંગીતને ભરપૂર માણે છે. આપણે પણ એ જ કરવાનું છે. જેટલા પ્રસંગ યાદ આવે એને યાદ કરી ખુશ થવાનું છે.


આપણે બાળકની જેમ કદાચ દરેક પ્રસંગનો આનંદ નહીં માણી શકીએ, પણ એટલું તો કરી શકીએ કે ખરાબ પ્રસંગોમાંથી પાર ઊતરી ગયા એટલે ભગવાનનો આભાર માનવાનો છે. સારા પ્રસંગો જીવનમાં આવ્યા એ માટે ઈશ્વરની કૃપા સમજવાની છે.

એવા કેટલાય લોકો હોય જે માત્ર ફરિયાદ જ કરતા જોવા મળે. દરેક વાતમાં, દરેક ઘટનામાં, દરેક સંબંધમાં એમને ફરિયાદ જ હોય છે. એમની વર્તમાન જિંદગી સારી હોવા છતાં ફરિયાદ કરતાં રહે કે જીવન એમની ધારણા પ્રમાણેનું નથી. જે મળ્યું એનો આનંદ એમના જીવનમાંથી ઝાકળની જેમ તરત ઓગળી જાય છે. જે નથી મળ્યું એનો અસંતોષ એમના મનમાં જ્વાળાની જેમ પ્રજ્વલિત રહે છે.

તમારામાંથી જરા રિવાઇન્ડનું બટન ફેરવો અને આનંદની ચાદર ઓઢી વીતી ગયેલી જિંદગીને ફરી જોવાની કોશિશ કરો. વીતેલા વર્ષોને આંખ સામેથી પસાર કરો. ખુશ થાઓ. ઈશ્વરે જે કંઈ આપ્યું, જે કસોટી કરી એનો આભાર માનો. કારણ અત્યારે તમે તમારી જાત તરફ જોશો તો સમજાશે કે ઈશ્વરની કસોટીમાંથી તો તમે પાર ઊતરી ગયા. ઘડાઈ ગયા. એ સમય પણ વીતી ગયો. જીવનમાં કશું સ્થાયી નથી રહેતું એનો અહેસાસ ફરી તમને થશે. અને આજની ક્ષણને માણવાનો ઉત્સાહ, જોમ ફરી ભેગું થઈ જશે.

આ પણ વાંચો : કૉલમ: તમે ક્યારે જીતી શકશો પાછલી જિંદગીનો જંગ?

જ્યારે પણ એવું લાગે કે જિંદગીમાં જીવવાનું કારણ નથી બચ્યું ત્યારે જિવાઈ ગયેલી જિંદગીને બાયોસ્કોપની જેમ જોઈ લેજો. જે મળ્યું હોય અને જે ના મળ્યું હોય બન્નેનો આભાર માની લેજો. અને આવનારી દરેક ક્ષણ અફસોસ વગર જીવવાનું નક્કી કરી લેજો.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2019 01:46 PM IST | મુંબઈ | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK