ઈશુના નવા વર્ષ દરમ્યાન આ કલાકની શરૂઆત કરી દઈએ તો

30 December, 2018 12:01 PM IST  |  | મનોજ નવનીત જોષી

ઈશુના નવા વર્ષ દરમ્યાન આ કલાકની શરૂઆત કરી દઈએ તો

મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

એક ફ્રેન્ચ ફિલ્મમાં આ વાત જોઈ અને એ જોયા પછી જ લાગ્યું કે ખરેખર તો આપણે સૌએ વૅલેન્ટાઇન્સ ડે, રોઝ ડે કે પછી આઇસક્રીમ ડે સેલિબ્રેટ કરવાને બદલે વિદેશી સંસ્કૃતિ પાસેથી આવી વાતોને લેવાની જરૂર છે અને એનું આંધળું અનુકરણ કરવાની જરૂર છે. જો આંધળું અનુકરણ ન થઈ શકે તો ઍટ લીસ્ટ નવા વર્ષના રેઝોલ્યુશનમાં તો એને લેવી જ જોઈએ. એલ્ડર્સ-અવર. એક જ કલાક અને એ પણ મહિનામાં એક જ વાર, ફક્ત એક જ વાર. ખાતરી સાથે કહું છું કે એક કે બે વખત આ ઊજવશો પછી એની આદત તમને લાગશે અને એ એવી લાગશે કે મહિનાને બદલે તમે એ દર અઠવાડિયે કે પંદર દિવસે એ ઊજવતા થઈ જશો.

પોતાની જવાબદારીઓમાંથી પરવારીને ઘરે બેઠેલા વડીલો ક્યાંય વધારાના નથી. આધેડ વય પર પહોંચેલા આ વડીલોએ આપણા માટે પોતાની અડધી જિંદગી ખર્ચી નાખી અને આપણને દુનિયાને સામે ઊભા રહેવાને કાબેલ બનાવ્યા. તેમનો આ ઉપકાર જીવનમાં તમે ક્યારેય વિસરી ન શકો અને એનું ઋણ પણ તમે ક્યારેય ઉતારી ન શકો. જીવનમાં કેટલીક લોન એવી હોય છે જે તમારે આજીવન ચૂકવતા જ રહેવાની હોય છે અને એ પછી એના EMI ક્યારેય પૂરા નથી થતા. લાગણીની લોન, તમારી સંભાળની લોન એવી જ લોન છે અને એ તમારે આખી જિંદગી ચૂકવતા રહેવાનું છે. એ ચૂકવતા રહેશો તો પણ એ લોનરૂપે મળેલી લાગણીઓની ઉધારી અકબંધ જ રહેવાની છે. વડીલો પર આપણી આ ઉધારી છે અને એ ઉધારી માત્ર લાગણી અને સંવેદના સાથે જ ઓછી થવાની છે કે પછી એનું નવું વ્યાજ ચડતાં ન બને એવું થવાનું છે. માન્યું કે આજની ફાસ્ટ લાઇફમાં અને દોડધામવાળી જિંદગીમાં તમે દરરોજ શાંતિથી તમારા બા-બાપુજીની સાથે ન બેસી શકો અને એવું કરવું જરા અઘરું પણ છે; પણ મહિનામાં એક વાર, એક વાર તો આ કામ થઈ જ શકે. આ જે એક વખતનું કામ છે એને એલ્ડર્સ-અવર્સ નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : આંખને દૃષ્ટિ હોય, પણ યાદ રહે કે દિમાગને વિઝન હોય અને આવશ્યક એ જ છે

મહિનામાં પહેલો રવિવાર કે પછી તમને જે દિવસ અનુકૂળ આવે એ દિવસે એક કલાક એવી રીતે વડીલોને મળવાનું છે જેમાં તમારા નહીં પણ તમારા વડીલોના બધા ફ્રેન્ડ્સ આવે અને એ બધા સાથે રહે અને તમે તેમના સર્વન્ટ કે હેલ્પર બનીને એ લોકોને જે કંઈ જોઈતું હોય એ બધી તૈયારીઓ કરો. આ ફ્રેન્ચ સિસ્ટમ છે અને આ સિસ્ટમ ત્યાં ખૂબ જ પૉપ્યુલર થઈ છે. એલ્ડર્સ-અવર્સ વિશે વધુ વાત આવતી કાલે, વર્ષના છેલ્લા દિવસે કહીશ; પણ એ પહેલાં મારે તમને કહેવું છે કે પ્લીઝ, આની શરૂઆત કરો. ૨૦૧૯ને આ એક સંકલ્પથી દીપાવો.

columnists manoj joshi