દારૂ પીવાના સોશ્યલ પ્રેશરનો ભોગ તો નથી બનતાને તમે?

30 December, 2019 03:07 PM IST  |  Mumbai | Arpana Shirish

દારૂ પીવાના સોશ્યલ પ્રેશરનો ભોગ તો નથી બનતાને તમે?

પ્રતીકાત્મક તસવીર

શું? તું પીતો નથી?

અરે પી લે, એક પેગમાં કંઈ ન થાય

કોઈને ખબર નહીં પડે!

અરે લાઇફમાં આ મજા તો કરવી જ જોઈએને!

આવી શિખામણો એ બધા જ પુરુષોને આજીવન સાંભળવી પડે છે જેઓ પીતા ન હોય. ઇન શૉર્ટ આજના જમાનામાં પાર્ટીઓમાં દારૂ પીવો એ સ્ટેટસ સિમ્બૉલ માનવામાં આવે છે એવું કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. દારૂ પીવાનું એક જાણે સોશ્યલ પ્રેશર છે અને કેટલાય લોકો મિત્રને ના ન પડાય, મિત્રો ફોર્સ કરે તો પીવો પડે વગેરે વિચારી પહેલાં ઓકેઝનલી અને પછી હંમેશ માટેના આલ્કોહૉલિક બની જતા હોય છે. અહીં જો મહત્ત્વનું હોય તો એ છે સંયમ અને પોતાના માટે જાતે જ બનાવેલા નિયમોનું ગમે તે પરિસ્થતિમાં પાલન કરવું. ન્યુ યર પાર્ટીની તૈયારીમાં જ હશો ત્યારે ચાલો જોઈએ કેટલાક એવા ઉદાહરણરૂપ પુરુષો જેમણે નક્કી કરી લીધું છે કે ન તો પીધો છે અને ન તો ક્યારેય પીશ. પછી ભલે એ ખાસ કૉકટેલ પાર્ટી જ કેમ ન હોય.

આ સેલિબ્રિટીઝ પણ નથી પીતા

જૉન એબ્રાહમ - જૉન પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તે દારૂ નથી પીતો અને એ જ કારણે બને ત્યાં સુધી બૉલીવુડની હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં જવાનું પણ ટાળે છે.

અક્ષયકુમાર - માર્શલ આર્ટ કરીને પોતાને ફિટ રાખતો અક્ષય આલ્કોહૉલ નથી લેતો. તે પાર્ટી હાર્ડ નહીં પણ વર્ક હાર્ડવાળા કન્સેપ્ટમાં માને છે.

અમિતાભ અને અભિષેક બચ્ચન – અનુશાસનમાં માનતા બૉલીવુડના શહેનશાહે ક્યારેય દારૂને હાથ નથી લગાવ્યો. તેમના પ્રમાણે તેમના દીકરાએ પણ લાઇફમાં નો આલ્કોહૉલનો નિયમ સેટ કર્યો છે. વધુમાં તેણે એક આલ્કોહૉલની બ્રૅન્ડની ઍડની ઑફર પણ એમ કહીને ઠુકરાવી હતી કે જે હું રિયલ લાઇફમાં પીતો જ નથી એને શું કામ એન્ડૉર્સ કરું?

મિત્રો પણ હવે જાણી ગયા છે કે આની સાથે આલ્કોહૉલ તો નહીં ચાલે – હર્ષ પરીખ, વિલે પાર્લે

વિલે પાર્લેમાં રહેતો ૩૨ વર્ષનો ડાયમન્ડ ટ્રેડર હર્ષ પરીખ ચુસ્ત જૈન ધર્મનું પાલન કરે છે. સાંજે છ વાગ્યે ચોવિહાર કર્યા બાદ ખાવાનું નહીં. આઇસક્રીમ, પાંઉ, ચૉકલેટ વગેરેની પણ બાધા. જોકે એનો અર્થ એમ નથી કે તે મિત્રો સાથે પાર્ટી કે ગેટ-ટુગેધરમાં જતો જ નથી. તે કહે છે, ‘ઘરમાં નાનપણથી જ ધાર્મિક વાતાવરણ હતું એટલે આલ્કોહૉલ, સ્મોકિંગ આ ચીજોથી દૂર જ રહ્યો છુ. કૉલેજમાં હતો ત્યારે એ સમયે હુક્કાનો ખૂબ ક્રેઝ હતો, પણ ત્યારે પણ મારું મન મક્કમ રાખ્યું હતું કે પૈસાનું પાણી થાય અને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય એવી મોજમજા મારે નથી કરવી. ગ્રુપમાં એવા મિત્રો હતા કે જેઓ કહેતા કે અરે આ બધું લાઇફમાં ટ્રાય ન કર્યું તો લાઇફની મજા જ શું? પણ મારે નહોતું કરવું અને એ જ નિયમ હજીયે કાયમ રાખ્યો છે. ઇન ફૅક્ટ મોટો થતો ગયો એમ મિત્રો પણ એવા જ બનાવવા લાગ્યો જે મારા જેવા વિચારના હોય. બાકીના પીવાવાળા ફ્રેન્ડ્સ પણ હવે સમજી ગયા છે કે આ ન તો પીશે અને ન તો પીવા દેશે. એટલે હવે તેઓ મારી સાથે હોય ત્યારે પીવાનું ટાળે છે. તેમને પીવું હોય ત્યારે તેમનો પ્લાન જુદો બને. લોકો ભલે ગમે એટલો ફોર્સ કરે, પણ આપણું મન જો મક્કમ હોય તો જ આટલા સ્ટ્રિક્ટ રહેવું શક્ય બને.’

મારી ન પીવાની આદતને લીધે લોકો મને કંજૂસ પણ કહેતા – કિરણ દેઢિયા – બોરીવલી

બોરીવલીમાં પ્લાસ્ટિક તેમ જ સાડીની શૉપ ધરાવતા ૪૨ વર્ષના કિરણ દેઢિયા મૅરથૉન રનર છે. તેઓ પોતાની ફિટનેસ મેઇન્ટેન કરવા માટે તેમ જ કેટલાંય અંગત કારણોસર દારૂથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેઓ કહે છે, ‘મારા સર્કલમાં એકથી એક દારૂડિયા મિત્રો પણ છે. તેમની સાથે જ ઊઠવા-બેસવાનું હોય, પાર્ટીઓમાં જવાનું હોય. પણ મારો પોતાના માટેનો નિયમ છે કે મારે નથી પીવું અને હું નથી પીતો. કેટલીક વાર એવું બને કે બધા પીતા હોય અને હું ફક્ત બેઠો હોઉં. મને એ લોકો કંજૂસ કહે છે. કહે છે કે તારે પૈસા બચાવવા છે એટલે નથી પીતો. સામે હું પણ જવાબ આપી દઉં કે હા, છું હું કંજૂસ. આવો જ છું. મારો દીકરો ૧૭ વર્ષનો છે. જો હું તેની સામે પીતો હોઉં તો ભવિષ્યમાં હું તેને નહીં રોકી શકું એ પણ એક કારણ છે. જોકે મારી આ આદત મિત્રો અને તેમની પત્નીઓને પણ ગમે છે, કારણ કે જ્યારે તેઓ નશામાં હોય ત્યારે તેમને ખાતરી હોય છે કે કિરણ સાથે છે એટલે કંઈ પ્રૉબ્લેમ થાય કે વધુ પીવાઈ જાય તો તે સંભાળી લેશે. ફ્રેન્ડ્સની વાઇફ પણ તેમના પતિઓ મારી સાથે બહાર હોય ત્યારે નિશ્ચિંત રહે છે, કારણ કે તેમને ખબર છે કે હું નથી પીતો. જ્યારે કોઈ પુરુષ દારૂથી દૂર રહેતો હોય ત્યારે સ્ત્રીઓ તેમના પર વિશ્વાસ મૂકી શકે છે અને એ ખૂબ મોટી વાત છે.’

નશામાં વાત કરતા મિત્રોને જોવાની મજા આવે, પણ હું નથી પીતો – ગુરુદાસ રાઠોડ, ગોરેગામ

ગોરેગામમાં રહેતા અને ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા ૩૭ વર્ષના ગુરુદાસ રાઠોડે તેમની લાઇફ માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એમાંનો એક સૌથી મોટો નિયમ એટલે દારૂથી દૂર રહેવાનું. આવું શું કામ એ વિષે વાત કરતાં તેઓ કહે છે, ‘બાળપણમાં મમ્મી-પપ્પા રાધાસ્વામીના સત્સંગમાં જતાં એટલે ઘરમાં ખાવા-પીવા પર કેટલાક કડક નિયમ. વધુમાં સ્કૂલમાં હતો ત્યારે એ ટાઇપનું કલ્ચર નહોતું. એટલે એ બધું એક્સપ્લોર કરવાનો ચાન્સ જ નહોતો મળ્યો. અને પછી એ જ ચીજને લાઇફમાં નિયમ તરીકે સમાવી લીધી કે હજી સુધી દારૂને હાથ નથી લગાવ્યો તો આગળ પણ નહીં જ લગાવવાનો, કારણ કે આ ચીજ એવી છે જેને એક વાર ભલે તમે એન્જૉયમેન્ટ તરીકે ટ્રાય કરી હોય પણ એ આગળ જતાં લત બની જવામાં સમય નથી લાગતો અને એમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ છે. જોકે મારા ઘણાય મિત્રો છે જે પીએ છે. અમે સાથે પાર્ટીઓ કરીએ, આઉટિંગ માટે જઈએ. પહેલાં એવું બનતું કે તેઓ મને પૂછતા. કહેતા કે અમે ઘરે નહીં કહીએ, પી લે. પણ હું મક્કમ હતો. એટલે હવે તેમણે પણ પૂછવાનું છોડી દીધું છે. તેમને રોકવાનો મને કોઈ હક નથી, પણ મારી શિસ્ત મારા માટે છે. બાકી મને મારા ફ્રેન્ડ્સ જ્યારે નશામાં હોય ત્યારે તેમને જોવાની અને તેમની વાતો સાંભળવાની ખૂબ મજા આવે છે. વ્યક્તિ નશામાં હોય ત્યારે મનની વાતો અને સચ્ચાઈ બહાર આવે. ટૂંકમાં મિત્રો પીતા હોય ત્યારે હું ન પીને પણ ફક્ત તેમને જોઈને વધુ એન્જૉય કરું છું.’

દારૂને લીધે ઘર-સંસાર બગડતા જોયા છે – વૈભવ મોદી, ભાઈંદર

૩૨ વર્ષનો ભાઈંદરમાં રહેતો ડાયમન્ડ મર્ચન્ટ વૈભવ મોદી બાળકો અને ફૅમિલી સાથે હોય ત્યારે જો પાણી ખરીદવું હોય તોય બિયરબાર જેવી દુકાન કે હોટેલમાં જવાનું ટાળે છે. તે કહે છે, ‘મારું બાળક મને પૂછશે કે અહીં શું મળે છે અને મને એ જોઈએ છે! એ નોબત જ મારે નથી આવવા દેવી. એટલે દારૂથી દૂર જ રહું છું. ઇન ફૅક્ટ પહેલાંથી જ આવી ચીજોથી ડિસ્ટન્સ રાખ્યું છે તો હવે ફક્ત સોશ્યલ સ્ટેટસ માટે કે બીજાને દેખાડવા શું કામ એ તરફ વળું? મેં દારૂને લીધે અને દારૂ પીધા બાદ મારા ફ્રેન્ડ્સને તેમ જ કેટલાક લોકોને ઝઘડતા જોયા છે. લોકોના ઘરસંસાર પણ બગડતા જોયા છે. આજનો દિવસ અમારી સાથે લઈ લે, એક પેગમાં કંઈ નહીં થાય એમ કહેનારા મિત્રો ઘણા છે. બીજી તરફ કો-ઑપરેટિવ મિત્રો પણ છે જેઓ મારી ફીલિંગ્સ અને નિયમોને માન આપે છે અને પૂછવાનું પણ ટાળે છે. મારાં સંતાનો મને જોઈને જ શીખશે એટલે તેઓ કંઈ ખોટું શીખે એવું હું નથી ચાહતો. મિત્રો સાથે એન્જૉય કરવું હોય તો એન્જૉય કરવા માટે દારૂ એકમાત્ર સાધન નથી.’

columnists